Sharanaina sur in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | શરણાઈના સૂર

Featured Books
Categories
Share

શરણાઈના સૂર

આજે એમબીબીએસના લાસ્ટ ઈયરનું રિઝલ્ટ હતું. પ્રાચી સતત ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્લાસમાં તેનો જ ફર્સ્ટ નંબર આવે.


અને પથિક પણ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે આ વર્ષે તે પ્રાચીને કરેલી ચેલેન્જમાં, પ્રાચીનો દર વર્ષનો રેકોર્ડ બ્રેક કરી નાંખે અને પોતે ક્લાસમાં ફર્સ્ટ નંબર લાવીને પ્રાચીનું દિલ જીતી લે.


હવે બંનેના હ્રદયનાં ધબકારા વધી રહ્યાં હતાં અને એટલામાં તો વિવેક દોડતો દોડતો આવ્યો અને તેણે સમાચાર આપ્યા કે, આ વખતે દીદી પથિકભાઈ તમારાથી આગળ નીકળી ગયા છે અને તમે ચેલેન્જ હારી ગયા છો. પ્રાચીનો મૂડ તો સાવ ઑફ થઈ ગયો હતો પણ હવે હાર સ્વીકાર્યા વગર છૂટકો પણ નહતો તેથી તેણે પોતાના આખાય ફેમિલી આગળ પથિકની સામે પોતાની હાર કબૂલી લીધી.


પથિકને પ્રાચી ખૂબ ગમતી હતી. પ્રાચીને પણ પથિક માટે એટલો જ લવ હતો પરંતુ પ્રાચી પોતાના ઘરની પરિસ્થિતિને કારણે પહેલા સેટલ થવાનું વિચારતી હતી.


પ્રાચીનુ રિઝલ્ટ આવ્યા પછી તેની મોટી બહેન, પ્રિયાએ તેને આગળ ભણવા વિશે પૂછ્યું પરંતુ આખા ઘરનો બોજો છેલ્લા પાંચ વર્ષથી પ્રિયાએ જ ઉપાડેલો હતો.


પ્રિયાના પપ્પાનું એક કાર ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારબાદ પ્રિયાએ આગળ ભણવા માટે બહાર નહીં જતાં ઘરે બેસીને જ ગ્રેજ્યુએટ થવાનું પસંદ કર્યું અને પોતે એક પ્રાઈવેટ કંપનીમાં જોબ ચાલુ કરી દીધી તેમજ પ્રાચીને ડૉક્ટર બનાવી અને પોતાના નાના ભાઈ વિવેકને એન્જીનીયર બનાવ્યો.


પ્રાચી હવે પોતાના પરિવાર માટે તેમજ પોતાની દીદી પ્રિયા માટે કંઈક કરવા ઈચ્છતી હતી તેથી તેણે એક સારી હૉસ્પિટલમાં જોબ કરવાનું નક્કી કરી લીધું.


એક દિવસ રાત્રે પ્રાચી અને પ્રિયા બંને બહેનો મોડા સુધી જાગ્યા હતા અને પોત પોતાની પસંદગીની વાતો કરતાં હતાં અને ત્યારે પ્રિયાએ વાતવાતમાં કહી દીધું કે, પથિક તેને ખૂબજ ગમે છે અને પોતે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે.


પથિક અને પ્રિયા બાજુ બાજુમાં જ રહેતા હતા બંનેનાં પરિવાર વચ્ચે પણ ગાઢ સંબંધો હતાં.


પ્રાચીની જોબ ચાલુ થઈ ગઈ હતી એક દિવસ તે જોબ ઉપરથી પાછી વળતી હતી અને પથિકે તેને રસ્તામાં જ રોકી લીધી અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું પરંતુ પ્રાચીને પોતાની નજર સામે તુરંત જ પોતાની દીદી પ્રિયા આવી ગઈ તેથી તેણે પથિકને લગ્ન માટે સાફ ઇન્કાર કર્યો પરંતુ પથિક તેમ માને તેમ ન હતો તેણે તો બસ જીદ જ પકડી હતી.


પ્રાચીએ પથિકને પોતાના ઘરની પરિસ્થિતિની જાણ કરી અને પોતાની દીદીએ પોતાના ઘર માટે કેટલો ભોગ આપ્યો છે તે પણ જણાવ્યું અને દીદીને તું ખૂબ પસંદ છે અને તે તારી સાથે લગ્ન કરવા માંગે છે તે પણ જણાવ્યું અને પોતે પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને પોતે તેને બિલકુલ પસંદ નથી કરતી તેમ જણાવ્યું.


પથિક આ વાત માનવા માટે બિલકુલ તૈયાર ન હતો પણ પ્રાચી પણ પોતાની વાત ઉપર અડગ હતી છેવટે પથિકે પ્રાચીની વાત માનવી પડી અને તેણે પોતાના પથિક પાસેથી પ્રોમિસ લીધી કે પોતે જેમ કહેશે તેમ જ પથિક કરશે અને આમ પથિકને સમજાવી, મનાવીને તેણે પોતાની દીદી પ્રિયા માટે પથિકનો હાથ માંગી લીધો અને પોતે દિલ્હી જોબ શોધી લીધી અને દિલ્હી ચાલી ગઈ.

છ મહિના બાદ....

શરણાઈના સૂર રેલાઈ રહ્યાં છે,બારણે તોરણ બંધાઈ ગયા છે અને પ્રિયા નહીં પરંતુ પ્રાચીના હાથમાં પથિકના નામની મહેંદી મુકાઈ રહી છે.


પ્રાચીના દિલ્હી ગયા બાદ પ્રાચીની બેસ્ટ ફ્રેન્ડ ખ્યાતિએ પ્રાચીની દીદી પ્રિયાને પ્રાચીના પથિક સાથેના પ્રેમ અને પોતાના બલિદાનની બધીજ વાત કહી દીધી.


પ્રિયાએ પોતાના મૃત પપ્પાના સોગંદ આપીને પ્રાચીને પથિક સાથે જ લગ્ન કરવા માટે તૈયાર કરી અને આમ પ્રિયા, પ્રાચી અને પથિક ત્રણેયના અનન્ય પ્રેમની સુવાસ બંનેના પરિવારમાં પ્રસરી રહી....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


13/6/2021