Lost - 44 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 44

પ્રકરણ ૪૪

"રાવિ..." જીયા અને કેરિનની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઈ.
"હા, હું સમજી ગઈ મારી ઓરિજિનલ કૉપી." રાવિકાએ રાધિકાને વળતું આલિંગન આપ્યું.
"હમણાં અચાનક મને એવો આભાસ થયો કે તું આજુબાજુમાં ક્યાંક છે, અને જો." રાધિકાએ ફરીથી રાવિકાને આલિંગન આપ્યું.

"રાવિ..." કેરિનએ રાવિકાને ખેંચીને છાતીસરસી ચાંપી,"તું સાચેજ મારી રાવિ છે, તું ક્યાં હતી? તું જીવે છે... પણ.."
"તું જીયાને લઈને અહીંથી જા, અમે બન્ને એક જરૂરી કામ પતાવીને આવીએ પછી વાત કરીએ." રાવિકાએ કેરિનને જીયાનો હાથ પકડાવ્યો.
"હું હોટેલ ઉપર વેઇટ કરીશ તમારો બન્નેનો, જલ્દી આવજો." કેરિન અને જીયા ત્યાંથી નીકળી ગયાં.

જીયા અને કેરિન તેમની હોટેલ પર પહોંચ્યાં ત્યાં સુધી જીયા ચૂપ હતી, કેરિનએ વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ જીયાએ જરા સરખોય જવાબ ન આપ્યો.
"જીયા, શું થઇ ગયું છે તને?" કેરિનએ જીયાને બાવડેથી પકડીને હલાવી નાખી.
"મને કંઈજ નથી સમજાતું કે હું શું કરું? મારી બેન જીવે છે એ વિચારીને ખુશ થઉં કે મેં જેને પ્રેમ કર્યો તેની પત્ની જીવે છે એ વિચારીને દુઃખી થઉં?" જીયાનું હૃદય તૂટ્યું હતું, રાવિકાને સલામત જોઈને તેણી ખુશ થઇ હતી પણ કેરિનથી દૂર થવાનો ખ્યાલ તેને અનહદ દુઃખ આપી રહ્યો હતો.

"જીયા, હું..." કેરિનની વાત વચ્ચેજ કાપીને જીયા બોલી,"હવે આપણી વચ્ચે કોઈ સબંધ શક્ય નથી કેરિન, આપણા લગ્ન નક્કી થયાં હતાં એ વાત રાવિને ખબર ન પડવી જોઈએ."
કેરિન તેના રૂમમાં ચાલ્યો ગયો એના પછી જીયા ગાર્ડનમાં આવીને બાંકડા પર બેસી ગઈ,"કેમ ભગવાન? હું જ કેમ? તમને તો ખબર હતી કે રાવિ જીવે છે, તો કેમ મને ન રોકી તમે? કેમ મારા હૃદયમાં કેરિન માટે પ્રેમ પાંગરવા દીધો? કેમ? કેમ?" તેની આંખોમાંથી આંસુઓની ધાર નીકળી અને તેનું હૃદય રડી પડ્યું.

"આટલા સવાલ પૂછશો તો ભગવાન પણ ડરી જશે." એક યુવાન જીયા બેઠી હતી એજ બાંકડા પર આવીને બેઠો.
જીયાએ તેની આંખો લૂંછી અને તેં યુવક સામે જોયું, તેની ભૂરી આંખોમાં જીયાને પોતાના માટે સહાનુભૂતિ દેખાઈ.
"હું વિહાન, તમારું નામ નઈ પૂછું અને શું થયું છે એ પણ નઈ પૂછું, પણ આ રૂમાલ તો જરૂર ઑફર કરીશ." વિહાનએ તેના ખિસ્સામાંથી હાથરૂમાલ કાઢીને જીયાને આપ્યો, જીયાએ રૂમાલ લીધો એટલે તેના સોહમણા ચેહરા પર સ્મિત ફરી વળ્યું.

"થેંક્યુ." જીયાએ તેના આંસુ લૂંછીને રૂમાલ વિહાનને પાછો આપ્યો.
"તમે હવે રડશો નઈ તો હું જઉં, રડશો નઈ તો જ." વિહાનએ ફરીથી તેનું હાસ્ય વેર્યું.
"નઈ રડું, તમે જાઓ." જીયા ફિક્કું હસી.
"હા, સુંદર છોકરીઓ રડતી સારી નઈ લાગતી એટલે પ્લીઝ મત રડજો." વિહાન ઉભો થઈને જતો રહ્યો.

"મેન ઇઝ ઓસમ." જીયા તેને જતો જોઈ રહી.
"હું તને ક્યારનો શોધું છું." કેરિન સહેજ ચિડાયો.
"સોરી, કંઈ કામ હતું?" જીયા હવે થોડી સ્વસ્થ થઇ હતી.
"આપણો સબંધ નક્કી થયો હતો એ વાત હું રાવિને જણાવીશ અને તું મને રોકે. હમણાં રાવિ આવતી હશે અને એ આવે એટલે તું અને હું સાથે મળીને રાવિ જોડે વાત કરશું." કેરિનએ મક્કમતાથી કહ્યું.


રાવિકા અને રાધિકાએ માયાને પકડીને પાછી ગુફામાં લાવી, પોતાની શક્તિઓથી એક ચક્ર બનાવીને માયાને એમાં બાંધી અને રાવિકાએ અગ્નિકુંડમાં આગ પ્રગટાવી.
"આ તું શું કરે છે? તું જીવે છે કંઈ રીતે?" માયા રાવિકાને જીવતી જોઈને ખુશ થઇ ગઈ હતી.
"તારા પાપોનો હિસાબ કરું છું અને આ હિસાબ કરવા જ જીવું છું." રાવિકાએ માયા સામે જોયા વગર જ જવાબ આપ્યો.

"તું શું કરે છે રાવિ?" રાધિકાએ પૂછ્યું.
"માયાએ આપણા મમ્માપપ્પા સાથે જે કર્યું એનો હિસાબ લઉં છું, હું જે કરું એમજ કરજે તું." રાવિકાએ રાધિકાને તેની બાજુમાં બેસાડી.
"મને જવા દે રાવિકા, એય રાધિકા, રાવિકા.... સાંભળે છે તું? જવા દે મને..." માયાએ ચક્રમાંથી નીકળવા ઘણી મેહનત કરી પણ તેં સફળ ન થઇ.

રાવિકા અને રાધિકાએ મંત્રોચાર પુરા કર્યા, બન્ને ચક્રની આજુબાજુ સામસામે આવીને ઉભી રહી અને રાવિકા બોલી, "તેં આ શક્તિઓ કોઈને છેતરીને છીનવી હતી."
"તું, તું જૂઠું બોલે છે." માયા ગભરાઈ ગઈ હતી.
"તારા લાલચી અને બેઈમાન સ્વભાવને કારણે તું માયાવી શક્તિઓ મેળવવાની તારી પરીક્ષામાં નિષ્ફળ થઇ હતી, પછી તેં તારી બેન મહાલ્સાને છેતરીને તેની શક્તિઓ છીનવી લીધી. તારા આ કાંડને કારણે તારા ગુરુ કાળીનાથએ તારો ત્યાગ કર્યો હતો અને માનસાએ તારી સાથે સબંધ તોડ્યો હતો." રાવિકા માયાની આંખોમાં આંખો નાખીને બોલી.

થોડીવાર પહેલા પુરી તાકાતથી ચક્ર તોડીને બન્ને બેનો પર હુમલો કરવા મથતી માયા હાલ એકદમ કમજોર પડી ગઈ હતી, વર્ષોથી બીમાર હોય એમ માયા જમીન પર ફસડાઈ પડી અને રડવા લાગી.
"તેં મમ્માને શ્રાપ આપ્યો, પણ શ્રાપ સાથે ભૂલથી તેં તારી અડધી શક્તિઓ પણ આપી દીધી અને એ શક્તિઓ પાછી મેળવવા તેં મમ્માને મારી નાખી. તારા કારણે અમે બન્ને અલગ થઇ, પપ્પાને તેં અમારાથી દૂર રાખ્યા, મમ્માની આત્માને વર્ષો સુધી કેદમાં રાખી અને રાવિને મારવાની કોશિષ કરી." રાધિકાએ દાંત પિસ્યા.

"મ...મેં શું કર્યું છે? દુનિયા સ્વાર્થી છે અને બધાં પોતાના વિશે જ વિચારે છે તો મેં શું ખોટું કર્યું?" માયાએ નંખાઈ ગયેલા અવાજે પૂછ્યું.
"પોતાના વિશે વિચારવું ખોટું નથી પણ ત્યાં સુધી જ્યાં સુધી તમે કોઈને નુકસાન ન પહોંચાડો, પોતાના વિશે વિચારવું જ જોઈએ પણ બીજાને તકલીફ આપીને નઈ." રાધિકાએ કહ્યું.
"તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે માયા, હવે તારું ચેપ્ટર કલોઝ." રાવિકા અને રાધિકાએ તેમના હાથ ઉપર કર્યા, એકબીજાની આંખોમાં જોયું અને બન્નેના હાથ અને આંખોમાંથી ઝાંખી ગુલાબી રોશની નીકળી.

"મને છોડી દો..." માયા માંડ આટલુ બોલી શકી.
રાવિકા અને રાધિકાના નાકમાંથી લોહી નીકળી આવ્યું, માયા જેવી શક્તિને ખતમ કરવા તેમને અશક્ય કહી શકાય એવા ધ્યાનની જરૂર હતી.
બન્નેનું મન પળવાર માટે પણ ભટક્યું અને તેમની આખી મહેનત ધૂળમાં મળી જાય એમ હતી, તેના ભૂતકાળમાં તેણીએ કરેલી ભૂલો અને ખાસ તેની પોતાની બેન સાથે કરેલો દગો માયાની દુખતી નસ હતી.
તેં હંમેશાથી આ હકીકતથી ભાગવાનો પ્રયત્ન કરતી પણ આજે રાવિકાએ તેનો ભૂતકાળ યાદ કરાવીને તેની દુખતી નસ દબાવી હતી.

"મેં કોઈ ભૂલ નથી કરી." માયા ફરીથી તેના અસલી રૂપમાં આવી રહી હતી અને જોં એવુ થઇ જાય તો રાવિકા અને રાધિકા માટે આ તેમની સૌથી મોટી હાર સાબિત થવાની હતી, કેમકે આ હારની કિંમત બન્નેની જિંદગી હતી.
બન્નેએ તેમની શક્તિઓથી તૈયાર કરેલો ગોળો માયા ઉપર ફેંક્યો, માયાની ચીસ ગુફામાં ગુંજી અને તેં ધીરે ધીરે ખતમ થવા લાગી.

રાધિકા અને રાવિકાની હાલત ખરાબ થઇ ગઈ હતી પણ બન્નેના ચેહરા પર ખુશી હતી અને સંતોષ હતો.
માયા ખતમ થવાને આરે હતી એજ સમયે માનસા અને ત્રિસ્તા ગુફામાં પ્રવેશી, માનસાએ માયાને ખતમ થતાં જોઈ અને તેને ઝટકો લાગ્યો.
"માનસા, આ તો માયા...." ત્રિસ્તાએ માનસા અને માયા સામે વારાફરતી જોયું.

તેની બેનને ખતમ થતાં જોઈને માનસાનું હૃદય દ્રવી ઉઠ્યું, ગમે તેવી તોય માયા તેની નાની બેન હતી અને માનસાએ તેની માં મોહિનીના મૃત્યુ પછી માયાને તેની દીકરીની જેમ સાચવી હતી.
માનસા કંઈ કરે એ પહેલાંજ માયા ખતમ થઇ ગઈ, માયાને તેની આંખો સામે ખતમ થતાં જોઈને માનસાનો માયા માટેનો પ્રેમ તેના ગુસ્સા પર હાવી થયો અને તેને માયાને મારનાર પર કાળ ચડ્યો.
માનસાએ રાવિકા અને રાધિકાને ખૂશ જોઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો, તેનો ગુસ્સો વધ્યો અને તેણીએ બુમ પાડી,"રાવિકા-રાધિકા, હું તમને બન્નેને છોડીશ નઈ."

ક્રમશ: