Premni aolakh books and stories free download online pdf in Gujarati

પ્રેમની ઓળખ

" રુચિર બેટા આજે ઓફિસથી સીધો ઘરે જ આવી જજે હોં બેટા, રસ્તામાં ક્યાંય સમય બગાડતો નહીં કારણ કે મેં તને ગઈકાલે વાત કરી હતી ને એ છોકરીવાળા આજે સાંજે આપણાં ઘરે આવવાના છે. " સીમાબેને દિકરાને સમજાવતાં હોય તેમ કહ્યું.

પણ રુચિરની ઈચ્છા જરા પણ કોઈ છોકરી જોવાની ન હતી તેથી તેણે મમ્મીને કહ્યું કે, "મમ્મી, મારે કોઈ છોકરી-બોકરી જોવી નથી, હું જેમ છું તેમ એકલો જ બરાબર છું "
મમ્મી: સાંભળ બેટા, મહેશ અંકલનો સામેથી ફોન આવ્યો હતો કે, આજે સાંજે હું સંસ્કૃતિને લઈને તમારા ઘરે આવું છું એટલે તારા પપ્પા એમને "ના" ન કહી શક્યા. તું છોકરી ઉપર એક નજર તો નાંખી લે પછી તને નહિ ગમે તો આપણે ના પાડી દઈશું, બાકી સંબંધમાં આમ જોવાની ના ન પાડી દેવાય."
રુચિર: ઓકે.એટલે તું નહીં માને એમજ ને
સીમાબેન: હા, વ્યવહારની વાતમાં તને ન ખબર પડે.
અને નારાજગી સાથે રુચિરે ફોન મૂક્યો.

રુચિર ભણવામાં પહેલેથી ખૂબજ હોંશિયાર હતો તેણે બાર સાયન્સમાં અને એન્જિનિયરિંગના લાસ્ટ ઈયરમાં પણ ટોપ કર્યું હતું.તેને કંપની તરફથી એક પ્રોજેક્ટ માટે યુએસએ મોકલવામાં આવ્યો હતો.

રુચિર જ્યાં રહેતો હતો ત્યાં એની સામે નિશિતા નામની એક સુંદર છોકરી રહેતી હતી. બંનેની આંખો મળી અને બંને વચ્ચે પ્રેમની ગાંઠ બંધાઈ ગઈ.

થોડા જ સમયમાં બંને એકબીજાની ખૂબજ નજીક આવી ગયા આ વાતની ખબર છોકરીવાળાના ઘરે પડી જતાં છોકરીનું ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરાવી દેવામાં આવ્યું.

રુચિર એકવાર તેના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા માટે અને લગ્નની વાત કરવા માટે ગયો પરંતુ રુચિરને તેમણે ચોખ્ખી ના જ પાડી દીધી અને કહી દીધું કે, *અમારે અમારી દીકરી અમારા સમાજમાં જ પરણાવવાની છે."

રુચિરે તેમને ખૂબજ સમજાવવાની કોશિશ કરી પરંતુ તેના પપ્પા એકનાં બે ન થયા તે ન જ થયા અને રાતોરાત ઘર ખાલી કરીને બીજે ગામ રહેવા માટે ચાલ્યા ગયા.

રુચિરે તેનું સરનામું મેળવવાની ખૂબ કોશિશ કરી પરંતુ તેના કોઈ સમાચાર ન મળ્યાં.

રુચિરને પોતાની લાયકાતને કારણે વીપ્રો જેવી કંપનીમાં નોકરી મળી ગઈ અને તેની કામની આવડતને કારણે તેને પ્રમોશન પણ મળતું ગયું.

એક દિવસ તે ઓફિસ પહોંચ્યો અને કંપનીના બોસે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો અને તેના હાથમાં એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો અને કહ્યું કે, "તમારી કામની આવડત અને ધગસને કારણે કંપનીએ ગયા વર્ષ કરતાં આ વર્ષે ડબલ નફો કર્યો છે.હવે આપણી કંપનીની એક બ્રાન્ચ યુએસએ માં આપણે ખોલી રહ્યા છીએ જેની તમામ જવાબદારી તમને સોંપવામાં આવે છે. તમારો સેલરી મહિને દોઢ લાખ કરવામાં આવ્યો છે અને તમે એ ઓફિસના ચીફ ગણાશો આ તમારો એપોઈન્ટમેન્ટ લેટર છે."

રુચિરના જીવનનો આ ગોલ્ડન ચાન્સ હતો.તે આજે ખૂબજ ખુશ હતો પણ તેને દુઃખ એ વાતનું હતું કે તે જેને પ્રેમ કરતો હતો તે નિશિતા અત્યારે તેની પાસે ન હતી.

રુચિર યુએસએ આવી ગયો હતો અને સેટ થયા પછી તેણે પોતાના મમ્મી-પપ્પાને પણ અહીં યુએસએ બોલાવી લીધાં હતાં.

રુચિરને હવે લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા ન હતી તેથી તે કોઈપણ છોકરીની વાત આવે, તેને જોવા શુધ્ધાની પણ "ના" જ પાડી દેતો હતો.

રુચિર તેનાં મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો હતો તેથી તેની મમ્મીને એ ચિંતા હતી કે તેમને કંઈ થઈ જાય તો પછી રુચિર નું કોણ ? તેથી તે રુચિરને સમજાવી પટાવીને પરણાવી દેવા માંગતા હતાં.

મમ્મીના કહ્યા પ્રમાણે રુચિર ઓફિસથી સમયસર ઘરે આવી ગયો હતો અહીં યુએસએમાં પણ તેણે પોતાનું હાઉસ લઈ લીધું હતું.

સંસ્કૃતિ તેનાં મામા-મામી સાથે રુચિરના ઘરે આવી. રુચિરના‌ મમ્મી-પપ્પાને તો દેખાવડી ડાહી અને ઠરેલ સંસ્કૃતિ ખૂબજ ગમી ગઈ હતી પરંતુ રુચિર તો તેની સામે આંખ ઉંચી કરી ને જોવા પણ તૈયાર ન હતો.

સંસ્કૃતિના મામા-મામીને કોઈ સંતાન નહોતું એટલે સંસ્કૃતિને તેમણે ખોળે લીધી હતી અને તેમને પોતાની દીકરી સંસ્કૃતિને કોઈ સારા ગુજરાતી છોકરા સાથે જ પરણાવવી હતી.

સંસ્કૃતિના મામા-મામીને પણ દેખાવડો હેન્ડસમ અને ઓછો બોલકણો રુચિર પસંદ પડી ગયો એટલે સંસ્કૃતિને તેની સાથે વાતચીત કરવા માટે કહ્યું.

રુચિરની ઈચ્છા ન હોવા છતાં પણ તેણે સંસ્કૃતિ સાથે વાત કરવા માટે એક પર્સનલ રૂમમાં બેસવું પડ્યું.

સંસ્કૃતિ પોતાના ભારતીય સંસ્કાર પ્રમાણે ચૂપ જ હતી એટલે થોડી વાર પછી રુચિરે તેને પૂછ્યું કે તમારે મને કંઈ પૂછવું છે ?

સંસ્કૃતિ: ના, મારી "હા" છે. તમારો જવાબ શું છે ?
રુચિર: મારી તો લગ્ન કરવાની જ ઈચ્છા નથી પણ મમ્મી-પપ્પાનો ખૂબ આગ્રહ છે માટે કરી રહ્યો છું. લગ્ન પહેલા જ તમને કહી દઉં કે મારી સાથે લગ્ન કરશો તો તમે પસ્તાશો કારણ કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું.
સંસ્કૃતિ: તો પછી તેની સાથે જ લગ્ન કરી લો ને
રુચિર: તેના મમ્મી-પપ્પાનો વિરોધ હતો અને તેથી તેને લઈને બીજા કોઈ શહેરમાં ચાલ્યા ગયા છે. મેં ખૂબ તપાસ કરી પણ તેનો કોઈ અતોપતો મળ્યો નથી.
સંસ્કૃતિ: ઓહ નો, કેટલા સમય પહેલાની આ વાત છે ?
રુચિર: ત્રણ વર્ષ
સંસ્કૃતિ: હવે તો તેનાં લગ્ન પણ થઈ ગયા હશે. તમારે એની આશા હવે છોડી દેવી જોઈએ.
રુચિર: સાચી વાત છે તમારી.હવે તે મને મળે તેવી કોઈ શક્યતા મને દેખાતી નથી.
સંસ્કૃતિ: તો પછી તમને બીજે લગ્ન કરવામાં શું વાંધો છે ?
રુચિર: મને વાંધો નથી મને ડર છે કે હું તેને બરાબર પ્રેમ નહીં કરી શકું.
સંસ્કૃતિ: મારે પ્રેમ જોઈતો નથી હું તો આપવા આવી છું.પ્રેમ માંગવાથી ન મળે આપવાથી મળે.
રુચિર: સંસ્કૃતિની વાત સાંભળીને તેની આંખો ખુલી ગઈ. ખરેખર તેને લાગ્યું કે હું જે પ્રેમને ઝંખું છું તે તો મારી પાસે સામે ચાલીને આવ્યો છે અને હું તો નાહકનો તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

અને આજે રુચિરની પ્રેમની શોધ પુરી થઈ તે સંસ્કૃતિને ભેટી પડ્યો અને "આઈ લવ યુ બોલી સંસ્કૃતિની આંખોમાં પોતાને માટે નિતરતો અખૂટ પ્રેમ એકીટસે જોઈ રહ્યો.

બંનેનાં ધામધૂમથી લગ્ન લેવાયા. આજે સંસ્કૃતિએ યુએસએ માં તેનાં જેવી જ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે જેનું નામ પાડવા માટે રુચિર અને સંસ્કૃતિ વચ્ચે મીઠો ઝઘડો ચાલી રહ્યો છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/6/2021