Apshukan - 20 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 20

તારી માં મને અંદર આવવા દે તો ને!”( કહીને શાલુએ અટ્ટહાસ્ય કર્યું)

“કેમ છો બનેવીલાલ? (માધવદાસ અને માલિનીનાં લગ્ન થયાં ત્યારે જ શાલુએ માધવદાસને કહી દીધું હતું: તમારું નામ ઓલ્ડ ફેશન છે, એટલે તમને હું બનેવીલાલ જ કહીશ )આઇ એમ સો સોરી... ફ્લાઇટ અડધો કલાક લેટ હતી અને પછી લગેજ આવવામાં ટાઈમ લાગી ગયો. તમારી ઊંઘ ખરાબ થઈ ને?”

“માલિની, તે બનેવીલાલને કેમ જગાડી રાખ્યા? હું કંઈ મહેમાન થોડી છું? સવારે તો એમને મળવાની જ હતી ને!” બોલતાં બોલતાં શાલુ સોફા ઉપર બેઠી.

“તું તારા બનેવીને નથી ઓળખતી? કોઈ પણ આવવાનું હોય ત્યારે એમને ક્યાં મનને શાંતિ હોય છે? ગમે તેટલું મોડું થાય તો પણ એ સૂવે?” માલિનીબેને ટિપિકલ પત્નીની જેમ ટહુકો કર્યો.

અંતરા પાણીના ગ્લાસની ટ્રે લઇને આવી.

“હેય અંતરા, કેમ છે દીકરા?” અંતરા શાલુમાસીને પગે લાગવા હજુ નીચી નમી રહી હતી ત્યાં જ શાલુ બોલી,

“ઓહ! કમ ઓન! મને પગે નહિ લાગવાનું... ગિવ મી હગ.” કહીને શાલુ અંતરાને ભેટી.

“મારી પર્લ ક્યાં છે?” શાલુને પર્લને જોવાની ખૂબ જ ઉત્સુકતા હતી...

“એ સૂઇ ગઇ છે માસી...”

“ઓહ, લેટ હર સ્લીપ... હું સવારે મળીશ એને.”

શાલુ ન્હાઈ ધોઈને ફ્રેશ થઈને હોલમાં આવી ત્યાં સુધીમાં અંતરાએ બધી રસોઈ ગરમ કરીને હોલમાં ગોઠવી દીધી હતી.

“શાલુ માસી, થાળી કાઢું?” અંતરાએ પૂછ્યું.

“હા, હા... કોણ- કોણ બાકી છે જમવામાં?” શાલુએ પૂછ્યું.

હજુ અંતરા જવાબ આપે એ પહેલાં જ માલિનીબેન ફટાકથી બોલ્યાં...

“અંતરાએ મને અને તારા બનેવીને ધરાર જમાડી દીધાં... કહ્યું, શાલુમાસીને આવતાં મોડું થઇ જશે, એટલે તમે બંને જમી લો.. હું અને વિનીત માસી સાથે જમીશું...”

“વ્હોટ નોન્સેન્સ! તે અંતરાને શું કામ જમાડી ન લીધી? આટલે મોડે સુધી થોડું ભૂખ્યું રહેવાય? હું અને વિનીત સાથે જમવાના જ હતાં ને!

“શાલુ માસી, મેં સાંજે મોડેથી નાસ્તો કર્યો હતો એટલે મને જ ભૂખ નહોતી લાગી..” અંતરાએ ત્યાં સુધીમાં માસીની થાળી પીરસી લીધી.

“આહા! ખમણઢોકળા સરસ પોચા બન્યા છે... કોણે બનાવ્યા?” શાલુએ ઢોકળાનો એક કટકો મોઢામાં નાખતાં જ કહ્યુ,...

“અંતરાએ...” માલિની બેને કહ્યું.

“મને લાગ્યું જ... માલિનીના ઢોકળા તો આટલા સારા નથી બનતા.” શાલુlમાસીએ અંતરાના વખાણ કર્યા.

“અંતરાના આવવા પછી મારો તો રસોઇમાંથી હાથ જ છુટી ગયો છે.” માલિનીબેન લટકાથી બોલ્યાં.

“એમ કહે ને કે તું સાસુપણું કરે છે...રસોઇ બનાવતી જ નથી!!”

“ના હો, એવું કાઇ નથી. પૂછ અંતરાને... અંતરા, હું તને રસોઈમાં મદદ કરું છુ ને?”

હજુ તો અંતરા કંઈ બોલે એ પહેલાં જ શાલુમાસી બોલી, “ મદદ કરે છે, રસોઇ નથી બનાવતી...” શાલુએ સિક્સર ફટકાર્યો.

“તો હવે કંઈ મારી ઉંમર છે બધી રસોઇ બનાવવાની? આટલાં વર્ષ રસોડામાં કાઢયા... હવે થોડો આરામ પણ જોઇએ ને! હવે તો બધી જ જવાબદારી અંતરાએ ઉપાડી લીધી છે." માલિની બેનના અવાજમાં સંતોષનો ભાવ હતો.

“આ...હા... કેટલા વર્ષે ઘરની રસોઇ જમ્યાનો સંતોષ થયો! આવી દાળ ખાવા માટે હું ન્યુ યોર્કમાં તરસતી હતી.. થેંક યુ અંતરા, આવી સ્વાદિષ્ટ રસોઇ જમાડવા માટે... મન તૃપ્ત થઇ ગયું!” શાલુ બોલી.

“અરે શાલુ માસી, તું ક્યારથી આવી ફોર્માલીટીમાં માનવા લાગી? ઘરના માણસોને થેંક યુ થોડી કહેવાનું હોય!” વિનીતે કહ્યુ.

“એ તો આટલાં વર્ષે અસ્સલ રસોઈનો સ્વાદ માણ્યો ને એટલે જરા સેન્ટી થઇ ગઇ...” શાલુએ વાતને હળવી કરતાં કહ્યું. પોતે ઉભી થઈ ને સાથે પોતાની જમેલી થાળી પણ હાથમાં ઉપાડી લીધી.

“શાલુ માસી, હું ઉપાડી લઇશ...લાવો મને આપી દો.” અંતરા થોડા ક્ષોભ સાથે ઊભી થઈ.”

“ઓહ કમ ઓન, અંતરા, મારી જમેલી થાળી તું શું કામ ઉપાડે? ત્યાં ન્યુ યોર્કમાં તો કોઈ એકબીજાને થાળીય ન પીરસે...જેને જમવું હોય તે પોતાની જાતે થાળી લઇ લે... હું કંઈ મહેમાન નથી આ ઘરમા...”

“ઓ કે, શાલુ માસી..” અંતરાને માસીની આત્મીયતા ગમી.

બધું આટોપીને બધા હોલમાં બેઠા એટલે શાલુ બોલી, “ તમે બધા હવે થાકી ગયા હશો. ત્રણ વાગ્યા છે... સૂઇ જાવ... મને તો આમ પણ જેટ લેગ ( ન્યુ યોર્ક ઇન્ડિયાથી નવ કલાક પાછળ છે, એટલે શાલુની બોડીને ત્યાંની કલોક પ્રમાણે ઊંઘ આવે. વિદેશથી આવનારા લોકોને આ પ્રોબ્લેમ એક બે દિવસ રહે છે.. પછી તેમની બોડી એડજેસ્ટ થઈ જાય છે) ની અસર રહેશે... એટલે હું તો આમ પણ આખી રાત જાગવાની છું...”

“શાલુ, કાલે રવિવાર છે એટલે વિનીતને રજા છે. સવારે બધા મોડા ઉઠે તો પણ કોઈ ચિંતા નથી... અંતરા, તું પણ કાલે વહેલી વહેલી ઉઠી નહિ જતી... આરામથી ઊઠજે.” માલિની બેને કહ્યું.

“એ ઠીક છે, પણ હવે બધાની આંખમાં ઊંઘ આવી રહી છે... ચાલો, સૂઇ જાવ બધા... કાલે નિરાંતે વાતો કરીશું... હું પણ આડી પડું છું. ચોવીસ કલાકની મુસાફરીમાં મારા પગ પણ જકડાઈ ગયા છે." શાલુએ સોફા પર લંબાવતાં કહ્યું..

“અંતરા, મને હજુ એક- બે તકિયા એક્સ્ટ્રા આપને... એકાદો પગ નીચે રાખીશ.”

“હા માસી, આપું છું."

અંતરા તકિયા આપી ગઇ. બધાએ શાલુને ‘ ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ’ કહ્યું અને પોતપોતાની રૂમમાં ગયા..

“માસીના આવવાથી ઘરમાં કેટલી રોનક લાગે છે ને, વિનીત?” અંતરા રાતે ત્રણ વાગ્યે પણ એકદમ ફ્રેશ લાગતી હતી.

“શાલુ માસી એકદમ લાઇવલી છે..એ જ્યાં જાય ત્યાં રોનક આવી જ જાય! હા, થોડા શોર્ટ ટેમ્પર્ડ છે, અને મોંફટ પણ... એટલે તને કદાચ વાત વાતમાં કંઈ બોલી દે તો ખરાબ નહિ લગાડતી. એમના મનમાં કંઈ જ નથી હોતું.” વિનીતે બંધ આંખો સાથે જ અંતરા સાથે વાત કરી. બીજી મિનિટે તો એ સૂઇ ગયો. અંતરા પણ પડખું ફરીને સૂઈ ગઈ.

ક્રમશઃ

Share

NEW REALESED