Apshukan - 22 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 22

“ તું એની ફિકર ન કર. હું કહીશ કે પર્લને સિઝલર – બિઝલર ભાવતું નથી...એટલે તેને નથી આવવું.” માલિનીબેને ઠાવકાઈથી કહ્યું“

"તને શું લાગે છે? તું આમ કહીશ અને શાલુમાસી માની જશે?” વિનીતે ફોળ પાડ્યો.

“તો શું કહીશું બીજું? તારે એને સચ્ચાઇ બતાવવી છે?” માલિની બેન વિનીત પર ઉકળ્યાં.

“એ જ ઠીક રહેશે.” માધવદાસે પણ સંમતિ આપી.

સાંજના સાત વાગ્યા હતા. શાલુ ન્હાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી. અંતરાએ ઘર માટે મેથીના થેપલાં બનાવી લીધાં હતાં.

“અંતરા ચાલ હવે...તારું રસોડા-પુરાણ પત્યું હોય તો પર્લને તૈયાર કર અને તમે બંને પણ તૈયાર થઈ જાવ.” શાલુમાસી બોલી.

“બસ માસી, હું તૈયાર થવા જ જઇ રહી છું. માસી, પર્લને સિઝલર નહિ ભાવે, એટલે તેને સાથે લઇ જવાનો કોઇ મતલબ નથી. બીજું, આપણને આવતાં મોડું થશે. તેની કાલે સ્કુલ છે એટલે એ વહેલી સૂઇ જશે.”

“ઓહ, કમ ઓન અંતરા, આપણે જઇશું તો પર્લને આવવાનું મન નહિ થાય? એને સિઝલર ન ભાવતું હોય તો કંઈ વાંધો નહિ, એને જે ભાવતું હોય તે આપણે ખવડાવીશું, ડોન્ટ વરી." બોલતાં બોલતાં જ શાલુમાસી હોલમાં પર્લ પાસે ગયાં.

“પર્લ બેટા, ચાલ ફટાફટ તૈયાર થઇ જા ડાર્લિંગ... તને સિઝલર નથી ભાવતું તો શાલુદાદીને કહેવું જોઇએ ને! ચાલ, હું તને પિત્ઝા ખવડાવીશ.”

બોલતાં બોલતાં શાલુએ પર્લને પોતાના હાથથી ઊભી કરી એવી પર્લ રડવા માંડી.”

“શું થયું બેટા? પિત્ઝા નથી ભાવતા તને?? તો શું ભાવે છે? બર્ગર? ચાલ, એ ખવડવીશ...” શાલુદાદી હરખથી બોલ્યાં.

“મને નથી આવવું...” પર્લ એકદમ ધીમા અવાજે રડતાં રડતાં બોલી.

“અરે, શાલુ, પર્લને નથી આવવું તો રહેવા દે ને... શું કામ તું એની પાછળ પડી છે?” માલિનીબેને અકળાઈને કહ્યું.

“તું શું પર્લને તારી જેમ ઘર ઘુસલી બનાવવા માગે છે? એને જરા બહારની દુનિયા જોવા દે.” શાલુ માલિની પર ભડકી.

પર્લનું હજી રડવાનું ચાલુ જ હતું, ત્યાં અંતરા હોલમાં આવી. પર્લને ચૂપ કરાવતાં બોલી, “ઓકે બેટા, તને નથી આવવું તો કંઈ વાંધો નહિ... તું અહીં દાદા- દાદી પાસે રહેજે... ઓકે? મમ્મી- પપ્પા શાલુદાદી સાથે જાય?”

“હા” પર્લે ટૂંકમાં જવાબ આપ્યો.

પછી કોઇ ચર્ચા થઈ નહિ. શાલુ, વિનીત અને અંતરા સાંતાક્રુઝ જવા નીકળ્યાં. રસ્તામાં શાલુમાસીથી રહેવાયું નહિ એટલે વિનીત, અંતરા બંનેને પૂછ્યું, “ મારી દીકરી આટલી ઉદાસ કેમ છે? હું સાત વર્ષ પહેલાં આવી હતી ત્યારે પર્લ કેટલી ખિલખિલાટ હસતી હતી! શું થયું છે તેને? કંઈ પ્રોબ્લેમ છે??”

પહેલાં તો વિનીત- અંતરા થોડા ખચકાયાં. ક્યાંથી શરૂઆત કરવી અને શું કહેવું? પણ પછી અંતરાએ જ પર્લ જન્મી ત્યારે મમતા બેન અને ગરિમાબેને કરેલા ઉધામા અને ત્યારબાદ સ્કૂલ અને બસમાં પર્લને કેવી રીતે છોકરાઓ ચિડવતાં હતાં, એ બધું વિસ્તારથી કહ્યું.

“વ્હોટ રબ્બીશ ઓલ ધીસ?? મમતા અને ગરિમા કઈ દુનિયામાં જીવે છે? આજે સાયન્સ આટલી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ બંને શું શુકન- અપશુકનના ઢોંગ લઈને બેઠી હતી??”

“મને સૌથી વઘુ આશ્ચર્ય તો માલિની વિશે સાંભળીને થાય છે! તેની સામે હું જીવતું જાગતું ઉદાહરણ છું. મને પોતાને છ આંગળીઓ છે!! હું માલિની કરતાં ભણવા ગણવામાં અને ઇત્તર પ્રવૃત્તિઓમાં ખૂબ જ હોશિયાર હતી. મેં દિલીપ સાથે એ જમાનામાં લવમેરેજ કર્યાં હતા. મારી લાઇફ ખૂબ જ સરસ વીતી છે. ત્યાં ન્યુયોર્કમાં મારું પોતાનું અપાર્ટમેંટ છે. ગિફ્ટ શોપ છે. મારો દીકરો યશ અને દીકરી સોની બંને પોતાની ફેમિલી સાથે ત્યાં સેટ છે. જો છ આંગળીઓથી અપશુકન થતું હોત તો મારી લાઈફ પણ ઊથલપાથલ થઇ ગઇ હોત!! પણ હું તો મારી ફેમિલી સાથે સુખી છું!ખાઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું, લાઇફને ફુલ્લી એન્જોય કરું છુ, યુ નો...”

“માસી પ્લીઝ, તમે મમતા બેન, ગરિમાબેનને આ વિશે કંઈ જ નહિ કહેતાં...ખોટું વાતનું વતેસર થઇ જશે.” અંતરાએ માસીને વિનવણી કરી.

“એ બંનેની આંખો તો ખોલવી પડશે ને! એ બંને કોણ છે, તમારા બાળકની ઝિંદગી વિશે નિર્ણય લેવાવાળી? એ હક એમને કોણે આપ્યો??”

શાલુમાસીનો પારો સાતમા આસમાને હતો. તે કોઈના રોકાયા રોકાય તેમ નહોતાં. “ મને ખબર છે... માલિનીએ પહેલેથી જ એ બંનેને માથા પર ચડાવી રાખી છે. એના લીધે જ બંનેને બહુ ચરબી ચડી ગઈ છે.”

“પણ હવે તો એ વાતને દસ વર્ષ વીતી ગયાં! હવે મમ્મીને પર્લની ખૂબ જ માયા બંધાઈ ગઈ છે... બીજું, મમતાબેન અને ગરિમાબેન હવે પોતાના ઘરમા વધુ બીઝી થઈ ગયાં છે એટલે પહેલા જેટલો હવે તેમને ઘરે આવવાનો ટાઈમ જ નથી મળતો.” અંતરાએ માસીને શાંત પાડવાની કોશિશ કરી.

“એ બધું છોડ હવે... પર્લને પાછી હસતી રમતી કેવી રીતે કરવી.. તેનો ઉપાય શોધો હવે...” શાલુમાસીએ ચિંતા જતાવી.

“હું અને અંતરા છેલ્લા કેટલાય સમયથી ઉપાય જ શોધી રહ્યાં છીએ.” વિનીતે અંતરા સામે જોતાં કહ્યું.

“વચ્ચે તો પર્લની સ્કૂલમાં બાળકોની સાયકોલોજિસ્ટ શ્વેતા દલાલ છે, તેમને મળવાની વાત હતી...” વિનીત હજુ આગળ બોલે એ પહેલાં જ શાલુમાસી તેને અધવચ્ચે જ કાપતાં બોલ્યાં...

“એક્ઝેક્ટલી, હું એ જ પોઇન્ટ પર આવી રહી હતી કે તમારે કોઈ સાયકોલોજિસ્ટને કન્સલ્ટ કરવો જોઇએ... કદાચ તે પર્લના મનને જાણીને, તેની તકલીફ સમજીને, પર્લને તેમાંથી બહાર નીકળવામાં મદદ કરે.” માસીની આંખોમાં ચમક આવી ગઈ.

“હા, પણ માસી, પર્લ તેમને મળવા તૈયાર નથી... હું તેને સમજાવવા બધા જ ઉપાય કરી ચૂકી, પણ તે શ્વેતા દલાલને મળવા તૈયાર નથી.. એનું કહેવું છે કે એ તો જેમને સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય એ લોકો જ તેમને મળે...જો સ્કૂલના છોકરાઓને ખબર પડી કે પર્લ શ્વેતા દલાલને મળી છે તો એ બાળકો આ મુદ્દે પણ પર્લને ચિડવવાનું શરૂ કરી દેશે...એટલે પર્લ ચોખ્ખી ના પાડે છે.” અંતરાએ આખી વાત સ્પષ્ટ કરી.

“ના, ના, પર્લ હજી કુમળું બાળક છે...જે વાતમાં તેની ઈચ્છા ન હોય તે વાત માટે તેને જબરદસ્તી ક્યારેય ન કરવી...આનો કોઈ બીજો તોળ શોધવો પડશે..” શાલુમાસી ગૂઢ વિચારોમાં ખોવાઈ ગઇ.

‘યોકોઝ’ માં ત્રણેય સિઝલર ખાઇ રહ્યાં હતાં, પણ ત્રણેયનાં મન પર્લને કેવી રીતે પાછી નોર્મલ કરવી, તે વિચારમાં જ ડૂબેલાં હતાં. જમીને બીજે ક્યાંય જવાને બદલે શાલુમાસીએ રિક્ષા સીધી ઘરે જ લઇ લેવાનું વિનીત- અંતરાને કહ્યું.

ક્રમશઃ