Apshukan - 24 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 24

અંતરા ગઈ અને થોડી વારમાં પર્લ ઊઠી ગઈ.

“મમ્મી, મમ્મી...” બોલતાં પર્લ બેડરૂમમાંથી હોલમાં આવી.

“હાય મારા બચ્ચા... ગુડ મોર્નિંગ ડાર્લિંગ...’ શાલુએ ખૂબ જ વહાલથી હાથના ઇશારાથી પર્લને પોતાની પાસે બોલાવી.

“મમ્મી ક્યાં છે?” પર્લની આંખો અંતરાને શોધી રહી હતી.

“મમ્મી માર્કેટ ગઈ છે... થોડી વારમાં આવશે.” શાલુએ કહ્યું..

“અને દાદા- દાદી?”

“એ લોકો દાદાના ફ્રેન્ડ હસમુખ અંકલ છે ને... એમની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ એટલે તેમને જોવા હોસ્પિટલ ગયા છે... તું અહીં બેસ.. લે આ રિમોટ... ટીવી જો... હું હમણાં તારા માટે બોર્નવિટા વાળું દૂધ બનાવીને લઈ આવું.”

પર્લ એક શબ્દ પણ ન બોલી... દાદીના હાથમાંથી રિમોટ લઈને સોફા પર બેસી ગઇ. થોડીવારમાં શાલુદાદી બોર્નવિટા દૂધનો મગ લઈને આવ્યાં અને પર્લને હાથમા આપતાં કહ્યું...

“ચલ ડાર્લિંગ, ફટાફટ આ દૂઘ ખતમ કરી લે ત્યાં સુધીમાં તને બ્રેડ-બટર ભાવે છે ને! હું તને બનાવીને આપું છું...”

પર્લે દૂધનો ગ્લાસ હાથમા લીધો અને પીવા માંડી... ત્યાં સુધીમાં શાલુદાદીએ બ્રેડ- બટરની સ્લાઈઝ તૈયાર કરી લીધી.

“લે બેટા, ચાટ મસાલો લગાડું ઉપર? તને ભાવે?

પર્લે મોઢું હલાવીને ના પાડી.

“દાદી, તમે પણ ખાવ ને!” પર્લે શાલુદાદીને કહ્યું...

“હા, હા... હું પણ ખાઈશ... મને પણ ભૂખ લાગી છે” શાલુદાદીએ લટકાથી કહ્યું.

બ્રેડ- બટર લગાડતાં દાદીની આંગળીઓને જોઇને પર્લે કૂતુહલથી પૂછ્યું,

“દાદી, તમને પણ મારી જેમ છ આંગળીઓ છે??”

“હા”

“તો તમે નાનાં હતાં ત્યારે સ્કૂલમાં તમને પણ બધાં ફ્રેન્ડસ ચિડવતા હતા??” પર્લની આંખોમાં જવાબની ઉત્સુકતા દેખાઇ રહી હતી...

“હા, ક્યારેક, ક્યારેક...”

“તો તમને ખરાબ નહોતું લાગતું?”

“શરૂઆતમાં લાગતું હતું, પણ પછી નહિ...”

“કેમ?”

“કેમકે પછી મેં વિચાર્યું કે એ બધાને તો ઈશ્વરે પાંચ આંગળીઓ આપી છે... જયારે મને એક એકસ્ટ્રા આપી છે... એનો મતલબ કે હું ઇશ્વરની લાડકી હોઈશ... તેમને હું વધારે ગમતી હોઈશ... એટલે મને એક આંગળી વધારે આપી છે...” દાદીએ બરાબર નસ પકડી લીધી હતી.

“તમે ચિડાઈ જતાં નહોતાં? ફ્રેન્ડસ ચીડવતા હતા તો?”

“સાચું કહું તો શરૂઆતમાં તો હું ખૂબ જ ચિડાઈ જતી હતી.. પછી મેં જોયું કે હું જેટલી ચિડાઈ જાઉં છું, એટલી ફ્રેન્ડસને મને ચિડવવાની વધુ મજા આવે છે! એટલે મેં ચિડાવાનું બંધ કરી દીધુ!! હું રિ- એક્ટ જ નહોતી કરતી... ધીરે ધીરે એ લોકોને ફીલ થવા માંડ્યું કે આને તો કાઈ ફરક જ નથી પડતો!! એટલે ધીરે ધીરે એ લોકોએ મને ચીડવવાનું બંધ કરી દીધું!!”

“આ વાત સાચી છે? સાચ્ચે આવું બને?”

“હા, એકદમ સાચી વાત છે..” શાલુ દાદીએ પર્લના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું...

“તને એક સ્ટોરી કહું?” શાલુએ પર્લને પૂછ્યું...

“કઈ સ્ટોરી?” પર્લે ઉત્સુકતાથી શાલુદાદી સામે જોયું...

“સાત પૂંછડીવાળા ઉંદરની... કહું?”

“હા, કહો ને!”

“એક ઉંદર હતો. તેને સાત પૂંછડીઓ હતી... તે સ્કૂલમાં ગયો તો બધા તેને ચિડવવા લાગ્યા, “ઉંદર સાત પૂંછડીવાળો... ઉંદર સાત પૂંછડીવાળો...”

ઉંદરને બહુ જ ખરાબ લાગ્યું... ઘરે આવીને તે ખૂબ જ રડ્યો... તેણે તેની મમ્મીને કહ્યું, મમ્મી, સ્કૂલમાં બધા મને ચિડવે છે.. 'ઉંદર સાત પૂંછડીવાળો’ કહીને... તું મારી એક પૂંછડી કાપી નાખ.”

એની મમ્મીએ એક પૂંછડી કાપી નાખી. બીજે દિવસે ઉંદર હોંશે હોંશે સ્કૂલમાં ગયો. વિચારતો હતો કે આજે તો મને કોઈ નહિ ચીડવે. તેની છ પૂંછડીઓ જોઇને ફરી બધા છોકરાંઓ તેને ચીડવવા લાગ્યાં... “ઉંદર છ પૂંછડીવાળો... ઉંદર છ પૂંછડીવાળો...’

ઉંદર ફરી ઘરે રડતો રડતો આવ્યો... એની મમ્મીને કહ્યું, 'મમ્મી, તું મારી હજી એક પૂંછડી કાપી નાખ...'

બીજે દિવસે પાંચ પૂંછડી સાથે ઉંદર સ્કૂલમાં ગયો... ફરી એ જ બધી ઘટનાઓનું પુનરાવર્તન થયું.. આમ કરતાં કરતાં ઉંદરની એક પછી એક પૂંછડી કાપ્યા બાદ માત્ર એક પૂંછડી બચી...

ફરી સ્કુલમાં બધા ચીડવવા લાગ્યાં.. 'ઉંદર ઍક પુંછડી વાળો.. ઉંદર એક પૂંછડી વાળો...'

ઉંદરને બહુ જ ગુસ્સો આવ્યો. ઘરે આવીને તેની મમ્મીને કહ્યું, 'મમ્મી, મારી આ પૂંછડી પણ કાપી નાખ...'

બીજે દિવસે પૂંછડી વગરનો ઉંદર હાશકારા સાથે સ્કૂલમાં ગયો કે 'હાશ, હવે તો છોકરાઓને મને ચીડવવાનો કોઇ મોકો જ નહીં મળે...'

“...પણ જેવો ઉંદર સ્કૂલ પહોંચ્યો એટલે બધાએ તેને ચીડવવાનું ચાલુ કર્યું...

‘ઉંદર બાંડો... ઉંદર બાંડો...’

“દાદી, બાંડો એટલે શું?” પર્લે વાર્તાની વચ્ચે જ પૂછ્યુ...

“જેને એક પણ પૂંછડી ન હોય તેને બાંડો કહેવાય..” દાદીએ પર્લને સમજાવ્યું...

“પછી શું થયું?”

“પછી ઘરે આવીને ઉંદર ખૂબ જ રડ્યો... સાત પૂંછડીઓ હતી, તો પણ બધા ચીડવતા હતા.. બાંડો થયો તો પણ બધા ચીડવે છે!!

“આના પરથી ઉંદરને બહુ મોટી શીખ મળી કે લોકોનું કામ તો નુક્સ કાઢવાનું જ છે... બધી વાતો દિલ પર લગાડવાની નહિ.. મનથી મજબૂત રહેવાનું... ઈશ્વરે જે શરીર આપ્યું છે, તેની કદર કરવાની.. કોઈના કહેવાથી આપણે આપણી જાતને જરા પણ ઓછી નહિ આંકવાની...”

શાલુદાદીનું તીર બરાબર નિશાના પર લાગ્યું હતું. તેને પર્લને જે સમજાવવું હતું તે સ્ટોરી દ્વારા બરાબર સમજાવી દીધું!!

*** *** *** ***

પર્લના સ્વભાવમાં થોડો થોડો ફેરફાર થવા માંડ્યો હતો... હવે તે ફરી હસવા લાગી હતી.. સ્કૂલ બસમાંથી ઊતરે તો પણ હસતી હસતી ઊતરતી હતી.. ફરી આજે ક્લાસમાં શું થયું...’ ની વાતો સ્કૂલમાંથી આવીને હોંશે હોંશે અંતરાને કરવા માંડી હતી... પર્લમાં આ પોઝિટિવ ફેરફાર જોઇને રાયચુરા પરિવારની ખુશીનો પાર નહોતો...

શાલુ તેની જેઠાણીને ત્યાં પારલા રોકાવા ગઇ હતી. હજુ તો શાલુ ત્રણ દિવસ પહેલાં જ ગઈ હતી, છતાં તેમના વગર ઘર ખાલી- ખાલી લાગતું હતું.

ફોનની રિંગ વાગી... માલિનીબેને ફોન ઉપાડ્યો.

“હેલો, કોણ? શાલુ? સો વર્ષની ઉંમર છે તારી.. હજુ તને યાદ જ કરતાં હતાં ત્યાં તારો ફોન આવ્યો... શું કહે છે? અંતરા? હા, અંતરા છે ને! એક મિનિટ, બોલાવું... તું ફોન ચાલુ રાખ...

“અંતરા, એ અંતરા... શાલુમાસીનો ફોન છે...લે તને બોલાવે છે..” માલિનીએ અંતરાને અવાજ આપ્યો.

અંતરા રસોડામાંથી આવી... ફોન હાથમા લીધો...

“હાય માસી.. હા બોલોને! સાંભળું છું.. કાલે? મારે પૂછવું પડશે...ઓકે... હું પૂછીને તમને કોલ બેક કરું છું.હા, હા...થોડી વારમાં કરું છું. ઓકે.” અંતરાએ ફોન મૂકી દીધો.

“પર્લ, પર્લ, અહીં આવ તો બેટા...” અંતરાએ બૂમ મારી.

“હ મમ્મી...”

“બેટા, શાલુદાદીનો ફોન હતો...એ કાલે બપોરે આપણને પાર્લા બોલાવે છે... આપણે જઇશું??”

“મારે પણ આવવાનું છે?” પર્લે પૂછ્યું...

“હા બેટા, શાલુદાદીએ કહ્યું છે કે પર્લને ખાસ સાથે લઇ આવજે...”

“ઓ કે મમ્મી, હું કાલે સ્કૂલમાંથી આવી જાઉં એટલે પછી આપણે જમીને જઇશું...” કહીને પર્લ પાછી રૂમમાં રમવા જતી રહી...

અંતરા તો પર્લની વાતો સાંભળીને છક થઈ ગઈ! ન આવવા માટે કોઈ બહાનું નહિ... ન રડી... ન બીજા કોઈ આડા તેડાં... સીધી હા!! અંતરાની ખુશીનો કોઇ પાર ન રહ્યો... તે મનોમન શાલુ માસીનો આભાર માનવા લાગી...

ક્રમશઃ