Savaki Maa in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | સાવકી માં

Featured Books
Categories
Share

સાવકી માં

મંગુ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી અને બોલી રહી હતી કે, "મારે નથી આવવું પપ્પા તમારી સાથે,મારે નથી આવવું પપ્પા, હું અહીંયા જ રહીશ માસી સાથે રહીશ પણ ત્યાં નવી મમ્મી જોડે નહીં આવું.

અને પપ્પા મંગુને સમજાવી રહ્યા હતાં કે, "બેટા, નાના અને નાની બંને હવે નથી રહ્યા મૃત્યુ પામી ચૂક્યાં છે અને માસીના બે મહિના પછી લગ્ન છે. અત્યારે માસી દરરોજ ખરીદી કરવા માટે જાય છે તને કોના ભરોસે મૂકીને જાય ?

મંગુ: હું એકલી જ રહીશ પપ્પા અહીંયા ઘરમાં અને ઘરનું બધું જ કામ કરી લઈશ અને માસી માટે અને મારા માટે જમવાનું પણ બનાવી લઈશ.

તેર વર્ષની મંગુ કોઈપણ સંજોગોમાં પોતાની સાવકી મા પાસે રહેવા જવા માટે તૈયાર ન હતી.

મંગુ પાંચ વર્ષની હતી અને તેની મમ્મીનું સખત બીમારીને કારણે મૃત્યુ થઈ ચૂક્યું હતું અને તેના પપ્પાએ બીજાં લગ્ન કરી લીધાં હતાં નવી પત્નીથી તેમને એક દીકરી પણ હતી. મંગુના મનમાં સાવકી મા પ્રત્યે એક જાતનો ડર અને નફરત થઈ ગયા હતાં તેથી તે પોતાના ઘરે જવાનું ટાળતી જ હતી અને અહીં પોતાની માસી નીકીતા પાસે જ રહેતી હતી.

મંગુ ભણવામાં ખૂબજ હોંશિયાર હતી અને શાળાની બીજી દરેક હરિફાઈમાં તે ભાગ લેતી અને તેનો હંમેશા પહેલો નંબર જ આવતો. માસીએ નાનાએ અને નાનીએ તેને જીવથી પણ વધારે સાચવી હતી અને ઘરનાં પણ દરેક કામમાં કાબેલ બનાવી દીધી હતી.

મંગુના નાના-નાની બંનેને કોરોના થતાં તેમનું દેહાંત થઈ ચૂક્યું હતું અને માસીના હવે લગ્ન હતાં તેથી મંગુને તેના પપ્પા પોતાની સાથે લઈ જવા માટે આવ્યાં હતાં પરંતુ મંગુ પોતાની અસલ માંને, માં ના લાડ પ્યારને, તે રિસાઈ જાય તો માં તેને ખેંચીને જે રીતે ગળે વળગાડી લેતી હતી તે બધું ભૂલી શકતી ન હતી અને તેથી તે સાવકી મા પાસે જવા તૈયાર ન હતી.

પરંતુ પપ્પા જે રીતે નક્કી કરીને આવ્યા હતા તે પ્રમાણે મંગુને પપ્પા સાથે ગયા વગર છૂટકો પણ ન હતો.

મંગુની આંખો રડી રડીને સુજી ગઈ હતી અને અચાનક તેનાં રડમસ ચહેરા ઉપર હાસ્ય આવી ગયું તેને નજર સામે પોતાની મમ્મી દેખાઈ જે તેને કહી રહી હતી કે, "જા બેટા, પપ્પા જોડે નિશ્ચિંત થઈને જા, નવી માં તને મારી જેમ જ લાડ પ્યારથી રાખશે તું ચિંતા ના કરીશ કારણ કે આખરે તે પણ એક "માં" જ છે ને ?

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ

" એ છોકરી "

એ રાત્રે પણ એ ઉભી જ હતી. એ જ ઉભા રહેવાની સ્ટાઈલ એ જ ડ્રેસ અને લીફ્ટ માંગવાની પણ તેની એ જ રીત હતી.

પણ તો પછી તેને માટે કોઈ કંઈ કરતું કેમ નથી ? જેથી તેને મુક્તિ મળી જાય. શું ખબર ?
નીકીતા અને નમન બંને વાત કરી રહ્યા હતા.

જવાનપુરા નામના આ નગરની વાત છે. ખૂબજ રૂપાળી અને સુંદર દેખાતી મીરા પંકિતને ખૂબજ પ્રેમ કરતી હતી. પહેલા તો બંનેના ઘરેથી આ લગ્ન માટે "ના" જ પાડવામાં આવી પરંતુ બંને પક્ષે બંને જણાં છોકરો અને છોકરી મક્કમ હતાં તેથી છેવટે બંનેનાં માતા-પિતાએ લગ્ન માટે "હા" પાડવી પડી.

આમ, બંનેના લગ્ન નક્કી થઈ ગયા તેથી બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ ખૂબજ ખુશ હતાં.

લગ્નના દિવસે જાન લગ્ન મંડપમાં આવી પહોંચી હતી જાનનું ખૂબજ માન પાનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શરણાઈના સૂર રેલાઈ રહ્યાં હતાં અને કન્યા પધરાવવાની હજી વાર હતી. ગોર મહારાજ "કન્યા પધરાવો સાવધાન" "કન્યા પધરાવો સાવધાન" ની બૂમો પાડી રહ્યા હતા પરંતુ કન્યાને મંડપમાં લાવવામાં આવતી ન હતી.

લગ્ન મંડપમાં હાજર બધા જ અને વરરાજા પણ ઉંચા નીચા થયા કરતા હતા.

કન્યા સાથે એક ખૂબજ દુઃખદ ઘટના બની ગઈ હતી જે વાત કોઈના મોઢામાંથી બહાર આવતી ન હતી પણ કહ્યા વગર પણ છૂટકો ન હતો.

સુખ અને ખુશીનો માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો.કન્યા તૈયાર થઈને જે ગાડીમાં આવી રહી હતી ચારરસ્તા પાસે તે ગાડી ટ્રક સાથે અથડાતાં તેનો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો હતો અને કન્યાનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું.

કહેવાય છે કે, તે દિવસ પછી જે કોઈ પણ રાતના એક દોઢ વાગ્યા પછી ત્યાંથી નીકળે તેને આ મૃત્યુ પામેલી છોકરી દુલ્હનના ડ્રેસમાં પોતાના લગ્ન મંડપમાં જવા માટે ગાડીમાં બેસવા લીફ્ટ માંગતી ઉભી રહે છે અને જે ત્યાંથી નીકળે તેને નજરે પડે છે.

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ