Lost - 50 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 50

પ્રકરણ ૫૦

ત્રિસ્તા અને માનસા મિષ્કાને રોકવા આવી પહોંચી, એજ સમયે મિષ્કાએ રાધિકાને મારવા ખંજર ઉગામ્યું અને દરવાજા સુધી પહોંચેલી રાવિકાએ માનસા, ત્રિસ્તા અને ખંજર લઈને ઉભેલી મિષ્કાને જોઈને એક ત્વરિત નિર્ણય લીધો.
આ ત્રણેય ઘટનાઓ સમયની એકજ સેકન્ડમાં એકીસાથે બની ગઈ હતી, પોતાની પીઠ પાછળ આટલો બધો અવાજ શાનો છે એ જોવા રાધિકા પાછળ ફરી ત્યારે તેની સામે બનેલું દ્રશ્ય જોઈને તેની આંખો ફાટી ગઈ.

"મિષ્કા..." માનસા દોડતી મિષ્કા પાસે આવી રહી હતી પણ ત્રિસ્તાએ તેને રોકી અને તેને લઈને તેં ગાયબ થઇ ગઈ.
મિષ્કાને રાધિકા પર ખંજર ઉગામતાં જોઈને રાવિકા ખુબજ ડરી ગઈ હતી અને હડબડાટમાં તેણીએ તેની શક્તિઓથી મિષ્કાને રાધિકાથી દૂર ફંગોળી.
રાવિકા માત્ર મિષ્કાને રાધિકાથી દૂર કરવા માંગતી હતી જેથી રાધિકાને કંઈ નુકસાન ન થાય પણ ગભરાટમાં તેણે વધું તાકાતથી મિષ્કાને ફેંકી હતી, મિષ્કા દીવાલ તોડીને પરસાળમાં ફંગોળાઈ હતી અને તેના હાથમાં રહેલું ખંજર તેના ગળામાં ઘુસી ગયું હતું.

"મિષ્કા..." રાધિકા દોડતી મિષ્કા પાસે આવી અને તેના નાક આગળ આંગળી મૂકીને તેના શ્વાસ ચેક કર્યા.
"જીવે છે?" રાવિકા પણ દોડતી મિષ્કા પાસે આવી પહોંચી હતી.
રાધિકાએ હકારમાં માથું હલાવ્યું અને તેનો હાથ મિષ્કાના ઘા પર મુક્યો, પણ તેના આશ્ચર્ય વચ્ચે મિષ્કાનો ઘા ન રૂઝાયો.

"ગાડી નિકાળ." રાધિકાએ મિષ્કાને ગોદમાં ઉઠાવી અને મેઈન ગેટ તરફ ભાગી.
રાઠોડ પરિવાર પણ આટલો બધો શોર સાંભળીને રાધિકા પાસે ભેગો થયો હતો, રાવિકા ગાડી લઈને આવી અને રાધિકા મિષ્કાને લઈને ગાડીમાં બેસી ગઈ.
વીસેક મિનિટમાં મિષ્કા આઈસીયુંમાં હતી અને તેનો ઈલાજ ચાલું થઇ ગયો હતો.
જીવન, રાહુલ, કેરિન અને મીરા પણ તેમની પાછળ પાછળ દવાખાને આવી પહોંચ્યાં હતાં, રાવિકાએ રાહુલનો હાથ પકડ્યો અને બોલી, "પપ્પા, હું માત્ર રાધિકાને બચાવવા માંગતી હતી."

"મારી રાવિ ક્યારેય કોઈ ખોટું કામ ન કરી શકે એ હું જાણું છું દીકરા, એટલે તારે મને સફાઈ આપવાની જરૂર નથી." રાહુલએ રાવિકાના માથા પર હાથ મુક્યો.
પાંચ મિનિટ પછી ડોક્ટર આઈસીયુંની બહાર આવ્યા અને નકારમાં માથું હલાવ્યું, "શી ઇઝ નો મોર, અમે કંઈ કરીએ એના પહેલાંજ મિષ્કાજીના પ્રાણ નીકળી ગયા હતા."

મિષ્કાનું મૃત શરીર તેની માંને સોંપી દેવામાં આવ્યું હતું, રાવિકા-રાધિકા સાથે રાઠોડ પરિવાર પણ મિષ્કાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.
પોસ્ટમોર્ટમમાં સાબિત થઇ ચૂક્યું હતું કે મિષ્કાનું મોત જે ખંજરથી થયું એ ખંજર પર માત્ર અને માત્ર મિષ્કાની આંગળીઓનાજ નિશાન હતાં, મીનાબેન મિષ્કાને મોતને પોતાનું ભાગ્ય સમજીને આગળ વધી ગયાં હતાં, મિષ્કાએ જે કંઈ પણ કર્યું એના પછીયે રાવિકા મિષ્કાના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ અને મીનાબેનને સધીયારો આપ્યો એ બાબતે વિહાનનું ધ્યાન ખેંચ્યું હતું.


આ ઘટનાને દોઢ વર્ષ વીતી ગયું, મિષ્કાનું મોત થયું એના પછી રાવિકાએ ક્યારેય તેની શક્તિઓનો ઉપયોગ નહોતો કર્યો. તેની શક્તિઓને કારણેજ એક નિર્દોષનો જીવ ગયો એ ભાર રાવિકાના મનમાં હજુયે હતો, તેથીજ તેણીએ મિષ્કાના મોત પછી તેની શક્તિઓનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને એક સામાન્ય સ્ત્રીની જેમ તેના વ્યવસાયિક અને સાંસારિક જીવનમાં ધ્યાન દેવા લાગી હતી.
આ દોઢ વર્ષ દરમ્યાન રાધિકા અને રાવિકાનું જીવન થાળે પડી ગયું હતું, માનસા પણ દોઢ વર્ષ દરમ્યાન ભૂલથીયે તેમની સામે નહોતી આવી.

જિજ્ઞાસા અને રયાન તેમની કંપની વેચીને પાછાં ભારત આવી ગયાં હતાં, જિજ્ઞાસાએ મુંબઈમાં રાઠોડ અમ્પાયર્સની શાખા ખોલી અને જીયા તેનો વહીવટ સંભાળતી હતી.
એકાદ વર્ષ શાંતિથી નીકળી ગયું તેથી રાવિકા અને રાધિકા અગોચર વિશ્વની પરેશાનીથી મુક્તિ મળી ગઈ છે એમ સમજીને નિશ્ચિન્ત થઇ ગઈ હતી.
બન્નેએ હવે પરિવાર આગળ વધારવા વિશે વિચાર્યું હતું અને દોઢ મહિનાને અંતરે બન્ને બેનોને ગર્ભ રહ્યો હતો.

બન્ને બેનોએ ગર્ભાવસ્થાને મન ભરીને માણી અને પુરા નવ મહિને રાવિકાએ એક તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો, કેરિન અને રાવિકાએ એક સારાં માતાપિતા બનવાની જવાબદારી ઉઠાવી લીધી હતી.
દોઢ મહિના પછી રાધિકાએ એક દીકરાને જન્મ આપ્યો, બન્ને બાળકોનું નામકરણ એકીસાથે રાખવામાં આવ્યું.
"હું બેબીની ફઈ છું તો હું એનું નામ રાખીશ." મિથિલા દોઢ મહિનાની બાળકી સાથે રમી રહી હતી.

"હું બાબુનું નામ રાખીશ." જીયાએ રાધિકાના દીકરાને ખોળામાં લીધો.
"તું થોડીના બાબુની ફઈ છે." મિથિલાએ જીભ કાઢી.
"હું બાબુ અને બેબી બન્નેની માસી છું, તું તો ઓનલી બેબીની ફઈ જ છે." જીયાએ મિથિલાને ચીડવી.
"પણ નામ તો ફઈ જ રાખે." મિથિલાએ જીયાના ચાળા પાડ્યા.

"બસ, બસ. હું જીયાને આજથી મારી બેન માનુ છું, તો જીયા બાબુની માસી અને ફઈ બન્ને છે." મેહુલ હસી પડ્યો.
"જોયું, હવે બોલ." જીયા ખડખડાટ હસી પડી, તેની પાછળ મિથિલા પણ હસી પડી.
"તમે બન્ને લડ્યા વગર નામ વિચારો." રાવિકાએ ટકોર કરી.
"આધ્વીક." જીયા બોલી. રાધિકા-રાવિકા ભાવુક થઇ ગઈ, રાહુલને આધ્વીકાની યાદ આવી ગઈ.
"તો બેબીનું નામ આધ્વીકા. મેં બઉ સાંભળ્યું છે તમારી મમ્મા વિશે અને હું ઈચ્છું છું કે મારી ભત્રીજી આધ્વીકાજી જેવી બહાદુર અને સારી માણસ બને." મિથિલાએ દોઢ વર્ષની આધ્વીકાનું માથું ચુમ્યું.

"થૅન્ક્યુ મિથિલા." રાવિકાએ મિથિલાને ગળે લગાવી, રાધિકા અને જીયાએ પણ એકબીજાને આલિંગન આપ્યું.
નામકરણ પછી મીઠાઈના બોક્સ તૈયાર કરી જીયા, મિથિલા, કેરિન અને મેહુલ સોસાયટીમાં મીઠાઈ વહેંચવા ગયાં. બાકીનો પરિવાર રાવિકા સાથે મંદિરમાં મીઠાઈ વહેંચવા ગયો હતો.
બન્ને બાળકો સાથે રાધિકા રોકાઈ હતી, અચાનક જીયા ત્યાં આવી અને બોલી, "આટલા બોક્સ તું વહેંચી આવને રાધિકા, હું તો બઉજ થાકી ગઈ છું."

"સારુ, તું બાળકોનું ધ્યાન રાખજે." રાધિકાએ જીયાના હાથમાંથી મીઠાઈનાં બોક્સ લીધાં અને સોસાયટીમાં ગઈ.
અડધા કલાક પછી બધાં પરત ફર્યા ત્યારે રાધિકા અને બન્ને બાળકો ગાયબ હતાં.
"રાધિકા તાઈ ક્યાં ગઈ?" મિથિલા ખાલી ઘોડિયા જોઈને ટેન્શનમાં આવી ગઈ હતી.
"હું અહીં છું." રાધિકા હમણાંજ ઘરમાં દાખલ થઇ હતી.
"થેન્ક ગોડ, બેબીઝ ક્યાં છે?" કેરિનએ પૂછ્યું.

"બાળકો સાથે તો જીયા હતી ને?" રાધિકા દોડતી ઘોડિયાં પાસે આવી.
"જીયા તો અમારી સાથે હતી રાધિકા." મેહુલને ફાળ પડી.
"અરે હું અહીં બેઠી હતી, જીયા આવી અને મને કીધુંકે હું બઉ થાકી ગઈ છું, તું આટલા બોક્સ વહેંચી આવ રાધિકા." રાધિકાની વાત વચ્ચેજ કાપીને જીયા બોલી,"દીદી, હું ક્યારેય તને રાધિકા કહીને નથી બોલાવતી અને હું આખો સમય આ લોકો સાથે જ હતી."

"આ કાગળ..." મિથિલાએ ઘોડિયા પાસે જમીન પર પડેલો કાગળ ઉઠાવ્યો અને વાંચ્યો, કાગળ વાંચીને તેના પગ તળેથી ધરતી ખસી ગઈ હોય એમ એ જમીન પર ફસડાઈ પડી.
રાધિકાએ ધ્રુજતા હાથે કાગળ ઉઠાવ્યો અને વાંચવાનું ચાલુ કર્યું, "જેમ હું માયા ને ન'તી બચાવી શકી, એમ તું અને રાવિકા પણ તમારા બાળકોને નઈ બચાવી શકો."

ક્રમશ: