Padmarjun - 4 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ ૪)

સાંદિપની આશ્રમ

અર્જુનની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં ધનુષ હતું. તેની બાજુમાં વિસ્મય ઉભો હતો. તેણે પોતાનાં હાથમાં રહેલો પથ્થર સામેની તરફ ફેંકયો જે પાણી ભરેલાં પાત્ર સાથે અથડાયો અને અવાજ ઉત્પન્ન થયો. એ અવાજ પરથી પાત્રનો અંદાજો લગાવી અર્જુને સામેની તરફ તીર છોડ્યું.એ તીર સીધું પાણી ભરેલાં પાત્રની કિનારી સાથે અથડાયું.તેથી પાત્ર નીચે પડી ગયું.

“વાહ, ભ્રાતા અર્જુન.તમે તો આંખો પર પટ્ટી બાંધીને પણ લક્ષ્ય-ભેદન કરી દીધું.”વિસ્મયે ખુશ થઇને કહ્યું.

અર્જુને પોતાની આંખો પરથી પટ્ટી હટાવી અને સામેની તરફ જોયું.નીચે પડેલાં પાત્ર તરફ જોઈને તેને ગુરુજી સામે જોયું.

“અર્જુન, તારે હજુ પણ થોડી મહેનતની જરૂર છે.”ગુરુ સંદીપે કહ્યું.

“શિષ્યો, આજની શિક્ષા અહીં જ સમાપ્ત થાય છે.”ગુરુ સંદીપ પોતાના સ્થાન પરથી ઉભા થઇને બોલ્યાં.

શિક્ષા પુરી થયાં બાદ બધા શિષ્યો પોત-પોતાને સોંપવામાં આવેલું કામ કરવાં લાગ્યાં. દુષ્યંત, યુયૂત્સુ,અર્જુન અને વિસ્મયનું કાર્ય આજે બગીચો સાફ કરવાનું હતું તેથી તેઓ સૂર્યાસ્ત થાય એ પહેલાં નીચે પડેલાં ફૂલો અને પાંદડાઓ વીણવા લાગ્યાં.

અનુપમાં અને આર્યા પાકશાળામાં ભોજન બનાવી રહ્યાં હતાં. થોડાં સમય બાદ ભોજન તૈયાર થઈ ગયું એટલે આર્યા ભોજન ભરેલાં પાત્રો ભોજન ખંડમાં મૂકવાં લાગી. ત્યારે જ દુષ્યંતનું ધ્યાન આર્યા જે વૃક્ષ નીચેથી પસાર થઈ રહી હતી તેનાં પર પડ્યું. એ વૃક્ષની એક મોટી ડાળીનીચે પડવાની તૈયારીમાં જ હતી.

“આર્યા…”.દુષ્યંત જોરથી ચિલ્લાયો અને આર્યા તરફ ભાગ્યો. તેણે ફટાફટ આર્યાને ધકકો મારી વૃક્ષથી દુર ખસેડી અને પોતે પણ દુર ખસવા ગયો પણ દુર ખસવામાં આર્યાનાં હાથમાં જે ગરમ ભોજનનું પાત્ર હતું એ દુષ્યંતનાં પગ ઉપર ઢોળાઇ ગયું અને બરાબર એ જ વખતે વૃક્ષની ડાળી તેમની બાજુમાં પડી.

“રાજકુમાર.”આર્યા દુષ્યંતનો દાજેલો પંજો જોઇને બોલી ઉઠી.

“જ્યેષ્ઠ”.આ બધું જોઈને યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય પણ ચિલ્લાઈ ઉઠ્યાં અને તે તરફ ભાગ્યા.

અર્જુન અને યુયૂત્સુએ દુષ્યંતને ટેકો દઈને ઉભો કર્યો અને કુટિર તરફ લઇ ગયાં. કુટિરમાં જઇને દુષ્યંતને આસન ઉપર બેસાડ્યો. વિસ્મયે સ્વચ્છ વસ્ત્રની મદદથી દુષ્યંતના પગ ઉપર ઢોળાયેલ ભોજન સાફ કર્યું. ત્યાં જ આર્યા લેપ લઇને તેઓની કુટીર પાસે આવી.

“શું હું અંદર આવી શકું?”આર્યાએ બહાર ઊભાં રહીને પૂછ્યું.

“હા, આવીજા.”દુષ્યંતે કહ્યું.

આર્યા લેપ લઈને અંદર આવી અને બોલી, મેં તમારાં માટે આ લેપ બનાવ્યો છે. એ તમારા પગને શીતળતા આપશે.”એટલું કહી આર્યા દુષ્યંતનાં પગમાં લેપ લગાડવા લાગી.એ જોઈને બાકીનાં ત્રણેય રાજકુમારો પોત-પોતાના કામમાં વ્યસ્ત હોવાનો અભિનય કરવાં લાગ્યાં.

“રાજકુમાર દુષ્યંત, મને ક્ષમા કરજો.મારા કારણે તમારો પગ દાજી ગયો.”આર્યાએ ઉદાસી ભર્યા અવાજે કહ્યું.

“નહીં આર્યા, એમાં તારો કોઇ જ દોષ ન હતો.”દુષ્યંતે કહ્યું.

“હા આર્યા એમાં તમારો કોઇ જ દોષ ન હતો.”વિસ્મયે વચ્ચે બોલતાં કહ્યું.

“રાજકુમાર વિસ્મય, તમે તો આયુમાં મારા કરતાં મોટાં છો છતાં પણ મને તમે કહીને કેમ સંબોધો છો?”આર્યાએ પૂછ્યું.

“અત્યારે ભલેને હું તમારા કરતા મોટો છું પણ ભવિષ્યમાં તો સંબંધમાં તમે જ મોટાં થશોને.”વિસ્મય ધીરેથી બોલ્યો.

આ સાંભળીને દુષ્યંતે વિસ્મય સામે આંખો કાઢી અને આર્યાને સ્પષ્ટ ન સમજાતા ફરીથી વિસ્મયને પૂછ્યું,

“શું?”

“કહી જ નહીં આર્યા. હું તો જ્યેષ્ઠને કહી રહ્યો હતો.”વિસ્મયે મલકાઇને કહ્યું.

“ઠીક છે.”આર્યાએ કહ્યું અને દુષ્યંત સામે જોઈને બોલી,
“સુતા પહેલાં ફરીથી લેપ લગાવી લેજો.”

“હા.”

લેપનું પાત્ર ત્યાં જ રાખી આર્યા ત્યાંથી પોતાની કુટિરમાં ચાલી ગઈ.આર્યાનાં ગયાં બાદ યુયૂત્સુ બોલ્યો,

“આજે તો જ્યેષ્ઠનાં પગની સાથે-સાથે હૃદયને પણ શીતળતા મળી ગઈ.”

“સાચું કહ્યું જ્યેષ્ઠ ભ્રાતા યુયૂત્સુ.”અર્જુને કહ્યું અને દુષ્યંતની સામે જોઇને ત્રણેય એકીસાથે હસી પડ્યા.


શાંતિ આશ્રમ

પદમાને આશ્રમમાં આવ્યાને થોડાં દિવસો થઇ ચૂક્યાં હતા.તેથી તેને આશ્રમ હવે ગમવા લાગ્યો હતો. સાંજે ભગવાનને ભોગ ધરાવવા માટે તે આંબા પરથી કેરીઓ તોડવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ આંબો થોડોક ઉંચો હોવાથી પહોંચી શકતી નહોતી.

“શું હું તમારી સહાયતા કરી શકું?”પાછળ ઊભેલા શ્લોકે પૂછ્યું.

પદમાએ પાછળ ફરીને શ્લોક સામે જોયું અને ટૂંકમાં જવાબ આપ્યો, “હા.”

શ્લોક આંબાનાં વૃક્ષ ઉપર ચઢી ગયો અને એક-એક કેરી તોડીને પદમાને આપવા લાગ્યો. પદમાનાં હાથમાં રહેલી ટોકરી ભરાઈ જતાં પદમા બોલી, “બસ,આટલી પર્યાપ્ત છે.”

શ્લોક ઝાડ પરથી નીચે ઉતર્યો.પદમાએ શ્લોકની સામે જોયું અને કહ્યું, “ધન્યવાદ.”

જવાબમાં શ્લોક હસ્યો અને પદમાનાં હાથમાંથી ટોકરી લઈને બોલ્યો, “લાવ હું લઇ લવ.”

“ના. હું લઈ લઈશ.”

“મારી કુટિરમાં પાણી પૂરું થઇ ગયું છે. તેથી હું પાણી પીવા માટે પાકશાળા તરફ જ જઇ રહ્યો છું. માટે મને લઇ લેવાં દો.”શ્લોકે કહ્યું.

“ઠીક છે.”પદમાએ કહ્યું અને બંને પાકશાળા તરફ ચાલવા લાગ્યા.બંને એક જ આશ્રમમાં રહેતાં હતાં એટલે ઘણીવાર એકબીજા સાથે ભેટો થતો, શ્લોક છુપી નઝરે તેની સામે પણ જોતો પરંતુ ક્યારેય પણ ના પદમાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ન શ્લોકે. આજે પદમા આશ્રમમાં રહેવા આવી એ બાદ પહેલી વાર આટલી લાંબી વાતચીત થઇ હતી.

દુષ્યંતને લેપ લગાડીને મલકાતી-મલકાતી આર્યા પોતાની કુટિરમાં આવી.

“આર્યા,લેપ આપી આવી?”અનુપમાએ પૂછ્યું.

“હા માતા.”

“પુત્રી, અહીં આવ. બેસ મારી પાસે.”

આર્યા પોતાની માતા પાસે બેઠી.

“બેટા, દુષ્યંત એક દયાળું અને બહાદુર રાજકુમાર છે. પણ છે તો એક રાજકુમાર જ ને.”અનુપમાએ આર્યાનાં મોં નું અવલોકન કરતાં કહ્યું.

“હા માતા, હું એ જાણું છું. પણ તમે મને કેમ આ બધું કહી રહ્યાં છો?”

“બેટા, હું માતા છું તારી. હું ઘણાં સમયથી તારું અવલોકન કરી રહી છું અને એ અવલોકન પરથી મેં તારણ કાઢ્યું છે કે તને દુષ્યંત પસંદ આવવાં લાગ્યો છે.”

“નહીં માતા એવું કઇ જ નથી. આ માત્ર તમારો વહેમ છે.”આર્યાએ કહ્યું.

“આર્યા,તને બાળપણથી જ ખીર જરા પણ પસંદ નથી છતાં પણ જ્યારથી દુષ્યંત આ આશ્રમમાં આવ્યો છે ત્યારથી તેને ભાવતી ખીર તું મને વારંવાર બનાવવાનું શા માટે કહે છે?”

“ના માતા, આ માત્ર એક સંયોગ જ છે.”આર્યાએ પોતાનો બચાવ કરતાં કહ્યું.

“તો તું અત્યારે દુષ્યંતને પીડામાં રાહત થાય એ માટે લેપ લઇને શા માટે ગઇ હતી?”

“માતા એમનો પગ દાજી ગયો હતો એટલે.”

“પુત્રી, અહીં તારાં પિતા કેટલાય શિષ્યોને શસ્ત્રોનું જ્ઞાન આપે છે અને એ દરમિયાન ઘણાં શિષ્યો ઘાયલ થાય છે.તો ત્યારે તો તું કોઇ માટે લેપ કે અન્ય ઔષધિ લઈને જતી નથી.તો પછી આ બધી ચિંતા માત્ર દુષ્યંત માટે જ કેમ?”અનુપમાએ આર્યાને પૂછ્યું પણ જવાબમાં આર્યા કંઈ જ ન બોલી એટલે અનુપમાએ આર્યાને શાંતિથી સમજાવતાં કહ્યું,

“જો પુત્રી,દુષ્યંત વિરમગઢનાં રાજા વિરાટનો મોટો પુત્ર છે. તેનામાં રાજા બનવાનાં બધા જ ગુણો છે. તે પોતાના પિતાની જેમ જ બહાદુર અને પ્રજાનું હિત ઇચ્છનાર છે.જો કોઇ સમસ્યા ન આવી તો નિઃસંદેહ તે ભવિષ્યમાં વિરમગઢનો રાજા બનશે.”

“એટલે જ કહું છું પુત્રી, દુષ્યંત આપણા રાજ્યનો ભવિષ્યનો રાજા છે અને તું સામાન્ય પ્રજા.માટે તું જેટલી જલ્દી તારાં મનમાંથી એને કાઢી નાંખ એટલું વધારે સારું. કારણ કે જે વાત ભૂલવી તને અત્યારે આટલી તકલીફ દાયક લાગે છે એ વાત ભવિષ્યમાં આના કરતાં પણ વધારે તકલીફ આપશે.”

“માતા તમે નિશ્ચિંત રહો.”આર્યાએ મન કઠણ કરીને કહ્યું.

અનુપમાએ તેનાં માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ભોજનની તૈયારી કરવા ભોજન ખંડમાં ગઇ. તેના ગયાં બાદ આર્યાએ મહા મહેનતે રોકેલા આંસુઓ વહેવા દીધા અને પોતાની હથેળી જોઇને બોલી, “શું મારી હસ્તરેખામાં દુષ્યંત નથી? શું મારા ભાગ્યમાં તેનો સાથ માત્ર આશ્રમ પૂરતો જ છે?”

ક્રમશઃ