Padmarjun - 2 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ ૨)

“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનું તીર અર્જુનને આપીને કહ્યું.

“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.

“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપ ક્રોધિત થઇને કહ્યું.

“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા તરફ નિશાન તાક્યું.”

આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.

અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું. તે તીર આંખોના ઝબકારમાં જ આર્યા પાસે પહોંચી ગયું પણ આર્યાને સ્પર્શે એ પહેલાં જ એક બીજું તીર આવ્યું અને એ તીરના વચ્ચેથી બે ભાગ કરી નાંખ્યા.બધાં વિચારવા લાગ્યા કે આ બીજું તીર ક્યાંથી આવ્યું.ત્યાં જ બધાનું ધ્યાન ગુરુ સંદીપે પકડેલાં ધનુષ તરફ પડ્યું. ગુરુ સંદીપે પોતાનાં આંખો પરથી પટ્ટી હટાવીને આર્યા તરફ જોયું અને તેને પોતાની પાસે બોલાવી.

ગુરુ સંદીપે આર્યાનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “પુત્રી, મને તારાં ઉપર માન છે. તને ખબર હતી કે અર્જુનનું તીર કયારેય પણ નિશાન ન ચુકે છતાં પણ તું માત્ર મારાં એક આદેશથી એ તીરની સામે ઉભી રહી ગઈ.”

“પિતાજી, મને વિશ્વાસ હતો કે તમે મને કહી જ નહીં થવા દો.”

“કલ્યાણ હો પુત્રી, તું હવે જઇ શકે છે.”ગુરુ સંદીપે કહ્યું અને પોતાના બધાં શિષ્યો તરફ જોયું.

“શિષ્યો, શું તમને ખબર છે મેં ક્યાં કૌશલ્યની મદદથી આર્યાની રક્ષા કરી?”

બધાં શિષ્યો એકબીજાની સામે જોવાં લાગ્યાં.
“ગુરુદેવ, જો આપ આજ્ઞા આપો તો હું જાણવું?”અર્જુને પૂછ્યું.

ગુરુ સંદીપે પોતાની આંખો વડે સંમતિ આપી.

“શબ્દભેદી બાણ.”અર્જુને કહ્યું.

“સાચું કહ્યું પુત્ર અર્જુન.”ગુરુ સંદીપે કહ્યું અને વૃક્ષ નીચે બેઠાં.

“શિષ્યો, આ કોઈ પણ યોદ્ધા એક મહત્વનું કૌશલ્ય છે.જો તમારી સામે એવી પરિસ્થિતિ આવે કે તમે તમારાં લક્ષ્યને જોવાં અસક્ષમ છો,પરંતુ તેની ધ્વનિ સાંભળવા સક્ષમ છો તો શબ્દભેદી બાળની મદદથી તમે તમારું લક્ષ્ય ભેદી શકો છો.હું તમને દ્રંષ્ટાત આપીને સમજાવું.

“જ્યારે અર્જુને આર્યા તરફ તીર ચલાવ્યું ત્યારે હું તે તીરને જોઇ શકતો નહોતો, પરંતુ અર્જુનને મેં જે તીર આપ્યું હતું એમાં મેં રણકાર ઉત્પન્ન કરે એવી ઘૂઘરીયો બાંધી દીધી હતી, જેનાં અવાજ પરથી મેં તીરની દિશાનો અંદાજ લગાવ્યો અને મારું તીર છોડ્યું.”

“ત્રેતાયુગમાં શ્રીરામનાં પિતા મહારાજ દશરથ પણ આ વિદ્યાનાં જાણકાર હતાં. પણ દુર્ભાગ્યવશ આ વિદ્યાની મદદથી મૃગનાં બદલે તેઓએ શ્રવણકુમાર પર બાળ છોડી દીધું હતું.”

“શિષ્યો,આ કૌશલ્ય શીખવા માટે બે પાસા અત્યંત અગત્યનાં છે, એક શ્રવણશક્તિ અને બીજું એકાગ્રતા.તેથી આ વિદ્યા શીખવા માટે તમારે એકાગ્રતા વધારવી જોશે.”
ગુરુ સંદીપ બધાં શિષ્યોને શીખવાડી રહ્યાં હતાં અને બધાં શિષ્યો ધ્યાનપૂર્વક શીખી રહ્યાં હતાં.સાંદિપની નદીનાં બીજાં કાંઠે,વિરમગઢથી દુર એક આશ્રમ હતો, જેનું નામ હતું શાંતિ આશ્રમ.શાંતિ આશ્રમ વિરમગઢનાં પાડોશી અને મિત્ર રાજ્ય તુલસીગઢની સીમામાં અવેલો હતો.

શાંતિ આશ્રમનું વાતાવરણ તેનાં નામ પ્રમાણે જ શાંતિમય હતું.કુદરતનાં સાનિધ્યમાં આવેલ શાંતિ આશ્રમનું સંચાલન શારદાદેવી કરતાં હતાં.તેઓનાં આશ્રમમાં રહીને સ્ત્રીઓ પોતપોતાની આવડત પ્રમાણે કામ કરતી અને એ મુજબ વેતન મેળવતી.સાંજ પહેલાં પોતાનું કાર્ય પૂરું કરી બધી સ્ત્રીઓ પોતાનાં ઘરે ચાલી જતી અને જે સ્ત્રીઓ નિરાશ્રય હતી તે આશ્રમમાં રહીને જ પોતાનું કામ કરતી અને આશ્રમનાં નાનાં-મોટાં કાર્યોમાં મદદ કરતી. શારદદેવીનાં આશ્રમમાં સ્ત્રીઓને કામ કરવા માટે એક અલાયદી કુટીર હતી જેમાં માત્ર સ્ત્રીઓને જ પ્રવેશ મળતો. કોઇ પણ પુરુષને એ કુટિરમાં જવા પર પ્રતિબંધ હતો. શારદદેવી આ નિયમનો ખુબ કડકાઇથી પાલન કરતાં. તેથી જ તેમનાં એકમાત્ર સંતાન, યુવાન અને તેજસ્વી પુત્ર શ્લોકને પણ એ કુટિરમાં જવાની પરવાનગી નહતી.શ્લોક પોતાની માતા સાથે આશ્રમમાં જ રહેતો અને કાર્ય પૂરું થઇ ગયાં બાદ બધી સ્ત્રીઓને સુરક્ષિત નગર સુધી પહોંચાડી દેતો.

શારદાદેવીને નૃત્યનો બહુ શોખ હતો તેથી તેઓ કાર્ય પૂરું થયાં બાદ આશ્રમમાં રહેતી અને નૃત્ય શીખવા માંગતી સ્ત્રીઓને નૃત્યની તાલીમ પણ આપતાં.

સૂર્યાસ્ત થવાં આવ્યો હતો. શારદદેવી પોતાનાં આશ્રમની સ્ત્રીઓને નૃત્ય શીખવાડી રહ્યાં હતાં.શ્લોક નગરમાં રહેતી સ્ત્રીઓને સુરક્ષિત પહોંચાડી આશ્રમનાં દ્વાર પાસે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો.


“આ દેવી શારદાનો આશ્રમ છે?”એક યુવતીએ દ્વાર પાસે ઉભેલા શ્લોકને પૂછ્યું.

શ્લોકની નજર પ્રશ્ન પૂછનાર યુવતી પર પડી. તે યુવતીએ શ્વેત રંગના વસ્ત્રો પહેર્યાં હતાં.તેનો ચહેરો પણ શ્વેત રંગના વસ્ત્રથી ઢાંકેલો હતો. તેથી તેનો ચહેરો દેખાતો ન હતો, દેખાતી હતી તો માત્ર તેની મોટી, સુંદર પણ ભાવવિહીન આંખો. તેનો અવાજ મધુર હતો પણ બોલવાનો લહેકો તટસ્થ.તેની વાણીમાં ન હતી કટુતા કે ન હતો અન્ય કોઈ ભાવ. શ્લોક પોતાની સામે ઉભેલી અજાણી યુવતીને થોડી વાર જોઇ રહ્યો.પછી સભાન થઈને પૂછ્યું,

“તમે કોણ?”

પેલી યુવતીએ ફરીથી શ્લોક સામે જોયું અને જવાબ આપવાની બદલે સામો પ્રશ્ન પૂછ્યો “તમે કોણ?”

જવાબમાં શ્લોક હસ્યો અને કહ્યું, “મારાં માતા શારદાદેવી નૃત્ય શીખવાડી રહ્યાં છે.સૂર્યાસ્ત થવાં આવ્યો છે તેથી તમે આશ્રમની અંદર બેસીને પ્રતીક્ષા કરો.”એટલું કહી શ્લોકે પકશાળામાં ભોજન બનાવતી યુવતીને સંબોધીને કહ્યું,
“મેઘા, આમને મારાં માતાને મળવું છે.”

“જી.”મેઘાએ દ્વાર પાસે આવીને કહ્યું.શ્લોકે પેલી યુવતી તરફ એક નઝર કરી અને પોતાની કુટિરમાં ચાલ્યો ગયો.

“નમસ્તે, હું મેઘા.”

“નમસ્તે,મારે દેવી શારદાને મળવું હતું.”

“જી, મારી સાથે આવો. મેઘાએ કહ્યું અને એ યુવતીને લઇ શારદાદેવી પાસે લઇ ગઇ પણ શારદાદેવી પોતાની શિષ્યાઓને નૃત્ય શીખવાડવામાં વ્યસ્ત હતાં. તેથી તે બંને કુટિરની બહાર બેસીને શારદાદેવીની રાહ જોવાં લાગ્યાં. થોડાં સમય બાદ બધી શિષ્યાઓ ધીમે-ધીમે બહાર નીકળી. ત્યારબાદ આધેડવયનાં શારદાદેવી કુટિરની બહાર નીકળ્યા.

“ગુરુમાં, આ યુવતી તમને મળવાં માંગે છે.”મેઘાએ કહ્યું.

શારદાદેવીએ એ યુવતી તરફ નજર કરી. તેનાં ચહેરો વસ્ત્રથી ઢાંકેલો જોઇ તેમને નવાઇ લાગી.

“પુત્રી, શું નામ છે તારું?”શારદાદેવીએ પૂછ્યું.

“પ..”એટલું કહી એ યુવતી અટકી.પછી ક્ષણ માટે વિચારીને કહ્યું.

“પદ્મિની.”

“અહીં આવવાનું કારણ?”

“મેં સાંભળ્યું છે કે તમે નિરાશ્રીતોને આશ્રય આપો છો.તેથી જો આપ પરવાનગી આપો તો હું અહીં રહેવાં માંગુ છું.”

“ઠીક છે.તું અહીં રહી શકે છે. મેઘા, પદ્મિનીને તારી કુટિરમાં લઈ જા અને અહીંના નિયમો સમજાવી દે.”શારદાદેવીએ કહ્યું.

પદ્મિનીએ રાહતનો શ્વાસ લીધો અને મેઘાની સાથે કુટિરમાં ગઇ.