Padmarjun - 11 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ -૧૧)

બીજે દિવસે બધા શિક્ષણ માટે ગયા એટલે અર્જુન એકલો પડ્યો.તેનાં માનસપટમાં ગઈકાલની ઘટના તાજી થઈ.

“તે હાથમાં ધનુષ લઈને પોતાની તરફ આવી.તે બહાદુર યુવતીનો ચહેરો દેખાય એ માટે તેની તરફ જોયું પણ તેનો ચહેરો નકાબ વડે ઢાંકેલો હતો.દેખાતી હતી તો માત્ર તેની સુંદર આંખો, એનાં ન દેખાતાં ચહેરાની સુંદરતામાં વધારો કરતી એ નમણી આંખો.”

“લાગે છે કે આ હૃદયનાં વમળો એને મળ્યાં પછી જ શાંત થશે.”

કાલે બધા શિષ્યોનો આશ્રમમાં છેલ્લો દિવસ હતો.આ વાતથી દુઃખી આર્યા કેટલાય પ્રયત્નો કરવાં છતાં પણ સુઈ શકતી નહોતી. તેની આંખો સમક્ષ બે વર્ષ પહેલાંની એક ઘટના ઉપસી આવી.

તે બધા શિષ્યોને ખીર પીરસી રહી હતી. તે રાજકુમાર દુષ્યંતને ખીર પીરસવા ગઇ અને બરાબર એ જ સમયે દુષ્યંતે આડો હાથ રાખ્યો અને બંનેને એકબીજાનાં હાથનો સ્પર્શ થયો.એ પ્રથમ સ્પર્શનો અહેસાસ આર્યા અત્યારે પણ અનુભવી શકતી હતી. પછી તો ઘણી વાર ચાર આંખો મળતી અને વાતો કરતી પરંતુ અધરો ક્યારેય પણ એક શબ્દ ઉચ્ચારવાની હિંમત કરી શક્યા નહોતા.ત્યારથી જ આર્યાનાં મનમાં પોતાનાં પ્રિયપાત્ર માટે લાગણીઓ જન્મી હતી અને કદાચિત દુષ્યંતનાં મનમાં પણ.

આર્યાની ઉજાગરા અને આંસુઓના કારણે સુજેલી આંખોને સૂર્ય-પ્રકાશ સ્પર્શયો. તેણે બારીની બહાર જોયું.સૂર્યાસ્ત થઇ ચુક્યો હતો. તેથી તે સ્નાન કરવા ગઈ.

આજે બધા શિષ્યોનો આશ્રમમાં છેલ્લો દિવસ હોવાથી તેઓ વારાફરતી ગુરુ સંદીપને ગુરુ-દક્ષિણા દેવાં માટે તેઓની કુટિરમાં જઇ રહ્યા હતા.કુટિરમાં ગુરુ સંદીપ અને અનુપમા બેઠાં હતાં અને તેઓની બાજુમાં આર્યા ઉભી હતી.

દુષ્યંત તેઓની કુટિરમાં પ્રવેશ્યો.તેણે ગુરુ સંદીપને ગુરુ-દક્ષિણા આપી અને તેઓનાં ચરણસ્પર્શ કર્યા.

“ગુરુદેવ,મારા અજ્ઞાનરૂપી મનનો અંધકાર દુર કરી, તેમાં જ્ઞાનરૂપી ખજાનાનો ઉજાસ પાથરવા બદલ તમારો ખુબ ધન્યવાદ.”દુષ્યંતે બે હાથ જોડીને કહ્યું.

“પુત્ર, મને ગર્વ છે કે તું મારો શિષ્ય છો.”

દુષ્યંતે ગુરુ સંદિપની રજા લીધી અને અનુપમાને પગે લાગ્યો.ત્યાર બાદ તેણે આર્યાને પ્રણામ કર્યા અને પોતાની હતાશ આંખોથી તેની સામે જોયું. તેની આંખોમાં કઇ ન કરી શકવાની લાચારી અને આર્યાને ખોઇ દેવાનો ડર હતો.આર્યાએ રડમ ચહેરે તેનાં સામે જોયું. દુષ્યંતે મન ભરીને આર્યાને નિહાળી લીધી અને પરિસ્થિતિનું ભાન થતાં ભારે હૃદયે કુટિરમાંથી બહાર નીકળી ગયો. તેનાં ગયાં બાદ આર્યાએ કોઈને ખબર ન પડે એ રીતે પોતાના આંસુઓ લૂછી નાંખ્યા.

દુષ્યંતનાં ગયાં બાદ એક પછી એક શિષ્યો ગુરુ સંદીપની કુટિરમાં આવતાં ગયાં અને તેમને ગુરુ-દક્ષિણા આપતાં ગયે.છેલ્લે અર્જુન તેઓની કુટિરમાં ગયો.તેણે ગુરુ સંદીપને પ્રણામ કરીને કહ્યું,

“ગુરુજી,મારે તમને જે ગુરુ-દક્ષિણા દેવી છે એ માટે મારે તમારી સહાયતાની જરૂર પડશે.”

“તાત્પર્ય?”

“ગુરુજી હું ઈચ્છું છું કે આવતાં વખતે ‘યોદ્ધા’ પ્રતિયોગીતાનું આયોજન તમે કરો."

“અર્જુન!”ગુરુ સંદીપે આશ્ચર્યથી કહ્યું.

“હા ગુરુદેવ.મેં પણ તે દિવસે તમારાં મિત્ર ગુરુ તપન દ્વારા મોકલવામાં આવેલ પત્ર વાંચ્યો હતો માટે હું તમારું વર્ષોજુનું સ્વપ્ન પૂરું કરવાં માંગુ છું અને એ માટે તમારે મારી સાથે વિરમગઢ આવવું પડશે.”

“પુત્ર, હું અહીં આશ્રમમાં અનુપમા અને આર્યાને એકલાં ન છોડી શકું.”

“પરંતુ તેમને પણ આપણી સાથે વિરમગઠ તો લઈ જ શકો ને?”

“ઠીક છે.પુત્ર, તને જો સફળતા મળી તો આ મારા જીવનની શ્રેષ્ઠ ગુરુ-દક્ષિણા હશે.”

“આશીર્વાદ ગુરુદેવ.”અર્જુને ગુરુ સંદીપનાં ચરણસ્પર્શ કરીને કહ્યું.

“વિજયી ભવ.”

અર્જુન ગુરુ સંદીપનાં આશીર્વાદ લઇ પોતાની કુટિરમાં ગયો. તેનું ધ્યાન દુષ્યંત ઉપર પડ્યું.

દુષ્યંત પણ આર્યાની જેમ આજ પ્રાતઃકાળથી જ ઉદાસ હતો.

“ભ્રાતા દુષ્યંત તમારા ચહેરા પરની ઉદાસી ક્ષણમાં જ દૂર થઈ જાય એવા સમાચાર લાવ્યો છું.”અર્જુને કહ્યું.

“શું ભ્રાતા અર્જુન?”વિસ્મયે ઉત્સુકતાથી પૂછ્યું.

“તમેં બધા જાણો જ છો કે દર સાત વર્ષે ‘યોદ્ધા’ પ્રતિયોગીતાનું આયોજન થાય છે.”

“હા.”

“તો એ પ્રતિયોગીતાનો નિયમ છે કે એ વર્ષે એ પ્રતિયોગીતામાં જે શિષ્યનો વિજય થાય,સાત વર્ષ પછી થનારી પ્રતિયોગીતાનું આયોજન કરવાનું સૌભાગ્ય તે શિષ્યનાં ગુરુને મળે છે. માટે હું વિજયી થઇને આપણા ગુરુજીને સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ ‘યોદ્ધા’ પ્રતિયોગીતાનું આયોજન કરવાનું સૌભાગ્ય ગુરુ-દક્ષિણામાં આપવા માંગુ છું.”

“સરસ અર્જુન, તે આ જુસ્સાભરી વાત કરી મારી ઉદાસી ક્ષણભારમાં જ દુર કરી દીધી.”

“નહીં જ્યેષ્ઠ, આનાથી પણ એક સારાં સમાચાર મારી પાસે છે.”

“ક્યાં?”

“એ સ્પર્ધાની તૈયારી કરવા માટે મારે ગુરુજીનાં માર્ગદર્શનની જરૂર પડશે.તેથી ગુરુજી સહપરિવાર આપણી સાથે વિરમગઢ આવી રહ્યાં છે.”

અર્જુનની વાત સાંભળી દુષ્યંત ખુશ થઇ ગયો.

“ભ્રાતા અર્જુન,તમારી વાત સાંભળીને તો જ્યેષ્ઠનો ચહેરો ફૂલોની માફક ખીલી ઉઠ્યો.”વિસ્મયે કહ્યું.તેની વાત સાંભળી બધા હસી પડ્યા અને ગુરુજીનાં પરિવાર સાથે વિરમગઢ જવા માટે નીકળી ગયા.
...

વિરમગઢ

સાતેય રાજકુમારો ગુરુ સંદીપનાં પરિવાર સાથે વિરમગઢ પહોંચ્યા. વિરમગઢને આજે નવી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.બધા જ ઘરોમાં તાજા ફુલોનાં તોરણ બાંધવામાં આવ્યા હતા. નગરજનો પોતાના રાજ્યનાં રાજકુમારોને જોવા માટે ઉમટ્યા હતાં. રાજા સુકુમારે ગુરુ સંદીપ અને તેમનાં પરિવાર માટે રથ મોકલ્યો હતો અને રાજકુમારો માટે તેજસ્વી ઘોડાઓ.બધા રાજકુમારો વિશાળ જનમેદનીને ચીરીને પોતાના ઘોડા પર બેસીને આગળ વધી રહ્યા હતા.પ્રજાજનો તેઓની ઉપર ફુલોની વર્ષા કરી રહ્યા હતા.

બધા પ્રજાજનોને પ્રણામ કરતાં-કરતાં તેઓ રાજમહેલે પહોંચ્યા.ત્યાં શૉર્યસિંહ, રાજા વિરાટ અને તેમનાં પત્ની સુલોચના, સેનાપતિ સુકુમાર અને તેમનાં પત્ની સુલક્ષના તથા બંને રાજકુમારીઓ વૈદેહી અને વેદાંગી એમ સમગ્ર રાજપરિવાર ઉપસ્થિત હતો.વૈદેહી અને વેદાંગીએ બધાંનું આરતી ઉતારીને સ્વાગત કર્યું.

“પ્રણીપાત ગુરુ સંદીપ, તમારું અને તમારાં પરિવારનું વિરમગઢમાં સ્વાગત છે. તમે મારા સાતેય પુત્રોને કુશળ યોદ્ધા બનાવી મારા અને સમગ્ર વિરમગઢ પર ઉપકાર કર્યો છે. તો અમારી મહેમાનગતિ સ્વીકારી અમને તમારી સેવાનો મોકો આપો.”વિરાટે કહ્યું.

ત્યાર બાદ એક પછી એક રાજકુમાર પોતાના પરીવારજનોને મળ્યા.દસ વર્ષો બાદ બધા રાજકુમારો મહેલ પાછા ફર્યા હતા તેથી આખા રાજમહેલમાં ખુશીનું વાતાવરણ હતું.સૂર્યાસ્ત બાદ શાહી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બે-ત્રણ દિવસ પોતાના પરિવાર સાથે વિતાવી ગુરુ સંદીપે અર્જુનને યોદ્ધા સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારીઓ શરૂ કરાવી.અંતે એ સ્પર્ધાનો દિવસ નજીક આવી ગયો. તેથી આર્યા અને અનુપમા સૈનિકો સાથે આશ્રમની મુલાકાત લેવાં રવાના થયાં અને બધા રાજકુમારો શૉર્યસિંહ અને ગુરુ સંદીપ સાથે ગુરુ તપનનાં આશ્રમ તપોવન.

આવનારા પડકારરૂપ સમયથી અજાણ્યો અર્જુન પણ જુસ્સાથી તપોવન જવા નીકળી ગયો.

...