Padmarjun - 5 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૫)

શાંતિ આશ્રમ

સૂર્યાસ્ત થવાં આવ્યો હતો. શ્લોક આશ્રમમાં કામ કરતી સ્ત્રીઓને સુરક્ષિત નગર પહોંચાડી પરત ફરી રહ્યો હતો. ચાલતાં-ચાલતાં તે પદમાને કેરી તોડવામાં સહાયતા કરી એ પ્રસંગ યાદ કરી રહ્યો હતો. એ વાતને એક માસ કરતાં પણ વધારે સમય પસાર થઇ ગયો હતો છતાં પણ એની સ્મૃતિ શ્લોકનાં મગજમાંથી જવાનું નામ નહોતી લેતી. એ પ્રસંગ બાદ પણ અમુક વખત તે બંને ભેગા થયાં હતાં પરંતુ બંને વચ્ચે માત્ર હાસ્યની જ આપ-લે થતી એથી વિશેષ કહી જ નહીં.

શ્લોક આ બધાં વિચારો સાથે જ આશ્રમ તરફ આગળ વધી રહ્યો હતો. તેમાં તેનું ધ્યાન રસ્તા પરના મોટા પથ્થર પર ન પડ્યું. તેથી તેનો પગ પથ્થર સાથે ભટકાયો અને તે નીચે પડી ગયો.

“આ…”


શારદાદેવી પોતાની શિષ્યાઓને નૃત્ય શીખવાડી રહ્યાં હતાં. ઘાયલ થયેલો શ્લોક લંગડાતો-લંગડાતો આશ્રમમાં આવ્યો.પથ્થર સાથે અથડાવવાનાં લીધે તેનાં પગમાં ઊંડો ઘા થઇ ગયો હતો. મેઘા અને પદમા પાકશાળામાં ભોજન બનાવી રહી હતી. પદમા અને મેઘાનું ધ્યાન શ્લોક ઉપર પડ્યું.તે બંને દોડીને શ્લોક પાસે પહોંચી.

“શ્લોક શું થયું?”મેઘાએ પૂછ્યું.

“કંઈ નહીં. રસ્તામાં ખાડો ન દેખાણો. એટલે એમાં પડી ગયો હતો.”શ્લોકે પદ્મિની સામે તીરછી
નજરે જોઈને ખોટું કહ્યું.ત્યાં જ શારદાદેવી ત્યાં આવ્યાં. શ્લોકનાં પગમાં ઊંડો ઘા જોઈને તેઓએ ચિંતાથી પૂછ્યું,

“પુત્ર, શું થયું?”

“માતા, તમે ચિંતા ન કરો. માત્ર નાનો ઘાવ છે. ઔષધિ લગાવી લઇશ એટલે રુઝાઈ જશે.”

“હું તમારા માટે ઔષધિ લઇ આવું.”પદ્મિનીએ કહ્યું.

મેઘા અને શારદાદેવી શ્લોકને કુટિરમાં લઈ ગયાં.થોડાં સમય બાદ પદ્મિની ઔષધિ લઇને આવી.તે શ્લોક પાસે બેઠી અને તેનો ઘાવ સ્વચ્છ વસ્ત્રથી સાફ કર્યો. ત્યાર બાદ એક કુશળ વૈદ્યની માફક ઘાવ પર લેપ લગાવી અને તેનાં પર વસ્ત્ર બાંધી દીધું.

“આ ઔષધિ પી લો.દર્દમાં થોડી રાહત થશે.”પદ્મિનીએ શ્લોકને ઔષધિ આપતાં કહ્યું.

શ્લોકે પદ્મિનીનાં હાથમાંથી ઔષધિ લઈને પીધી.

“પુત્રી, તને ઔષધિઓ વિશે આટલું સારું જ્ઞાન છે એ મને ખબર નહોતી.”શારદાદેવીએ પદ્મિનીનાં વખાણ કરતાં કહ્યું.
આ સાંભળી પદ્મિનીને ભૂતકાળનાં પ્રસંગો યાદ આવી ગયાં.“પુત્રી મને લાગે છે કે તું એક દિવસ મારા કરતાં પણ સારી વૈદ્ય બનીશ.” “તું ખુબ સારી વૈદ્ય છો.”

“અ…હા.”પદ્મિનીએ યાદોમાંથી બહાર આવીને કહ્યું.બહાર આવીને તે વિચારવા લાગી, “કાશ, કાશ મારામાં એક કુશળ વૈદ્ય કે અન્ય કોઈ પણ ગુણો ન હોત.”


સાંદિપની આશ્રમ

આજે સાંદિપની આશ્રમનાં બધા જ રાજકુમારો ઉત્સાહિત હતાં અને સૌથી વધારે ઉત્સાહિત હતાં વિરમગઢનાં છ રાજકુમારો દુષ્યંત, લક્ષ, યુયૂત્સુ,નક્ષ, અર્જુન અને વિસ્મય. કારણકે આજે તેઓનાં દાદાશ્રી શોર્યસિંહ બધાનું નિરીક્ષણ કરવાં આવાનાં હતાં. રાજા વિરાટે પોતાના કાકા શોર્યસિંહને સાંદિપની આશ્રમ મોકલ્યા હતા. વિરાટનાં પિતા એક શક્તિશાળી રાજા હતાં. તેઓનાં શાસનમાં આવ્યાં બાદ વિરમગઢની પ્રતિષ્ઠા ખુબ ઝડપથી ચારે બાજુ પ્રસરી હતી. એક યુદ્ધ દરમિયાન વિરમગઢને વિજય અપાવવામાં તો તેઓ સફળ થયાં પણ પોતાનો જીવ બચાવવામાં નિષ્ફળ રહ્યાં. એ સમયે વિરાટ નાનો હતો. જો શોર્યસિંહ ઇચ્છત તો એ સમયે વિરમગઢનું શાશન પોતાના હાથમાં લઇ શક્યાં હોત, પણ એવું ન કરતાં તેઓએ માત્ર બાર વર્ષની ઉંમરના વિરાટનો યુવરાજ પદ ઉપર રાજ્યાભિષેક કરાવી દીધો. ત્યાર બાદ પોતે જ તેનાં ગુરુ બની તેને રાજનીતિ અને શસ્ત્રોનું જ્ઞાન આપ્યું. આ કારણથી વિરાટને શોર્યનો બહુ આદર કરતો.રાજ્યને લગતાં નાનામાં નાના નિર્ણયોમાં પણ તેની સલાહ અવશ્ય લેતો. તેથી આજે પણ વિરામગઢનાં ભવિષ્ય, છયે રાજકુમારોનું નિરીક્ષણ કરવાં મોકલ્યાં હતાં.
શોર્યસિંહ સાંદિપની આશ્રમમાં પ્રવેશ્યા. તેમનું યુદ્ધ કરીને કસાયેલું શરીર જોઈને કોઈ પણ એમ ન કહી શકે તેમની આયુ છપ્પન વર્ષ હશે.

“પ્રણામ શોર્ય. તમારું મારા આશ્રમમાં સ્વાગત છે.”ગુરુ સંદીપે કહ્યું.

“પ્રણામ ગુરુ સંદીપ.”શોર્યએ બે હાથ જોડીને કહ્યું.
“રાજ્યમાં બધા કુશળ-મંગળ છે ને?”ગુરુ સંદીપે પૂછ્યું.
“હા, બધું જ કુશળ છે.”શોર્યએ જવાબ આપ્યો અને પૂછ્યું, “ગુરુ સંદીપ, હવે મારા પૌત્રોને ક્યારે વિરમગઢ મોકલો છો?તેઓના આ બુઢા દાદાની આંખો તેઓને જોવા તરસી રહી છે.”
“દાદાશ્રી.”તેઓનાં પૌત્રો એકી સાથે બોલ્યાં.શોર્યએ તેઓની તરફ જોયું.
“પ્રણીપાત.”કહી બધા એકીસાથે શોર્યસિંહને પગે લાગ્યા.
“યશસ્વી ભવ.” શોર્યસિંહે આશીર્વાદ આપતાં કહ્યું.
થોડા સમય બાદ બધા રાજકુમારો ક્રીડા આંગણમાં એકઠા થયા. એક-એક કરીને બધાએ પોત-પોતાની રુચિ પ્રમાણેની શસ્ત્ર-વિદ્યા દેખાડી. અન્ય રાજકુમારો સાથે પોતાના પૌત્રોને પોતાના શોર્યનું પ્રદર્શન કરતા જોઈને શોર્યસિંહની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં.બધા રાજકુમારોએ પોતાની આવડત પ્રમાણે પ્રદર્શન કરી લીધું પછી ગુરુ સંદીપ પોતાના સ્થાન પરથી ઉભા થયા અને બોલ્યા,
“શોર્ય, મારે તમને તમારા પૌત્રની હજુ પણ એક સિદ્ધિ દેખાડવી છે.”એટલું કહી ગુરુ સંદીપે અર્જુન સામે જોયું. અર્જુન ગુરુ સંદીપ પાસે આવ્યો. ગુરુ સંદીપે તેની આંખો પર પટ્ટી બાંધી દીધી.ત્યાર બાદ પોતાના હાથમાં પથ્થર લઈ અર્જુનની ચારે તરફ ગોઠવેલ પાણીનાં પાત્રો પર એકદમ મધ્યમાં માર્યાં.ગઇ વખતે અર્જુનથી થોડું ઘણું નિશાન ચુકી જવાઇને જે તીર પાત્રની કિનારી ઉપર લાગતાં હતાં એ તીર આ વખતે પાત્રની બરાબર મધ્યમાં જ લાગ્યાં.
આ જોઈને શોર્યસિંહ પોતાના સ્થાન પરથી ઉભા થયા અને અર્જુનની સામે ઉભા રહીને બોલ્યા,પૌત્ર અર્જુન તે જોયા વગર નિર્જીવ વસ્તુને તો તારી કુશળતાથી વીંધી દીધી પરંતુ હવે હું ઇચ્છું છું કે તું સજીવ એટલે કે પર પ્રહાર કરે.”
“પરંતુ દાદાશ્રી…”અર્જુન કહેવા ગયો પણ શોર્યસિંહ તેની વાત વચ્ચેથી જ કાપીને બોલ્યા,
“પૌત્ર અર્જુન, મારા હાથમાં ઢાળ છે, જે અત્યારે મારુ રક્ષણ કરવા પૂરતી છે. તું નિશ્ચિંત થઈને તીર ચલાવ પરંતુ સ્મરણ રહે, તારા પાસે માત્ર ત્રણ તીર જ વધ્યા છે.’
“જી દાદાશ્રી.”અર્જુને કહ્યું.
શોર્યસિંહ પોતાના સ્થાનેથી થોડાક આગળ વધ્યા. તેમના પગના અવાજ પરથી અંદાજ કાઢીને અર્જુને તેમની તરફ તીર ચલાવ્યું. પણ ત્યાં સુધીમાં તો શોર્યસિંહ નીચે ઝુકી ગયા. તેથી અર્જુનનો વાર નિષ્ફળ ગયો. શોર્યસિંહ મુસ્કુરાયા અને પોતાના હાથમાં રહેલ પથ્થર પોતાની નજીક ડાબી તરફ ફેંકયો. એ પથ્થર નીચે પાંદડા સાથે અથડાતાં અવાજ ઉત્પન્ન થયો. તેથી અર્જુને ત્યાં તીર ચલાવ્યું પણ ફરી તેનો વાર નિષ્ફળ ગયો.
શોર્યસિંહે ફરીથી પોતાના હાથમાં રહેલ પથ્થર સહેજ દૂર ડાબી દિશામાં ફેંકયો અને ફરીથી અવાજ ઉત્પન્ન થયો, અર્જુનનું છેલ્લું વધેલું તીર છૂટ્યું અને ફરીથી વાર નિષ્ફળ ગયો.
શોર્યસિંહ અર્જુનની પાસે આવ્યા અને પોતાના હાથમાં રહેલી ઢાળ વડે હળવેથી અર્જુનનાં માથા પર માર્યું.તેઓએ અર્જુનના આંખો પરથી પટ્ટી હટાવી અને કહ્યું,
“પૌત્ર,નિઃસંદેહ તે ખુબ ટૂંકા ગાળામાં શબ્દભેદી બાણ ચલાવવામાં સિદ્ધતા હાંસિલ કરી છે પરંતુ સ્મરણ રહે ભવિષ્યમાં યુદ્ધ દરમિયાન એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઇ શકે છે કે તારે શબ્દભેદી બાણનો ઉપયોગ કરવો અનિવાર્ય હોય અને તારો દુશ્મન પણ આ વિદ્યામાં કુશળ હોય.એ સમયે એ મેં જેમ કર્યું એ પ્રમાણે તારી સાથે છલ કરી શકે છે. માટે તારે આ વિદ્યામાં સંપૂર્ણ સિદ્ધતા હાંસિલ કરવાં માટે હજુ પણ મહેનત કરવાની જરૂર છે.”
“અવશ્ય દાદાશ્રી. હું આ વિદ્યામાં સિદ્ધતા પ્રાપ્ત કરવા અથાગ પરિશ્રમ કરીશ.”અર્જુને જુસ્સાથી કહ્યું.
અર્જુનને કલ્પના પણ નહોતી કે આ વિદ્યા જ ભવિષ્યમાં એક મોટા ખતરાથી તેનું રક્ષણ કરશે.