Padmarjun - 9 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ -૯)

થોડાં સમય બાદ લક્ષની યોજનાથી અજાણ દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય આવ્યાં અને ભોજન કરીને સુઈ ગયાં.


લક્ષ અને નક્ષ પોતાની પ્રાતઃક્રિયાઓ પતાવી પોતાની કુટિરમાં આવ્યાં. ત્યાં દુષ્યંત, યુયૂત્સુ,અર્જુન અને વિસ્મય ઔષધિની અસરનાં કારણે હજું પણ સૂતાં હતાં.તેઓની તરફ જોઈને લક્ષ અને નક્ષ બંને હસ્યાં અને કુટિરની બહાર ચાલ્યાં ગયાં.

બધાં શિષ્યો ક્રીડાંગણમાં એકઠાં થયાં અને ગુરુ સંદીપને પ્રણામ કર્યા.

“વિરાટપુત્રો અને વિસ્મય ક્યાં છે?”ગુરુ સંદીપે પૂછ્યું.

“ગુરુજી, કાલે સાંજે તેઓ બહું મોડાં આવ્યાં ત્યારે કહેતાં હતાં કે તેઓ થાકી ગયાં છે. માટે કદાચિત તેઓ આરામ કરી રહ્યાં હશે.”નક્ષે કહ્યું.

“આરામ?ઠીક છે કરવાં દો તેમને આરામ?”ગુરુ સંદીપે ગુસ્સાથી કહ્યું.

આ બધું સાંભળીને આર્યા કોઈને ખબર ન પડે એ રીતે દુષ્યંતની કુટીર તરફ બધાંને ઉઠાડવાં ગઈ. તે કુટિરનાં દરવાજા પાસે પહોંચીને ઉભી રહી ગઈ.

“રાજકુમાર.”

“રાજકુમાર દુષ્યંત.”આર્યાએ દરવાજા પાસે ઊભાં રહીને જ અવાજ લગાવ્યો.પરંતુ ઔષધિની અસર હજું ઓછી થઈ નહતી તેથી દુષ્યંત ઉઠ્યો નહીં.આર્યા થોડી વાર સુતેલા દુષ્યંતને જોઈ રહી. ત્યાર બાદ સમયનું ભાન થતાં ફરીથી દુષ્યંતને અવાજ લગાવ્યો.

“રાજકુમાર દુષ્યંત.”

“અરે, બધા કેટલી ગાઢ નિંદ્રામાં છે. શું કરું?તેમની કુટિરમાં પણ ન જઈ શકું. કોઈ જોઈ લે તો.”આર્યાએ કહ્યું.તેણે ફરીથી બુમ પાડી,

“રાજકુમાર.”

આટલી બુમો પાડવા છતાં પણ કોઈ ઉઠ્યું નહીં તેથી આર્યાએ જમીન પર પડેલ એક નાનો પથ્થર ઉઠાવ્યો અને નિશાનો લગાવી દુષ્યંતના પગનાં તળિયે માર્યો.પથ્થર લાગવાથી દુષ્યંત સહેજ હલીને પાછો સુઇ ગયો. તેથી આર્યાએ ફરીથી પથ્થર માર્યો.તેથી દુષ્યંતે ધીમે-ધીમે પોતાની આંખો ખોલી.આ જોઈને આર્યાએ કહ્યું,

“રાજકુમાર દુષ્યંત, ઉઠો.”

દુષ્યંતે આર્યા તરફ જોયું અને હસ્યો.તેણે વિચાર્યું કે કાલે આંખો દિવસ આર્યા વિશે વિચાર્યું એટલે કદાચિત તેનો ભ્રમ હશે. બાકી આર્યા શા માટે તેને ઉથડવા આવે?આ વિચારીને તેને ફરીથી આંખો બંધ કરી દીધી.

“અરે, પાછા કેમ સુઈ ગયાં?”આર્યાએ કહ્યું અને ફરીથી દુષ્યંતના પગ તરફ પથ્થર ફેંકયો જે ભૂલથી તેની બાજુમાં સુતેલા વિસ્મયને લાગી ગયો. વિસ્મયે પોતાની આંખો ખોલી અને આર્યા સામે જોયું. એ જોઈને આર્યા બોલી,

“રાજકુમાર, ઉઠોઓઓઓ.”

આ સાંભળીને વિસ્મય અર્ધનિંદ્રામાં બેઠો અને બાજુમાં સૂતેલા યુયૂત્સુ, દુષ્યંત અને અર્જુનને ઉઠાડ્યા અને નિંદ્રામાં જ કહ્યું,

“જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત,આર્યા તો તમને સપનામાં દેખાવવા જોઈએ ને.તો પછી એ મારાં સપનામાં મને ઉઠાડવા માટે કેમ આવ્યાં છે?”

આ સાંભળીને બાકીનાં ત્રણેય રાજકુમારોએ આર્યા તરફ જોયું અને સફાળા ઊભાં થઇ ગયાં. દુષ્યંતે વિસ્મયના હાથ ઉપર જોશથી પોતાનો હાથ મુક્યો અને મોઢા પર ખોટું હાસ્ય લાવીને કહ્યું,

“અનુજ વિસ્મય, આ તારો ભ્રમ નથી. આર્યા સાચે જ આપણી કુટિરનાં દરવાજે ઉભી છે.”

“શું?”વિસ્મયે પૂછ્યું અને પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો.

“આર્યા, તું વહેલી સવારે અહીં કેમ?”દુષ્યંતે પૂછ્યું.

“વહેલી સવાર?રાજકુમાર,સવાર ક્યારની થઈ ચૂકી છે અને પિતાજી ખુબ ક્રોધિત અવસ્થામાં તમારી રાહ જોઈ રહ્યા છે.”આર્યાએ ચિંતિત સ્વરે કહ્યું.

આ સાંભળીને બધા રાજકુમારો આર્યાનો આભાર માની કુટિરની બહાર નીકળ્યા.

આર્યાને રાજકુમાર વિસ્મયનાં શબ્દો યાદ આવ્યાં, “જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત,આર્યા તો તમને સપનામાં દેખાવવા જોઈએ ને તો…”

“અર્થાત મારો પ્રેમ એકતરફી નથી.”આર્યાએ ખુશ થઇને કહ્યું.

“દુષ્યંતને પણ મારાં માટે લાગણી છે એ જાણીને આજે મારો અધુરો પ્રેમ પૂર્ણ થઈ ગયો.”આર્યાએ પોતાની આંખોમાં આવી ગયેલ આંસુ લૂંછતા કહ્યું.

...

દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય સ્નાન કરી શીઘ્ર ક્રીડાંગણમાં પહોંચ્યા.તેઓએ પોતાનાં શસ્ત્રો હાથમાં લીધાં એટલે તરત જ ગુરુ સંદીપ ક્રોધથી બોલ્યાં,

“ઊભાં રહો.આજે હું જ્યાં સુધી અન્ય શિષ્યોને જ્ઞાન આપું ત્યાં સુધી તમારે પર્વતાસનમાં ઉભું રહેવાનું છે.”

“જી ગુરુજી.”ચારેય રાજકુમારોએ પોતાની આંખો ઝુકાવીને કહ્યું.

“હવે ઉભા રહીને કોની રાહ જોઈ રહ્યા છો?જાવ.”

ગુરુ સાંદિપની આજ્ઞાનાં કારણે તેઓ સવારથી બપોર સુધી અને ત્યાર બાદ બપોરથી સાંજ સુધી પર્વતાસનની સ્થિતિમાં ઉભા રહ્યાં. સૂર્યાસ્ત થયો એટલે ગુરુ સંદીપ તેઓની પાસે આવ્યા અને કહ્યું,

“પુત્રો,ભવિષ્યમાં તમે જ્યારે યુદ્ધમાં જાશો ત્યારે તમારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યુદ્ધ કરવું પડશે અને રાત્રી દરમિયાન યુદ્ધ માટે વ્યુહની ચર્ચા કરવી પડશે. જો તમે માત્ર થોડાં શ્રમથી થાકીને લાંબો આરામ કરશો તો એ કેવી રીતે ચાલશે?તમે ચારેય કુશળ યોદ્ધાઓ છો. મને તમારી પાસેથી આવાં વ્યવહારની અપેક્ષા નહતી.”

“અમને ક્ષમા કરી દો ગુરુદેવ. હવે ભવિષ્યમાં આવી ભુલ ક્યારેય નહીં થાય.”

“ઠીક છે. હું તમને ક્ષમા તો કરી દવ છું પરંતુ તમારે કાલે પણ સજા ભોગવવી પડશે.”

“આજ્ઞા ગુરુદેવ.”

“તમે ચારેય કાલે વન તરફ જડીબુટ્ટીઓ લેવાં જશો. અહીંથી તમને ના ભોજન મળશે કે ન પાણી.તમારે જાતે જ નદીમાંથી પાણી અને વનમાંથી ફળો શોધવાં પડશે.સૂર્યાસ્ત પહેલાં આશ્રમમાં પાછુ આવવાનું અને બીજા દિવસે સવારે સૌથી પહેલાં શિક્ષા માટે મને તમે બધા હાજર જોઈએ.”ગુરુ સંદીપે આજ્ઞા આપીને કહ્યું.

બીજે દિવસે સૂર્યોદય થતાં જ રાજકુમાર દુષ્યંત,યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય વન તરફ ગયાં.

“જ્યેષ્ઠ, મને એ નથી સમજાતું કે આપણાં ચારેયની આંખો કેમ ગઈ કાલે સવારે ન ખુલી.કારણકે તમને અને વિસ્મયને થોડાંક થાકની અસર હતી પરંતુ હું અને ભ્રાતા યુયૂત્સુ તો સ્વસ્થ હતાં.”અર્જુને દુષ્યંતને પૂછ્યું.

“હું પણ એ જ વિચારી રહ્યો છું અર્જુન. આ માત્ર એક સંયોગ જ નથી.”દુષ્યંતે કહ્યું અને તેનું ધ્યાન ચંચળ સ્વભાવનાં વિસ્મય તરફ ગયું જે આજે શાંતિથી ચાલી રહ્યો હતો.

“વિસ્મય, શું થયું?તું કેમ આજે ચુપચાપ ચાલી રહ્યો છે?”

જવાબમાં વિસ્મયે માત્ર નિસાસો નાંખ્યો અને પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુઓ લૂછયાં.

“વિસ્મય, અનુજ તું કેમ રડે છે?”યુયૂત્સુએ ચિંતાથી પૂછ્યું.

વિસ્મય એ ત્રણેયનો સગો ભાઇ નહતો છતાં પણ તેઓ વિસ્મયનું બહું ધ્યાન રાખતાં.

“જ્યેષ્ઠ, આપણી બધાની ઊંઘ ગઈ કાલે સવારે ન ખુલી એ માટે ભ્રાતા લક્ષ અને ભ્રાતા નક્ષ જવાબદાર છે.”

“વિસ્મય, આ તું શું કહી રહ્યો છે?”દુષ્યંતે પૂછ્યું.

“હા જ્યેષ્ઠ, મેં આજે સવારે જ તેઓની વાતો સાંભળી હતી.જેમાં તેઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે તેમની યોજના સફળ થઈ અને મને પણ તમારાં સાથે દંડ મળ્યો એટલે હવે હું તમને છોડીને તેઓની સાથે ચાલ્યો જઈશ.”

“શું તમને બધાને પણ એમ જ લાગે છે કે હું માત્ર દંડ ભોગવવાનાં ડરથી તમારો સાથ છોડી દઇશ?”વિસ્મયે પોતાની આંખો ઝુકાવીને પૂછ્યું.

દુષ્યંતે અર્જુન અને યુયૂત્સુની સામે જોયું.તેઓ વિસ્મયની પાસે આવ્યાં અને તેને ભેટી પડ્યાં.

“વિસ્મય, અમને જ્ઞાર્થ છે કે તું કોઈ પણ કપરી પરિસ્થિતિમાં અમારો સાથ નહીં છોડે અને તું પણ એ સ્મરણ રાખજે કે તારાં આ ત્રણેય જ્યેષ્ઠ ભ્રાતા બધાં જ સંજોગોમાં હંમેશા તારી સાથે રહેશે કારણકે આપણે અલગ-અલગ નથી પરંતુ એક જ છીએ અને આ આપણી એકતા, આપણી એકબીજા પ્રત્યેની નિસ્વાર્થ સ્નેહની લાગણી જ આપણી તાકાત છે. માટે હવે તું આવું વિચારી અમારાં હૃદયને હાનિ ન પહોંચાડતો.” દુષ્યંતે કહ્યું.

આ સાંભળીને વિસ્મય ત્રણેયથી અળગો પડ્યો અને જાણીજોઈને ગંભીર મુખ બનાવીને કહ્યું,

“ભ્રાતા તો તમારે હજુ એક કાર્યમાં મારો સાથ દેવો પડશે.”

“ક્યાં?”

“જડીબુટ્ટીઓ શોધવાનાં.”વિસ્મય હસ્યો અને ફરીથી કહ્યું,

“આપડે ગુરુજીએ આપેલું કાર્ય પૂર્ણ કરીને શીઘ્ર આશ્રમે પહોંચી જઈએ અન્યથા મારાં જ્યેષ્ઠ ભ્રાતાઓ ફરીથી આપણા ભોજનમાં ઔષધિઓ મેળવી દેશે, ફરીથી આપણને ઉઠવામાં વિલંબ થશે અને આ ચક્ર આમ જ ચાલ્યાં કરશે.”

વિસ્મયની વાત સાંભળી ત્રણેય એકીસાથે હસી પડ્યાં.

બપોર સુધીમાં તેઓએ મોટાં ભાગની ઔષધિઓ શોધી લીધી અને વિશ્રામ કરવાં માટે બેઠાં. થોડાં સમય બાદ વિસ્મય બોલ્યો,

“જ્યેષ્ઠ, ભૂખનાં કારણે પેટની હાલત બહુ ખરાબ બની રહી છે.”

“આપણે ફળ શોધવાં થોડું આગળ જવું પડશે.”દુષ્યંતે કહ્યું.

“પરંતુ જ્યેષ્ઠ આપણે આગળ જઈને ફળ શોધીશું તો પછી બાકીની ઔષધિઓ લઈને સુર્યાસ્ત સુધીમાં આશ્રમ નહીં પહોંચી શકીએ અને જો હવે ફળ ન લીધાં તો અશક્તિ આવી જશે.”યુયુત્સુએ કહ્યું.

અર્જુને થોડુંક વિચાર્યું અને કહ્યું, “જ્યેષ્ઠ, એક કામ કરીએ.તમે,ભ્રાતા યુયૂત્સુ અને વિસ્મય આગળ જઇને ફળો શોધી લાવો,ત્યાં સુધીમાં હું બાકી રહેલી ઔષધિઓ શોધી લવ.હું જલ પી લઈશ એટલે થોડો સમય સુધી મને કઇ સમસ્યા નહીં રહે.”

“ઠીક છે અર્જુન,અમે જલ્દી આવી જઈશું.”

અર્જુને થોડાં સમયમાં આજુ-બાજુમાંથી બાકી રહેલ ઔષધિઓ ભેગી કરી લીધી અને બધાની રાહ જોવાં લાગ્યો.

“અરે, બધા ક્યાં રહી ગયા?હવે તો મારી પણ ભૂખનાં લીધે ખરાબ સ્થિતિ થઇ રહી છે. રસ્તામાં જે ફળો મળ્યાં હતાં એ પણ ક્યારનાં પુરાં થઇ ગયાં છે. શું કરું?”

ત્યાં જ અર્જુનનું ધ્યાન તેનાથી થોડી આગળનાં વૃક્ષ ઉપર પડ્યું. તેમાં નાના-નાના ફળો હતાં. એ ઝેરી ફળોથી અજાણ અર્જુને ખુશ થઇને એમાંથી એક ફળ તોડ્યું અને ખાધું.ત્યાર બાદ થોડે દુર એક ઘટાદાર વૃક્ષ દેખાતાં તેની છાયામાં બેઠો.
થોડાં સમય બાદ અચાનક તેની આંખોમાં અંધારા આવવાં લાગ્યાં.

“આ મને શું થઇ રહ્યું છે?”અર્જુને પોતાનાં માથાં ઉપર હાથ રાખતાં કહ્યું.ત્યાંજ તેનું ધ્યાન સામેની ઝાડીઓમાંથી આવતાં વાઘ તરફ પડ્યું.તેણે પોતાની બાજુમાં પડેલ ધનુષ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ તેનાં અશક્ત થઇ ગયેલાં હાથે તેનો સાથ ન આપ્યો. એ વાઘ ધીરે-ધીરે તેની તરફ આગળ વધ્યો અને છલાંગ મારી. અર્જુને પોતાની આંખો બંધ કરી દીધી.ત્યાં જ એક તિર આવ્યું અને વાઘની પીઠમાં ખુંપી ગયું.