Padmarjun - 3 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ ૩)

સાંદિપની આશ્રમ

સૂર્યાસ્ત થવાં આવ્યો હતો. અર્જુન, વિસ્મય, યુયૂત્સુ અને દુષ્યંત આશ્રમની ચારેતરફ જઈને આશ્રમની સુરક્ષાની ચકાસણી કરી રહ્યાં હતાં. લક્ષ અને નક્ષ વિરમગઢનાં સૌથી નાના રાજકુમાર વિસ્મયના સગાં ભાઈઓ હતાં છતાં પણ તેઓ કરતાં વિસ્મયને દુષ્યંત, યુયૂત્સુ અને અર્જુનનો સાથ વધારે ગમતો તેથી પહેલાં મહેલમાં અને અત્યારે આશ્રમમાં વિસ્મય પોતાનો મોટાં ભાગનો સમય તેઓની સાથે જ પસાર કરતો.

સૌ પ્રથમ દુષ્યંત ચાલી રહ્યો હતો અને તેની પાછળ યુયૂત્સુ,વિસ્મય અને અર્જુન. યુયુત્સુએ વિસ્મય સામે જોયું અને તેને ઇશારાની ભાષામાં કંઇક કહ્યું. એ જોઇને વિસ્મયે ગંભીર થવાનો અભિનય કર્યો અને અર્જુનને પૂછ્યું,

“ભ્રાતા અર્જુન,કાલે જ્યારે ગુરુજીએ તમને આર્યા પર તિર ચલાવવાનો આદેશ આપ્યો ત્યારે તમે ગભરાઇ ગયા હતાને?”

આ સવાલ સાંભળી અર્જુને વિસ્મય સામે જોયું. વિસ્મયે દુષ્યંત સામે જોઈને ઇશારો કર્યો. એ જોઈને અર્જુન પોતાનું હાસ્ય દબાવી બોલ્યો,

“હું?ના ના વિસ્મય.હું નહીં. ગભરાઇ તો જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત ગયાં હતાં.”

“હા અર્જુન, તે સાચું કહ્યું અને વિસ્મય, જ્યારે અર્જુને આર્યા તરફ પોતાનું તિર કર્યું ત્યારે આર્યાએ જ્યેષ્ઠ ભ્રાતા સામે જ જોયું હતું એ તું ભુલી ગયો.”યુયુત્સુએ અર્જુનનો સાથ આપતાં કહ્યું.

“હા જ્યેષ્ઠ, ત્યારે જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંતનું મુખ પણ જોવાં જેવું હતું.”વિસ્મયે કહ્યું અને ત્રણેય દુષ્યંતની ટીખળ કરી હસવા લાગ્યાં.

“આ સમય ટીખળ કરવાનો નથી.આપણે અહીં આશ્રમની સુરક્ષાની ચકાસણી કરવાં આવ્યાં છીએ તો એમાં ધ્યાન આપો.”દુષ્યંતે પાછળ ફર્યા વગર જ પોતાનું હાસ્ય દબાવીને કહ્યું.

“જી જ્યેષ્ઠ.”એટલું કહી ત્રણેય દુષ્યંતને અનુસરવા લાગ્યાં.
થોડાં સમય બાદ તેઓ આશ્રમમાં પહોંચ્યા અને ગુરુ સંદીપની પાસે ગયાં.

“ગુરુજી, અમે આશ્રમની ચારે તરફ પરિભ્રમણ કર્યું. અમને કંઈ પણ અનુચિત લાગ્યું નહીં.”દુષ્યંતે કહ્યું.

“ઠીક છે પુત્ર.હવે તમે જઇ શકો છો.”

“પ્રણીપાત ગુરુજી.”ચારેય રાજકુમારે ગુરુ સંદીપને પ્રણામ કર્યા અને પોતાની કુટીર તરફ ચાલ્યાં ગયાં.

થોડાં દુર ઉભા રહીને લક્ષ અને નક્ષ તેઓને જોઇ રહ્યા હતા.
“જ્યેષ્ઠ, કંઇક તો કરવું જ પડશે. નહીં તો આ વિરાટપુત્રો અહીં પણ સૌના પ્રિય થઇ જશે.”નક્ષે કહ્યું.

“હમ્મ...હું પણ સારાં મોકાની રાહમાં જ છું.



શાંતિ આશ્રમ

શારદાદેવી પોતાની પ્રાતઃક્રિયાઓ પતાવી આશ્રમનાં વૃક્ષોને પાણી આપી રહ્યા હતા. ત્યાં જ પદ્મિની સ્નાન કરીને આવી.શારદાદેવીને સામે બેઠેલાં જોઇ પદ્મિની તેમની પાસે ગઇ.

“પ્રણીપાત ગુરુમાં.”

“કલ્યાણ હો પુત્રી.બેસ અહીં મારે તારી સાથે થોડીક વાત કરવી છે.”

“જી ગુરુમાં.”

“પુત્રી, તું અહીં આવી એ પહેલાં ક્યાં રહેતી હતી?”

“મને રહેવાં માટે જ્યાં આશ્રય અને સુરક્ષા મળે ત્યાં થોડો-થોડો સમય રહેતી.”પદ્મિનીએ કહ્યું.

“શું તારાં પરિવારમાં કોઇ નથી?”

પદ્મિનીએ ઉંડો શ્વાસ લીધો અને કહ્યું, “ત્રણ વર્ષ પહેલાં એક દુર્ઘટનામાં મેં ઘણું બધું ગુમાવી દીધું.”

શારદાદેવીએ પદ્મિનીનાં માથાં પર પ્રેમથી હાથ ફેરવ્યો અને લાગણીભીના અવાજે કહ્યું, “પુત્રી, મારો આશય તારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહતો. હું તો ફક્ત મારી ફરજ પ્રમાણે મારાં આશ્રમમાં આવેલ નવાં સભ્ય વિશે માહિતી મેળવી રહી હતી અને એક વાત હજી પણ મારાં મનમાં છે.”

“કંઈ વાત ગુરુમાં?”

“તું આવી ત્યારથી તે તારો ચહેરો ઢાંકીને રાખ્યો છે. એનું શું કારણ?”

“ગુરુમાં, મેં પ્રણ લીધું છે કે હું મારો ચહેરો કોઈ પણ વ્યક્તિ ન જોઈ શકે એ રીતે પડદામાં જ રાખીશ.”

“ઠીક છે.તે પ્રણ લીધું છે તો કંઇક વ્યાજબી કારણ હશે જ.”

“હા.” પદ્મિનીએ ટુંકમાં જવાબ આપ્યો.આ સવાલ સાંભળી તે તેનાં ભૂતકાળમાં સરી પડી. તેનાં કાનમાં કોઇકે કહેલાં શબ્દો પડઘાયાં.

“તું બહું જ સુંદર છો.”આ શબ્દો યાદ આવતાં જ તે થોડી અસ્વસ્થ થઇ ગઇ. પોતાની જાતને સંભાળી તે ઉભી થઇ અને કહ્યું,

“હું મેઘા સાથે મળીને બધાં માટે શિરામણની વ્યવસ્થા કરું છું.”

“ઠીક છે.”

પદ્મિનીએ કુટિરમાં જઇને મેઘાને ઉઠાડી.મેઘા સ્નાન કરીને આવી ત્યાર બાદ બંનેએ થઇને બધાં માટે નાસ્તો બનાવ્યો.

“મેઘા,તું આ આશ્રમમાં કેટલાં સમયથી છો?”પદ્મિનીએ પૂછ્યું.

“લગભગ છ વર્ષથી.”

“તારો પરિવાર?”

“મારી માતા અને શ્લોકની માતા ખુબ સારા સહેલીઓ હતી. શ્લોકનાં માતા આ આશ્રમનાં સંચાલક હતાં તેથી તેઓ શ્લોક સાથે અહીં જ રહેતાં જ્યારે હું મારાં પરિવાર સાથે નગરમાં જ રહેતી. એક દિવસ મારાં માતા-પિતાને લાંબા સફર માટે જવાનું થયું. ત્યારે મારી આયુ માત્ર બાર વર્ષની જ હતી અને માર્ગમાં લૂંટારુનો ભય પણ રહેતો તેથી મારાં માતા-પિતા મને આશ્રમમાં જ ગુરુમાંને સોંપી સફર માટે નીકળી ગયા.”

મેઘાએ પોતાની આંખોમાં આવી ગયેલ આંસુ લૂછયાં અને પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું, “એ સફરમાં લૂંટારુઓએ મારાં માતા-પિતા અને અન્ય પ્રવાસીઓ પર હુમલો કરી દીધો.મારાં પિતા લૂંટારુઓ સાથેનાં ઘર્ષણમાં ત્યાં જ મૃત્યુ પામ્યા અને મારી માતા પણ ખૂબ ગંભીર રીતે ઇઝાગ્રસ્ત થઇ ગઇ. જે પ્રવાસીઓ મારી માતાની જેમ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતાં એ અહીં આશ્રમમાં પરત ફર્યા. મારી માતાને ખુબ ગંભીર ઇજાઓ થઇ હતી તેથી બે દિવસ બાદ તે પણ મૃત્યુ પામી.”એટલું કહી મેઘા રડવા લાગી. પદ્મિનીએ મેઘાની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું,
“શાંત થઇ જા મેઘા.”

શિરામણ બની ગયા બાદ મેઘા બે થાળીમાં નાસ્તો લઇ શારદાદેવીની કુટિરમાં ગઇ. શિરામણ કર્યાં બાદ શ્લોક બોલ્યો,

“મેઘા, આજનો નાસ્તો તો બહું જ સરસ બન્યો છે. કોણે બનાવ્યો છે?”

“પદ્મિનીએ.”

“એ કોણ?”શ્લોકે પૂછ્યું.

“પુત્ર, કાલે જે નવી શિષ્યા આવી છે તેનું નામ પદ્મિની છે.”

“સારું ચાલો.આજથી મેઘાએ બનાવેલાં બેસ્વાદ ભોજનથી તો છુટકારો મળશે.”શ્લોકે કહ્યું.

આ સાંભળી મેઘા મોં ફુલાવીને જતી રહી.

“પુત્ર, તું શા માટે મેઘાને હેરાન કરે છે?”

“માતા, આ આશ્રમમાં તમારાં સિવાય એક મેઘા જ તો છે મારી મિત્ર.તો તું જ જણાવ હું તેનાં સીવાય બીજા કોની સાથે હસી-મજાક કરું?”

...

પાકશાળામાં એકલી પડેલી પદ્મિની વિચારી રહી હતી,
"મેઘા તું ભાગ્યશાળી છો કારણકે તારી પાસે તારાં માતા-પિતા બાદ પણ ગુરુમાં તો છે જેમને તું પોતાના કહી શકે.મારી પાસે તો પોતાના હોવાં છતાં પણ કોઈ પોતાનું મારી સાથે નથી."
....
ક્રમશઃ