MOJISTAN - 65 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 65

મોજીસ્તાન(65)

ભાભા બીજા કુંડાળામાં કુટાઈ ગયા પછી ઉભા થઈ શકે એમ નહોતા.પણ એમણે જોર જોરથી હનુમાન ચાલીસા ગાવાનું શરૂ કરી દીધું. હુકમચંદે ફરીવાર હવામાં ફાયર કરીને રાડ પાડી,

"ખબરદાર....જે હોય તે સામે આવી જાય. નહિતર હું ગોળી મારી દઈશ."

હુકમચંદની રાડ સાંભળીને રવજીએ રાડ પાડી, ''હુકમચંદ તમે ફાયર કરતા નહિ. અંધારામાં ગોળી આપણામાંથી જ કોઈકને લાગી જશે."

"બધા જમીન પર લાંબા થઈ જાવ હું ગોળી ચલાવું છું.."

"હુકમચંદ એમ ગોળી ચલાવવાનો કોઈ ફાયદો નથી. બધા શાંત થઈ જાવ, કોઈ દોડાદોડી ન કરો ; પ્લીઝ શાંતિથી બેસી જાવ..!" ડોકટરે કહ્યું.

એ વખતે હનુમાનચલીસા ગાતા ભાભાના મોંમાં કોઈએ ભજીયા ભરાવી દીધા.

"હું લખમણિયો.. ભાભા હનુમાન ચાલીસા ગાયા વગર ભજીયા ખાવ નકર ગળું દબાવી દઈશ.." ભૂતનો ઘોઘરો અવાજ હવામાં ગુંજી રહ્યોં.

ભાભા ચૂપ થઈને ભજીયા ચાવવા લાગ્યાં. હુકમચંદે એ અવાજ સાંભળીને ભાભાની દિશામાં ફાયર કર્યું.ગોળી સનનન કરતી ભાભાના કાન પાસેથી પસાર થઈ ગઈ.

ભાભાએ ભજીયા ચાવતા ચાવતા કાન પર હાથ મૂકીને રાડ પાડી, "અલ્યા હુકમાં હમણે મારું ભોડું વીંધાઈ જાત,ભલો થઈને ગોળી નો છોડતો.."

હુકમચંદ હાંફળોફાંફળો થઈ ગયો હતો.બંધુક લઈને બધી દિશામાં ફરી રહ્યો હતો.એ જ વખતે કોઈએ એને થપાટ મારીને એના હાથમાંથી બંધુક આંચકી લીધી.

"ઓહોય ઓહોય..મરી જ્યો રે.." કહેતો હુકમચંદ ગડથોલિયું ખાઈને બાજુમાં બેઠેલા સવજી ઉપર પડ્યો.સવજીએ એને ધક્કો મારીને ગબડાવી દીધો.હુકમચંદ હવે ઉભો થવા માંગતો નહોતો.

ભજીયાના પોગ્રામમાં થઈ રહેલી ચીસાચીસ સાંભળીને દોડી રહેલા બાબાની સાથે થઈને ટેમુએ એનો હાથ પકડ્યો.

''બાબા,ઉભો રહે,નક્કી ત્યાં કંઈક બન્યું છે. કોઈ ફાયર કરી રહ્યું છે અને બાકીના બધા રાડો પાડે છે.."

"હા મેં સાંભળ્યું. એટલે તો આપણે જલ્દી ત્યાં જવું જોઈએ,ચાલ જલ્દી..!" બાબાએ ટેમુને ખેંચ્યો.

"પણ તું ઉભો તો રહે. એમ ઉતાવળ કરવાને બદલે પરિસ્થિતિ સમજ." ટેમુએ બાબાને ઉભો રાખી ખિસ્સામાંથી ટોર્ચ કાઢી.

ટેમુએ ચાલતી વખતે કદાચ જરૂર પડશે એમ સમજીને સાથે ટોર્ચ લઈ લીધેલી; એ ટોર્ચનો પ્રકાશ ભજિયાપાર્ટી તરફ ફેંક્યો.ટોર્ચનો પ્રકાશ જોઈ એક હાડપિંજર ટેમુ અને બાબા તરફ દોડ્યું.એની આંખોમાં લાલ અંગારા સળગતા હતાં.

"ભાગ બાબા,આ તો સાચે જ ભૂત લાગે છે.." ટેમુએ ટોર્ચનો ઘા કરીને બાબાને ખેંચ્યો.પણ બાબો એક ડગલું પણ ખસ્યો નહિ.વાંકા વળીને એણે ટોર્ચ ઉઠાવી.ભૂતની દિશામાં ફરી પ્રકાશ ફેંક્યો પણ એના આશ્ચર્ય વચ્ચે પેલું દોડતું આવતું ભૂત ગાયબ હતું.ટેમુ મુઠીયુંવાળીને ઝાંપલી તરફ ભાગ્યો.બાબાએ ભજિયાપાર્ટી તરફ દોટ મૂકી,એના હાથમાં હજી ટોર્ચ શરૂ હતી.

ભજીયા પાર્ટીમાં બધું વેરણછેરણ થઈ ગયું હતું.ભજીયા તળનારો કંદોઈ અંધારામાં થોડો દૂર પડ્યો હતો.હુકમચંદ ગાલ પંપાળતો બેઠો હતો.ભાભા હજી ભજીયા ચાવતા હતાં. રવજી, સવજી અને બીજા બધા ગભરાઈને ચૂપચાપ બેસી ગયા હતા.

''કોણ...? કોણ..સે..? આ બત્તી લયન કોણ આવ્યું ?" સવજીએ બરાડો પાડ્યો.

"હું બાબાલાલ,ભજિયાનો પોગ્રામ હતો એટલે હું ને ટેમુ અહીં આવતા'તા.અમે તમારી બુમો સાંભળીને દોડ્યા,ટેમુએ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. એક હાડપિંજર અમે અમારી તરફ આવતું જોયું.ટેમુ ગભરાઈને ભાગ્યો,પણ મેં બત્તી લઈને આ બાજુ પ્રકાશ ફેંક્યો એટલીવારમાં તો ગાયબ પણ થઈ ગયું.ખરેખર એ ભૂત હતું કે કોઈ માણસ હતું ?''

એ જ વખતે લાઈટ આવી ગઈ. બધાએ એકબીજા સામે જોયું. સૌ પ્રથમ ડોકટર ઉભા થયા.

"બાબાલાલ તારી હિંમતને ધન્યવાદ.પણ સાલું આ ભૂત કે જે હોય તે કંઈ સમજાતું જ નથી. ચાલો હવે ઘરભેગા થઈ જઈએ. કારણ કે હજી લખમણિયો હુમલો કરી શકે છે.એને જે જોઈતું હોય એ આપણે આપવું જ પડશે !"

લાઈટ આવી જતા બધાના જીવમાં જીવ આવ્યો.ભાભાએ ભજીયા થૂંકી નાંખ્યા.

"સવજી ભલો થઈને ઝટ મને ઘેર મૂકી જા.મારા પેટમાં ગરબડ થઈ ગઈ છે.ઘેર પહોંચાય તો સારું.."

"એવું હોય તો અહીં કપાસમાં જઈ આવો ભાભા.ઘેર પોગવાનું સાહસ ન કરાય.ક્યાંક ગાડીમાં જ તમને થઈ જશે તો ઉપાધિ થશે."
સવજીએ કહ્યું.

"પણ કપાસમાં અંધારું છે.અને લખમણિયો અંધારામાં નો કરવાનું કરી બેહે તો હું ગામમાં મોઢું બતાવવા જેવો ન રહું.ભલો થઈને મને મૂકી જા.હાલ ઝટ !"

કંદોઈ થોડે દુર અંધારામાં પડ્યો હતો.એ જગ્યાએ વાડીમાં જતો પાણીનો ધોરીયો હતો.કંદોઈને ભૂતે એ ધોરીયામાં ઢસડેલો હોવાથી એના સફેદ લેંઘા અને ઝભ્ભા અને મોઢા પર કાદવ ચોંટી ગયો હતો. એ ઉભો થઈને ચૂલા પાસે બધા બેઠા હતા ત્યાં આવ્યો.અચાનક અંધારમાંથી એ આવ્યો એટલે હુકમચંદે રાડ પાડી..

"અલ્યા આ લખમણિયો ફરીવાર આવ્યો..ક્યાં છે મારી બંધુક..''

એકાએક બધા ઉભા થઈ ગયા.જાદવ,ભીમો અને ખીમો હજી ચૂલા આગળ લાંબા થઈને પડ્યાં હતાં.લખમણિયાએ એ લોકોના મોં જે જગ્યાએ જમીનમાં દબાવી દીધેલા ત્યાં પાણી ઢોળાયેલું હોવાથી ગારો થયેલો.આ ત્રણેયના મોં એ ગારામાં દબાયા હોવાથી મોં પર ગારો ચોંટી ગયો હતો.

''કદાચ લખમણિયો એના ભાઈબંધોને લયને આ ત્રણ જણના શરીરમાં પ્રવેશ્યો છે.એક ને બદલે ત્રણ ભૂ..ઉં..ત....ભાગો. ભાગો... અલ્યા.." ધોતિયા નો છેડો પકડીને ભાભાએ ઝાંપલી તરફ શરીર ફેરવીને દોટ મૂકી.

"પિતાજી...ઈ.. ઈ..દોડોમાં.. તમે પડી જશો. ઉભા રહો..તમે ઉભા રહો.." કહેતો બાબો ટોર્ચ લઈને ભાભા પાછળ દોડ્યો.

રવજી,સવજી,ગંભુ અને માનસંગ હવે દાઝે ભરાયા હતા.પેલા ત્રણેયને ભૂત સમજીને એ લોકો તરફ દોડ્યા.હુકમચંદ હજી એની પિસ્તોલ શોધતો હતો.

"તારી જાત્યનો લખમણિયો મારું..આવી જા આવી જા.." કહી સવજીએ કંદોઈનો કાંઠલો પકડીને એક તમાચો મારી દીધો.
રવજી,ગંભુ અને માનસંગ પણ જાદવ,ભીમો અને ખીમો કંઈ સ્પષ્ટતા કરે એ પહેલાં એ લોકોને ઢીબવા માંડ્યા. લખમણિયાની દાઝ એ લોકો પર ઉતરી રહી હતી.

ગણપત કંદોઈ ખાધેપીધે ઘણો સુખી હતો.કંઈ સમજ્યા વગર સવજીએ પોતાને લાફો મારી લીધો એટલે એનો મગજ પણ ગયો.સવજીને ધક્કો મારીને ભજીયા તળવાનો ઝારો એણે ઉપાડીને હવામાં વીંજ્યો.હુકમચંદે એ વખતે એક નાળિયેર જેવડો પથ્થર લઈને કંદોઈને મારવા ઘા કર્યો હતો.કંદોઈએ વીંજેલા ઝારામાં એ ગડબો જીલાયો.કોઈ ક્રિકેટર સિક્સ મારે એમ એ ગડબો બોલની જેમ કંદોઈના બળુકા હાથોથી વીંજાએલા ઝારા રૂપી બેટ વડે હવામાં ઉછળ્યો.

બાબો ભાભા પાછળ ટોર્ચ લઈને એમને ઉભા રાખવા રાડો પાડતો જઈ રહ્યોં હતો.ગણપત કંદોઈના ઝારામાંથી વછુટેલો પેલો પથ્થરનો ગડબો બાબના ડેબામાં ઝીંકાયો. લાડવા ખાઈને જામેલો બાબો એ વખતે ભાભાની લગોલગ પહોંચી ગયો હતો.ડેબામાં વાગેલા નાળિયેર જેવડા પથ્થરને કારણે બાબો બેકાબુ થઈને લથડયો.

શરીરનું સમતોલન જાળવવામાં નાકામિયાબ રહેલો બાબો ભાભા પર પડ્યો.આગળ જઈ રહેલી કાર ઉપર ટ્રક ચડી જાય તો શું થાય ? વાડીના ગાડાકેડામાં ભાભા ઊંધેકાંધ પડ્યા અને એમની ઉપર એંશી કિલો વજનનો બાબો પડ્યો.ટોર્ચ પણ હાથમાંથી છૂટીને ફંગોળાઈ ગઈ !

ભાભાનું નાક છોલાઈ ગયું.એમને એમ જ લાગ્યું કે લખમણિયો જ મારી ઉપર પડ્યો...!

"મરી..ગ્યો... રે...મરી ગ્યો... હે ભોળાનાથ તું જ હવે બચાવ..હે હનુમાનજી તમે હાલને હાલ આવો... આ ભૂતડું મારી પાછળ પડી ગિયું છે...હે..ભગવાન..!''

બાબો ઝડપથી ઉભો થયો. જલ્દી દૂર પડેલી ટોર્ચ લઈને એણે પોતાની પાછળ પ્રકાશ ફેંક્યો. પણ ત્યાં કોઈ નહોતું.ઓરડી પાસે કંદોઈને પકડીને ચાર જણ ઢીબતા હતા. પણ કંદોઈ કાબુમાં આવતો નહોતો. રવજી અને સવજીના માથા અને મોં પર એણે ઝારો વગાડ્યો હતો.એ બેઉ ભાઈના માથા અને ચહેરા પરથી લોહી નીકળ્યું હતું.જાદવ,ભીમો અને ખીમો પણ ગંભુ, માનસંગ અને હુકમચંદ સાથે બથોબથ આવ્યા હતા.

"અમે ભૂત નથી..અમને મારોમાં..અમે ભૂત નથી.." જાદવ અને ભીમો રાડો પડતા હતા.પણ ભૂતથી ગભરાયેલા લોકો કંઈ સાંભળવા તૈયાર નહોતા. મોઢામાંથી નીકળે એવી ગાળો બોલતાં બોલતાં એ બધા આ ચારેયને કાબુમાં લેવા મથી રહ્યાં હતાં.કંદોઈ,જાદવ, ભીમો અને ખીમો પણ સ્વબચાવ માટે ઝઝૂમી રહ્યાં હતાં.છાપામાં પાથરેલા ભજીયા છાછ અને ચટણીમાં છૂંદાયા હોવાથી ત્યાં ચીકણું થઈ ગયું હતું.જેનો પગ એમાં પડે એ લપસીને ચતોપાટ પડી જતો હતો.એ ચીકાશમાં લપટીને પડેલા હુકમચંદ પર ખીમો ચડી બેઠો હતો,અને ગંભુ અને માનસંગ એના બાવડાં પકડીને ખેંચી રહ્યાં હતાં,પણ હાડબળુંકો ખીમો મચક આપતો નહોતો.

બાબાએ ભાભાના ચહેરા પર ટોર્ચ ફેંકી. ભાભાના મોઢામાંથી ભજિયાનો રસ બહાર નીકળી રહ્યો હતો અને ભાભા ભાન ગુમાવી બેઠા હતા.

"પિતાજી..પિતાજી...હું છું..હું..હું.. તમારો પુત્ર બાબાશંકર,આંખ ખોલો..અહીં કોઈ ભૂત નથી.." ડેબામાં હાથ લઈ જવાની કોશિશ કરતો બાબો ભાભાને જગાડવા મથી રહ્યોં હતો.

બાબા પાસેથી ભાગેલો ટેમુ ઝાંપલી પાસે આવ્યો ત્યારે એની જાસૂસી કરવા આવેલો ટેમુનો બાપ મીઠાલાલ એની સાઈકલ પર એના બજાજ 80 આગળ આવીને ઉભો હતો. મીઠાલાલ સાઈકલ પર બેઠો હતો.

અંધારામાં ટેમુને સાઈકલ દેખાતી નહોતી. સાઈકલ પર સફેદ કપડાં પહેરીને બેઠેલો મીઠાલાલ, અંધારામાં ટેમુને જમીનથી અધ્ધર હવામાં ઊભેલું ભૂત લાગ્યું.સફેદ કપડા હવામાં લહેરાઈ રહેલા જોઈ ટેમુ ગભરાયો. સવજીની ઓરડી આગળ મચેલી ધમાલનો દેકારો અહીં સુધી સંભળાતો હતો..!

(ક્રમશ :)