Apshukan - 29 books and stories free download online pdf in Gujarati

અપશુકન - ભાગ - 29

આજે મલયકુમારના સ્વર્ગવાસને તેર દિવસ પૂરા થઈ ગયા. તેમના તેરમાની અને વરસી વાળવાની વિધી પૂરી થઈ એટલે માલિનીબેન અને અંતરા મમતાને પોતાના ઘરે લઈ આવ્યાં. કુણાલ પણ સાથે આવ્યો હતો રોકાવા સાથે ગરિમાને પણ કહ્યું હતું, ઘરે રોકાવા આવવા માટે... મમતાને થોડો સધિયારો રહે.

ગરિમાનાં સાસુ પ્રજ્ઞાબેનનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. ગરિમા અને મનોજને કોઇ સંતાન ન થયું. છેલ્લાં થોડાં વર્ષોથી મનોજનો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો ઠપ થઈ ગયો હતો. કસ્ટમરને આકર્ષવા માટે મોંઘી મોંઘી સ્કીમ રાખવામાં મનોજે ધંધામાં ઘણું નુકસાન વેઠવું પડયું. ઘર ચલાવવાના પણ ફાંફાં હતા, પણ ગરિમાનો રૂઆબ જરાય ઓછો થયો નહોતો. ફેશન પાછળ આજેય તે બેફામ ખર્ચા કરતી હતી.

હજુ તો બંને બહેનોને માંના ઘરે રોકાવા આવ્યાને માંડ બે દિવસ થયા હતા, ત્યાં બંને બહેનો પોતાના અસલી રૂપમાં આવી ગઈ હતી. મમતાના મોઢા પર મલયના જવાનો કોઇ વિરહ દેખાતો નહોતો. મસ્ત ખાવું, પીવું અને મજા કરવી.

નસીબે ભગવાને દીકરો કુણાલ ખૂબ જ સમજદાર અને સંસ્કારી આપ્યો હતો, જે માંની કહેલી બધી જ વાત માનતો હતો. કુણાલને ફિકર થતી કે હવે માં પપ્પા વગર કેવી રીતે રહેશે?

પણ મમતા બિન્દાસ્ત હતી. મલયના જવાનુ દુઃખ માંડ એકાદ દિવસ તેના મોઢા પર દેખાયું. મલયે પોતાનો દોઢ કરોડનો ઇનસ્યોરન્સ કઢાવ્યો હતો. જો તેનું મૃત્યુ થાય તો તેના રિફંડનો હક પત્નીનો લાગે. બસ, પછી તો કહેવું જ શું? હવે તો મમતાના બંને હાથ ઘીમાં હતાં. તેનાં સાસુ- સસરા દીકરાના મૃત્યુથી એકદમ ભાંગી પડ્યાં હતાં. દીકરો હતો તો સચવાઈ જતાં હતાં. હવે મમતા જેમ રાખે તેમ… મનમાં સતત એક ફકો હતો કે, 'મમતા અમને બંનેને ઘરમાંથી કાઢી મૂકશે તો?’

જોકે, કુણાલે પપ્પાના મૃત્યુ પછી જયારે દાદા દાદી ખૂબ જ રડતાં હતાં ત્યારે કહી દીધું હતું કે,

દાદા- દાદી, તમે જરાય ફીકર ન કરતાં... પપ્પા નથી તો શું થયું? હું છું ને! હું તમારું ધ્યાન રાખીશ...”

કુણાલ ખૂબ જ ડાહ્યો હતો. માંનું ખૂબ જ ધ્યાન રાખતો. તેને કોઈ ચીજની કમી મેહસૂસ ન થાય તેની પૂરી તકેદારી રાખતો.

...પણ મમતા દીકરાના આ સ્વભાવનો પૂરો ફાયદો ઉપાડતી. ધાર્યું તો એ પોતાના મનનું જ કરતી.

ઘણીવાર આપણી કથિત માન્યતાઓ પર, ઈશ્વર પર વિશ્વાસ બેસતો નથી. કહેવાય છે કે કર્મ સારાં કરો, તો ફળ સારાં મળશે, પણ ઘણીવાર આપણી નજર સામે જ એવા દૃષ્ટ લોકોને આપણે જોઇએ છીએ, જેણે જિંદગીમાં કોઈનું ક્યારેય ભલું કર્યું હોતું નથી. આવા લોકો માત્ર અને માત્ર પોતાના સ્વાર્થ માટે જ જીવતા હોય છે. છતાં આવા લોકો જિંદગીમાં ખૂબ જ સુખી હોય છે. તેમને જીવનમાં તકલીફો આવતી જ નથી!! ત્યારે ખરેખર એ સવાલ થાય કે શું સારા રહેવાની કિંમત ખૂબ જ આકરી ચૂકવવી પડતી હોય છે??

મમતા, ચાલ, આજે આપણે મોલમાં જઈ આવીએ મારે બે ત્રણ કુર્તી લેવી છે.” ગરિમામમતાને કહ્યું.

માલિનીબેન ત્યાં જ બેઠાં હતાં. તેઓ તરત જ બોલ્યાં

હા, હા… એમ કરો, તમે ત્રણેય જઈ આવો ઘરની બહાર નીકળશો તો મન થોડું હળવું થશે.”

કોણ ત્રણ?” ગરિમાએ ભવાં તંગ કરતાં પૂછ્યુ…

તું, મમતા અને અંતરા બીજું કોણ? પર્લ તો ઓફિસે ગઈ છે.” માલિનીબેને કહ્યું.

એમાં અંતરાનું શું કામ છે? રહેવા દે ને! અમને પછી આવતાં મોડું થાય તો તને રસોઈમાં પ્રોબ્લેમ થશે.” ગરિમા છણકો કરતાં બોલી ત્યારે જ અંતરા રસોડામાંથી બહાર આવી રહી હતી. તેણે સાંભળી લીધું.

ના મમ્મી, મને આજે થોડું કામ છે એટલે હું નહિ જઈ શકું.” અંતરાએ બહાનું કાઢતાં કહ્યું.

તું રસોઈની ચિંતા ન કર...એ તો આપણે બહારથી કંઈક મંગાવી લઈશું.” માલિનીબેને અંતરાને ખરાબ ન લાગે એ રીતે વાતને વાળવાનો પ્રયાસ કર્યો.

ના, મને નહિ ફાવે.” કહીને અંતરા પોતાના રૂમમાં જતી રહી.

તું શું બોલે છે ગરિમા? થોડું બોલવાનું ભાન તો રાખ. તમે બંને મોલમાં જાવ અને અંતરાને ન લઈ જાવ તો તેને ખરાબ લાગે ને! એટલે મેં મલાવો કર્યો હતોમનેય ખબર હતી કે અંતરા ના જ પાડશે.” માલિનીબેને અંતરાને સંભળાય નહિ એટલા ધીમા અવાજે ગરિમા પર ગુસ્સો કર્યો.

...પણ અંતરાએ રૂમમાં મમ્મીની આ વાત સાંભળી ત્યારે તેના આંખના ખૂણા ભીના થઈ ગયા...તે વિચારવા લાગી, 'ગમે તેટલું કરો તમારી જાત ઘસી નાખો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી એ સાસુ જ રહે છે જ્યારે દીકરી અને વહુ, એ બંનેમાંથી કોઈ એકનો પક્ષ લેવાની વાત આવે ત્યારે સાસુ હંમેશા દીકરીનો જ પક્ષ લેશે વહુનો નહિ. 'આંગળીથી નખ વેગળા એ વેગળા...’ આ કહેવત એમ જ થોડી પડી હશે!! મારા જેવી કોઈ વહુનું દિલ દુભાયું હશે, ત્યારે જ પડી હશે!” અંતરા મનોમન બબડતી રહી. ગુસ્સો આવતો હતો, પણ કોને કહે?

અંતરા પોતાના રૂમમાં ઉદાસ બેઠી હતી. અત્યાર સુધી પપ્પા હતા, જે હંમેશા તેના સપોર્ટમાં રહેતા મમ્મી છે, પણ ક્યારેસાસુબની જાય તે નક્કી ન હોય!

આવી પરિસ્થિતીમાં પપ્પા હંમેશા કહેતા…

અંતરા, તું આ બધાના બોલવાનું માઠું નહિ લગાડતી હોતારે આ કાનથી સાંભળવાનું અને આ કાનથી કાઢી નાખવાનું.” અને આ વાક્ય બોલે ત્યારે એકદમ ખોટું ખોટું હસે જાણે ખુશ રહેવાનો ડોળ કરતા હોય. અંતરાને પણ ખબર હતી કે આ કૃત્રિમ ખુશી પાછળ બહુ બધું દર્દ છુપાયેલું છે!! પપ્પાનુંય આખી જિંદગી ક્યાં કોઇ પાસે ચાલ્યું હતું! અંદરખાને તો એ દુઃખી જ હતા.

અંતરા અત્યારે પોતાની જાતને વધુ એકલી મહેસૂસ કરી રહી હતી… પોતાનું દિલ ખોલે તો પણ કોની પાસે? વિનીતને આ બધું કહેવાનો કોઈ મતલબ નહોતો, કારણ કે એ બહેનોને કંઈ બોલી શકે તેમ નહોતો…

ઘણીવાર એવું લાગે કે સ્ત્રી પુત્રવધૂ બનીને આવે પછી ગમે તેટલી મહેનત કરી લે, સંબંધોને જોડવાની, તેને ટકાવી રાખવાની પણ જયારે કોઈનો પક્ષ લેવાની વાત આવે ત્યારે લોહીના સંબંધો વધુ મજબૂત થઈ જતા હોય છે

ઈશ્વરે પણ શું કિસ્મત ઘડી છે સ્ત્રીની!! લગ્ન થાય એટલે માં- બાપ માટે પારકી... સાસરે આવીને પોતાની લડાઈઓ પોતે જ લડવાની..માં બાપને ન કહી શકે! તેમને દુઃખ થાય સાસરામાં પચ્ચીસ પચ્ચીસ વર્ષ વિતાવ્યાં પછી પણ તેણે સતત કસોટીમાં ખરું તરવું પડે!! શું કામ?? કારણ... વહુથી ભૂલ ન થવી જોઇએતેનાથી પરિપક્વતાની આશા રખાય...એ જન્મજાત બધું શીખીને જ આવી હોય... જયારે દીકરો? પિસ્તાલીસ વર્ષનો ઢગરો થાય તોય એ હજુ નાનો છેઆ ભેદભાવ કેટલીય સ્ત્રીઓને દરરોજ અંદરથી મારતો હોય છેઅંતરાના મનમાં અત્યારે દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યુ હતું

અંતરા, ચા મૂકી દઉં?” માલિનીબેન ચાના બહાને અંતરાને જોવા આવ્યાં હતાં કે તેનો મૂડ ઠીક છે કે નહી?

મમ્મી, મને હમણાં ચા પીવાની ઈચ્છા નથી.. તમે પી લો…” અંતરાએ માલિની બેન સામે નજર ન મિલાવી

રહેવા દે... હું પણ નથી પીતી. તને ઈચ્છા થાય ને ત્યારે આપણે બંને સાથે પીશું.” માલિનીબેન ખૂબ જ પ્રેમથી બોલ્યાં.

અંતરાનાં લગ્નને અઠ્યાવીસ વર્ષ થઈ ગયાં હતાં. અઠ્યાવીસ વર્ષમાં માલિનીબેન પણ અંતરાને સારી રીતે ઓળખતાં થઈ ગયાં હતાં...તે સમજી ગયાં હતાં કે અંતરાને ખરાબ લાગ્યું છે. માલિની બેનને રિસાયેલાને મનાવતાં ખૂબ જ સારી રીતે આવડતું હતું. થોડી લાગણી દેખાડે એટલે અંતરા તરત જ પીગળી જતી... માની જતી.આ તરકીબને લીધે જ સાસુ- વહુનો સંબંધ ટકી ગયો હતો... અંતરા કયારેય સામે ન બોલતી... પણ ખરાબ લાગે ત્યારે રિસાઈ જરૂર જતી. માલિનીબેન સાથે બોલે નહિઅને માલિનીબેનને બોલ્યા વગર ચાલે નહિ.

ક્રમશઃ