book review -karan ghelo books and stories free download online pdf in Gujarati

બુક રીવ્યુ - કરણ ઘેલો

મારી નજરે પુસ્તક કરણ ઘેલો

ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા કરણ ઘેલો નંદશંકર તુળજાશંકર મહેતાએ ઇ.સ. 1866 માં લખી હતી.

એક વાત સ્વીકારવી પડે કે વ્યાપારી સમૃદ્ધિની સાથે ગુજરાતમાં જ્ઞાન સમૃદ્ધિ પણ એટલી જ હતી. 153 વર્ષ પહેલાં ગુજરાતમાં આવી નવલકથા લખાઈ ત્યારે બીજાં ઉત્તર ભારતીય રાજ્યોમાં સાહિત્ય હજુ ભાંખોડીયાં ભરતું હતું. દક્ષિણમાં પણ એ વખતે કથાકારો આપણા પ્રેમાનંદ કે દયારામ ની જેમ માણ પર તાલ દેતા મુખ્યત્વે ધાર્મિક વાર્તા કરતા. એ વખતે નવલકથા એનાં બધાં જ જરૂરી તત્વો સાથે લખાવી એ ખરેખર કાબિલે દાદ કાર્ય છે. માનશો? આ નવલકથા મૂળ શૈક્ષણિક હેતુથી લખાઈ હતી! તે એટલી લોકપ્રિય બની ગઈ છે કે તેનું મરાઠી અને 2015 માં અંગ્રેજી ભાષાંતર થયું છે અને અન્ય ભાષામાં તેના પરથી ફિલ્મ પણ બની છે.

આ નવલકથામાં અલગ અલગ પાત્રો છે, નવા પ્રસંગો આવતા જાય છે અને કથાપ્રવાહ ક્યારેક લાંબાં વર્ણનોમાં સારી પડે છે પણ રસપ્રદ રીતે સાતત્ય જાળવી રાખે છે. લાંબી વાર્તા જેવી કે નળાખ્યાન કરતાં રીતસર નવલકથાનાં લક્ષણો જેમ કે પ્લોટ, સબ પ્લોટ, બે પ્રકરણો વચ્ચે લિંક, રસભંગ ન થાય તેવો કથા પ્રવાહ - એ બધું જ છે. કહે છે કે આ ગુજરાતી ભાષાની સહુ પ્રથમ નવલકથા હતી.


ગુજરાતનો અંતિમ રાજપૂત રાજવી કરણ ઘેલો ખૂબ વીર અને ચપળ હોવા સાથે ઉતાવળીયો પણ હતો. એ વખતે પણ આંતરિક રાજકારણ ખરાબ હતું. સ્વાર્થ માટે રાજાઓ તેમની જાળમાં ફસાઈને વિદેશીઓને સાથ આપવા લાગતા. આ આંતરિક વિગ્રહોમાં મુસ્લિમો ફાવી ગયા અને હિંદુ રાજવીઓ એ કાવાદાવા માં રાજ્ય ગુમાવી ચુક્યા. કરણ ઘેલો તેમાંનો એક. તેના રાજ્ય માટે મહત્વપૂર્ણ ઘણા નિર્ણયો તે વગર લાંબું વિચાર્યે આવેશમાં જ લઈ નાખતો એટલે તેને કરણ વાઘેલો ને બદલે કરણ ઘેલો કહેવાતો.

કથા 1866માં લખાઈ છે પણ તેની પૃષ્ઠ ભૂમિકા ઇ.સ.1298 ની છે. એ વખતે તુર્ક બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી સામે કરણ વાઘેલો હાર પામે છે અને ગુજરાત મુસ્લિમ શાસકોના હાથમાં જઈ પડે છે. કહેવત છે 'જર, જમીન ને જોરુ એ ત્રણેય કજિયા નાં છોરુ' એમ અહીં પણ લડાઈઓ નાં મૂળમાં સ્ત્રીઓ જ છે.

ટૂંકમાં કથા વિશે જોઈએ.

રાજા કરણ ઘેલો તેના નાગર મંત્રી માધવની અતિ સુંદર પત્ની રૂપસુંદરીને પૂજા કરવા જતી જોઈ તેના પર મોહી પડે છે અને તેની કુબુદ્ધિ તેને એ પરિણીત સ્ત્રીનું અપહરણ કરાવી બળજબરીથી તેને પોતાની રાણી બનાવવા પ્રેરે છે. આ વાત પરથી એ સિદ્ધ થાય છે કે તે વખતે પણ સ્ત્રીઓનું અપહરણ રાજા ઈચ્છે તેમ થતું અને સ્ત્રી માત્ર ભોગવટાનું સાધન હતી.

અપહરણ કરવા આવેલા સૈનિકોનો પ્રતિકાર કરતાં માધવનો લડવામાં કુશળ અને બળવાન ભાઈ કપાઈ મરે છે. તેની પત્ની સતી થાય છે અને એ વખતે એ રાણી દુઃખની મારી આર્તનાદથી રાજાને પરસ્ત્રી હરણ તથા પોતાના પતિની હત્યા માટે શ્રાપ આપે છે કે એનો વંશ નિર્મૂળ થાઓ અને તેનું રાજ્ય નાશ પામો.

માધવ મંત્રી આ શક્તિશાળી રાજા સામે બદલો લેવા દિલ્હીના બાદશાહ પાસે જાય છે તેની મુસાફરીની વિગતે અલગ અલગ પ્રકરણોમાં વાત છે.

રૂપસુંદરી કરણને વશ થતી નથી અને બીજી બાજુ અલ્લાઉદ્દીન ખીલજીએ મોકલેલી ફોજ કરણનું રાજ્ય અણહિલવાડ પાટણ કબજે કરી લે છે. બાકીની રાણીઓ મુસ્લિમોને તાબે થવા કરતાં મોત વહાલું કરે છે પણ પોતાની પુત્રીઓ સાથે પટરાણી કૌળા ભાગી છૂટવામાં સફળ થાય છે. એ સફળતા લાંબી ટકતી નથી. તે પકડાઈ ને ખીલજીના ખંડિયા બાદશાહની શરૂમાં રખાત જેવી બને છે પણ પછી આગળ જતાં પોતાનાં રૂપ અને આવડતથી પટરાણી બની જાય છે. માધવ આબુ, મેવાડ, અજમેર વગેરે ઉત્તરીય રાજ્યોમાંથી પસાર થાય છે. ત્યાં તે લૂંટાય છે અને અનેક અનુભવો થાય છે. તે બધાંનું વર્ણન વચ્ચેનાં પ્રકરણોમાં સુંદર રીતે થયું છે.

કરણ છુપા વેશે બાદશાહને હરાવી ફરી રાજ્ય લેવા યુક્તિ શોધતો ફરતો હોય છે એવામાં શાહજાદાની જન્મદિનની સવારી વખતે એક પાગલ બનેલો હાથી તેને મારી નાખવા પર હોય છે ત્યારે છુપા વેશે રહેલો કરણ તેને બચાવે છે અને એ બાદશાહનો પ્રીતિપાત્ર બની તેને પાટણ પર ચડી આવવા ઉશ્કેરે છે.

કરણ પોતાની પુત્રીઓ સાથે બદલાણા ગામમાં રહે છે જ્યાંથી તેની મોટી પુત્રીનું મુસ્લિમો અપહરણ કરે છે અને નાની માટે ત્યાં ના રાજા ભીમદેવના નાના પુત્રનું માંગુ થાય છે જે ભીમદેવ યાદવ એટલે રાજપૂત કરતાં નીચી યાદવ જ્ઞાતિનો હોઈ શરૂમાં કરણ આ લગ્ન પ્રસ્તાવ મંજુર કરતો નથી. નાની પુત્રી દેશળદેવી માટે કૌળા માંગણી કરે છે અને તેને મેળવવા ફરી ભયાનક સંગ્રામો ખેલાય છે. હતાશ રાજાને કરણ મદદ કરી મુસ્લિમો પર લગભગ વિજય અપાવે છે પણ દેશળ ને લઈ નાસી છૂટતા ભીમદેવ સાવ હારી ગયા હોય છે ત્યારે બગાસું ખાતાં પતાસું મળે તેમ મુસ્લિમ સૈનિકોને તેમનો અને દેશળનો ભેટો થઈ જાય છે. ફરી સંગ્રામ અને અણીના વખતે પોતાના મન માનેલા પતિ પાસે પહોંચવા જ આવેલી દેશળ મુસ્લિમ સરદાર ખીજરાખાનના હાથમાં જઈ પડે છે. સમય એવો આવે છે કે તેને પોતાની માતાના નવા પતિ પાસે પહોચી આખરે તેના શાહજાદા સાથે લગ્ન કરવા પડે છે.

કરણ ફરી હારેલો, અશક્ત અને વૃદ્ધ લાગતો હોવા છતાં પોતે જે રાજા સાથે છે તેને બચાવે છે.

આવા પરાક્રમી રાજવીનો અંત કેવા કરુણ સંજોગોમાં આવે છે એની વાત અંતિમ પ્રકરણમાં છે.

એ વખતના મુસ્લિમ આતતાયી રાજાઓના જુલ્મો, પ્રજાની, ખાસ કરી હિંદુઓ પરની કનડગત, એ વખતે પણ અત્યંત ભારે કરવેરા, માણસ દીઠ જજીયાવેરો, સામુહિક ક્રૂરતા ભરી કતલો અને તેવી સ્થિતિઓનું હૃદયદ્રાવક વર્ણન છે.

લડાઈનાં વિસ્તૃત વર્ણનો તે સમયનાં હથિયારો, વ્યૂહ રચનાઓ, યુદ્ધ લડવાની રીતો - એ બધાંનું તાદ્રશ્ય ચિત્રણ નવલકથાકાર કરે છે.

નવલકથા હોઈ નવલકથાનાં લક્ષણો મુજબ મૂળ કથા પ્રવાહને ડાળીઓ ફૂટતી જાય છે અને કથા ખૂબ રોચક બને છે. પ્રકરણ 14 માં અંતિમ યુદ્ધ નું વર્ણન કોઈ વોર થ્રિલરને પણ આંટી દે તેવું છે.


આજે 2021 માં વાંચતી પેઢીને એ વખતની ગુજરાતી ભાષા મગજમાં થોડી વાગે. ઘણા શબ્દો 'આણી ગમ તેણી ગમ', 'બઇરા છોકરાં,' '.. ને વાસ્તે', 'સઘળું' અને એવા શબ્દો છે કે હું વિચારું છું કે આ ગુજરાતી નવલકથાનું ગુજરાતીમાં ભાષાંતર કરું. આજે બોલાતી ભાષામાં. તે ઉપરાંત પાત્રોના મનોવ્યાપાર ખૂબ લંબાણથી આપ્યા છે. એ આ નવલકથાની નબળી બાજુ કહી શકાય.

13મી સદીનું વાતાવરણ, એ સમયનું લોકજીવન, લોકોની માનસિકતા, રાજપૂતો અને મુસ્લિમોની વિચારસરણી, પરદેશી અને પરધર્મી શાસકોની ક્રૂરતા, ભયાનક યુદ્ધોનાં તાદ્રશ્ય વર્ણન- એ બધું જોવા સમજવા આ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ નવલકથા જરૂર વાંચવા જેવી છે. હા. એની ભાષા 155 વર્ષ પહેલાંની ગુજરાતી છે એ તૈયારી રાખીને.

આ પુસ્તક ક્યાં મળ્યું જાણો છો? કોઈ બુકફેરમાં પણ કુતૂહલવશ તપાસ કરતાં ન મળેલું ઓનલાઈન પ્લેટફોર્મ પર નિઃશુલ્ક મળ્યું. એટલે જ જરૂર વાંચો.

વાંચન સમય 8 કલાક 30 મિનિટ જેવો બતાવ્યો છે પણ દસેક કલાક થાય. કથાનો અમુક ભાગ શરૂ કરો તો મુકવાનું મન ન થાય પણ એકી બેઠકે ઓછામાં ઓછો પોણો કલાક અને વધુમાં વધુ એક કલાક વાંચો. રસ ગળે ને કટકા પડે તેવો આનંદ આવશે. પછી એ બેઠકે વાંચેલું મમળાવો. એમ ટુકડે ટુકડે વાંચવાથી એક નવલકથા વાંચવાની સાચી મઝા આવશે.

-સુનીલ અંજારીયા

Share

NEW REALESED