An expression of love books and stories free download online pdf in Gujarati

પ્રેમની અભિવ્યક્તિ

પ્રેમ
*****
પ્રેમ શબ્દ બોલતા જ આપણા બંને હોઠ બીડાઈ જાય છે અને એકબીજાની લાગણીઓને વ્યક્ત કરતા હોય છે પ્રેમમાં અઢળક લાગણીઓ છુપાયેલી છે .લોકોએ પ્રેમને એવી પરિભાષામાં મૂકી દીધો અને પ્રેમ ને બદનામ કરી દીધો.પ્રેમને બદનામ એવી રીતે કરી દીધો કે પ્રેમ કરીને લોકોએ આત્મહત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું .એક તરફી પ્રેમમાં માણસે પોતાના જીવ ગુમાવી દીધા. કેટલાક લોકોએ વિશ્વાસઘાત રૂપી પ્રેમમાં પોતાનો જીવ ગુમાવી દીધો.

પ્રેમમાં સમર્પણ હોય છે પરંતુ લોકોએ તેમને ગુલામ બનાવી દીધો પ્રેમ ક્યારેક ગુલામ હોતો નથી પ્રેમ કરવો પણ પડતો નથી પ્રેમ તો થઈ જતો હોય છે. પ્રેમનું સ્વરૂપ નિરાકાર છે. પ્રેમ ક્યારેય કોઈના બંધન માં રહેતો નથી પ્રેમ તો ઉછળતો એક કિનારો છે દરિયાનું મોજું છે નદીની જેમ વહેતો રહે છે.

પવિત્ર પ્રેમની ભાષા એટલે એ બીજાના હૃદયમાં છૂપેલી લાગણી. એક બીજાના હૃદયમાં એક ખૂણામાં ભીની સુવાણી લાગણી નો દરિયો એટલે પ્રેમ.

પ્રેમ એક ખીલતું પુષ્પ છે એક હદયની કોમળ કળી છે .જેમ કોમળ કળી ફૂલને તેનું અસ્તિત્વ આપીને નિખારે છે અને આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય બનાવે છે એમ પ્રેમની સુવાસ પણ ફૂલની બિડાયેલી કળી જેવી છે .તે ફૂલની કળીની જેમ ખીલે છે પ્રેમ ક્યારેય પાંજરામાં પૂરતો નથી. પ્રેમ આઝાદ છે. પ્રેમ ખીલતો રહે છે.

પ્રેમની વ્યાખ્યા એટલે એકબીજામાં નિસ્વાર્થ ભાવે તલ્લીન બની જવું પોતાના અસ્તિત્વને ભૂલી જવું અને પ્રેમ કરનાર વ્યક્તિમાં ખોવાઈ જવું .પ્રેમ એટલે રાધા કૃષ્ણનું એક બીજું સ્વરૂપ કારણકે રાધાકૃષ્ણ પ્રેમ નું જીવતું જાગતું ઉદાહરણ છે બંનેના દેહ અલગ હતા પરંતુ આત્મા એક અને
આત્મારૂપી સ્વરૂપમાં સમાયેલી લાગણી એજ પરબ્રહ્મ પ્રેમ.

પ્રેમને ક્યારે બંધનમાં રાખવો ન જોઇએ કારણ કે પ્રેમને જેટલો બંધનમાં રાખશો એટલો ઉભરાઈ ને બહાર આવશે પ્રેમ બળજબરી નથી થઈ શકતો એ તો એકબીજાની ભીની લાગણીઓનો અહેસાસ કરાવે છે. પ્રેમમાં તો ત્યાગની ભાવના હોય એકબીજા માટે બલિદાનની અતૂટ અપેક્ષા હોય. હંમેશા પ્રેમ કરીને પામવું એ પ્રેમ નથી કારણકે પામી લીધા પછી પ્રેમની ભાષા બદલાઈ જતી હોય છે પ્રેમનું મૂલ્ય તો એકબીજાને આ પ્રેમને બળજબરીથી પામીને નથી કરી શકાતો .હંમેશા પ્રેમમાં થોડોક સમય અલગ રહેવામાં આવે તો પ્રેમની સાચી ભાષા શીખવા મળે છે પ્રેમની તડપ શું છે એ જાણવા મળે છે.અને ત્યારે સામેની વ્યક્તિ નું કેટલું મૂલ્ય છે એ જાણવા મળે છે.આપણું દિલ એ વખતે અલગ રહેતી વ્યક્તિને ઝંખતો પ્રેમએ અદભુત હોય છે એનું આલેખન કરવું પણ અશક્ય છે. પ્રેમની વ્યાખ્યા ઓ તો અઢળક છે પરંતુ પ્રેમને માપી શકાય એવી કોઈપણ વ્યાખ્યા બની નથી. પ્રેમ તો કુદરતી સૌંદર્યમાં ખીલતો અમૃતનો કળશ છે આકાશમાં સપ્તરંગી તારલામાં છુપાયેલો ધનુષ્ય રંગીન અદભુત નજારો છે.
પ્રેમ ધરતીના કણેકણમાં સમાયેલો છે પ્રેમની પરિભાષા માં પતિ -પત્નીનો પ્રેમ, પ્રેમિકાનો પ્રેમ ,માતા- પિતાનો પ્રેમ, સંતાનનો પ્રેમ પ્રાણીઓ પ્રત્યે નો પ્રેમ .પાત્રો ભલે અલગ- અલગ હોય પરંતુ પ્રેમ તો ફક્ત એક જ સ્વરૂપમાં છે અને તે છે એકબીજા પર છુપાયેલી લાગણીઓનો દરિયો એકબીજાને જોવાની તમન્ના એકબીજામાં ખોવાઈ જવાની અપેક્ષાઓ .પ્રેમની તડપ તમને પ્રેમનો સાચો અર્થ શું છે એ શીખવે છે.

પ્રેમના પારખા ક્યારેય ન લેવા જોઈએ પ્રેમ કોઈ સોનેરી પીંજરું નથી કે જેનો માપન થઈ શકે. પ્રેમ તો એક આઝાદ પંખી જેમ ઉછળતો દરિયો છે. પ્રેમને પામીને મનુષ્ય આનંદિત થઈ ઊઠે છે .જે વ્યક્તિ ગમતું હોય એને પ્રેમના કહેવાય કારણકે ગમવું અને પ્રેમ કરવો બંને અલગ ભાષા છે .પ્રેમ કરીને પામવાની અપેક્ષા રાખવી એ પણ ખોટું છે પ્રેમ કરવો એટલે તેના અસ્તિત્વમાં પોતાની જાતને તેનામાં સમાવી દેવી. જ્યારે પ્રેમ કરનાર વ્યક્તિ ગમતો હોય એમાં આપણો આત્મા ખોવાઈ જાય અને એનો પણ આત્મા આપણામાં ખોવાઈ જાય ત્યારે એ પ્રેમ પ્રેમનું સ્વરૂપ ધારણ કરે છે .ઘણી વખત એક તરફી પણ પ્રેમ હોય છે. પ્રેમ એકતરફી હોય એમાં કોઈ ગુન્હો નથી.એ પણ પ્રેમ છે. ઈશ્વરની સાધના છે .ઈશ્વરની પ્રાર્થના છે.એમાં છુપાયેલું એક મીઠું અમૃત છે.જે લોકોને આ દુનિયામાં પ્રેમ મળ્યો છે એ ખૂબ જ ભાગ્યશાળી લોકો છે કારણ કે જેને પ્રથમ પ્રેમ થાય છે તેને સ્વર્ગની અનુભૂતિ જેવો અહેસાસ થાય છે કારણ કે પ્રથમ પ્રેમની હૃદયમાં લાગણી અલગ હોય છે એની કોઈ વ્યાખ્યા હોતી નથી પ્રથમ સ્વરૂપે થતો પ્રેમ અલૌકિક હોય છે એવું નથી કે તમે તમારી પત્ની કે પ્રેમિકાને જ પ્રથમ પ્રેમ કર્યો હોય ઘણી વખત આપણને ગમતા મિત્ર સાથે પણ પ્રેમ હોય, માતા-પિતા સાથે પણ હોય ,પ્રાણી પ્રત્યે પણ હોય પરંતુ સૌથી વધારે મહત્વ પ્રેમનું આત્મા સાથેના મિલન સાથેનું છે .પ્રેમમાં વધારે મહત્વ પ્રેમી -પ્રેમિકાને આપવામાં આવે છે પરંતુ ઘણી વખત પત્ની પણ પ્રેમિકા બની શકે પતિ પણ પ્રેમી બની શકે પ્રેમિકા સ્વરૂપ એ પત્ની માટે નથી એવું નથી પત્ની બનીને પણ પ્રેમિકા બને એ પણ સાચો પ્રેમ છે .રુકમણી એ પણ કૃષ્ણને પ્રેમ કર્યો હતો પત્ની બનીને કર્યો પરંતુ તેઓ રહ્યા એક પ્રેમિકાના સ્વરૂપ અઢળક પ્રેમ કર્યો.

ક્યારેક પતિના પ્રેમ અવગણવું નહીં કે પત્નીના પ્રેમને પણ અવગણો નહીં બંનેનો પ્રેમ તો તમને સાત બંધનમાં બાંધે છે પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારે જુદા હોતા નથી .પ્રેમ ક્યારે કહી બતાવતો નથી જ્યારે કોઈ વ્યક્તિ એવું કહે કે તારા પ્રેમ માટે આટલો ભોગ આપ્યો છે કોઈ પણ વ્યક્તિ કહે ;તમારા પ્રેમ માટે મેં ઘણું બધું ગુમાવ્યું છે અરે પ્રેમ માટે તો સાત જન્મ પણ ઓછા પડે અને ગુમાવવું અને મેળવો એ હિસાબ પ્રેમમાં આવતો નથી. જે લોકો પ્રેમમાં અપેક્ષા સાથેના હિસાબ રાખે છે તે પ્રેમ નથી એકબીજા સાથે કરેલ સોદો છે.એક હિસાબનીશ સાથેનો સંબંધ છે. પ્રેમ માટે તો પ્રેમીઓ પોતાના જીવનું બલિદાન આપે છે તોપણ ગણતરીમાં ક્યારે લેતા નથી. લેલા ,મજનુ ...હીર ,રાંઝા તમને ઉદાહરણો દ્વારા માલૂમ પડશે કે એ લોકોએ પોતાના જીવનમાં શું ગુમાવ્યું અને શું મેળવ્યું છે.

આજના જમાનામાં લોકો પ્રેમની ગણતરીઓ હોટલોમાં મુલાકાત, મોંઘીદાટ ગિફ્ટ આ બધુ લેવામાં પડ્યા હોય છે . પ્રેમમાં ભેટ આપવાની આવતી નથી કારણ કે મોંઘામાં મોંઘી ભેટ જ પ્રેમ છે જે વ્યક્તિ નિખાલસ પ્રેમ આપે છે એનાથી મોટી ભેટ કોઈ હોઈ જ ના શકે. પ્રેમમાં માપન ના હોય પ્રેમ માં આપવાનું નથી હોતું .પ્રેમમાં તો લેવાનું પણ નથી હોતું. પ્રેમમાં તો એકબીજાને અહેસાસ કરાવવાનો હોય છે જે એકબીજાને સ્પર્શે છે. તમારે એવું ક્યારેક એવું નથી કહેવું પડતું કે હું તને પ્રેમ કરું છું પ્રેમ થઈ જતો હોય છે સામેની વ્યક્તિ એનો અહેસાસ કરતી હોય છે હવામાં પણ તમારા પ્રેમનું એક હૃદય બિંદુ સામેની વ્યક્તિના હદયમાં જઈને સ્પર્શ કરતું હોય છે ભલે તમે બંને અલગ હોય પણ દૂર રહીને પણ એકબીજાના પ્રેમનો અહેસાસ કરાવે એ જ સાચો પ્રેમ .બીજુ કે પ્રેમની એક ફરજ છે કે ગમતા વ્યક્તિની દરેક ખુશી ગમે તે રીતે પૂરી કરે છે એ પોતાનું ક્યારેય વિચારતો નથી સામેની વ્યક્તિને શું ગમે છે એ વિચારમાં તે પોતાની ખુશીઓ ને પણ ભૂલી જાય છે એને તો પ્રેમ કહેવાય ઈશ્વરના દરબારમાં પ્રેમને મહાન ગણવામાં આવ્યો છે .પ્રેમ ની તુલના રાધાકૃષ્ણના પ્રેમ સાથે કરવામાં આવી છે. ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ એક તરફી પ્રેમમાં પાગલ બનીને એકબીજાને ખૂન કરી દે છે. પ્રેમ ન મળવાથી વ્યક્તિ પોતાની જાતને મારી નાખે છે . આત્મહત્યા કરે છે .શું આ યોગ્ય છે ? પ્રેમ કરીને એની પૂજા કરો ભલે તમને એ પાત્ર નથી મળ્યું પરંતુ તમારા હૃદયના એક ખૂણામાં તેને પ્રભુ તરીકેનું સ્થાન આપી દો .જીવો ત્યાં સુધી પ્રેમને ઈશ્વર માનીને દિલમાં કંડારી દો. એને બતાવવાની જરૂર નથી પરંતુ તમારે આત્મહત્યા કરવાની પણ જરૂર નથી. પ્રેમ કરીને આત્મહત્યા કરે છે એ નબળા લોકો છે. એ તેમની નબળાઈ પુરવાર કરે છે. પ્રેમથી જગ જીતી શકાય છે પ્રેમથી આત્માને મારીને શું લાભ. તમે આત્મહત્યા કરીને પ્રેમને બદનામ કરો છો કારણ કે તમારા ગયા પછી તમારો પરિવાર જે નિર્દોષ હોય તે દોષી બની જાય છે .એમને લોકો વારંવાર એક જ સવાલ પૂછતા હોય છે.એને આત્મહત્યા કેમ કરી ? લોકો જવાબ પણ જાતે આપીને પરિવારને જીવતા મારી નાખે છે.અને કહે છે કે પ્રેમમાં આત્મહત્યા કરી.હું ક્યારેય પણ આત્મહત્યા માં માનતી નથી.
પ્રેમ તો તમને જીવનભર સુધી ખુશ રાખે છે તમને હિંમત આપે છે ,તમને નવું જીવન આપે છે, પ્રેમ ન હોય તો આ દુનિયા ક્યારે ટકી ન હોત ,પ્રેમને સહારે તો આ દુનિયા ટકી રહી છે.. દરેક કુટુંબમાં પ્રેમ ના હોય તો એ કુટુંબો ટક્યા પણ ન હોય દરેક પરિવારમાં પ્રેમની અલગ ભાષા હોય છે અને દરેક પરિવાર પ્રેમ ના સહારે જીવી રહ્યા છે.
પ્રેમની એક બીજી પણ પરિભાષા છે કે તમે જે વ્યક્તિને ચાહતા હોય તે વ્યક્તિને ક્યારેય આંખમાં આંસુ આવે તેવા વચન બોલવા નહીં એને સમજવાની કોશિશ કરવી .પ્રેમમાં એની અંદર છુપાયેલા આંસુ ,તેના વિયોગ અને તેની લાગણીની ભાષાને સમજવાનો પ્રયત્ન કરવો કારણકે પ્રેમનું સ્વરૂપ નિરાકાર છે તે જોવા નથી મળતું પ્રેમ ગુલાબના ફૂલ જેવો છે સવારે જેમ ગુલાબની કળી ખીલતી રહે છે એમ ખીલતો રહે છે પરંતુ ગુલાબની કળી કરમાઈ જાય છે .પરંતુ પ્રેમ ક્યારેય કરમાય નહિ પરંતુ જ્યારે પ્રેમમાં શંકા ,વહેમ અંધશ્રદ્ધા જેવા શબ્દો ઘૂસે છે ત્યારે પ્રેમ કરમાઈ જાય છે પ્રેમ જ્યારે કોઇ ત્રીજી વ્યક્તિ નું જોડાણ થાય છે ત્યારે પ્રેમ માં વિક્ષેપ આવે છે .પ્રેમમાં વિશ્વાસ ખૂબ જરૂરી છે જ્યારે પ્રેમ વિશ્વાસ ન હોય એ પ્રેમ ક્યારેય પણ સફળતાના શિખર સુધી જતો નથી. પ્રેમમાં વિશ્વાસ ભરપૂર હોવો જોઈએ એકબીજા પર લાગણી હોવી જોઈએ પ્રેમમાં જ્યારે દગો, બેવફાઈ આવે છે ત્યારે પ્રેમમાં પૂર્ણવિરામ મૂકાઈ જાય છે .પરંતુ હું માનું છું ત્યાં સુધી જે પ્રેમમાં વિશ્વાસઘાત જેવી વસ્તુ આવે ત્યાં પ્રેમ નથી હોતો ત્યાં ફક્ત તમારા એકબીજાના દિલ સાથે સમાધાન હોય છે.તમે આકર્ષણ સાથે પ્રેમ કર્યો છે.પરંતુ જ્યારે દિલના આકર્ષણથી દિલની અંદર પ્રેમ સ્પર્શ કરે ત્યારે પ્રેમ થાય છે . પ્રેમના બંધનને કોઈ પણ તોડી શકતું નથી .પ્રેમ તો બંને પ્રેમીઓ ની અંદર છુપાયેલી એક આહટ છે અને એ આહટ ફક્ત બે પ્રેમીઓ જ સમજી શકે છે .ત્રીજી વ્યક્તિ એને સ્પર્શી પણ શકતો નથી અને જોઈ પણ શકતો નથી એવો પવિત્ર પ્રેમ જેને મળ્યો છે એ વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી છે અને ઘણા લોકોને એવો પ્રેમ મળે પણ છે પરંતુ ઘણા લોકો સમજવામાં નિષ્ફળ રહે છે .ઘણી વખત અઢળક પ્રેમ કરવાવાળા લોકો પણ જિંદગીની અધવચ્ચે એકબીજાને છોડી દેતા હોય છે પરંતુ એક બીજાને ભૂલીને નવી જિંદગીની શરૂઆત કરવી પણ પ્રેમ કરતા હોય તેવી વ્યક્તિને કોઈ નુકશાન ના પહોંચાડવું.પ્રેમથી અલગ થવું એજ સાચી સમજણ છે.

જીવનમાં પ્રેમને સ્થાન આપવું. પ્રેમ તમને જીવનભર સાથ આપતો રહે છે. પ્રેમ એક નદી રૂપી વહેતું ઝરણું છે પ્રેમને જેટલો વહેવડાવો એટલું વહેતો રહેવાનો છે. પ્રેમ એક સાગર છે .જેની કોઈ સીમા હોતી નથી પ્રેમથી પેટ ના ભરાય એવું કહેનારા લોકો છે પણ સાચા પ્રેમ કરવાવાળા લોકો ભૂખે અને તરસે એ વ્યક્તિ સાથે રહી શકે છે. પ્રેમ શ્રદ્ધાથી, વિશ્વાસથી અને એહસાસથી થાય છે. પ્રેમ એકબીજાના સહવાસને સ્પર્શે છે પરંતુ તેઓ એકબીજા માટે કંઈક કરી શકવું એના માટે હંમેશા તત્પર રહે છે.

પ્રેમ જીવનસાથી સાથે પણ હોય એવું નથી કે ફક્ત પ્રેમિકા માટે માણસ તડપતો રહે છે. પોતાની પત્નીનો પ્રેમ પણ તેને પ્રેમથી બાંધી શકે છે. પોતાના પતિ સાથે પણ એનો જનમોજનમ નો નાતો હોય છે .

એકબીજાના દિલમાં વહેતો રહેતો પ્રેમ સાચો પ્રેમ છે. પ્રેમમાં માણસોએ પોતાની દુનિયાને વિકાસશીલ બનાવી છે. પ્રેમમાં ક્યારે પણ અસત્ય હોતું નથી એકબીજાથી કંઈપણ છુપાવાની જરૂર રહેતી નથી.અને જે પ્રેમમાં અસત્યની દીવાલ ઊભી હોય છે એ લોકો પ્રેમની દીવાલમાંથી સફળ થયી શકતા નથી. પ્રેમની પરિભાષા એક જ છે ,એકબીજા માટે કંઈક કરી છૂટવું, એકબીજાના સુખ અને દુઃખમાં સાથ આપવો હંમેશા તેના ડગલે અને પગલે ચાલવું ,હંમેશા એના દિલની વેદનાને સ્પર્શવી. પ્રેમ કરનાર વ્યક્તિ તેના પ્રેમીની આંખોને વાંચી શકે છે અને જે પોતાના પ્રેમીના આંખોને વાંચી શકે છે એ દુનિયાનો પવિત્ર પ્રેમ કરવાવાળા લોકો હોય છે .એ પવિત્ર પ્રેમ છે. એક ફક્ત અહેસાસ થી કંઈ પણ કહ્યા વિના બધું સમજી જતો હોય છે તે સાચો પ્રેમ હોય છે. પ્રેમ એક આઝાદ પંખીની માફક ઉડતો ઉભરાતો.સ્નેહ છે. એક દીપક છે એના પ્રેમમાં પ્રકાશ જેને મળ્યો છે એવા લોકો ભાગ્યશાળી અને નસીબદાર છે.પ્રેમનું ઝરણું હંમેશા દરેકના જીવનમાં વહેતું રહે..

આભાર

પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
વડસ્મા.જી મહેસાણા