Sajan se juth mat bolo - 30 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 30

પ્રકરણ-ત્રીસમું/૩૦

‘હ્મ્મ્મમ..આઈ થીંક મને એવું લાગે છે કે, મેં આપને પહેલાં પણ કયાંય જોયેલા છે..’
શ્રીધરના અસાધારણ પ્રભાવથી પ્રભાવિત થઇ સ્હેજ શ્રોભિત અને શરમાતાં સપના બોલી..
‘શાયદ, મને પણ એવો ભાસ થાય છે.’
પાંચ ફૂટ સાત ઈંચની હાઈટ ધરાવતો શ્રીધર આશ્ચર્ય સાથે ચેર પરથી ઊભા થઇ સપનાની નજદીક આવી શેકહેન્ડ માટે હાથ લંબાવતા બોલ્યો
‘આવો... વેક્લમ.. આપનો પરિચય ?
આંખોમાં અનેરી તાજગીની ચમક સાથે શ્રીધરની આંખોમાં જોઇને હાથ મિલાવતા જાણે કે, અનન્ય ઉમંગ ,ઉત્સાહ અને ઉષ્માના ત્રિવેણી સંગમની સાક્ષીની સંવેદના સાથે સપના બોલી..
‘જી. માય સેલ્ફ સુનંદા, સુનંદા શાસ્ત્રી.’

‘આવો બેસો.’ બાજુમાં પડેલી રીવોલ્વીંગ ચેર તરફ હાથ લંબાવતા શ્રીધર બોલ્યો.

‘થેન્ક્સ.’ કહી ચેર પર બેસી, વોલ પર ચીપકાવેલા અલગ અલગ ફોટોગ્રાફ્સ પર નજર ફેરવી છતાં સપનાને અહીં ચાલતી પ્રવૃત્તિનો કંઈ ખ્યાલ ન આવ્યો. હજુ સપના કંઈ વિચારે, એ પહેલાં શ્રીધર બોલ્યો..

‘જી ફરમાવો, શું કામ હતું મારું ? ’
દીવાલ પરથી નજર ફેરવી શ્રીધર તરફ જોઈ સપના બોલી..
‘એક્ચ્યુલી.. મારે મિ. દામોદર કાપડીયાને મળવા જવાનું હતું, પણ તેમણે મને અહીં મળવાનું કહ્યું, એટલે હું અહીં આવી છું. હું એક વાત પૂછવા માગું છું.’

‘જી,બોલો.’ દાઢી પર હાથ ફેરવતાં શ્રીધર બોલ્યો.
‘તમારા રહેણાંકની બહાર ગેઇટ પર ‘હોમ ઓફ ઓમ ’ લખ્યું છે, એ મને ખુબ ગમ્યું.
પણ, તે યુનિક નામ અને આ રૂમની દીવાલ પર લાગવેલા જુદી જુદી જાતના ફોટોગ્રાફ્સ સાથેના અનુસંધાન વિષે મને વિસ્તારથી કહેશો.’

હજુ શ્રીધર પ્રત્યુતર આપવાં જાય એ પહેલાં તેના મોબાઈલનો ટોન રણક્યો. સ્ક્રીન પર નામ વાંચતાં સ્મિત સાથે કોલ રીસીવ કરતાં શ્રીધર બોલ્યો.
‘બોલ ડી.કે.’’
પાંચેક મિનીટના વાર્તાલાપમાં
‘જી..’
‘હાં..’
‘જી.. જી.. જરૂરથી..’
‘સ્યોર...’
‘અચ્છા..’
જેવા ટૂંકાક્ષરી ઉત્તર આપતાં દરમિયાન બે થી ત્રણ વાર શ્રીધરે જે રીતે સપના તરફ નજર કરી, એ જોઇને સપનાને અંદાજ આવ્યો કે, કન્વર્સેશન દરમિયાન તેનો જ ઉલ્લેખ થઇ રહ્યો છે.

‘જી, ઠીક છે.’ અંતે એમ કહીને શ્રીધરે વાર્તાલાપ પર પૂર્ણવિરામ મૂકી સપના તરફ જોઈ બોલ્યો..
‘મળી ગયું.’
આશ્ચર્ય સાથે શ્રીધર તરફ જોઈ સપનાએ પૂછ્યું..
‘શું..? શું મળી ગયું ?
‘તમારી પધરામણી અને આંશિક પરિચય, બંનેનું અનુસંધાન.’
ચેર પરથી ઊભા થઈ સ્હેજ હસતાં હસતાં શ્રીધર બોલ્યો...
‘ઓહ્હ.. એ કંઈ રીતે ? નવાઈ સાથે સપનાએ પૂછ્યું
‘ડી.કે. એ કોલ પર કહ્યું એટલે.’ ફરી મોબાઈલ હાથમાં લઇ શ્રીધર બોલ્યો..
‘ડી.કે. એ વળી કોણ ? ફરી અચરજ સાથે સપનાએ પૂછ્યું.
‘ઓહ. સોરી.. ડી.કે. મતલબ દામોદર કાપડિયા. અમે અમારા ગ્રુપમાં પ્રેમથી તેને ડી.કે. તરીકે સંબોધીએ છીએ. એ ટ્રાફિકમાં અટવાઈ ગયો છે, બસ આવી રહ્યો છે થોડા સમયમાં.’

‘એવું તે શું કહ્યું મારા વિશે દામોદરભાઈએ ?’
સાડીનો પાલવ સરખો કરતાં સપનાએ પૂછ્યું.

‘કહું છું પણ, સૌ પહેલાં એ કહો, તમને શું શેર કરવું ગમશે.. ચાઈ, કોફી ઓર એની અધર સોફ્ટડ્રીંક્સ. એઝ યુ લાઇક.’

શ્રીધરનો સાધારણ છતાં ઈમ્રેસીવ લૂક, બોડી લેન્ગ્વેજ અને મધુર દમદાર અવાજના આંશિક પ્રભાવથી સપનાની આંખોમાં ઉતરી આવેલી અનેરી ચમક અને તેના સદાબહાર સ્મિતના મલકાટ સાથે શ્રીધર સામું જોઇને સપના બોલી.

‘જી.. મને આપની પસંદ શેર કરવી ગમશે.’
‘આર યુ સ્યોર ? શ્રીધરે પૂછ્યું.
‘યસ આઈ એમ હન્ડ્રેડ પર્સન્ટ સ્યોર.’ ફરી એ જ અદામાં સપના બોલી
‘ઓહ્હ.. ગણતરીની ઘડીઓમાં સહજ સર્જાયેલા તમારાં આટલા અટલ આત્મવિશ્વાસનું કારણ જાણી શકું ?
મોબાઈલમાં કશુંક સર્ચ કરતાં શ્રીધરે પૂછ્યું.

‘પહેલી નજરે ઉડીને આંખે વળગે એવી તમારી ડીફરન્ટ યુનીક્નેસ.’
તરત જ સપનાએ ઉત્તર આપ્યો.
‘તમારી પારખું નજર કાબિલ-એ-તારીફ છે. હવે ડી.કે, ની વાતને સમર્થન આપતાં કહું તો... ખુબ જમેગા રંગ, જબ મિલ જાયેગે.. હમ આપ ઔર... ગ્રીન ટી. બોલો શું કહો છો ?’
સ્હેજ હસતાં હસતાં શ્રીધરે પૂછ્યું.

‘આમીન.’ મુક્ત મને મલકાતાં સપના બોલી.
‘જસ્ટ એ મિનીટ.’ એમ કહી શ્રીધરે કોલ કરીને રહેણાંકની નજદીકમાં આવેલી
‘હાલ્ફ ગર્લફ્રેન્ડ કોફી કાઉન્ટર’ પર બે સ્પેશિયલ ગ્રીન ટી નો ઓર્ડર આપ્યો.

એ પછી તરત જ સપનાએ પૂછ્યું..
‘હવે સૌ પહેલાં એ કહો કે, દામોદરભાઈની કઈ વાતને તમે સમર્થન આપવાની વાત રહ્યા છો.’

‘ખાસ કંઈ નહીં.. બસ તમે જે કારણથી ડી.કે. ને મળવા આવ્યાં છો, એ વાત.’
કોમ્પ્યુટર સીસ્ટમ પર એક-બે કમાન્ડ આપતાં શ્રીધરે જવાબ આપ્યો.

‘ઓહ્હ.. જો તમે મારી અને દામોદરભાઈની મુલાકાતના સંદર્ભની વાતને સમર્થન આપતાં હો તો હું એમ સમજુ કે મારું કામ થઇ ગયું.’ સપના બોલી..

‘ના..સોરી, તમે માનો છો એટલું એ આસાન નથી. તમે જોબ માટે ડી.કે. ને ભલામણ કરી અને ડી.કે. એ, એ હવાલો મને સોંપ્યો. અને તમને અહીં આવવા માટે જણાવવાનું કારણ કે, મારે તમારો ઈન્ટરવ્યું લેવોનો છે, હવે સમજ્યા, મેડમ સુનંદા શાસ્ત્રી ?
‘ઓહ્હ માય ગોડ..... તેનો મતલબ દામોદર ભાઈએ અત્યાર સુધી આપણી આ પૂર્વ આયોજિત અણધારી મુલાકાતથી તમને અને મને બન્નેને અજાણ રાખી અંધારામાં રાખ્યાં એમ ?

‘હવે એ વાતનો ફોડ તો ડી.કે. અહીં આવીને પાડે પછી જ ખ્યાલ આવે. પણ હાલ હું એવું માનું છું કે, ડી.કે. આવે ત્યાં સુધીમાં આપણે પરસ્પર એકબીજાના પાયાના પરીચયથી અવગત થવું જરૂરી છે. એમ આઈ રાઈટ સુનંદા શાસ્ત્રી. ?

‘હાં, પણ સંબોધન માટે માત્ર સુનંદા પર્યાપ્ત છે, મિસ્ટર શ્રીધર શુક્લા.’
છુટ્ટા કેશને ડાબા ખભા પરથી પાછળ લઇ જતા સપના બોલી.
‘ઓ.કે. પણ હું મિસ્ટર નથી સુનંદા,’
‘તું હું પણ મેડમ નથી શ્રીધર શુક્લા.’ હસતાં હસતાં સપના બોલી..

ત્યાં ઉઘડેલા ડોર પર નોક કરી કોફી કાઉન્ટરનો વેઈટર બે ગ્રીન ટી નું પાર્સલ લઈને અંદર દાખલ થયો.

‘થેન્ક્સ.’ કહી શ્રીધર વેઈટરને પેમેન્ટ આપતાં, તે જતો રહ્યો.
ગ્રીન ટી ભરી, ડિસ્પોઝેબલ ગ્લાસ શ્રીધરે સપના તરફ ધરતાં, સપના બોલી..
‘થેન્ક્સ.’

તેનો ગ્લાસ ભરી, સપના તરફ ઊંચો કરી શ્રીધર બોલ્યો..
‘ચીયર્સ.. પહેલાં ટેસ્ટ વિશે જાણવો પછી તમારા તાર્રૂફ કરવો.’
આલ્હાદક સુગંધ સાથે ધુમ્રસેર નીકળતી ગ્રીન ટી ના ગ્લાસમાં બે હળવી ફૂંક મારી
ચૂસકી ભરી બે સેકંડ બાદ સપના બોલી..

‘આઆ.....આહ.... અદ્દભુત... મને એમ થાય છે કે, મેં પહેલાં કયારેય ગ્રીન ટી નો સ્વાદ માણવાની ગુસ્તાખી કેમ ન કરી..? ખરેખર.. અપ્રતિમ આસ્વાદ.’
‘અચ્છા...પેયની પસંદ અને પ્રસન્નતા પછી હવે તમારા પરિચયની પીછાણ કરવો તો, સંગતના રંગતની મહેફિલ જામશે.’
ચાઈનો ઘૂંટ ભરી ગ્લાસ મૂકતાં શ્રીધર બોલ્યો.

બે ઘડી નીચું જોયા પછી સપના બોલી.
‘અજાણ્યાં નગર, અજાણ્યાં નગરજનો અને અજાણી ડગર પર માત્ર સુનંદા શાસ્ત્રીનું નામ લઈ, પરિચયની પ્રતિમા ઘડવા, પા પા પગલી માંડી રહી છું. આથી અધિક કોઈ ઓળખ નથી મારી. ‘

‘દામોદર સાથે કઈ રીતે પરિચયમાં આવ્યાં, ક્યારથી ?
ફરી ચાઈની ઘૂંટ ભરી દાઢી પર હાથ ફેરવતાં શ્રીધરે પૂછ્યું.
ચહેરા પર સ્હેજ પણ અસમંજસના અણસાર લાવ્યા વગર સહજતાથી સરળ ઉત્તર આપતાં સપના બોલી..
‘હજુ માત્ર બે-ચાર દિવસ પહેલાં જ હું તેમના સંપર્કમાં આવી છું, પણ સાચું કહું તો હજુ પણ હું દામોદરભાઈ કરતાં તેની કલમની કમાલથી વધુ પરિચિત અને પ્રભાવિત છું.’
‘તમારાં ફેમીલી બેકગ્રાઉન્ડ, અભ્યાસ અને જોબની રુચિ અથવા કોઈ અનુભવ વિષે જણાવશો તો ગમશે ?’

થોડીવાર પછી ચાઈ ના બન્ને ખાલી ગ્લાસને ડસ્ટબીનમાં નાખતાં શ્રીધરે પૂછ્યું.

આ સવાલના એંધાણની અગમચેતીથી સપના વાકેફ હતી, એટલે અગાઉથી ઘડીને ગોખી રાખેલી મનઘડત ભૂતકાળની રૂપરેખાનો સારાંશ સાવ સહજતાથી સપનાએ તેની શૈલીમાં કહી સંભળાવ્યો, જે આસાનીથી શ્રીધરના ગળે ઉતરી ગયો..

‘વેલડન.... શિક્ષણ સંસ્થા ગતિવિધિ સાથે તમારો લગાવ અને અનુભવ બન્ને છે, એ વાત જાણીને આનંદ થયો, પણ.. અહીં...’ આગળ બોલતા શ્રીધર થંભી ગયો.

એટલે સપના બોલી..
‘પ્રસ્તાવ ના પ્રત્યુત્તરની પ્રસ્તાવનાના પ્રારંભમાં જ પણ.... ? ’
સ્હેજ હસતાં સપનાએ પૂછ્યું

એટલે ચેર પરથી ઊભા થઇ દીવાલ પર લટકાવેલા બે ફૂટ બાય પાંચ ફૂટની સાઈઝના ફોટોગ્રાફ્સ પાસે જઈને શ્રીધર બોલ્યો..

‘હવે હું તમને અલગ તરી આવતી ‘હોમ ઓફ ઓમ ’ની તમે લીધેલી નોંધને વિસ્તારથી સમજાવું.’

‘હોમ ઓફ ઓમ’ એ મારી એન.જી.ઓ. સંસ્થાનું નામ છે. અને તમે આ ચારેય વોલ્સ પર જે ડીફરન્ટ ચિત્રો જોઈ રહ્યાં છો, એ મારા સંસ્થાની વિવિધ ગતિવિધિઓનો ચિતાર આપી રહી છે. મેં ‘પણ’ શબ્દનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે, મારી સંસ્થા સાથે સંલગ્ન સાથીદારોને હું તેમનું અપેક્ષિત આર્થિક વળતર ચુકવવા માટે હું હજુએ સક્ષમ નથી... એટલે તમે કોઈ ઊંચી રકમની અપેક્ષાના વળતરની આશા લઈને તમે આવ્યાં હશો તો... તમે નિરાશ થશો.’

એટલે સપના પણ ચેર પરથી ઊભી થઇ, શ્રીધરની નજદીક જઈને બોલી,
‘તમે બંધ મુઠ્ઠીમાં જે કંઈ પણ આપશો એ હું આંખ મીચીને લઈ લઈશ બસ.’

‘પણ આ રીતે..ઘોડો ઘાસ સાથે દોસ્તી કરશે તો ખાશે શું ?’
હસતાં હસતાં શ્રીધરે પૂછ્યું.
‘તેના બે કારણ છે, પહેલું કારણ એ કે, મેં મારી માંગ અને મહત્વાકાંક્ષાના મહત્વને મહત્તમ મર્યાદામાં રાખ્યા છે.’ સપના બોલી

‘અને બીજું કારણ ? શ્રીધરે પૂછ્યું
‘અને બીજું કારણ એ કે, જો મનગમતી સફરમાં સમજદાર સાથીનો સંગાથ સાંપડતો હોય તો સોદાબાજી ન કરાય, શ્રીધર.’
ફિતરત મુજબ તેની આગવી અદા અને હાજરજવાબી કળાની કરતબથી સપનાએ આપેલા સચોટ ઉત્તરથી પ્રભાવિત થતાં શ્રીધર બોલ્યો
‘ઇન્ટરેસ્ટીંગ અને ઈમ્રેસીવ.. બાત મેં દમ હૈ.’
‘થેન્ક્સ. હવે મને તમારા એન.જી.ઓ. વિષે વિસ્તારથી જાણવાની ઉત્સુકતા તો છે જ પણ, એ પહેલાં તમારો પરિચય જાણવાની વધુ આતુરતા છે... અને હાં, તેનું કારણ નહીં પૂછતાં..’ એમ કહી સપના હસવાં લાગી.

‘મારા એન.જી.ઓ. સાથે જોડાવા માટે જે પાયાના ગુણોની આવશ્યકતા છે, એ તમારામાં મૌજૂદ છે, એક જીવંતતા અને બીજું સહજ સરળતા અને ત્રીજું અભ્યાસ કરતાં બોહળો અનુભવ. મારી સંસ્થા ખાસ કરીને ઘરેલું હિંસાથી પીડિત અને તેના મૂળભૂત જન્મજાત અધિકારોથી વંચિત સ્ત્રી વર્ગ માટે કાર્યરત છે. અનાથ બાળકો, ગરીબી, લાચારી અને બેજવાબદાર પારિવારિક માહોલના કારણે કંટાળી, ભટકી અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ફંટાઈ ગયેલાં યુવાધનને સાચું માર્ગદર્શન આપી, સમાજમાં એક સન્માનીય સ્થાન આપવું, એ અમારી શાખાની પ્રથામિકતા છે.’

‘ઇટ્સ ટૂ ગૂડ... પણ આ આઈડિયા તમને કયાંથી અને કયારે આવ્યો એ પહેલાં શ્રીધર શુક્લા કોણ છે ? મને એ જાણવાની તાલાવેલી છે.’

‘ફ્લાઈટ લેફ્ટન્ટ અંનતકુમાર શુકલા મારા પિતાનું નામ, ગિરજાદેવી મારી મમ્મી,જે શિક્ષિકા હતાં. હું પંદર વર્ષનો હતો, ત્યારે ફરજ બજાવતાં અચાનક સર્જાયેલા જીવલેણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં મારા પિતાનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઊડી જતાં શહીદ થઇ ગયાં. રાજકીય સન્માન સાથે પપ્પાના અંત્યેશષ્ઠીની રાખ તો થોડા કલાકોમાં ઠંડી પડી ગઈ પણ, વીજળી પડે તેવા કારમા આઘાતની ભારેલાઅગ્નિ જેવી જલન વર્ષો સુધી મમ્મીના રગેરગમાં જલતી અને ફરતી રહી. સમયાંતરે મમ્મીએ તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું. પંડમાં પ્રાણ સિવાય કશું જ નહતું. અંતે બે વર્ષ પહેલાં મમ્મીએ પણ મને છોડીને અંતિમવાટ પકડી લીધી.
અંતિમ વાક્ય સાથે શ્રીધર આંશિક ગમગીન થઇ જતાં રૂમમાં ખામોશી છવાઈ ગઈ.
થોડી ક્ષ્રણો બાદ સ્વને સ્વસ્થ કરતાં શ્રીધર બોલ્યો..

યુવાનીમાં ડગ માંડું એ પહેલાં માત-પિતાની ગંગોત્રી જેવી સ્નેહ સરિતા સુકાઈ જતાં પ્રેમાળ પરિવારમાં અંનત શૂન્યાવકાશ છવાઈ ગયો. કુદરતની અંચઈ જેવી કડવી વાસ્તવિકતાની પીડાને પચાવવા અને પછાડવા મેં સમજદારીથી સદમાને જ શસ્ત્ર બનાવી લીધું. અંતે ગહનચિંતન બાદ વિચાર અંકુર ફૂટતા ઉદ્દભવ થયો,
‘હોમ ઓફ ઓમ’ નો.’
‘સરકારી સહકાર અને એક એન.આર.આઈ. પરમ મિત્રની પ્રારંભિક તબક્કે મળેલી આર્થિક સહાયતા સાથે સતત પરિશ્રમ અને સાથીઓના નિસ્વાર્થ સેવાભાવી સહયોગથી આજે સાત વર્ષ બાદ ‘હોમ ઓફ ઓમ’ના પાયા મજબુત કરવાની સિદ્ધિ હાંસિલ કરવાની કપરી મઝલ કાપી ચુક્યો છું.’

‘પણ તમારી આખી વાતમાં મને તમારી આ સંસ્થાનું નામ ‘હોમ ઓફ ઓમ’ ખુબ સ્પર્શી ગયું. ક્યાંથી સુઝ્યું આવું યુનિક અને ટચી નામ.’ સપનાએ પૂછ્યું.

‘જેમ સૌ નિરાધારનો એક જ આધાર છે, ઈશ્વર. એ ખ્યાલથી સમાજમાંથી તિરસ્કૃત અને તરછોડાયેલાની છત્રછાયા જેવી મઢુલી જેવા આશ્રય સ્થાનનું આથી વધુ સારું નામ બીજું શું હોઈ શકે ?’ શ્રીધર બોલ્યો.

‘અફકોર્સ, હોઈ જ ન શકે, પણ હવે સૌ પહેલાં એ કહો કે, મને તમારા આ સેવાભાવી સંસ્થાની સહભાગી કયારથી બનાવો છો. ? ઉત્કંઠાથી સપનાએ પૂછ્યું.

‘સાચું કહું... ? તમે બોલીવ નહીં કરો.’ શ્રીધર બોલ્યો.
‘ઓહ્હ.. રીઅલી ? તો તો જલ્દી કહો.’ અધીરાઈથી સપના બોલી.

‘તમને પહેલી નજરે જ જોતાં જ થોડી ક્ષણો માટે એવો આભાસ થયો જાણે કે, મારા મિશન માટે ખૂટતી કડીનું અનુસંધાન મને જડી ગયું હોય.’
સપનાની આંખોમાં જોઈ શ્રીધર બોલ્યો.

સ્હેજ શરમાતાં સપના બોલી..
‘હવે હું કહીશ એ તમે નહીં માનો... કારણ, તમને જે જડી ગયું, તેનો સંકેત મને મળી ગયો હતો, એ જ ઘડીએ.’
આશ્ચર્ય સાથે શ્રીધર બોલ્યો..
‘ઇટ્સ એ અનબિલીવેબલ મિરેકલ. એ કેવી રીતે શક્ય બને ? આપણે બન્ને તો કયારેય એકબીજાને મળ્યાં જ નથી. તો પછી ...?

‘એ તો હું પણ નથી જાણતી, પણ તમારું શું મિશન છે ? સપનાએ પૂછ્યું
‘બંધારણ જેવી બંધાયેલી મારી ઈમેજથી કશુંક હટકે કરવાની અદમ્ય ઈચ્છા છે.’

‘અને મને બંધાવાની..’ એવું મનોમન બોલ્યાં પછી સપના બોલી..
‘તો કોણ રોકે છે તમને ?
‘પણ હવે ઈચ્છું છું કે કોઈ રોકે.’ શ્રીધર પણ એવું મનોમન બોલ્યો પછી બોલ્યો.
‘તમે....હાં તમે.. હું તમને અનુરોધ કરું કે. મિશન માર્ગમાં આવતાં અવરોધને તમે હડસેલો તો સફર આસાન રહેશે, અને મનગમતી મંઝીલ પર ધાર્યા કરતાં વહેલા પહોંચી જઈશું.’

શ્રીધર અને સપના બન્ને તેમની આંખોમાં પઝલ જેવી પળોજણનું આંજણ આંજીને પરસ્પર એકબીજાના ગર્ભિત શબ્દોનું મનોમાનીત અર્થઘટન કરી, ધૂંધળા ભવિષ્યને માંજવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ત્યાં જ દરવાજે પડેલા ટકોરા સાથે દામોદર અને પ્રવિણ દાખલ થયાં..

શ્રીધર અને સપના બંનેને ભાવનાત્મક મુદ્રામાં જોઇને પ્રવિણે લલકાર્યું....
‘છુપાના ભી અહીં આટા....’
‘બટાના ભી નહીં આટા....’
‘જટાના ભી નહીં આટા....’
અચનાક પ્રવિણે કરેલી ટીખળથી ઓરડામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.
ત્યારબાદ કલાક સુધી ચારેય વચ્ચે હાસ્યના માહોલ સાથે વાર્તાલાપનો દોર ચાલ્યો અને પછી સૌ છુટ્ટા પડ્યા..

રાત્રે બેડમાં પડ્યા બાદ મોડી રાત સુધી સપનાની નજરમાં પડેલી શ્રીધરની ચુંબકીય નજરની અસર હજુએ ખટક્યા કરતી હતી. સપનાને શ્રીધરની આભા ઘેરી વળી હતી. સહજ, સરળ, સોમ્ય સ્વભાવ, ધમદાર ઘેઘુર ઘુંટાયેલો અવાજ, રતુંબડા હોઠ, ચીકનો એવો કે જોતાં વ્હેત ચીપકી જવાના ઓવર સ્પીડના ઉમળકાને હેન્ડ બ્રેક મારીને રોકવો પડે. અંતે બાજુમાં પડેલા તકિયાને તેની છાતી પર દબાવી આંખો મીચીને ધીમે ધીમે ગણગણવા લાગી...

‘મન ક્યું બહકા રી... બહકા... આધી રાત કો....’

આ બાજુ આવી જ કંઇક મનોદશા શ્રીધરની હતી.. મોડી રાત સુધી શ્રીધર સપનાના પ્રથમ મંજરને એ મીઠી મૂંઝવણ સાથે મમળાવતો રહ્યો કે, ક્યાં જોઈ છે મેં આ છોકરી ને ?

અને આ તરફ ટચલી આંગળી જેવડી મિસાઈલના રૂપમાં સૂર્યદેવને મોકલાવેલી પેન ડ્રાઈવના પ્રત્યાઘાતની આકરી પ્રતિક્ષા બાદ બિલ્લુભૈયા કાફી ધૂંધવાયેલો હતો..
આખરે બિલ્લુ સમજી ગયો કે, પીઠ પાછળ ભેદી રણનીતિ રમવામાં સૂર્યદેવ તેનાથી બે ડગલાં આગળ નીકળ્યો. પણ હજુએ બિલ્લુને સૂર્યદેવ કરતાં સપનાના અણધાર્યા અંજામનો ડર વધુ સતાવતો હતો.

બીજા દિવસની સાંજે..
ગુપ્ત મંત્રણા માટે કલાક પહેલાં અજાણ્યાં સ્થળે મળેલા સૂર્યદેવની વાત શાંતિથી સંભાળ્યા બાદ દિલાવરખાન બોલ્યો..

‘સરજી યે સરાસર નામુમકીન હૈ...આપ જિદ્દ કરતે હૈ તો મેં આપકા સાથ દેને કે લિયે રાજી હૂં... પર ઇસકા અંજામ બહોત બુરા આયેગા દેખ લેના.’

‘બેકસૂર ઔર બેવજહ સાહિલ કા ક્યા અંજામ હુઆ થા ? યાદ હૈ ના ? મેં કિસી કો નહીં મારુંગા દિલાવર પર.. મૌત કે કટઘરે પર લા કર જરૂર ખડા કર દૂગાં, ઇસ બાત મેં કોઈ શક નહીં હૈ.’

‘પર ઐસે ઇન્તેકામ સે આપ કો ક્યા મિલેગા.’ દિલાવરે પુછ્યું..
‘સૂકૂન મિલેગા, મુજે નહીં.. મર્હુમ સાહિલ કી આત્મા કો. જિસ તડપ સે સાહિલ મરા હૈ, ઉસી તડપ સે મૈ સાહિલ કી મૌત કે જિમ્મેદાર કો તડપતા હુઆ દેખના ચાહતા હૂં,’

આક્રોશ સાથે લાલ થયેલી આંખોની લાલી અને અને વેર વાળવાની કટિબદ્ધતાને અંતિમ અંજામ આપવાના કારનામાને કરડાકી ભર્યા અવાજ સાથે કડવીવાણીના સૂરમાં બોલ્યા પછી માંડ સૂર્યદેવની ક્રોધાગ્નિ થોડા અંશે શાંત પડી.

-વધુ આવતાં અંકે..