Mohru - 13 books and stories free download online pdf in Gujarati

મહોરું - 13

(પ્રકરણ : ૧૩)

એન્ટોનિયોએ કલગીને રિવૉલ્વરની ગોળી મારી અને કલગી અધુરી ચીસ સાથે લાશની જેમ જમીન પર પટકાઈ, એટલે અચલ અને બુશરા કલગી તરફ જોઈ રહ્યા. કલગી ઊંધા માથે, પત્થરના પૂતળાની જેમ પડી હતી. તેનો જીવ નીકળી ગયો હોય એમ લાગતું હતું.

‘બિચ્ચારી સાવ ભોળી હતી, જો તમારા બન્નેમાંથી કોઈ એકનું નામ બોલી ગઈ હોત તો આમ પહેલા મરી ન હોત અને થોડીક વધુ પળો જીવી શકી હોત.’ એન્ટોનિયોનો અવાજ કાને પડયો, એટલે અચલ અને બુશરાએ એન્ટોનિયો તરફ જોયું.

‘હવે બોલો, તમારા બન્નેમાંથી કોણ પહેલું મરશે ?!’ એન્ટોનિયોએ વારાફરતી અચલ અને બુશરા તરફ રિવૉલ્વરની અણી તાકી.

અચલ કે બુશરા કંઈ બોલે એ પહેલાં જ ગોળી છુટવાનો અવાજ સંભળાયો અને એન્ટોનિયોની બાજુમાં ઉભેલો કરડી આંખોવાળો આદમી એક ચીસ સાથે જમીન પર પટકાયો. એ પળવાર તરફડયો ને શાંત થઈ ગયો. એન્ટોનિયોએ પાછું વળીને જોયું તો તેને કમ્પાઉન્ડની દીવાલ પરથી ઈન્ટરપોલનો ઑફિસર સમીઉલ નીચે કૂદતો દેખાયો અને એની સાથે જ બીજા વીસ-પચીસ પોલીસવાળા હાથમાં બંદૂકો સાથે દીવાલ પરથી કૂદી આવતા દેખાયા. એ બધાંએ એન્ટોનિયો અને એના આદમી સામે બંદૂકો તાકી રાખી હતી. એમાં રોકસાના પણ હતી. ‘એન્ટોનિયો !’ રોકસાનાએ મોટા અવાજે કહ્યું : ‘તું તારા સાથીઓ સાથે તારી જાતને અમારે હવાલે કરી દે !’

આમ અચાનક જ આવી ચઢેલી પોલીસ પલટન જોઈને એન્ટોનિયો મુંઝાયો.

તો આનો લાભ અચલે લઈ લીધો. અચલે તરાપ મારીને એન્ટોનિયોનો હાથમાંથી રિવૉલ્વર છીનવી લીધી અને તુરત જ રિવૉલ્વરની અણી બાજુમાં ઊભેલી બુશરાના લમણે મુકી દીધી : ‘ઑફિસર !’ અને તેણે સમીઉલ અને રોકસાના તરફ જોતાં ત્રાડ પાડી : ‘તમારી જગ્યા પર જ ઉભા રહેજો, નહિંતર હું બુશરાને ગોળી મારી દઈશ. એ પછી મારું જે કંઈ થવાનું હશે એ થશે, પણ બુશરાનું ખૂન તમારા માથે લખાઈ જશે.’

‘કોઈ ગોળી નહિ છોડતા !’

અચલ અને બુશરા કલગી તરફ જોઈ રહ્યા. કલગી પત્થરના પૂતળાની જેમ પડી હતી. તેનો જીવ નીકળી ગયો હોય એમ લાગતું હતું !

સમીઉલે પોતાના સાથી પોલીસને હુકમ આપ્યો.

‘ગુડ !’ અચલ બોલ્યો અને તેણે જમીન પર પડેલી કલગીની સિકયુરિટી બોન્ડવાળી હેન્ડબેગ ઊઠાવી.

‘જોયું ને, બુશરા !’ રોકસાના પોતાની જગ્યા પર જ ઊભી- ઊભી ઉતાવળે બોલી : ‘તું થોડાંક ડોલર માટે એક પોલીસ ઑફિસર તરીકેની ફરજ ચૂકી અને તેં આવા માણસને સાથ આપ્યો. અત્યારે એ જ તને આમ ઢાલ બનાવીને અહીંથી છટકી જવા...’

‘બસ !’ અચલ ચિલ્લાયો : ‘તારી બકવાસ બંધ કર, અને તારા સાથીઓને લઈને બાજુ પર હટી જા !’

‘નહિ, રોકસાના...!’ રોકસાના કંઈ બોલે એ પહેલાં જ બુશરા બોલી ઊઠી : ‘તું મારા જીવની ફિકર છોડ, પણ હવે આ અચલના બચ્ચાને અહીંથી બહાર નીકળવા ન દઈશ.’

‘ચુપ મર, બુશરા !’ અચલ ચિલ્લાયો.

‘તું ચુપ મર, શયતાન !’ કહેતાં બુશરાએ એક આંચકા સાથે, અચલે તેના લમણે મુકેલી રિવાલ્વરને દૂર ખસેડી દીધી અને અચલથી બે-ત્રણ પગલાં દૂર હટી ગઈ.

‘નહિ !’ તુરત જ રોકસાના અને સમીઉલ તરફ રિવૉલ્વરની અણી તાકતાં અચલ બોલ્યો

‘કોઈ આગળ ન વધતા ! હું કહું છું, એ કરી બતાવું છું.’ અને કોઈ કંઈ સમજે-કરે એ પહેલાં જ અચલે પોતાની રિવૉલ્વર બુશરા તરફ તાકીને ગોળી છોડી દીધી. બુશરા ચીસ સાથે ગોળીના નિશાનમાંથી પોતાની જાતને બચાવવા ગઈ પણ મોડી પડી. ગોળી તેની છાતીમાં ઉતરી ગઈ. તે મરણતોલ ચીસ સાથે જમીન પર પટકાઈ, પળ-બે પળ તરફડી અને શાંત થઈ ગઈ.

‘...જોયું ને, રોકસાના !’ ફરી પાછી પોતાના હાથમાંની રિવૉલ્વરની અણી રોકસાના અને સમીઉલ તરફ તાકતાં અચલ ચિલ્લાયો : ‘હું બોલેલું કરી બતાવું છું. હવે તારા સાથીઓને લઈને બાજુ પર હટ. મને જવા માટે રસ્તો કરી આપ !’ ‘. બાજુ પર હટો !’ રોક્સાના એ તુરત જ પોતાના સાથી પોલીસોને હુકમ આપ્યો. કમ્પાઉન્ડના ઝાંપા તરફ જતા રસ્તા વચ્ચે ઉભેલા પોલીસવાળા દૂર થયા.

અચલ હાથમાંની રિવૉલ્વર સાથે નજીકમાં જ ઉભેલી એન્ટોનિયોની કાર તરફ આગળ વધ્યો.

અત્યાર સુધી શાંત ઊભેલા એન્ટોનિયોએ એ નકકી કરી લીધું હતું કે, ‘તે અચલને અહીંથી પોતાના ડૉલર લઈને જીવતો જવા નહિ દે અને તે પોતે પણ પોલીસના હાથમાં જીવતો નહિ પકડાય.’ અને એટલે એન્ટોનિયોએ રોકસાના અને સમીઉલ તરફ પોતાની રિવૉલ્વર તાકીને આગળ વધી રહેલા અચલ પર છલાંગ લગાવી દીધી અને અચલ સાથે જમીન પર પટકાયો. અચલ પોતાની જાતને સંભાળે એ પહેલાં જ એન્ટોનિયોએ અચલના હાથમાંથી પડી ગયેલી પોતાની રિવૉલ્વર ઊઠાવી લીધી અને સાથે જ અચલને જોરદાર લાત ઝીંકી દીધી. અચલ તેનાથી દૂર ધકેલાયો.

‘બીટ્ટુ, ટોની, શેરુ. ’

બાજુમાં પડેલી સિકયુરિટી બોન્ડવાળી હેન્ડબેગ ઉઠાવી લેતાં એન્ટોનિયોએ પોતાના સાથીઓને હુકમ આપ્યો : ‘. હુમલો કરો !

પોલીસનો એકેય માણસ જીવતો જવો જઈએ નહિ.’ અને તે પોતાની કાર તરફ ધસી ગયો.

એન્ટોનિયોના આદમીઓએ પોત-પોતાની બંદૂકો પોલીસ-વાળા તરફ તાકી, એટલે સમીઉલ બન્ને એકસાથે ચિલ્લાઈ ઊઠયા : ‘સામનો કરો. એકપણ બદમાશ છટકવો ન જોઈએ.’

અને આ સાથે જ રોકસાના અને સમીઉલ તેમજ તેમના સાથી પોલીસવાળા, એન્ટોનિયોના આદમીઓની બંદૂકોમાંથી છુટી રહેલી ગોળીઓથી બચતાં એમની સામે ગોળીઓ છોડવા માંડયા.

તો અત્યાર સુધીમાં એન્ટોનિયો પોતાની કાર પાસે પહોંચીને કારનો દરવાજો ખોલી ચુકયો હતો, તો અચલ પોલીસ અને એન્ટોનિયોના આદમીઓની ગોળીઓની રમઝટથી પોતાની જાતને બચાવતો હવેલીના પાછળના ભાગમાં સરકયો.

પણ અચલ એન્ટોનિયોના ધ્યાન બહાર નહોતો. એન્ટોનિયોએ અચલ તરફ રિવૉલ્વર તાકીને ગોળી છોડી દીધી. અચલ જમીન પર પટકાયો એટલે એન્ટોનિયોએ પોતાની કારને રિવર્સમાં લીધી અને ઝાંપા તરફ વળાવી. રોકસાનાનું બધું જ ધ્યાન એન્ટોનિયો તરફ જ હતું. રોકસાનાએે એન્ટોનિયોની કાર તરફ રિવૉલ્વરની ગોળી છોડવા માંડી, તો સમીઉલ અચલ તરફ દોડી ગયો હતો.

એન્ટોનિયોએ અચલને ગોળી મારી, એટલે અચલ જમીન પર પડી ગયો હતો, પણ બે પળ પછી તે ઉભો થયો હતો. તેને પગમાં ગોળી વાગી હતી. તેણે ઉભા થઈને ફરી હવેલી પાછળ દોડવાનું શરુ કરતાં જોયું હતું તો સમીઉલ રિવૉલ્વર સાથે તેની તરફ ધસી આવી રહ્યો હતો.

તેને ગોળી વાગી હતી અને હવે તે આ પોલીસ ઑફિસરના હાથમાંથી વધુ દૂર જઈ શકવાનો નહોતો એ ખ્યાલ આવી ગયો છતાં ય અચલે પીડાને પરાણે દબાવતાં-લંગડાતી ચાલે આગળ વધવાનું ચાલુ રાખ્યું. પણ દસમા પગલે જ સમીઉલ તેની પીઠ પર ત્રટકયો અને તેને લઈને જમીન પર પટકાયો.

બરાબર એ જ પળે બે પોલીસવાળા નજીક ધસી આવ્યા.

સમીઉલે અચલના હાથમાં હાથકડી પહેરાવતાં બન્ને પોલીસવાળાને અચલને આગળ લઈ આવવાનો હુકમ આપ્યો અને તે હવેલીની આગળની તરફ દોડયો.

ત્યારે હવેલીના આગળના ભાગમાં, કારમાં ભાગી રહેલા એન્ટોનિયો પર રોકસાનાએ જે ગોળીઓ ચલાવી હતી એમાંની એક ગોળી એન્ટોનિયોની કારના ટાયરમાં વાગી હતી અને અત્યારે એન્ટોનિયોની કાર એક ઝાડ સાથે ટકરાયેલી ઉભી હતી.

રોકસાના ચાર પોલીસવાળા સાથે એ કાર તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખીને ધીમે-ધીમે આગળ વધી રહી હતી.

તો સમીઉલે પોતાના સાથીઓએ એન્ટોનિયોના મોટાભાગના આદમીઓને પકડી લીધા હતા એ જોયું અને એન્ટોનિયોને કાબુમાં કરવા માટે રોકસાના પાસે આવી પહોંચ્યો.

અત્યારે એન્ટોનિયોની કારનો પાછળનો ભાગ દેખાતો હતો. આગળ ડ્રાઈવિંગ સીટ પર રહેલો એન્ટોનિયો અહીંથી જોઈ શકાતો નહોતો.

‘અચલ અને તારા સાથીઓ પકડાઈ ચૂકયા છે, એન્ટોનિયો !’ સમીઉલે પોતાની રિવૉલ્વર એન્ટોનિયોની કાર તરફ તાકેલી રાખતાં બૂમ પાડી : ‘હવે તું પણ તારી જાતને અમારે હવાલે કરી દે.’

એન્ટોનિયો તરફથી કોઈ જવાબ મળ્યો નહિ.

હવે એન્ટોનિયોની કાર અને તેમની વચ્ચે છ પગલાંનું અંતર બાકી રહ્યું હતું.

સમીઊલે હાથથી રોકસાના તેમ જ પોતાના સાથીને ઊભા રહેવાનો ઈશારો કર્યો અને કહ્યું

‘એન્ટોનિયો ! તે હથિયારોનો વહેપાર કરીને માનવજાતને ઘણું નુકશાન પહોંચાડયું છે. તેં વેચેલા હથિયારોને કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જાન ગુમાવ્યો છે. અત્યારે હું મારા સાથીઓને તારી પર ગોળીઓ વરસાવવાનો હુકમ આપીશ તોય મને કોઈ રોકનારું નથી. પણ હું ઈચ્છું છું કે, તું તારી જાતને અમારે હવાલે કરી દે.’

અને આ વખતે કારનો ડ્રાઈવિંગ સીટ તરફનો દરવાજો ખુલ્યો અને એન્ટોનિયો બહાર ઢળી આવ્યો. એ અડધો કારની સીટ પર અને અડધો બહાર પડયો રહ્યો. એનો ચહેરો દેખાતો નહોતો.

રોકસાના અને સમીઉલે એકબીજા સામે જોયું. એટલી વારમાં બીજા ચાર પોલીસવાળા દબાતા પગલે નજીક આવીને ઉભા રહ્યા, એટલે સમીઉલે તેમને બધાંને કારને ચારે બાજુથી ઘેરી લેવાનો ઈશારો કર્યો.

ગણતરીની પળમાં જ આઠેય પોલીસોએ એન્ટોનિયોની કારને ચારેબાજુથી ઘેરીને એન્ટોનિયો તરફ બંદૂકો તાકી.

‘એન્ટોનિયો ! તારા આવા બધાં ખેલથી હવે કંઈ નહિ વળે.’ કહેતાં સમીઉલ એન્ટોનિયો તરફ આગળ વધ્યો. રોકસાના પણે આગળ વધી. લાશની જેમ પડેલો એન્ટોનિયો અચાનક જ હરકતમાં આવીને તેમની તરફ રિવૉલ્વરની ગોળી છોડી શકે એમ હતો !

તેઓ બીજા બે પગલાં આગળ વધ્યા. એન્ટોનિયો એ જ રીતના પડયો રહ્યો. હવે એન્ટોનિયો અને તેમની વચ્ચે ફકત બે પગલાંનું અંતર બાકી રહ્યું હતું.

સમીઉલ અને રોકસાનાએ બન્નેએ એકબીજા સામે જોયું અને પછી રોકસાના કારની ડાબી તરફ તો સમીઉલ જમણી તરફ-સીધો જ એન્ટોનિયો તરફ ધસ્યો. તે લાંબી ફર્લાંગો ભરતો એન્ટોનિયો નજીક પહોંચ્યો અને એન્ટોનિયોના ચહેરા તરફ રિવૉલ્વર તાકી, તો કારની બીજી તરફની બારીમાંથી રોકસાનાએ અડધા અંદર સીટ પર પડેલા એન્ટોનિયો તરફ રિવૉલ્વર તાકી.

બન્ને એન્ટોનિયો તરફ જોઈ રહ્યા. એન્ટોનિયોના મોઢામાંથી ફીણ નીકળેલા હતા. એની આંખો ખુલ્લી હતી. એનો જીવ નીકળી ચૂકયો હતો.

સમીઉલ અને રોકસાનાને ખ્યાલ આવી ગયો. એન્ટોનિયો કાતિલ ઝેર ખાઈને મોતને ભેટી ગયો હતો.

સમીઉલે નિશ્વાસ નાંખ્યો ને પોતાના સાથીને એન્ટોનિયોની લાશની કામગીરી સોંપીને સોકસાના સાથે અચલ તેમ જ એન્ટોનિયોના પકડાયેલા આદમીઓ પાસે પહોંચ્યો.

‘તમને...’ અચલે ધુંધવાટ સાથે પૂછયું : ‘...તમને લોકોને અમારા વિશે કેવી રીતના ખબર પડી ?!’

‘અમે તમારી પર કયારથી નજર રાખી રહ્યા હતા, પણ અમે તમને રંગે હાથ પકડવા માંગતા હતા.’ રોકસાનાએ કહ્યું : ‘અને છેવટે તમે પકડાઈ ગયા.’

‘આમ પણ તમારે પકડાયા વિના છુટકો જ કયાં હતો ?!’ સમીઉલ બોલ્યો : ‘વહેલા કે મોડે અચ્છાઈની જ જીત થાય છે અને બુરાઈએ જ સજા ભોગવવી પડે છે.’ અને સમીઉલે અચલને પકડીને ઉભેલા પોલીસવાળાને હુકમ આપ્યો : ‘આને લઈ જાવ.’

અત્યાર સુધીમાં, કમ્પાઉન્ડની બહાર ઊભી રખાયેલી પોલીસ કાર અંદર આવી ચૂકી હતી. એ જીપોમાં અચલની સાથે જ એન્ટોનિયોના આદમીઓને પણ બેસાડવામાં આવ્યા. એ બધી પોલીસ કાર ત્યાંથી આગળ વધી, ત્યાં જ ઍમ્બ્યુલન્સ આવી પહોંચી.

કલગીને સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું અને એને સ્ટ્રેચર પર લઈને ઍમ્બ્યુલન્સમાં મુકવામાં આવી.

‘તું આની સાથે જા.’ સમીઉલે રોકસાનાને કહ્યું : ‘હું અહીંનું કામ પતાવીને પછી નીકળીશ.’

‘ઓ. કે. સર !’ કહેતાં રોકસાના ઍમ્બ્યુલન્સમાં બેઠી અને અંદરથી દરવાજો બંધ કર્યો. એમ્યુલન્સમાં તે કલગી સાથે એકલી જ હતી.

ઍમ્બ્યુલન્સ એન્ટોનિયોના અડ્ડાના મેઈન ઝાંપાની બહાર નીકળી અને આગળ વધી, એટલે રોકસાના સફેદ કપડું ઓઢાડેલી હાલતમાં પડેલી કલગી તરફ તાકી રહી !

( વધુ આવતા અંકે )