Lost - 54 - last part books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 54 - છેલ્લો ભાગ

પ્રકરણ ૫૪

"તને શું લાગે છે? તું આટલી મોટી કુરબાની આપીને મહાન બની જઈશ અને તારા પાછળ હું તારા દીકરાનું ધ્યાન રાખીશ? રાવિકા અને રાધિકા એકીસાથે આ દુનિયામાં આવી હતી અને એકીસાથે જશે, તારી સાથે જ મારા શ્વાસ પણ જશે એ મારું વચન છે તને." રાવિકાએ કહ્યું.
"રાવિ, તું સમજતી કેમ નથી? આપણા બાળકોને આપણી શક્તિઓ મળશે અને એમને પણ હેરાન થવું પડશે."

"૨૫ વર્ષ પછી જે થવાનું છે એના માટે તું આધ્વીકનું વર્તમાન બગાડીશ? આધ્વીક પાસેથી તેની માં છીનવીશ?" રાવિકા હવે ખુબજ ગુસ્સે ભરાઈ હતી.
"પણ કંઈક તો કરવું ને? આ બધું ખતમ તો કરવું જ પડશે ને?" રાધિકા નિરાશ થઇ ગઈ હતી.
"ખતમ તો બધું થશે જ પણ તારા ભોગે નઈ, તું ફાઇટર છે અને તું જ હાર માની બેઠી? ચાલ, તારા દીકરા માટે અને તારા મેહુલ માટે થઈને થોડી હિમ્મત કર." રાવિકાએ રાધિકાને સહારો આપ્યો અને ગુફાની બહાર નીકળવા બન્ને ચાલવા લાગી.

"ત્રિસ્તાઆઆઆ..." માનસા ત્રિસ્તાની પાછળ આવી.
"મને જવા દે માનસા, હું કેરિનને લઈને અહીંથી દૂર જતી રઈશ. તું મારા રસ્તાનું રોડું ના બન." ત્રિસ્તાએ કેરિનને લઈને જવાનું કર્યું ત્યાંજ માનસાએ તેને ધક્કો માર્યો.
"માનસાઆઆ..." ત્રિસ્તાએ કેરિનને ધ્યાનથી જમીન પર સુવડાવ્યો અને માનસા તરફ ધસી.
માનસાએ ખંજર કાઢીને ત્રિસ્તાને માર્યું અને ત્રિસ્તા ધીરે ધીરે ગાયબ થવા લાગી.

"મારી સાથે દગો કરવાનું પરિણામ." માનસાએ કેરિનને ઉઠાવ્યો અને તેની ગુફામાં આવી ત્યારે વિહાન ગામલોકો સાથે પહેલેથી જ ત્યાં હાજર હતો.
"કેરીનભાઈ, રાવિ અને રાધિકા ક્યાં છે?" વિહાનએ કેરિનને જોતાંજ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો.
માનસાએ વિહાન સાથે વાત કરવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ વિહાન કે ગામમાંથી કોઈને પણ એ દેખાઈ નહીં, થાકીને તેણીએ કેરિનના શરીરનો સહારો લીધો.

"રાવિ જોડે ચાલ." કેરિનના શરીરમાં ઘુસેલી માનસાએ વિહાનનો હાથ પકડ્યો અને રાધિકા હતી એ ગુફા તરફ ભાગ્યો.
ગામલોકો સાથે કેરિન અને વિહાન ગુફા આગળ પહોંચ્યા ત્યાં સુધી અંધારું થઇ ગયું હતું, બધા ગુફામાં પ્રવેશ્યા અને વીસેક ડગલાં ચાલ્યા હશે ત્યાં તેમની નજર જમીન પર પડેલી બે છોકરીઓ પર ગઈ.

"રાવિ... રાધિ..." કેરિનએ નજીક જઈને જોયું તો એ રાવિકા અને રાધિકા હતી, કેરિનએ તરત રાવિકાને ઉપાડી... વિહાનએ રાધિકાને ઉપાડી અને બધા ગામ તરફ પરત ફર્યા.
ગામમાં આવતાંજ માનસા કેરિનના શરીરમાંથી નીકળી ગઈ અને કેરિન બેભાન થઈને ઢળી પડ્યો, મેહુલની સાથે રાવિકા, રાધિકા અને કેરિનનો પણ ઈલાજ વૈદ્યજીએ કર્યો.
રાધિકાના ઘા પર દવા લગાવીને પાટો બાંધ્યો, રાવિકાને કોઈ ઘા તો નહોતો વાગ્યો પણ તેના શરીરમાં પીડા હતી જેનો ઉપાય વૈદ્યજી ન કરી શક્યા.

મેહુલ ઘણોખરો ઠીક થઇ ગયો હતો, કેરિનની હાલત પણ સુધરી રહી હતી પણ વૈદ્યજી રાવિકા માટે પરેશાન હતા.
વૈદ્યજીના ચેહરા પર ચિંતા જોઈને જીયા તેમની પાસે આવી, "શું થયું વૈદ્યજી?"
"રાવિકા દીકરીને કોઈ ઇજા નથી થઇ, શું તકલીફ છે એય જાણવા નઈ મળતું. ઈલાજ કેમ કરીને કરું?" વૈદ્યજીએ તેમની ચિંતા જણાવી.
"રાધિકા તાઈ ઠીક થશે ત્યારે વહિની પણ આપોઆપ ઠીક થઇ જશે, બન્ને ટ્વિન્સ છે એટલે એકની પીડાનું દુઃખ બીજીને થાય છે." મિથિલાએ જવાબ આપ્યો.

"મેં દવા તો લગાવી દિધી છે પણ તમારે વહેલી તકે મોટા દવાખાને પહોંચવું જોઈએ, આ દવા પ્રાથમિક સારવારનું કામ કરશે પણ આ દવાથી ઠીક થવાની ૧૦૦ ટકા ખાત્રી હું નઈ આપી શકું." વૈદ્યજીએ હાથ ઉપર કરી લીધા.
ગામના બે માણસો તેમના છકડામાં બધાંને નજીકના શહેર સુધી મૂકી ગયા, જીયાએ શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં ચારેય જણને દાખલ કર્યાં.
જિજ્ઞાસાએ આ સમાચાર જાણ્યા તો તરત તેણીએ તેનાં ચારેય બાળકોની સલામતી માટે હવન રખાવ્યો, આ તરફ રાઠોડ પરિવાર, મેહરા પરિવાર અને દેશમુખ પરિવાર બધાયની સલામતી માટે ભગવાનની પ્રાર્થના કરી રહ્યાં હતાં અને બીજી તરફ ડોક્ટર્સ કેરિન અને રાધિકાને બચાવવા મથી રહ્યા હતા.

"ડોક્ટર શું થયું?" મિથિલાએ ડોક્ટરને આઈસીયુંમાંથી નીકળતાજ પૂછ્યું.
"રાધિકાજીની પીઠમાં ત્રણ મોટા મોટા ઘા પડ્યા હતા અને એમનું ઘણુંબધું લોહી વહી ગયું હતું, એમાંય તમે લોકો ઘણાં મોડાં આવ્યાં..." ડોક્ટર નીચું જોઈ ગયા.
"તો?" જીયાને ફાળ પડી.
"અમે ખુબ ટ્રાય કર્યો પણ રાધિકાજીની બોડી રિસ્પોન્ડ નથી કરી રહી, અમે પૂરો ટ્રાય કરીશું પણ ચાન્સ ઓછા છે." ડોક્ટર પાછા આઈસીયુમાં જતા રહ્યા.

જીયાએ ઉપર જોઈને હાથ જોડ્યા, "કાના, બે બાળકો સામે જોજે."
"બપ્પા બધું ઠીક કરશે તાઈ, તું ચિંતા ન કર." મિથિલાએ જીયાના ખભા પર હાથ મુક્યો અને જીયા તેને વળગીને રડી પડી.
"બપ્પા, કાળજી ઘ્યા." મિથિલા પણ રડી પડી.
"તમે બન્ને રડવાનું બંધ કરો, કોઈને કંઈજ નઈ થાય." વિહાનએ બન્ને છોકરીઓને સધીયારો આપ્યો.

અડધાએક કલાક પછી ડોક્ટર આઈસીયુમાંથી બહાર આવ્યા અને બોલ્યા,"રાધિકાજી એકદમ ઠીક છે, કોઈ ચમત્કાર થયો હોય એમ અચાનક જ તેમની તબિયત સુધરવા લાગી અને હવે એ સુરક્ષિત છે."
"તુમચા આભાર બપ્પા..." મિથિલાએ મનોમન ભગવાનનો આભાર માન્યો, જીયા અને વિહાનએ પણ ભગવાનને મનોમન ધન્યવાદ કહ્યું.


"રાવિકા, રાધિકા. તમારો ખુબ ખુબ આભાર." માનસાએ કહ્યું.
"એમાં આભાર શાંનો?" બન્ને બેનોએ એકીસાથે પૂછ્યું.
"આ શક્તિઓ તમે બન્નેએ મને સોંપી એટલે." માનસાએ કહ્યું.
"આજથી દોઢ મહિના પહેલા જયારે મારી બેન રાધિકા લગભગ મોતના મુખમાં પહોંચી જ ગઈ હતી ત્યારે તેં જ તારી શક્તિઓથી રાધિકાને બચાવી હતી અને એના માટે તો હું તારી ઋણી બની ગઈ છું. આ શક્તિઓ તો શું તેં મારો જીવ માંગ્યો હોત તોય આપી દેત." રાવિકાએ હાથ જોડીને માનસાને ધન્યવાદ આપ્યા.

"મેં જે કર્યું મારા સ્વાર્થ ખાતર કર્યું, આ શક્તિઓ મારી બેન મહાલ્સાની છે અને આ શક્તિઓ પર માત્ર તેનો જ હક છે." માનસા બોલી.
"જાણું છું અને સાચું કહું તો અમે બન્ને આ શક્તિઓ સાચવીને થાકી ગઈ હતી, હવે અમે એક સામાન્ય જિંદગી જીવવા માંગીએ છીએ." રાધિકાએ કહ્યું.
"માયાની મોતનો બદલો લેવા મેં તમને હેરાન કર્યાં, પણ મહાલ્સાએ જયારે મને સમજાવી કે બદલો કેટલી ખરાબ ભાવના છે ત્યારે મને મારી ભૂલનું ભાન થયું. હવે આપણા રસ્તા અહીંથી અલગ છે, અલવિદા." માનસા ત્યાંથી ગાયબ થઇ ગઈ.

રાવિકા અને રાધિકાએ ગુફા પર છેલ્લી નજર નાખી અને ત્યાંથી ચાલવા લાગી.
"જયારે આપણે બન્ને પેલી ગુફામાં બેભાન થઇ ગયાં હતાં ચાલતા ચાલતા, મને તો લાગ્યું હતું કે બસ પતિ ગયું. રામ નામ સત્ય થઇ ગયું આપણું તો..." રાધિકા હસી પડી.
"પણ સદભાગ્યે આપણે બચી ગયાં, થેન્ક્સ ટુ એવરીવન." રાવિકા પણ હસી પડી.
"પણ ચાલવાનો બઉ થાક લાગે છે યાર, ગમે ત્યાં આવવા જવાની સુપર પાવર રઈ હોત તો સારુ હતું નઈ?" રાધિકા બોલી.

"હાથ જોડ્યા સુપર પાવર્સ ને, સામાન્ય જીવન સૌથી સારુ." રાવિકા બોલી.
"હા, તારા કારણે મને દોઢ મહિનો લાગ્યો ઠીક થવામાં, જીદ કરીને બેઠી હતી કે આપણા માટે ક્યારેય આ શક્તિઓનો ઉપયોગ નઈ કરીએ અને ઉપરથી ઠીક થતાંજ તું મને વૉક પર લઇ આવી છે.
"તેં એક વાત નોટિસ કરી?" રાવિકા અચાનક ઉભી રહી ગઈ.
રાધિકાએ મુંજવણમાં રાવિકા સામે જોયું, થોડું વિચાર્યા પછી અચાનક તેના મગજમાં લાઈટ થઇ, "ઓહ માય ભગવાન, પેલું સપનું."

"હા, એ સપનું હવે આપણને હેરાન નઈ કરતું." રાવિકા ઉછળી પડી.
"હા." રાધિકાએ રાવિકાને ગળે લગાવી.
"હા, હવે વાતો ઓછી કર અને પગ વધારે ચલાવ, આપણા પતિ અને આપણાં બાળકો આપણી રાહ જોતાં હશે." રાવિકાએ તેની ચાલવાની ઝડપ વધારી.
"હા, આવું છું." રાધિકા તેની પાછળ દોડી.

બન્નેએ એકબીજાને આંખોથીજ વચન આપી દીધું હતું કે બન્ને લડશે, જીવશે પણ જિંદગીના આ પથ પર ક્યાય ખોવાશે નઈ.
બન્ને બહેનો પહાડ ઉતરી રહી હતી અને તેમની જિંદગીને અજવાળવા જ નીકળ્યો હોય એમ સુરજ તેનાં કોમળ કિરણોથી બન્નેનું સ્વાગત કરી રહ્યો હતો, એક એવી જિંદગી માટે જે ઉતાર ચડાવથી ભરેલી હતી, જે તકલીફો અને ખુશીઓથી સજ્જ હતી પણ બન્ને બેનો તૈયાર હતી આ જિંદગીને આવકારવા.


સમાપ્ત.