Premrang - 29 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 29

પ્રકરણ-૨૯

સમય વીતી રહ્યો હતો. મોહિની અને રેશમના પિતાનો પગ હવે બિલકુલ સાજો થઈ ગયો હતો. પગમાંથી પ્લાસ્ટર પણ હવે નીકળી ગયું હતું અને ચાલતાં થઈ ગયા હતાં. હવે એ બિલકુલ સ્વસ્થ હતા.

એ બિલકુલ સ્વસ્થ થયા એટલે થોડા દિવસ પછી મોહિની અને રેશમ બંનેના લગ્ન ગોઠવવામાં આવ્યા. પ્રેમ કપૂર અને આદિલ કુમાર પણ બહુ જ ખુશ હતા. રેશમના પિતાએ પ્રેમ કપૂરના માતા પિતા સાથે લગ્નની વાત કરી અને લગ્નની તારીખ નક્કી કરી નાખી હતી. અને એ જ દિવસે આદિલ કુમાર અને મોહિનીના લગ્ન પણ ગોઠવવામાં આવ્યા હતા. બંને બહેનોના એકસાથે જ લગ્ન થવાનાં હતા. આદિલ કુમારના પરિવારમાં તો કોઈ હતું નહીં. આદિલ કુમાર પોતે જ પોતાનો પરિવાર હતા. આદિલ કુમારનો ઉછેર નાનપણમાં અનાથાશ્રમમાં થયો હતો એટલે એ બિલકુલ અનાથ હતા. એમના પરિવારમાં જો કોઈ હોય તો એ મોહિની જ હતી. એ મોહિનીને ખૂબ જ પ્રેમ કરતાં હતા. અને હવે મોહિની જ એમનો પરિવાર બનવાની હતી.

લગ્નની બધી જ તૈયારીઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી હતી. મંડપ બંધાઈ ગયા હતા. જમણવારનું મેનુ પણ નક્કી થઈ ગયું હતું. શાહિદ અને બાદલ પણ લગ્નની તૈયારીઓમાં ખૂબ જ મદદ કરવા લાગી ગયા હતા. મહેમાનોને કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી. મોહિની અને રેશમના પિતાએ પોતાની દીકરીઓના લગ્નમાં ખર્ચો કરવામાં પાછું વળીને જોયું પણ નહોતું. એમણે ખૂબ જ પાણીની જેમ પૈસા વ્હાવ્યા હતા. મીડિયાવાળાને પણ લગ્નનાં દિવસનું લાઈવ કવરેજ કરવા માટે બોલાવી લીધાં હતા. તેઓ ઈચ્છતાં હતાં કે, પોતાની બંને દીકરીઓના લગ્ન આખો દેશ નિહાળે. માટે જ એમણે લગ્નનું લાઈવ કવરેજ ટેલિકાસ્ટ થાય એ માટેની બધી જ તૈયારીઓ કરી રાખી હતી.

અને હવે રાહ જોવાની ઘડીઓ પૂરી થઈ. અંતે એ દિવસ આવી જ ગયો કે જેની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આદિલ કુમાર અને મોહિનીના લગ્ન અને પ્રેમ કપૂર અને રેશમના લગ્નનો દિવસ. બંને યુગલો ખૂબ જ ખુશ હતા આજે. આજે તેઓ એકમેકના પ્રેમ રંગમાં રંગાઈ જવાના હતા.

તારા મારા જીવનનો આ પ્રેમરંગ!
રહીયે હંમેશા હું અને તું સંગ સંગ!
હવે કદીયે પડે ન એમાં કોઈ ભંગ!
એક બન્યું છે હવે તારું-મારું અંગ!

લગ્નની વેદીઓ ગોઠવાઈ ગઈ હતી. મોહિની અને રેશમ બંને હવે લગ્નના મંડપમાં આવી પહોંચી. પહેલા આદિલ કુમાર અને મોહિનીની નજર મળી અને ત્યાર પછી પ્રેમ કપૂર અને રેશમની નજર મળી. તેમના પિતાએ પોતાની બંને દીકરીઓનું કન્યાદાન કર્યું. લગ્નમંડપમાં ચોરીના ચાર ફેરા ફરાયા. અને આ ચારેય જણા લગ્નગ્રંથિથી જોડાયા. અને પછી આવી એ વસમી વિદાયની ક્ષણ!

બંને દીકરીઓ પોતાના પિતાની પાસે આવી. અને બંને પોતાના પિતાને ભેટીને રોઈ પડી. તેમના પિતાની આંખોમાં પણ આંસુ છલકાયા. એ બોલ્યા, "દીકરીઓ! આમ જોઈએ તો મેં બાપ તરીકેની કોઈ જ ફરજ નિભાવી નથી. આજે માત્ર એક કન્યાદાનની જ ફરજ નિભાવી છે. પરંતુ મારા હંમેશા તમને આશીર્વાદ છે કે તમે બંને સદાય ખુશ રહો. જે દીકરીઓને મારે મારા જીવના જતનની જેમ સાચવવી જોઈતી હતી એમને તો હું બહુ પહેલા જ ખોઈ ચૂક્યો હતો. તમે તમારા જીવનમાં હંમેશા આગળ વધો અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ છે.

પિતાના આશીર્વાદ લઈને બંને બહેનો પોતાના સાસરે ચાલી નીકળી. બધાનાં જીવનમાં આજે હવે પ્રેમરંગ છલકાઈ રહ્યો હતો.

રેશમ પ્રેમ કપૂરના ઘરમાં દાખલ થઈ. પ્રેમ કપૂરની માતાએ એને ઘરમાં આવકાર આપ્યો. લગ્ન પછીની બધી જ વિધિઓ પૂરી થઈ. અને પછી રાત્રે રેશમ પોતાના રૂમમાં આવી અને પ્રેમ કપૂરની રાહ જોવા લાગી. થોડીવારમાં પ્રેમ કપૂર પણ રૂમમાં દાખલ થયા. બંનેએ એકમેકની સામે જોયું. બન્નેની નજર મળી અને બંને શરમાઈ ગયા. આ વખતે બોલવાની પહેલ રેશમે કરી. એ બોલી, " પ્રેમ આઈ લવ યુ. તું આ વાત તો બહુ પહેલેથી જાણતો હતો તો શા માટે તે મને ત્યારે ન કહ્યું? કેમ હું બોલું એની જ તુ રાહ જોતો રહ્યો? તને શું એમ લાગ્યું હતું કે હું તારા પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરું?"

પ્રેમ કપૂર બોલ્યા, "રેશમ! જે ક્ષણો વીતી ગઈ છે એનો વિચાર કરીને આપણે આપણી આજ શા માટે બગાડવી જોઈએ? હું નથી જાણતો કે, હું કેમ તને મારા પ્રેમનો એકરાર ન કરી શક્યો. પણ આજનું સત્ય એ છે કે, હું તને ખરા દિલથી ચાહું છું. આઈ લવ યુ."

પ્રેમ કપૂરની આ વાત સાંભળીને રેશમ એમને ભેટી પડી. અને પછી બંને જણા એકમેકના પ્રેમરંગમાં રંગાઈ ગયા.
આ બાજુ આદિલકુમાર અને મોહિની પણ એકબીજાને પામીને ખૂબ જ ખુશ હતા.

સમય વીતી રહ્યો હતો. ચારેય જણા હનીમૂન પરથી પાછા ફરીને આવ્યા પછી બધાં જ સીરીયલના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયા. હવે સીરીયલ પ્રેમ પરીક્ષાનું છેલ્લું દ્રશ્ય ભજવાયું.

રમણ અને મધુ ઘણાં સમય પછી એકમેકની સામે આવે છે અને બંને વાતો કરે છે.

મધુ કહે છે, "રમણ! તું ઠીક જ કહેતો હતો. પ્રેમ જેવું કંઈ હોતું નથી આ દુનિયામાં. હોય છે તો માણસને માણસની જરૂરિયાત. આજે હું મોહન સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છું. મારો હર્યોભર્યો પરિવાર છે. કદાચ મેં એ સમયે તારી સાથે પણ લગ્ન કર્યા હોત તો પણ હું ખુશ જ હોત અને આજે તું મારી જિંદગીમાં નથી છતાં પણ હું ખુશ જ છું. તું હવે મને યાદ પણ નથી આવતો. લોકો કહે છે કે, પહેલો પ્રેમ ભૂલાતો નથી પણ હું તો તને ભૂલી જ ચુકી છું."

રમણ એનો જવાબ આપતાં કહે છે, "હું ખોટો હતો મધુ! પ્રેમ જેવું ધન આ દુનિયામાં બીજું કોઈ નથી. એ સત્ય મને ત્યારે સમજાયું જ્યારે તું મારી જિંદગીથી દૂર ગઈ. અને તું અત્યારે જે કહે છે કે, તને હું યાદ પણ નથી આવતો તો એનું કારણ તારા પતિ એ તને કરેલો પ્રેમ છે મધુ. પ્રેમથી જ આ જીવન રંગીન બને છે."

અને આ દૃશ્ય સાથે જ સીરીયલનો છેલ્લો એપિસોડ પૂર્ણ થયો. અને શાહિદે સૂત્રધારના રોલમાં આવીને છેલ્લા એપિસોડનું સમાપન કર્યું.

હતી આ એક કહાની, જેને આપ સૌ એ માણી.
ને જીવનની અનેક પ્રેમ પરીક્ષાઓને તમે જાણી!
આજ હવે લઈએ છીએ અમે આપ સૌથી વિદાય.
"પ્રીત" ભરી છે દુનિયા આ, કરીએ એની ઉજાણી!