Nehdo - 16 books and stories free download online pdf in Gujarati

નેહડો ( The heart of Gir ) - 16

નેહડાવાસીને પોતાનાં માલઢોર જીવથી પણ વધારે વ્હાલાં હોય છે. તેમનું સમગ્ર જીવન માલ ઢોર આધારિત હોય છે. તેનાં માલઢોર સાજા નરવા હોય તો તે ખુશ અને તેને કોઈ તકલીફ પડે એટલે તે નાખુશ. માલધારીઓ દિવસ રાત તેનાં માલઢોરને ખવડાવવા પીવડાવવાની ચિંતામાં જ હોય છે. જંગલમાં ઘાસ સારું હોય તો ગાયો ભેંસો ખૂબ જ ધરાઈને આવે. આવા સારા સમયે ગોવાળિયાઓ ગાયો ભેંસો ચરાવતા ચરાવતા દુહા, ગીતો લલકારી પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. એક ગોવાળીયો દુહો લલકારે,

ડણકે ને જ્યાં ગાજે ડુંગરા,
નદીએ સેંજલ નીર.
જ્યાં પાણે પાણે વાતુ પડી,
એવી ગાડી અમારી ગીર.

આ દુહાનો જવાબ દેતા બીજો ગોવાળીયો લલકારે.
જીણ મારગ કેહરી ગયો,
એની રજ લાગી જાય તરણાં.
ઈ ખડ ઊભાં સુકશે,
ઈને ચાખે નહિ હરણાં...
પણ જો વર્ષ મોળું ધોળું હોય, ને ગીરમાં ઘાસની કમી હોય. તો પોતાના પશુઓને આ માલધારી ભૂખ્યા નથી જોઈ શકતા. તેનો પેટનો ખાડો પૂરવા માટે ઘાસ ચારો લાવવામાં માલધારી પોતાની બચત વાપરી નાખે છે. જરૂર પડે તો માલધારીની સ્ત્રી પોતાના પશુડા માટે પોતાનું ઘરાણું પણ વેચી નાખતા અચકાતી નથી. આમ, માલધારીનો વ્યવસાય નફા ખોટ સાથે નહીં પણ લાગણી સાથે જોડાયેલો છે.

રાજીને પણ આજે ક્યાંય ચેન ન હતું. તેની પણ નીંદર વેરણ થઇ ગઇ હતી. તે પણ ઘડી ઘડી ઊભી થઈ બહાર આવતી હતી. અચાનક તેને સાવજની જોર જોરથી ગર્જનાં સંભળાવા લાગી. સિંહ રોજ હૂકતો હોય તે અવાજ જુદો હોય. પરંતુ તે મુશ્કેલીમાં હોય કે બે સિંહની ફાઇટ ચાલુ હોય ત્યારે તે ખૂબ ક્રોધિત થઈને ગર્જના કરતો હોય છે. અત્યારે જે ગર્જના સંભળાઈ રહી હતી, તે આવી ક્રોધિત પ્રકારની હતી. આ સાંભળીને રાજી સફાળી બેઠી થઈ. ઓરડામાંથી બહાર આવી. તરત તેનું ધ્યાન ગેલાની પથારી તરફ ગયું. પથારી ખાલી હતી. રાજીને લાગ્યું કે ગેલો ભેંસોનાં વાડે ભેંસોનું ધ્યાન કરવા ગયો હશે. તેણે બહાર આવી વાડા બાજુ જોયું. ત્યાં કઈ હલનચલન ન લાગી. રાજીએ વાડાનું ફાટક જોયું, ફાટક બહારથી બંધ હતું. રાજી આંગણામાં આવી, ચારેબાજુ તપાસ કરી. પણ ગેલો ક્યાંય ન હતો. હવે રાજીને ચિંતા થઈ. તેણે ત્યાં ઊભા રહી ચુંદડીનો છેડો મોઢાં આડે કરી રામુઆપાને સાદ દીધો, "આપા... એ...આપા." રામુઆપા તરત ઊભા થઈ ગયા.
" હું થયું બટા?"
" તમારાં દીકરા ક્યાં ગયાં હહે? પથારીમાં તો નહિ!" રામુઆપાને પણ ફાળ પડી.છતાં ઠરેલ સ્વભાવનાં આપાએ રાજીને સાંત્વના આપતાં કહ્યું, " વાડામાં ભેંહુ ની હંભાળ લેવા ગ્યો હહે. લ્યો હું વાડામાં આંટો મારી જોયાવું."

એમ કહી ખાટલા નીચે પડેલી ટોર્ચ લઈ તે ભેસોનાં વાડીએ ગયા. વાડાનો જાપો બહારથી જ બંધ હતો. છતાં રામુઆપાએ જાપો ખોલી વાડામાં ટોર્ચનો પ્રકાશ ફેંક્યો.સાથે સાથે " ગેલા.... એ...ગેલા..." નો સાદ પણ કર્યો. પરંતુ અહીં ગેલો ક્યાં હતો! રામુઆપાએ જાપો બંધ કર્યો. આંગણામાં આવી ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. એટલામાં બધે આંટા માર્યા. ને ગેલાને સાદ કર્યા. ક્યાંયથી સામે જવાબ ના મળ્યો. રામુઆપા ઝાંપો ખોલી આંગણાની બહાર નીકળ્યા. આખા નેસની ફરતો આંટો મારી લીધો. પણ ગેલો ક્યાંય ન મળ્યો. આ ચહલ-પહલમાં જીણી મા પણ ઉઠી ગયા. તે પણ ચિંતા કરવા લાગ્યા, "
કાય કય ને ગ્યો સે?"
" નારે ના, મને તો મેં જાગીને જોયું તીયારે ખબર પડી કે ઈ ખાટલામાં તો નહિ હુતાં!"
" તું ચંત્યા નો કરતી. ઈ આટલાંમાં જ ક્યાંક હહે. દુવારિકાવાળો બધાં હારા વાના કરી દેહે.તું ઘડીક આયા મારી પાહે ખાટલે બેહી જા."એમ કહી જીણીમાએ રાજીને બેસાડી શાંત પાડી. રાજી કનાને ખાટલે બેઠી. આ બધી ધમાલથી અજાણ કનો નિર્દોષ થઈ ઊંઘી રહ્યો હતો. રાજી એના વાંકડિયા વાળમાં હાથ ફેરવી રહી હતી.

રખેને ગેલો નદી બાજુ ગયો હોય તેમ સમજી રામુ આપા તે તરફ ગયા. હાથમાં ડાંગ ને પગમાં દેશી જોડા પહેરી ઢહડ.. ઢહડ... અવાજ કરતાં રામુ આપા ગીરની કાળી અંધારી રાત માં જઈ રહ્યાં હતાં. શિયાળનું રુદન વાતાવરણને વધુ બેચેન બનાવી રહ્યું હતું. રામુઆપા નદીએ જવાની રોજની કેડીએ ચાલવા લાગ્યા. તે ગેલો ક્યાં ગયો હશે તેની ચિંતામાં હાથમાં ટોર્ચ છે,તે ચાલુ કરવાની પણ ભૂલી ગયા. તેના ચાલવાનાં અવાજથી નદી કિનારાની ભીની માટીમાંથી અળસિયાં ખોદી ખાતાં જંગલી સુવરનો પરિવાર તેનાં નાના નાના બચ્ચા ડરીને ચિચિયારી નાખતા ભાગ્યા. ત્યારે રામુઆપાને પોતાના હાથમાં રહેલી ટોર્ચ યાદ આવી. ટોર્ચની સ્વીચ ચાલુ કરતાં ચારે બાજુ અંધારાને ચીરતો પ્રકાશ ફેલાઈ ગયો. અચાનક ફેલાયેલી રોશનીથી ડરીને નદીને કાંઠે પાણી પીવા આવતા શિકારની રાહે પડેલા બે ત્રણ મગર ખળખળાટી કરતા પાણીમાં અદ્રશ્ય થઈ ગયા. રામુઆપાએ ચારે બાજુ ટોર્ચની લાઈટ ફેરવી ગેલાને સાદ દીધો. પરંતુ ગેલો અહીંયા પણ ન હતો. હવે રામુ આપાની ધીરજ ખૂટી. તેના પગ પાછા પોતાના નેસ તરફ વળ્યાં. ગેલાનો એક નિયમ હતો કે તે જ્યારે પણ રાત્રે જાગે અને નેહડા ની બહાર જાય તો રામુ આપા ને કહ્યાં વગર જાય નહિ.

ભરકડે( વહેલી સવારે) નદીએ પાણી ભરવા જાય તો પણ"આપા અમી પાણી હારી લેવી"એટલું તો કહેતો જ જાય. રાત્રે એક-બે વખત જાગીને ભેંસોના વાડે આંટો મારે, ત્યારે કનાને આપાને અને મા ને ઓઢેલું ગોદડું આઘું પાછું થયું હોય તો સરખું કરતો જ જાય.રામુ આપા ઊંઘમાં હોય તોય તેને ખબર રહેતી હોય છે. સમી સાંજનો હૂકતો સામત હાવજનો હુંકવાંનો અવાજ પણ હવે બંધ થઈ ગયો હતો. રામુઆપાનાં મગજમાં કૈક વિચારો આવવા લાગ્યા. ચાલતાં ચાલતાં તે પાછા નેહડે આવ્યા. જીણી મા ને રાજી, આપા હમણાં ગેલાને નદીએથી બોલાવીને આવશે તેવી રાહે જાપા સામે જોઇને જ ઊભા હતા. રામુઆપા આટલી વારમાં તો બધી શક્તિ હણાઈ ગઈ હોય તેમ પગ ઢસડતા એકલા જાપામાં આવી ઊભા રહ્યા. જીણીમાએ ઉતાવળથી પૂછ્યું,

" ન્યા કણે ગેલો નહીં?"
" નીયા તો ક્યાંય નહીં!"
" તો ક્યાં હાલ્યો ગ્યો હહે?"
રાજીએ લાજનો છેડો આડો કરી કહ્યું, " હું જાગી ત્યારે ઘડીક હાવજની ડણકુ બવ આવી.બે હાવજ્યું બાધતાં હોય કે કોય એને મારતું હોય એવી ડણકુ દેતો તો.આવી ડણકુ પેલાં ક્યારેય નહીં હાંભળી! ઈ હાંભળી ને જ હું જાગી ગય. ને ઇમને પથારીમાં નો ભાળ્યા એટલે મેં પેલાં ફળિયામાં બધે જોયું.એટલી વારમાં હાવજ્યુંની ડણકુ શાંત થય ગય.પસી નો હાવજ હુક્યો નહિ.આપા હુ થયું હહે?"

રામુ આપા ચિંતા ભરી નજરે રાજી સામે તાકી રહ્યા. આ બધો બોલોચાલો સાંભળી કનો પણ આંખો ચોળતો જાગી ગયો. તે પથારીમાં બેઠો થઈ ગયો.

ક્રમશઃ..
(ગેલો ક્યાં ગયો હશે? સાવજ કેમ ડણકુ દેતો હશે? જાણવા માટે વાંચો ભાગ -૧૭)

લેખક: અશોકસિંહ એ. ટાંક
wts up no. 9428810621