Vagdana Phool - 14 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 14

જમકૂમાનાં આકરા વચનને, કંચન બંધ આંખે સાડલો કપાળ સુધી સરકાવી સાંભળતી હતી. પોતાના ઓરડાના ઢોલિયાના પાયાને રવજી સમજી કંચન પાયાનેબાથમાં લઈ વળગી. " ક્યાં ભવના બાકી હશે!" મનમાં આક્રંદ કરતી એને રવજીના શબ્દો યાદ આવ્યાં.

" કંચન એ માં છે. મારી! પણ તારી નહિ."

જમકુમાના ગયા પછી તરત કાળું ઘરમાં પ્રવેશ્યો. એના ચહેરા પરનું નુર ઉડી ગયું હતું. એ આવતો ત્યારે રવજી એને અચૂક ઓસરીના ખૂણે જોવા મળતો. ઓસરીના ખૂણા બાજુ કાળુંએ આછી એવી નજર ફેરવી. ત્યાં રવજીના ઓરડાના અધખુલ્લા દરવાજામાંથી ઢોલિયા પાસે કંચન બેઠી દેખાઈ. કંચનના ઝાંખા પડી ગયેલા ચહેરાને જોઇ કાળુંનું હદય ખિન્ન થઈ ગયું.

" ભાઈ તમે?" રસોડામાંથી બહાર નીકળી કડવીબેને કહ્યું.

" ભાભી મોહન ક્યાં સે?"

" એ તો સવારે ઉઠતાં'ક વાડીએ વીયા ગયા. ને બાં અટાણે ભાત લઈને ગયા છે. તમારે કંઈ કામ હતું ?" કડવિબહેનને રવજીના ગયા પછી ઘરમાં પગ ન મૂકનારા કાળુંને આજે ઘરે આવેલો જોઈ નવાઈ પામતા કહ્યું.

" ના.. એનું નઇ.. પણ મારે..." કાળું અચકાયો.

" તો કેનું કામ હતું. તમારો ભાઈબંધ હતો તે રોજ આવતા. હવે કોઈ દી'પાસુ વારીને નથી જોતા તમે ઘર બાજુ."

" ભાભી!!મારે તમારું કામ હતું." કાળું નજર ઝુકાવી બોલ્યો.

"મારું??" કડવીબેને સંકોચાતા બોલ્યા.

" ભાભી, ખોટું ના લગાડતા." ઓસરીની પાળીએ આડું જોઈ કાળું બેસી ગયો.

" હુ વાત સે કાળું ભાઈ કેમ નીમાણા દેખાવ સો. "
કડવીબેન રસોડાના ઉંબરે બેસી ગયા. કંચન દરવાજા પાસે પોતાનું મો ન દેખાઈ એમ કાળુંની વાત સંભળાવા બેસી ગઈ.

" ભાભી! મોહને કાલે જે કર્યું એ ઠીક નથી કર્યું.."

" તમને કોણે કીધું."

"મોહન, કાલે દારૂના નશામાં ભીમાને કહી રહ્યો હતો."

"ભીમો!!" કડવીબેન વિચારતા બોલ્યા.

" ભીમો ઠુઠો!"

" મોહનભાઈ એ હલકટ માણસ હારે! ના હોય ભાઈ તમારી કંઈ ગેર સમજ થતી હશે." કડવીબેન
ઊંચા સાદે બોલ્યા.

"મે કાલે મારા ઘરની બારીમાંથી મારી નજરો નજર જોયું. એ ભીમો જ હતો. એ બન્નેની વાતો પરથી લાગ્યું કે ભીમાએ જ મોહનને અવળે રસ્તે ચડાવ્યો સે. અને કાલની વાતમાં ભીમાએ જ મોહનનો સાથ આપ્યો છે."

" બા ને ખબર પડશે તે' દી એ મોહનભાઇને જીવતો નઇ મેલે. કાલે મે તો એના કરતૂત ઢાંકી લીધા. પણ આજે થાય છે કે એને ઉઘાડો પાડવાની જરૂર હતી."

" ભાભી, કંચનભાભીનું ધ્યાન રાખજો. ઘરડો વાંદરો ગુલાટી મારવાનું નો ભૂલે કોઈ દી. એમાંય જમકુમાં પરની એની રીસ હજી આવીને એવી જ છે."

"ભાઈ તમને ખબર સે!." કડવીબેને આંખો ઝીણી કરતા કહ્યું.

" હા,! મને હાંધિય ખબર સે. રવજી ને મારી વચમાં કોઈ 'દી કોઈ વાત છાની નોરે..તી."

" એ તો રવજીભાઈ પણ કહેતા." સાડલાના છેડેથી આંખોમાં આવેલા ઝળઝળિયા લૂછતાં કડવીબેને કહ્યું. ને ઓરડામાંથી કંચનના ડૂસકાં સંભળાયા.

" છાની રઈ જા. કંચન! રવજીભાઈએ ક્યાંય બાવળ નથી ઉગાડયા. એના સંબંધોની સુવાસ તારા આખા આયખાને ઉજળું કરશે. હાયલ! આય ઓસરીએ બેસ.આવતી રે! બા..રી.."

" વાંધો નઇ ભાભી આવતા રો. આય ખુલ્લા વાહરમાં શ્વાસ લો. તમારો જીવેય મોકરો પડશે." કહેતો કાળું સાવ આડું ફરી ગયો. એની નજર ફળિયા તરફ ખોડાઈ ગઈ હતી.

કંચન સાડી સંકોળતિ બહાર આવી. ને કડવીબેન પાસે જઈને બેસી ગઈ. એની આંખોમાંથી તગતગી રહેલાં આંસુ કડવીબેને લૂછ્યા. કંચનના માથે હાથ મૂકી બોલ્યા." એ રડવા જ મેલી ગયો. પણ આપણે તો કઠોર થઈ જીવવાનું.. લડી લેવાનું! ખૂણે બેસીને રડીએ લેવાનું. પણ કોઈ ' દી ખોટું સહન નઇ કરવાનું. " કડવીબેનનાં ધારદાર શબ્દો, કંચનને હચમચાવી ગયા.

" બેન! કેની હામૂ લડુ!. પોતાના હામું, કે પોતીકા હામું! " કંચનની વેદના કાળુંના દિલમાં સોંસરવી ઉતરી ગઈ.

" હા ! જીવવું હોય તો લડ્યા વગર છૂટકો નથી. " કડવીબેને મક્કમ સ્વરે કહ્યું.

" હાચી વાત સે ભાભી તમારી. કંચનભાભી કઠોર થાસે તો જ. નહિ તો આકરા જમકૂમાં, અને કુસંગે ચડેલો મોહન એને જીવતા મારી નાખશે." કાળું ગળગળો થઇ બોલ્યો.

" આ સઘળી ચાલ ભિમાની સે. મોહનના મનમાં ઝેર ભરી પોતાનું વેર વાળે છે."

" મોહનને તો હું સીધો કરીશ. એને ઉઘાડો કરી ને જ જંપીશ. કાલે એમ હતું કે એ સુધરશે. પણ એ નઇ સમજે. હવે તો હું છું ને એ છે. "

" ભાભી હું પણ તમારા ભેળો જ સુ. જરૂર પડે મને બોલાવજો. " કહેતો કાળું ત્યાંથી ચાલતો થયો.

વાડીએ કામ કરતો મોહનની આંખો સામે કંચનનો નિર્વસ્ત્ર દેહ રમી રહ્યો હતો.એને ક્યાંય ચેન પડતું નહતું. એ કંચનને માણવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. મોહન કેમ ય કરીને ઘરે જવા માંગતો હતો. પરંતુ એ જાણતો હતો કે આ વાત કડવીભાભી સુધી પહોંચી ગઈ હશે. એટલે જ એ આજે ઘરે છે. " કેટલાક દી ' રખોપાં કરશે." મોહન હોઠ વાંકા કરી બબડ્યો.

મોહન જાણતો હતો કે કડવીબેન વાડીએ નથી એટલે જમકુમાં એને ક્યાંય જવા નહિ દે. એ ત્યાંથી છટકવા માટે વિચારોના ઘોડા દોડાવા લાગ્યો. ને અચાનક પેટ પકડી જમીન પર ઢળી પડ્યો.

" એ બાં!! પેટમાં દુ:ખે છે. "

" કઈ નો'તું ને ઓચિંતું કેમ દુખવા માંડ્યું." જ્મકુમાં
ઝડપભેર ચાલતાં આવતા કહ્યું.

" ખબર નઇ, ઓચિંતો દુઃખાવો ઉપાડ્યો." મોહન કણસતા બોલ્યો.

" પેટમાં વાયુ થયું લાગે સે." જમકુમાં એ મોહનના પેટ ઉપર હાથ ફેરવતા કહ્યું.

"જા ઘરે વિયો જા. કડવીને મોકલ આય. એકલી કેટલુંક કરું. હવે નથી થાતું ભાઈ મારાથી કામ. રવજીના ગયા પસી મારા હાડ ભાંગી ગયા સે." જમકુમાં મોહનને ઊભો કરતા બોલ્યા.

મોહનને જોતું તું એ મળી ગયું. ને એ ત્યાંથી છૂટા સાંઢની જેમ ભાગ્યો સીધો ભીમા પાસે.

( ક્રમશ..)