White Cobra - Part 1 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 1

સફેદ કોબ્રા

ભાગ-1

હોટલ બ્લ્યુ સ્ટાર


રાજવીર શેખાવત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા જ થાનેદાર બનીને આવ્યો હતો. તે ચાલીસ વર્ષની ઉંમરનો ભ્રષ્ટાચારના અજગરથી વીંટળાયેલો, ભ્રષ્ટાચારી પોલીસવાળો હતો. અત્યાર સુધીના એના કેરીયરમાં પૈસા બનાવવાની કોઇપણ તક જતી કરી હોય એવો એક પણ દાખલો ન હતો.

અમીર અને ગરીબ બંન્ને લુંટવામાં એ કશું બાકી રાખતો ન હતો. ભ્રષ્ટાચારની બાબતમાં દરેક માનવ માટે એ સમાનતાનો ભાવ રાખતો હતો એવું ચોક્કસ કહી શકાય.

બેઇમાનીથી કમાયેલા રૂપિયા રાજવીર પ્રોપર્ટીમાં અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો. એની પત્ની અને બાળકો પૂનામાં રહેતા હતાં. એના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતાં. પૂનામાં એમના માટે એણે આલીશાન બંગલો અને જીવન જીવવા અત્યાધુનિક ફેસીલીટી ઊભી કરી આપી હતી. પરંતુ અહીં પોતે પોલીસ ક્વાર્ટસમાં કંજૂસાઇથી જીવતો હતો જેથી એના વિરૂદ્ધ ક્યારેય કોઇ ભ્રષ્ટાચારના પુરાવા ના મળી શકે.

બાંદ્રા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર જય શીંદે એનો આસીસ્ટન્ટ હતો.

રાજવીરે બેલ મારી હવાલદારને અંદર બોલાવ્યો અને સબ-ઇન્સ્પેક્ટર જયને પોતાની કેબીનમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટર જય અંદર આવ્યો અને એની સામે ઊભો રહી ગયો હતો. રાજવીરે ઇશારાથી એને ખુરશીમાં બેસવા માટે કહ્યું હતું.

"જય, બાંદ્રા પોલીસ સ્ટેશનની મહિનાની આવક કેટલી છે?" રાજવીરે સીગરેટ સળગાવતા પૂછ્યું હતું.

"સર, હું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા સબ-ઇન્સ્પેક્ટર તરીકે છું. બાંદ્રા પોલીસ સ્ટેશનની મહિનાની આવક પચાસ લાખ છે. જેમાં ચાલીસ ટકા થાનેદારના એટલેકે આપના અને બાકીના સાંઇઠ ટકામાં પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ તેમજ આપણા ખબરીઓ બધાંના હિસ્સે રકમ આવે છે, જે ખૂબ ઓછી છે. કારણકે સાંઇઠ ટકા એંસી જણ વચ્ચે વહેંચાય છે." સબ-ઇન્સ્પેક્ટર જયે ઠંડા કલેજે કહ્યું હતું.

"જય, તું ખોટું એવી રીતે બોલે છે કે જો મારી જગ્યાએ ભગવાન બેઠાં હોય તો એ પણ માની જાય. પરંતુ હું ભગવાન નથી, ભ્રષ્ટાચારી પોલીસ અધિકારી છું. માટે તારી હોંશિયારી તું તારા માટે બચાવીને રાખ. છેલ્લા બે મહિનાથી મેં મારા ખબરીઓ દ્વારા તપાસ કરાવી તો મને ખબર પડી કે બાંદ્રા પોલીસ સ્ટેશનની માસિક આવક એક કરોડ રૂપિયા છે અને છેલ્લા પાંચ વર્ષથી તું પચાસ લાખ દર મહિને ઘર ભેગા કરે છે અને પચાસ લાખમાંથી તે જણાવ્યું એ પ્રમાણે ભાગ પાડે છે. મારી વાત બરાબર છેને?" રાજવીરે આંખો લાલ કરીને પૂછ્યું હતું.

"સર, તમારી કંઇ ભૂલ થતી લાગે છે. બાંદ્રા પોલીસ સ્ટેશનની આવક મહિને પચાસ લાખથી વધુ નથી." જયે ફરીથી ઠંડા કલેજે જવાબ આપ્યો હતો.

"જય, આ ઠંડા કલેજે જવાબ આપવાની હોંશિયારી તું બીજા માટે બચાવીને રાખજે. મારી સામે આ નાટક હવે નહિ ચાલે કારણકે હું તને કહી દઉં કે તું પચાસ લાખ એક્સ્ટ્રા ક્યાંથી લાવે છે. બાંદ્રાની સીત્તેર ટકા હોટલોમાં ડ્રગ્સ અને ઇલલીગલ કેસીનોનો ધંધો પુરજોશમાં ચાલે છે. એમાંથી ત્રીસ ટકા મોટી હોટલોનો હિસાબ તું પોલીસ સ્ટેશનની આવકમાં જમા કરાવતો નથી અને તારે સાક્ષી જોઇતો હોય તો મારી પાસે સાક્ષી તરીકે રહીમ ચપ્પુ છે. તું કહેતો હોય તો પોલીસ સ્ટેશનમાં એને બોલાવી તારા દેખાડવાના દાંતની સાથે ચાવવાના દાંત પણ ઉખાડી નાંખું અથવા તું કબૂલ કરી લે તો વાત અહીંયા જ પતી જશે." રાજવીરે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડતાં કહ્યું હતું.

જય થોડીવાર ચૂપ રહ્યો હતો.

"ઓકે સર, હવેથી એક કરોડ રૂપિયાનો ભાગ પડશે પણ જૂની વાતો ભૂલી આપણે નવેસરથી શરૂઆત કરવી પડશે. આપ ઇચ્છો છો એ પ્રમાણે જ થશે." રહીમ ચપ્પુની વાત સાંભળી જયે હથિયાર નીચે મુકી દીધા હતાં કારણકે એક્સ્ટ્રા પચાલ લાખ ભેગા કરવાનું કામ રહીમ ચપ્પુ એના વતી હોટલોમાંથી કરતો હતો.

રહીમ જયની બીજી પણ ઘણી બાબતો જાણતો હતો માટે રાજવીર એનામાં વધુ ઊંડો ન ઉતરે એવું ઇચ્છતો હતો.

"ના, હજી બરાબર નથી. આ રકમમાંથી મારો સાંઇઠ ટકા હિસ્સો રહેશે અને ચાલીસ ટકા તમારા બધાંનો હિસ્સો રહેશે અને આજ પછી જ્યાં સુધી હું અહીંયાનો થાનેદાર છું ત્યાં સુધી મારા હાથ નીચેથી એક પણ કેસનું સમાધાન પૈસાની લેવડદેવડ વગર થવું જોઇએ નહિ. મને ખબર પડી છે કે આવી કોઇપણ પ્રકારની ભૂલ આ પોલીસ સ્ટેશનમાં થઇ છે તો એની સંપૂર્ણ જવાબદારી તારી રહેશે અને એ રકમના નુકસાનની ભરપાઇ તારા હિસ્સામાંથી કરવામાં આવશે. હવે તું જઇ શકે છે." રાજવીર શેખાવતે એવરેસ્ટ ઉપર ચડીને જીત મેળવી હોય એવો આનંદ એના મોઢા પર આવી ગયો હતો.

જય હારેલા યોદ્ધાની જેમ થાનેદારની કેબીનમાંથી બહાર નીકળ્યો અને પોતાના ટેબલ પર આવી ફસડાઇ પડ્યો હતો. એવામાં જ જયનો મોબાઇલ વાગ્યો હતો.

"હલો..."

"હા જય"

"આજે સાંજના સાત વાગે પાર્ટી છે. તું પહોંચી જજે."

"પરંતુ આજે?"

"હા, અર્જન્ટ છે."

"કોઇપણ હિસાબે તું આવી જજે."

આટલું બોલી સામેથી ફોન કપાઇ ગયો હતો.

જયે ઘડિયાળમાં જોયું. ચાર વાગ્યા હતાં. પનવેલ પાર્ટીમાં પહોંચવું હોય તો અત્યારે નીકળી જવું પડે.

"રઘુ, મારે એક કેસની તપાસ માટે જવાનું છે એટલે કાલે સવારે જ હું પોલીસ સ્ટેશન આવીશ. થાનેદાર સાહેબ મારા વિશે પૂછે તો એમને કહી દેજે." આટલું બોલી જય પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયો હતો.

જયની પોલીસ જીપ બાંદ્રાથી પનવેલ તરફના રસ્તા પર નીકળી ગઇ હતી. લગભગ સાડા છ વાગે જય બાંદ્રાના આલીશાન ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો હતો. બંગલાના સિક્યોરીટી ગાર્ડે જયને જોઇને ઝાંપો ખોલી નાંખ્યો હતો. ફાર્મ હાઉસનો ઝાંપો કોઇ કિલ્લાની લોખંડી દિવાલ જેવો હતો અને અંદર પણ ચુસ્ત સિક્યોરીટી બંદોબસ્ત હતો.

જયે ફાર્મ હાઉસના પાર્કીંગમાં જઇ પોલીસ જીપ મુકી અને જય ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો હતો.

આલીશાન ફાર્મ હાઉસના ડ્રોઇંગરૂમમાં પર્યાવરણ મંત્રી ગોપીનાથ સાવંત, એક-બે હિન્દી ફિલ્મો કરેલી ફ્લોપ હિરોઇન સીયા અને એનો ભાઇ વિકી, ડ્રગ માફીયા સફેદ કોબ્રાનો રાઇટ હેન્ડ સલીમ સોપારી જયની રાહ જોઇને બેઠાં હતાં.

"ખૂબ જ શોર્ટ નોટિસમાં મારે આવવાનું થયું એટલે સમય લાગ્યો. આજની મીટીંગ કોઇ અર્જન્ટ કામ માટેની છે?" જયે સોફા પર બેસતા મંત્રી સામે જોઇ પૂછ્યું હતું.

"હા જય, સલીમ એવા સમાચાર લાવ્યો છે કે એનો બોસ સફેદ કોબ્રા બાંદ્રામાં આવેલી બ્લ્યુ સ્ટાર હોટલ ખરીદવા માંગે છે. પરંતુ એ હોટલનો માલિક વિનાયક ઘાટગે એ હોટલ કોઇપણ કિંમતે વેચવા માંગતો નથી. આ હોટલ વીસ માળની છે અને ત્રણસો ને પાંસઠ દિવસ બુક હોય છે. આ હોટલ ખરીદવાથી આપણા ડ્રગ્સના ધંધાને પૂરા મુંબઇમાં ખૂબ જ વેગ મળશે એવું એમનું માનવું છે અને આ કામ તારે કોઇપણ હિસાબે કરવાનું છે." મંત્રીશ્રીએ હુકમ આપતા હોય એમ કહ્યું હતું.

"આ હોટલ આપણી પાસે આવી જશે તો ધંધો ખૂબ વધી જશે કારણકે ઘણાંબધાં ફિલ્મસ્ટારો આ હોટલમાં આવતા હોય છે." સીયાએ સીગરેટ સળગાવતા કહ્યું હતું.

સલીમ ચૂપચાપ જયના મોઢાના હાવભાવને વાંચી રહ્યો હતો.

"જય, દરેક વખતની જેમ તું ખોંખારીને હા કેમ બોલતો નથી? આમ તો તું દરેક કામમાં તરત હા પાડી દે છે અને આ હોટલ તો તારા જ એરીયામાં આવે છે અને બોસ હોટલની પૂરી કિંમત આપીને આ હોટલ ખરીદવા માંગે છે. અમે એક-બે વાર અમારા એજન્ટોને એમની પાસે મોકલ્યા હતાં પરંતુ હોટલ વેચવાની એણે સાફ ના પાડી દીધી હતી અને આ બાજુ મંત્રીશ્રી એને મારી નાંખવાની ના પાડે છે. હવે અમારે શું કરવું?" સલીમે એના વિકૃત થઇ ગયેલા મગજથી જયને પૂછ્યું હતું.

"અરે સલીમ, ઇલેક્શન માથા ઉપર છે. આવા સમયે જો તું ખૂનખરાબાની વાત કરીશ તો માથા પરથી આ ખાદીની ટોપી જતી રહેશે અને ખુરશી વગરનો નેતા કોઇ કામનો હોતો નથી. માટે આવું એક પણ ખૂન આખા ઇલેક્શન પર ભારી પડી શકે એમ છે. એટલે ખૂન ખરાબાની વાત કરવાની જરૂર નથી. જય બધું જોઇ લેશે. કેમ બરાબરને, જય?" મંત્રીશ્રીએ જય સામે જોઇ પૂછ્યું હતું.

"મારા માથે મારો થાનેદાર રાજવીર શેખાવત કથ્થક કરી રહ્યો છે. મેં એના જેટલો ભ્રષ્ટાચારી થાનેદાર મારા આખા કેરીયરમાં જોયો નથી. પૈસાની તો એને એટલી ભૂખ છે કે જો પૈસા ખાઇને જીવાતું હોય તો એ રોટલીને અડે પણ નહિ. સૌથી પહેલા એની ટ્રાન્સફર કરવી પડે. નહિતર તો મને સૌથી મોટું નડતર એનું જ થાય એવું છે. બાકી રહી આ હોટલની વાત તો એ વેચવા વિનાયક ઘાટગેને તૈયાર કરવો એ અઘરું કામ છે. વિનાયક ઘાટગેની આ હોટલ એના પિતાએ બનાવી હતી એટલે આ હોટલ વેચવા વિનાયકને કોઇ અલગ રીતે જ તૈયાર કરવો પડશે કારણકે એ આ હોટલને હોટલ નહિ પરંતુ એના પિતાએ બનાવેલું મંદિર સમજે છે અને હા સીયા, તું તારી દરેક પાર્ટીમાં ફિલ્મસ્ટારોને ડ્રગ્સની ઓફર ના કર. તારા પ્રેમી એક્ટર શહેઝાદ ખાનની સેક્રેટરી નિશા પટનીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કાચી ફરિયાદ લખાવી છે કે તું એને ડ્રગ્સ સપ્લાય કરવા માટે દબાણ કરી રહી છે. તારો પ્રેમી હવે સુપરસ્ટાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. એના નામનો તું ભરપૂર ઉપયોગ કર. આ તો સારું છે કે આ કાચી કમ્પ્લેન મારા હાથમાં આવી એટલે ફાડીને મેં એને ફેંકી દીધી. એ તારું નામ પણ બોલી હતી. મેં એને આશ્વાસન આપ્યું છે કે આ કેસની હું જાતે જ તપાસ કરીશ. માટે આવા નબળા પ્યાદાઓને ડ્રગ્સ વેચવા માટે તું દબાણ ના કર. સંજોગો અને સમીકરણો બંન્ને બદલાઇ રહ્યા છે માટે ધંધો સમજીને કરવો પડશે." જયે થોડું ગુસ્સાથી સીયાને કહ્યું હતું.

"જયની વાત સીયા સાચી છે. ધંધો ખૂબ સાવધાનીથી કરવો અને વધારવો પડશે." વિકીએ જયની વાતમાં હામી ભરી હતી.

"હું આ હોટલ બોસના નામે થાય એના માટે તમને લોકોને એક મહિનો આપી રહ્યો છું. નહિતર આ હોટલ અમે વિનાયક ઘાટગેને મારીને લઇ લઇશું." સલીમે ઊભો થતાં બધાં સામે જોઇને કહ્યું હતું.

મીટીંગ પૂરી થયા બાદ મંત્રીશ્રીએ જયને પોતાની પાસે બોલાવ્યો હતો અને એના કાનમાં કોઇ વાત કહી હતી. વાત સાંભળી જય થોડો અપસેટ થઇ ગયો હતો.

ફાર્મહાઉસમાંથી બહાર આવી જય પોતાની જીપમાં બેઠો હતો અને જીપમાં મુકેલો મોબાઇલ ફોન એણે એના હાથમાં લીધો હતો જેમાં હવાલદાર રઘુના વીસ મીસકોલ જોઇ ચમકી ગયો હતો અને એણે હવાલદાર રઘુને ફોન લગાવ્યો હતો.

ક્રમશઃ......

(વાચકમિત્રો..., "સફેદ કોબ્રા" આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું...)

- ૐ ગુરુ