White Cobra - Part 2 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 2

સફેદ કોબ્રા

ભાગ-2

રાજવીર ઉપર જાસૂસી


જયે હવાલદાર રઘુને ફોન જોડ્યો હતો. સામે છેડેથી રઘુએ ફોન ઉપાડ્યો હતો.

"હા રઘુ, બોલ."

"સર, એક ખાસ વાત હતી એટલે તમને વારંવાર ફોન કરતો હતો. હોટલ બ્લ્યુ સ્ટારનો માલિક વિનાયક ઘાટગે હમણાં પાંચ મિનિટ પહેલા જ સાહેબની કેબીનમાં અંદર ગયો છે."

"સારું, શું વાત વાતચીત થાય છે, એ સાંભળવાની કોશિષ કર અને એ જાય પછી મને ફોન કરજે."

સારું બોલી રઘુએ ફોન મુકી દીધો હતો.

થાનેદાર રાજવીરની કેબીનમાં વિનાયક ઘાટગે ખુરશી ઉપર બેઠો હતો અને પોતાની વાત કહેવા માટે એના મગજમાં એણે આખી વાતને ગોઠવી રાખી હતી.

"હા તો વિનાયકજી, પોલીસ સ્ટેશનમાં તમે શું કમ્પ્લેન કરવા આવ્યા છો?" રાજવીરે પેપરવેટને પોતાના હાથથી ગોળ ફેરવતા પૂછ્યું હતું.

"ઇન્સ્પેક્ટર સાહેબ, બાંદ્રામાં જ મારી હોટલ બ્લ્યુ સ્ટાર આવેલી છે. મારી હોટલ ખૂબ જાણીતી અને નામાંકિત છે પરંતુ છેલ્લા બે વખતથી કોઇ સલીમ નામનો માણસ મારી આ હોટલ ખરીદવા માટે મારા ઉપર દબાણ લાવી રહ્યો છે. એના કહેવા પ્રમાણે અન્ડરવર્લ્ડ ડોન સફેદ કોબ્રા એ એનો બોસ છે અને આ હોટલ એ ખરીદવા માંગે છે અને મારી હોટલની માર્કેટ વેલ્યુ આપીને ખરીદવા માંગે છે પરંતુ આ હોટલ મારા પિતાએ ખૂબ મહેનત કરીને ઊભી કરી છે. હું એને કોઇપણ કિંમતે વેચવા માંગતો નથી. મેં મારી હોટલની સિક્યોરીટી માટે તેમજ મારી અને મારા પરિવારજનોની સિક્યોરીટી માટે સિક્યોરીટી ગાર્ડ રાખી લીધા છે છતાં પોલીસને હું જાણવાજોગ લખાવવા માટે અહીં આવ્યો છે અને પોલીસ આ બાબતે કોઇ નક્કર પગલાં લે તેવી મારી આપ થાનેદારશ્રીને વિનંતી છે." વિનાયક ઘાટગેએ કપાળનો પરસેવો લૂછતાં કહ્યું હતું.

દરવાજા પાસે કોઇ ઊભું છે એવું રાજવીરને દરવાજાની નીચેની જગ્યામાંથી દેખાયું એટલે એણે અચાનક ઊભા થઇ કેબીનનો દરવાજો ખોલી નાંખ્યો હતો. કેબીનના દરવાજાના ટેકે રઘુ અંદરની વાતચીત સાંભળી રહ્યો હતો. દરવાજો અચાનક ખુલતા રઘુ પોતાનું બેલેન્સ જાળવી શક્યો નહિ અને જમીન પર પછડાયો હતો.

જમીન પર પછડાયેલા રઘુ સામે રાજવીરે ગુસ્સાથી જોયું હતું અને ચપટી વગાડી એને પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળીને ઊભા રહેવા કહ્યું હતું.

ફરી પાછો એ પોતાની ખુરશીમાં આવીને બેઠો હતો.

"પોલીસ સ્ટેશનમાં પણ ગુંડાઓના હપ્તા ખાવાવાળા હવાલદારો ભર્યા પડ્યા છે. વિનાયકજી, તમે એક કામ કરો. આજે રાતના નવ વાગે હું તમારી હોટલ પર આવું છું. આપણે ત્યાં બેસીને નિરાંતે વાત કરીએ અને હા, જે વ્યક્તિ હોટલ ખરીદવા માટે આવ્યો હતો એનો CCTV ફુટેજ કાઢીને તૈયાર રાખજો અને એ વ્યક્તિનો શક્ય હોય તો એક ફોટોગ્રાફ પણ કઢાવી દેજો. હું ત્યાં આવીને નિરાંતે વાત કરીશ. આવું કહેતા મને સંકોચ થાય છે પણ સત્ય એ છે કે પોલીસ સ્ટેશનમાં આ બધી વાતો કરવી સલામત નથી." રાજવીરે પોતાની જાળ બીછાવતા કહ્યું હતું.

"ચોક્કસ વેલકમ સાહેબ... આપ થાનેદારશ્રી મારી હોટલમાં આવશો તો મને ખૂબ ખુશી થશે." આટલું બોલી વિનાયક ઘાટગે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી પોતાની મર્સીડીઝમાં બેસી હોટલ તરફ જવા નીકળી ગયો હતો પરંતુ એને ખબર ન હતી કે સિંહના પંજામાંથી નીકળવા માટે એ વાઘને આમંત્રિત કરી રહ્યો છે.

રાજવીરે હવાલદાર રઘુને પોતાની કેબીનમાં બોલાવ્યો હતો.

"મારી ડ્યુટી જોઇન કર્યા પહેલા આ પોલીસ સ્ટેશનમાં જે કંઇ થતું હોય એની સાથે મારે કોઇ લેવાદેવા નથી પરંતુ મારા જ પોલીસ સ્ટેશનમાં મારા ઉપર જ જાસૂસી થાય એ મને જરાય પસંદ નથી. જો રઘુ, તારા રીટાયર્ડમેન્ટને પાંચ વર્ષ બાકી રહ્યા છે માટે તારી ઉંમરનું ધ્યાન રાખતા હું આ વખતે તને જવા દઉં છું પરંતુ જો ફરી મારા ઉપર જાસૂસી કરતા ફરી પકડાયો છું તો સસ્પેન્ડ કરી દઇશ અને રીટાયર્ડમેન્ટનો એક પણ રૂપિયો નહિ મળે એવો તારો પાકો બંદોબસ્ત કરી દઇશ અને આ પહેલી અને છેલ્લી વારની ધમકી સમજીને જ ચાલજે. ગેટ આઉટ..." રઘુને કેબીનમાંથી બહાર કાઢી રાજવીર રાત્રિના નવ વાગે વિનાયક ઘાટગેને કઇ રીતે પોતાના ચંગુલમાં ફસાવવો એનો પ્લાન બનાવી રહ્યો હતો.

***

લીલાવતી હોસ્પિટલમાં સ્ટ્રેચર પર બેભાન અવસ્થામાં પડેલા પોતાના એકના એક દીકરા સોહમને હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ધનરાજ પંડિત અને રાજવી પંડિત લઇ જઇ રહ્યા હતાં.

"સોહમ આંખો ખોલ.... બેટા સોહમ આંખો ખોલ..." બંન્ને બોલતા બોલતા સ્ટ્રેચરની સાથે દોડી રહ્યા હતાં.

સોહમનું સ્ટ્રેચર ઇમરજન્સી રૂમમાં દાખલ થયું એટલે નર્સે બંન્ને જણને દરવાજા પાસે રોકી દીધા હતાં અને બહાર મુકેલી બેન્ચ ઉપર બેસવા કહ્યું હતું.

પતિ-પત્ની બંન્ને બેન્ચ ઉપર બેસી ગયા હતાં અને એકબીજાને આશ્વાસન આપી રહ્યા હતાં.

હોસ્પિટલે પોલીસ કમ્પ્લેન કરી હોવાના કારણે થોડીવારમાં એ એરીયાનો પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ અને સાથે કોન્સ્ટેબલ બલબીર બંન્ને લીલાવતી હોસ્પિટલમાં આવ્યા હતાં અને ધનરાજ પંડિત જોડે આવીને ઊભા રહ્યા હતાં.

પોલીસને આવેલી જોઇ પતિ-પત્ની બંન્નેને આંચકો લાગ્યો હતો. ઇન્સ્પેક્ટર સૂરજ ધનરાજ પંડિત સામે સ્ટુલ ઉપર બેઠો અને હવાલદાર બલબીર ડાયરી કાઢીને ધનરાજ પંડિતનું સ્ટેટમેન્ટ લખવા તૈયાર થઇ ગયો હતો.

"આપનું નામ શું છે અને પેશન્ટ આપનો શું થાય?" સૂરજે પૂછ્યું હતું.

"મારું નામ ધનરાજ પંડિત છે અને આ મારી પત્ની રાજવી પંડિત છે. અંદર પેશન્ટ છે એ મારો એકનો એક દીકરો સોહમ છે. મારો દીકરો ઘરમાં બેભાન થઇ ગયો હતો એમાં પોલીસનો શું રોલ આવે?" ધનરાજ પંડિતે ઇન્સ્પેક્ટર સૂરજને પૂછ્યું હતું.

"મી. પંડિત, તમારા દીકરા સોહમ પંડિતે ડ્રગ્સનો ઓવરડોઝ લઇ લીધો હતો. એના કારણે એ બેભાન થઇ ગયો હતો અને એટલે જ હોસ્પિટલે અમને જાણ કરી છે. તમને ખબર નથી કે તમારો દીકરો ડ્રગ્સ લે છે???" સૂરજે શંકાશીલ દૃષ્ટિએ પંડિત દંપતી સામે જોઇ પૂછ્યું હતું.

પતિ-પત્ની આભા થઇ એકબીજા સામે જોવા લાગ્યા હતાં!!!

"સાહેબ, તમારી કોઇ ભૂલ થાય છે. અમારો દીકરો તો સાદી સોપારી પણ ખાતો નથી. ડ્રગ્સ તો બહુ દૂરની વાત રહી. આપની કોઇ ગેરસમજ થાય છે." ધનરાજ પંડિતે ઇન્સ્પેક્ટર સૂરજ સામે જોઇ કહ્યું હતું.

"મારી ગેરસમજ નથી થતી, મી. પંડિત. તમે અંધારામાં છો. તમારો દીકરો ડ્રગ્સ લે છે અને તમને એની જાણ પણ નથી એ વાતની મને નવાઇ લાગી રહી છે. ડ્રગ્સ ખરીદવા માટે પૈસા એ ઘરમાંથી ચોરતો હશે એટલે તમને હજી કોઇ શંકા ગઇ લાગતી નથી અથવા તમે એને વાપરવા બેફામ રૂપિયા આપતા હશો એવું મને લાગે છે. એ ભાનમાં આવે એટલે અમે પૂછપરછ કરીશું." સૂરજે ધનરાજ પંડિત સામે જોઇ કહ્યું હતું.

ઇમરજન્સી રૂમનો દરવાજો ખુલ્યો અને ડોક્ટર બહાર આવ્યા હતાં. પતિ-પત્ની બંન્ને ડોક્ટર પાસે દોડ્યા હતાં.

"જુઓ મી. ધનરાજ, પેશન્ટની હાલત ખૂબ જ નાજુક છે. પંદર વર્ષની ઉંમરે એણે ડ્રગ્સનો ઓવરડોઝ કરી લીધો છે. જે રીતની પરિસ્થિતિ છે એ રીતે મને લાગી રહ્યું છે કે એનું બચવું શક્ય નથી. તમે ઈશ્વરને પ્રાર્થના કરો." આટલું બોલી ડોક્ટર ચાલવા માંડ્યા હતાં.

ઇન્સ્પેક્ટર સૂરજ અને હવાલદાર બલબીર પણ ડોક્ટરની સાથે-સાથે સોહમ પંડિતના કેસ બાબતે પૂછપરછ કરતા ચાલવા લાગ્યા હતાં.

પતિ-પત્ની બંન્ને એકબીજાને વળગી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતાં.

***

રાત્રિના સાડાઆઠ વાગે ઇન્સ્પેક્ટર રાજવીર હોટલ બ્લ્યુ સ્ટારમાં દાખલ થયો હતો. રાજવીર વર્ધીમાં જ દાખલ થયો હોવાના કારણે હોટલનો મેનેજર તરત એને વિનાયક ઘાટગેની ઓફિસમાં ખૂબ સભ્યતાથી લઇ ગયો હતો. પોલીસવાળા હોટલમાં વર્ધીમાં દાખલ થાય એટલે મારી પાસે તરત લઇ આવવા એવો હોટલના માલિકે વર્ષોથી નિયમ બનાવ્યો હતો.

મેનેજર અને ઇન્સ્પેક્ટર રાજવીર કેબીનમાં પ્રવેશ્યા ત્યારે વિનાયક ઘાટગે ફોન ઉપર કોઇની જોડે વાત કરી રહ્યો હતો. રાજવીરને કેબીનમાં દાખલ થયેલો જોઇ એ પોતાની ખુરશી ઉપરથી ઊભો થઇ ગયો હતો અને ફોન મુકી દીધો હતો અને એના તરફ જઇ હાથ મીલાવી વેલકમ કર્યું હતું.

"આપ અહીં આવ્યા મને ખૂબ આનંદ થયો. આપ ખુરશીમાં બેસો." વિનાયકે મેનેજરને ચા-નાસ્તો લાવવા કહ્યું હતું.

"થાનેદાર સાહેબ, આ ફોટોગ્રાફ જે વ્યક્તિ મારી હોટલ ખરીદવા આવ્યો હતો એનો છે અને આ CCTV ફુટેજ જેમાં હોટલમાં દાખલ થતાં અને બહાર નીકળતા એ દેખાઇ રહ્યો છે. આ વ્યક્તિ બે વાર હોટલ ખરીદવા મારી પાસે આવ્યો હતો." વિનાયકે પોતાના લેપટોપમાં CCTV ફુટેજનો વિડીયો ચાલુ કરી લેપટોપ રાજવીર તરફ ફેરવ્યું હતું.

રાજવીરે ફુટેજ બહુ જ ધ્યાનથી બે-ત્રણ વખત જોયું હતું કારણકે એને લાગ્યું કે એણે આ વ્યક્તિને ક્યાંક જોયો છે. પણ ક્યાં જોયો છે એ યાદ આવતું ન હતું.

રાજવીરે હવે ફોટોગ્રાફને હાથમાં લીધો હતો અને ફોટોગ્રાફને પણ ધ્યાનથી જોવા લાગ્યો હતો.

"સર, આનું નામ સલીમ છે એવું એ કહેતો હતો." વિનાયક રાજવીરને યાદ કરાવવામાં મદદ કરવા લાગ્યો હતો.

વિનાયકની વાત સાંભળી એના મગજમાં તરત જ ચમકારો થયો હતો.

"અરે આ સલીમ સોપારી છે. ડ્રગ માફીયા સફેદ કોબ્રાનો રાઇટ હેન્ડ છે એવી પોલીસને શંકા છે. પરંતુ આ તમારી હોટલ કેમ ખરીદવા માંગે છે???" રાજવીરે આશ્ચર્ય સાથે વિનાયકને પૂછ્યું હતું.

"સર, મારી હોટલ ત્રણસો પાંસઠ દિવસ બુક હોય છે અને એટલે પ્રોફીટની લાલચમાં આ લોકો મારી હોટલ પચાઇ પાડવા માંગે છે." વિનાયકે રાજવીરની વાતની ગહેરાઇ સમજ્યા વગર ભોળા ભાવે કહ્યું હતું.

સફેદ કોબ્રાનું નામ સાંભળી વિનાયકને પરસેવો પણ છૂટી ગયો હતો.

વિનાયકની વાત સાંભળી રાજવીરને મનમાં હસું આવ્યું હતું.

"અબજોની કમાણી કરતા ડ્રગ માફીયાને તમારી હોટલની આવકમાં રસ ના હોય." રાજવીરે વિનાયક ઘાટગેને કહ્યું હતું અને પછી એ ઊભો થયો હતો.

"સારું વિનાયકજી, હું રજા લઉં છું પરંતુ હવે તમે ચિંતા ના કરતા. આ માણસ ફરી હોટલમાં આવી તમને હેરાન કરે તો મને ફોન કરજો. મારા આ કાર્ડમાં મારો પર્સનલ મોબાઇલ નંબર પણ છે." રાજવીરે વિનાયકને કાર્ડ આપતા કહ્યું હતું.

રાજવીર હોટલ ખરીદનારને સબક શીખવાડવાનું વચન આપી વિનાયક પાસેથી વીસ લાખ રૂપિયા પડાવવાની ગણતરીથી આવ્યો હતો પરંતુ સલીમ સોપારીને જોઇ એ અટકી ગયો હતો. કારણકે અન્ડરવર્લ્ડ ડોન સફેદ કોબ્રા જોડે એ બબાલમાં પડવા ઇચ્છતો ન હતો. પોલીસ પાસે સફેદ કોબ્રાનું નામ જ હતું. છેલ્લા દસ વર્ષમાં અન્ડરવર્લ્ડમાં ડ્રગ્સના બીઝનેસમાં સફેદ કોબ્રાનું નામ ખૂબ મોટું થઇ ગયું હતું. પરંતુ એ કોણ છે? ક્યાં રહે છે? એની કોઇ માહિતી ઇન્ટરનેશનલ પોલીસ પાસે હતી નહિ. એટલે રાજવીરે અત્યારે પોતાની જાળ ફેંકવાનું મુલતવી રાખ્યું હતું.

વિનાયક સાથે હાથ મીલાવી એ હોટલમાંથી બહાર નીકળ્યો ત્યારે જય હાથમાં મેગેઝિન લઇ બેઠો હતો અને એનો ફોટોગ્રાફર મિત્ર રાજવીરના ફોટા પાડી રહ્યો હતો.

હવાલદાર રઘુએ રાજવીર અને વિનાયક વચ્ચે થયેલી એણે સાંભળી હતી એટલી બધી જ વાત જયને કહી દીધી હતી. એટલે એ પનવેલથી સીધો હોટલ બ્લ્યુ સ્ટારમાં સાદા વેશમાં હમણાં જ આવીને બેઠો હતો. એ રાજવીરને હોટલ બ્લ્યુ સ્ટાર ખરીદવામાં સફેદ કોબ્રાને અડચણરૂપ ના બને એ માટે એના પર જાસૂસી કરી રહ્યો હતો.

જય પોતાની ખૂબ હોંશિયારીથી એના ઉપર નજર રાખી રહ્યો હતો પરંતુ દરવાજામાંથી બહાર નીકળતા રાજવીર જયને જોઇ ગયો હતો. આમેય એના ઉપર કોઇ જાસૂસી કરતું હોય તો એની ગંધ રાજવીરને પહેલેથી જ આવી જતી હતી એવી કુદરતે આપેલી આ બક્ષિસ રાજવીરને એના જીવનમાં ખૂબ કામમાં આવી હતી.

પોતાના ઉપર જાસૂસી કરનાર જયને સીધોદોર કરી નાંખવાનો મક્કમ ઇરાદો રાજવીરે હોટલની બહાર નીકળી જીપમાં બેસતા કરી નાંખ્યો હતો.

ક્રમશઃ......

(વાચકમિત્રો, 'સફેદ કોબ્રા" આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)