White Cobra - Part 3 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 3

સફેદ કોબ્રા

ભાગ-3

પનવેલ ફાર્મહાઉસમાં મીટીંગ


હોટલ બ્લ્યુ સ્ટારમાંથી નીકળતી વખતે ઈન્સ્પેક્ટ રાજવીરે જયને જોઈ લીધો હતો. જયને એણે દાઢમાં તો પહેલેથી જ રાખ્યો હતો અને એને કોઈપણ સંજોગોમાં પછાડવા માટે એ કટિબદ્ધ બન્યો હતો.

રાજવીર સવારે જયારે પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે સબ ઇન્સ્પેકટર જયે રાજવીરને બપોરે બે વાગે બાંદ્રામાં આવેલ એક કોફીશોપમાં મળવા માટે કહ્યું હતું અને સાથે એવું પણ કહ્યું હતું કે ખુબજ મહત્વની વાત છે, જે વાત એ પોલીસ સ્ટેશનમાં કહી શકે એમ નથી.

રાજવીરને એના ઉપર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ એની પાસેથી વાત જાણવાની પણ ઇન્તઝારી એને થઇ હતી. એ વિચારી રહ્યો હતો કે એવી તો શી વાત એને કરવી છે કે એ બહાર કોફીશોપમાં બોલાવી રહ્યો છે? રાજવીર પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નનો જવાબ જાણવા તો માંગતો હતો, પણ પોતે કોઈપણ જાતનાં જયે ગોઠવેલા છટકામાં પણ ફસાવા માંગતો ન હતો. માટે એને કોફીશોપની જગ્યા પોતાને પસંદ હતી એ જગ્યા જયને કહી હતી અને જયને ત્યાં મળવા માટે એને બોલાવ્યો હતો.

બપોરના બે વાગ્યાની આસપાસ બાંદ્રા રેલ્વે સ્ટેશનની નજીક આવેલા કોફીશોપમાં જય અને રાજવીર ટેબલ પર આમને-સામને બેઠા હતા.

‘જય એવી તો કેવી વાત છે કે એ કહેવા તું મને આ કોફીશોપ સુધી લઈ આવ્યો? જો વાત કોઈ કામની ના નીકળી અને આની પાછળ તારું કોઈ કાવતરું નીકળ્યું તો સમજી લેજે કે તારો અંજામ સારો નહિ થાય.’ રાજવીરે જય સામે જોઈ ગુસ્સામાં કહ્યું હતું.

‘ના....સર, ખુબ અગત્યની અને આપના જ કામની વાત છે. હું તમને એક મંત્રી જોડે મીટીંગ કરાવવા માંગું છું. એ તમને કોઈ ઓફર આપવા માંગે છે. એ ઓફર શું છે? કઈ રીતની છે? એ મને ખબર નથી. પરંતુ એમાં તમારા માટે ફાયદાની વાત ચોક્કસ છે એવું હું કહી શકું છું. મીટીંગ માટે તમારે આ સરનામે જવાનું છે.’ જયે મંત્રીશ્રીના પનવેલના ફાર્મહાઉસનું સરનામું રાજવીરને આપતા કહ્યું હતું.

‘મંત્રીને મારું કામ હોય તો મંત્રાલયમાં બોલાવે પણ એમના ફાર્મહાઉસ પર શું કામ બોલાવે છે? નક્કી તું મને કોઈ સકંજામાં ફસાવવા માટે સક્રિય થયો છે. કાલે રાત્રે મેં તને હોટલ બ્લ્યુ સ્ટારના સોફા પર બેઠેલો જોયો હતો.’ રાજવીરે આટલી વાત કરી જય સામે જોયું હતું.

રાજવીરની વાત સાંભળી જય ચોંકી ગયો હતો. એના કપાળ પર પરસેવાના ટીપાં બાઝવા લાગ્યા હતા.

‘સર...કાલે હું હોટલ બ્લ્યુ સ્ટારમાં બેઠો ચોક્કસ હતો, પરંતુ મારો ઈરાદો તમને ફસાવાનો હતો નહિ પરંતુ તમારી હિલચાલ પર ધ્યાન રાખવાનો હતો. તમે જયારે મંત્રીને મળશો એટલે તમને આખી વાતની ચોખવટ થઈ જશે એવું મને લાગે છે. તમે એમની ઓફરને હા પાડો તો કોઈ વાંધો નથી. પરંતુ ના પાડતા પહેલા સમય માંગીને વિચારીને ના પાડજો. આ હું તમારા સારા માટે કહું છું. હવે આપણે વધારે વાત અહીંયા નહિ કરી શકીએ કારણકે આપણે આ કોફીશોપના CCTV કેમેરાની નજર હેઠળ છીએ. માટે બાકીની વાત આપણે પછી કરીશું અને તમે મંત્રીશ્રીના ફાર્મહાઉસ પર જવા નીકળી જાઓ.’ જયે રાજવીર સામે જોઈ કહ્યું હતું.

‘ચાલ, તું મારી જોડે પનવેલના ફાર્મ હાઉસ ઉપર કારણકે હું એકલો મંત્રીના ફાર્મહાઉસ પર નહિ જાઉં. તારો કોઈ ભરોસો નથી. તે મારા માટે એક લાશ મુકી દીધી હોય અને મને કોઈ સકંજામાં ફસાવા માટે તે તખ્તો તૈયાર કર્યો હોય. મને તારી વાત પર એકેય ટકાનો વિશ્વાસ નથી. તું મારી જાસૂસી કરતા ડરતો નથી, તે મારી જાસૂસી કરી છે આ વાત તું યાદ રાખજે. તારે મારી જોડે ફાર્મ હાઉસ પર આવવું હોય તો જ હું આવીશ નહીંતર હું જવાનો નથી.’ રાજવીરે સરનામું ફાડી નાખતા જયને કહ્યું હતું.

જય થોડીવાર માટે ચુપ રહ્યો અને વિચારતો રહ્યો હતો.

‘સારું, સર... હું તમારી સાથે આવું છું.’ આટલું કહી જય ઉભો થયો. જય અને રાજવીર બંને જીપમાં બેઠા અને જીપ પનવેલના રસ્તા પર દોડી રહી હતી.

*

સફેક કોબ્રાનો ડ્રગ્સનો ધંધો બાંદ્રામાં આવેલી હોટલ સનરાઈસમાં ખુબજ ધમધોકાર ચાલી રહ્યો હતો. બાંદ્રાની સનરાઈસ હોટલમાંથી આખા મુંબઈમાં ડ્રગ્સનો માલ સપ્લાય થતો હતો. રોજે રોજ ડ્રગ્સની ડિમાન્ડ વધી રહી હતી.

હોટલના માલિક રમ્યા મૂર્તિ આજથી પાંચ વર્ષ પહેલા એક નાની કોફીશોપ ચલાવતો હતો. પાંચ વર્ષમાં એણે હોટલ સનરાઈસ ઊભી કરી નાખી હતી. સફેક કોબ્રાનો ડ્રગ્સનો બધો જ ધંધો જે મુંબઈનો હતો એ રમ્યા મૂર્તિની હોટલ સનરાઈસના માધ્યમથી આખા મુંબઈમાં સપ્લાય થઇ રહ્યો હતો. ડ્રગ્સના ધંધાના કારણે તે ચિક્કાર રૂપિયા કમાઇ રહ્યો હતો. આજે એ જયારે પોતાની હોટલમાં પ્રવેશ્યો ત્યારે વેઇટીંગરૂમમાં સિયા તેની રાહ જોઈ રહી હતી.

‘અરે સિયા, તું અત્યારે અહીંયા આવી છે? ચાલ, મારી કેબિનમાં જઈને વાત કરીએ.’ રમ્યા મૂર્તિએ સિયાની પાસે જઈને કહ્યું અને એને કેબિનમાં અંદર બોલાવી હતી.

સિયાએ રમ્યા મૂર્તિની કેબિનમાં જઈ ખુરશી પર બેસી અને એની સામે જોઈ કહ્યું હતું.

‘રમ્યા મૂર્તિ તમારા તરફથી માલનો સ્ટોક રોજ ઓછો આવી રહ્યો છે. શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, મોટી-મોટી પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે માલ ઓછો પડી રહ્યો છે. રોજે રોજ અમને જેટલો માલ જોઈએ છે એટલો માલ મળી નથી રહ્યો.’ સિયાએ રમ્યા મૂર્તિને ફરિયાદ કરતા કહ્યું હતું.

‘જો સિયા, જેટલો પણ માલ બોસ મને સપ્લાય કરે છે એ બધો જ માલ હું રોજે રોજ બધા ડીલરોને મોકલી દઉં છું. માલની ડિમાન્ડ વધી ગઇ છે માટે તારા સિવાય મેં રાખેલા બીજા બધા એજન્ટોને પણ માલ પહોંચાડવાનો હોય છે. એટલે બની શકે છે કે તું જેટલો માંગે છે એટલો માલ તને મળતો નથી. ખાલી મુંબઈ ખાતે જ તારા જેવા સો એજન્ટો છે અને સો મુખ્ય એજન્ટોની નીચે બીજા પાંચસો એજન્ટો છે. છતાં પણ મુંબઈમાં માલ પૂરો પડતો નથી. મહારાષ્ટ્રમાં બીજી જગ્યાએ અને ગુજરાતમાં તો ઘણીવાર માલ મોકલી પણ નથી શકાતો. એવા સંજોગો ઊભા થાય છે.’ રમ્યા મૂર્તિએ સિયા સામે જોઈને કહ્યું હતું.

‘મારે આ બધી વાત સાથે કોઇ લેવાદેવા નથી. મને તો જયારે હું માંગું ત્યારે મને માલ મળવો જોઈએ. મંત્રીજીએ મને ખાસ એ વાત કહેવા માટે તમારી પાસે મોકલી છે અને કહ્યું છે કે મને માલની અછત પડે એવું હવે થવું જોઈએ નહિ. નહિ તો તમારે મંત્રીજીને જવાબ આપવો પડશે.’ સિયાએ સિગરેટ સળગાવતાં કહ્યું હતું.

‘સિયા તું દરેક વાતમાં મંત્રીની ધમકી ના આપ. હું જે કંઈપણ કરું છું એ બોસે ગોઠવેલા ધંધાની પદ્ધતિથી કરું છું અને એ વાત તું ભૂલ નહિ કે મારા સિવાય બોસ જોડે ડાઇરેકટ સંપર્ક કોઈનો નથી. આ ધંધામાં તમે ઈચ્છો છો એના કરતાં અઢળક પૈસા તમને લોકોને મળી રહ્યા છે અને ધંધો તમે વધારવા માંગો છો, એ પણ મને ખબર છે. પરંતુ માલ તમે માંગો એટલો મળી રહે એ વાત તારી હું બોસને ચોક્કસ કરીશ અને ફરીવાર તારી કમ્પલેન ના આવે એનું હું ચોક્કસ ધ્યાન રાખીશ. પરંતુ તારો જે આ સુર છે એ ઉંચો રાખવાને બદલે શાંતિથી અને સમજદારીથી મારી જોડે વાત કર. આ આખું નેટવર્ક ભલે સલીમ સોપારી ચલાવી રહ્યો છે પરંતુ સલીમ સોપારીની ઉપર બોસે મને નિમણુંક કર્યો છે અને તમે બધાં સલીમ સોપારીની નીચે અથવા તો એની સાથે જોડાયેલા છો.’ રમ્યા મૂર્તિએ ચિરૂટનો કસ લેતા લેતા કહ્યું હતું.

રમ્યા મૂર્તિની વાત સાંભળીને સિયા ગુસ્સામાં આવી ગઈ હતી. પરંતુ એ કોઇપણ જવાબ આપ્યા વગર કેબિનમાંથી બહાર નીકળી ગયી હતી. સિયા રમ્યા મૂર્તિને મળી સીધી શહેઝાદના ફ્લેટ પર પહોંચી હતી.

એકટર શહેઝાદ ખાન પોતાનું સ્વિટ્ઝર્લૅન્ડનું શુટિંગ પતાવીને આવી ગયો હતો.

'શહેઝાદ તું આવી ગયો? હું તને ખુબ મિસ કરતી હતી. હવે હમણાં તો તારું કોઈ શુટિંગ નથી ને?' સિયાએ શાહેઝાદ પાસે જઈ કહ્યું હતું.

શહેઝાદ ખુબજ ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો. પંદરમાં માળે આવેલા એના આલીશાન ફ્લેટની ગેલેરીમાં ઊભો રહી એ સિગરેટ પી રહ્યો હતો.

‘સિયા...નિશાએ મને તારા વિરુદ્ધ જે રજૂઆત કરી છે એ સાચી છે?’ શહેઝાદે સિયા સામે જોઈ પૂછ્યું હતું.

‘નિશાએ મારા વિરુદ્ધ શું વાત કરી? હું કંઈ સમજી નહિ.’ સિયા જાણે કશું જાણતી જ નથી એ રીતનું વર્તાવ એણે કર્યો હતો.

‘સિયા...એનું એવું કહેવું છે કે તું ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી છે અને મુંબઈમાં ડ્રગ્સનો મોટો વેપાર કરી રહી છે. શું આ વાત સાચી છે?’ શહેઝાદે સિયા સામે જોઈ પૂછ્યું હતું.

‘ના....જરાપણ નહિ. નિશાના મનમાં વહેમ ઘુસી ગયો છે. એકવાર મેં એને સિગરેટની ઓફર કરી હતી ત્યારે એને એવું લાગ્યું કે ડ્રગ ભરેલી સિગરેટ છે અને મેં એને હસતાં-હસતાં કીધું કે અરે ભાઈ! ડ્રગ ભરેલી સિગરેટ હોય તો હું તને મુંબઈમાં વેચવાનું ના કહું? બસ, મારી એ મજાકને એણે સાચી માની લીધી અને મારા વિરુદ્ધ તને ખોટો ચઢાવી રહી છે. એ નથી ઈચ્છતી કે આપડે બંને લગ્ન કરીએ. એ મારા અને તારા સંબંધને તોડાવવા ઈચ્છે છે.’ સિયાએ આંખમાં આંસુ સાથે નાટક કરતાં કહ્યું હતું.

‘ઓહ....થેન્ક ગોડ. હું તો એવું સમજ્યો હતો કે નિશા સાચું કહે છે. ખેર એની સમજ ફેર થઇ લાગે છે. હું એને વાત કરી દઈશ. તું ચિંતા ના કરતી.’ શહેઝાદે સિયાના માથે હાથ મુકીને કહ્યું હતું.

*

ઈન્સ્પેક્ટર શેખાવત અને સબ ઈન્સ્પેક્ટર જય બંને જણ મંત્રીજીના પનવેલના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા. મંત્રીજી ફાર્મહાઉસ પર ઉપસ્થિત હતા.

રાજવીર ફાર્મહાઉસના લોખંડના દરવાજામાં ચીપ એન્ટર કરી. મંત્રીએ ફાર્મહાઉસને સ્વર્ગ જેવું બનાવ્યું હતું એ દેખાઈ આવતું હતું. ચારેય બાજુ સિક્યુરીટી ગાર્ડ, ચાર કુતરાઓ જોઈ રાજવીર સમજી ગયો હતો કે મંત્રીનું ફાર્મહાઉસ હાઉસ કિલ્લા જેવું મજબૂત છે. આ જય જેવા મંત્રીએ પ્યાદા ઊભા કરી ચોક્કસ પોતાના ધંધાના મોટા પણ ખોટી રીતના ખેલ કરવામાં જય જેવા લોકોનો ઉપયોગ કરતો લાગે છે. રાજવીર જીપ માંથી નીચે ઉતરતાં આવું વિચારી રહ્યો હતો.

રાજવીર અને જય બંને મંત્રીજીના ડ્રોઈંગરૂમમાં પહોંચ્યા. મંત્રીજી સોફા ચેરમાં પગ લાંબા કરીને છાપાં વાંચી રહ્યા હતા. રાજવીર અને જયને જોઈ મંત્રીજીએ બંનેને બેસવાનું કહ્યું.

‘સર...આ અમારા પોલીસ સ્ટેશનના હેડ રાજવીર શેખાવત છે અને સર તમે તો મંત્રીજીને ઓળખો જ છો.’ જયે ઓળખાણ કરાવતાં કહ્યું હતું.

‘રાજવીર શેખાવત તમે બાંદ્રા પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી છો. જયે તમને કીધું નહિ હોય કે તમને અહીં કેમ બોલાવવામાં આવ્યા છે. પરંતુ હું કહી દઉં. મારી ઈચ્છા છે કે તમે મુંબઈમાં ફેલાયેલા અમારા ડ્રગ્સ નેટવર્કમાં અમારી જોડે જોડાવવાનું આમંત્રણ આપું છું. દર મહીને એમાં તમને તમારો હિસ્સો મળી જશે. એના બદલામાં તમારે અમારા બધાં ડ્રગને લગતાં જે કામ-ધંધાઓ છે એમાં જયારે તમારી જરૂરત પડે ત્યારે તમારે કામ કરવાનું રહેશે. બોલો મંજૂર છે?’ મંત્રીએ ખુલ્લા શબ્દોમાં રાજવીરને ઓફર આપી હતી.

‘મંત્રીજી તમે જેમ કીધું એ પ્રમાણે જયારે મારી જરૂર પડશે ત્યારે એ વખતે આપણે દરેક કામનાં કામ પ્રમાણે રૂપિયા નક્કી કરી દઈશું.’ રાજવીરે પણ બેખોફ થઇ મંત્રીની આંખમાં આંખ નાખીને વાત કરી હતી.

રાજવીર સાહસ કરી રહ્યો હતો કે ગાંડપણ એ જયને સમજાયું નહિ. મંત્રી ગોપીનાથ સાવંત સાથે આ રીતે વાત કોઈએ કરી ન હતી. ગોપીનાથ સાવંતને પણ રાજવીરની વાત સાંભળીને ગુસ્સો આવ્યો. પરંતુ એણે એના મગજ પર શાંતિ રાખી.

‘સારું...વાંધો નથી. પરંતુ અત્યારે અમારું સૌથી મોટું મિશન છે હોટલ બ્લ્યુ સ્ટારની ખરીદી. જો હોટલ બ્લુસ્ટાર અમારા હાથમાં આવી જાય, તો અમારા ધંધાને ઘણો ફાયદો થાય એવો છે. હોટલનો માલિક વિનાયક ખાટગે તમારી જોડે બે દિવસથી પરિચયમાં આવ્યો છે, એની અમને જાણ છે. માટે આ હોટલ વેચવા માટે તમે એને મજબૂર કરી દો અથવા તો રાજી કરી દો. આ હોટલ કોઇપણ હિસાબે પંદર દિવસમાં એ વેચવા માટે તૈયાર થઇ જવો જોઈએ. એના માટે તમારી કિંમત બોલો.’ મંત્રીએ પણ રાજવીરને સીધી જ ઓફર આપી હતી.

‘હું પંદર દિવસમાં તમારા નામે આ હોટલ કરાવી આપીશ. મને આ હોટલ તમારા નામે કરાવવા માટે એક કરોડ રૂપિયા જોઇશે.’ રાજવીર પણ હવે બેખોફ બોલી રહ્યો હતો.

‘એક કરોડ રૂપિયા બહુ જ વધારે છે. પચાસ લાખથી એક રૂપિયો પણ વધારે નહિ.’ ગોપીનાથ સાવંતે ભાવતાલ ચાલુ કર્યો હતો.

‘મંત્રીજી મારું પણ અહીં તમારું પણ નહિ. પંચોતેર લાખ નક્કી રાખીએ.’ રાજવીરે કહ્યું હતું.

‘મને મંજૂર છે. આજથી તમે કામે લાગી જાવ અને મને પંદર દિવસમાં આ હોટલ જોઈએ. હવે તમે જઈ શકો છો અને આપણે મળ્યા છીએ એ વાત ગુપ્ત રહેવી જોઈએ. તમે કોઈ ડિવાઈસ જાસુસી લઈને નથી આવ્યા એ તો તમે આ ડ્રોઈંગરૂમમાં એન્ટર થયા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કારણકે આ રૂમમાં અમે એવી સીસ્ટમ મુકી છે કે કોઇ મોબાઇલ કે બીજું કોઇ જાસૂસી ઉપકરણ લઇને અંદર આવે તો તરત જ એલાર્મ વાગવા માંડે. તમે અમારી સાથે ગદ્દારી કરશો તે ચલાવી લેવામાં નહિ આવે.’ ગોપીનાથ સાવંતે રાજવીરને કડક શબ્દોમાં કહ્યું હતું.

*

શહેઝાદને પોતાની સફાઇ આપ્યા બાદ સિયાને આ મુદ્દો ઘણો ગંભીર બનતો હોય એવું લાગ્યું હતું અને એટલે એણે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઇ સલીમ સોપારીને ફોન કરી નિશાની હરકતથી વાકેફ કરી હતી.

સલીમ સિયાની વાત સાંભળીને ગુસ્સામાં આવી ગયો હતો.

'નિશા તો આદુ ખાઇને આપણી પાછળ પડી છે. તારી ફરિયાદ શહેઝાદને કરી અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રીપોર્ટ લખાવવા પણ ગઇ હતી. એ તો સારું થયું કે જય ત્યાં હાજર હતો એટલે વાંધો આવ્યો નહિ પરંતુ આજે જ આ છોકરીને ઠેકાણે પાડી દેવી પડશે.' સલીમ ગુસ્સાથી ફોનમાં બોલી રહ્યો હતો.

સિયા પણ નિશાના પોલીસ સ્ટેશન સુધી જવાના પગલાંથી ડરી ગઇ હતી. આ વાત એને જયે પણ કરી હતી.

'સલીમ જે કરવું પડે તે કર. આ નિશાનો રસ્તો કરી નાંખ.' સિયા પણ હવે ગુસ્સાથી લાલચોળ થઇ ગઇ હતી.

સલીમે ફોન મુકી પોતાના અંગત માણસોને રાત્રે અગિયાર વાગે નિશા જે ફ્લેટમાં રહે છે ત્યાં પહોંચવા કહ્યું હતું.

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ