White Cobra - Part 5 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 5

સફેદ કોબ્રા

ભાગ-5

રમ્યા મૂર્તિનું ખૂન


હવાલદાર રઘુ રાજવીર અને જય પાસે આવી ઊભો રહ્યો હતો. રઘુ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને હાંફી રહ્યો હતો.

"રઘુ તું છપ્પન વર્ષનો થવા આવ્યો. આટલું દોડીશ તો મરી જઇશ. માટે ગમે તેટલા ખરાબ સમાચાર હોય શાંતિથી કહે કારણકે પોલીસ સ્ટેશનમાં સારા સમાચાર ક્યારેય આવવાના જ નથી." રાજવીરે સીગરેટ હાથમાં લઇ લાઇટરથી સળગાવી મોંમાં મુકતા રઘુને કહ્યું હતું.

"સર, હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિની કોઇએ હત્યા કરી નાંખી છે. હમણાં જ પોલીસ સ્ટેશને હોટલ સનરાઇઝમાંથી ફોન આવ્યો હતો." રઘુની વાત સાંભળી રાજવીર અને જય બંન્ને થોડી સેકન્ડો માટે ચોંકી ગયા હતાં.

"રઘુ તું દસ હવાલદારો સાથે પોલીસ વાનમાં હોટલ સનરાઇઝ પહોંચી જા. અમે જીપમાં ત્યાં પહોંચીએ છીએ." રાજવીરે રઘુને ઓર્ડર આપી સીગરેટને ઓલવી નાંખી અને જય સાથે જીપમાં ગોઠવાયો હતો.

જયે જીપને હોટલ સનરાઇઝ તરફ દોડાવી મુકી હતી.

રમ્યા મૂર્તિના ખૂનની વાત સાંભળી જય અંદરથી ઠંડો પડી ગયો હતો. કોઇ ભયંકર આંધી આવવાની હોય એના એંધાણ એને દેખાઇ રહ્યા હતાં. કારણકે રમ્યા મૂર્તિને મારનાર માણસ એ ચોક્કસ જાણતો હશે કે એ સફેદ કોબ્રાનો રાઇટ હેન્ડ હતો. એટલે એક રીતે જોવા જઇએ તો એને રમ્યા મૂર્તિ પર નહિ પરંતુ સીધો સફેદ કોબ્રા પર જ વાર કર્યો છે.

"જય, આ મંત્રીના ગેંગનું કારસ્તાન તો નથીને? બે દિવસની અંદર બે હત્યા થઇ છે." રાજવીરે જય સામે જોઇ પૂછ્યું હતું.

જય હજી રાજવીરને કોઇ જવાબ આપે એ પહેલા રાજવીરનો મોબાઇલ ફોન રણક્યો હતો.

"હેલો... જયહિંદ સાહેબ... સર, હું હોટલ સનરાઇઝ જ જઇ રહ્યો છું અને ત્યાં પહોંચી આપને રીપોર્ટ આપું છું." આટલું બોલી રાજવીરે ફોન નીચે મુકી દીધો હતો.

"કમિશ્નર સાહેબ જાણે મેં બધાં ખૂન કર્યા હોય એમ મને ખખડાવે છે અને તું કેમ બોલતો નથી? ચૂપ કેમ થઇ ગયો?" રાજવીરે ગુસ્સાથી પોતાની ભડાશ જય ઉપર કાઢતા કહ્યું હતું.

"સર, રમ્યા મૂર્તિ ડ્રગ માફીયા સફેદ કોબ્રાનો રાઇટ હેન્ડ હતો. એ એકલો જ હતો કે જે સફેદ કોબ્રા કોણ છે એ જાણતો હતો. રમ્યા મૂર્તિને મારી કોઇએ સફેદ કોબ્રાની પૂંછ ઉપર પગ મુકી દીધો છે. મારી સમજણ એવું કહે છે કે રમ્યા મૂર્તિને મારીને કોઇએ યુદ્ધ આરંભ કર્યું છે." જયે પોતાના મનમાં આવેલી બધી વાતો પરસેવે રેબઝેબ થતાં રાજવીરને કહી હતી.

જયની વાત સાંભળી રાજવીર પણ વિચારતો થઇ ગયો હતો.

રાજવીરના મનમાં એક આખો અલગ વિચાર દોડવા લાગ્યો કે ડ્રગ માફીયા સફેદ કોબ્રાના જમણા હાથ જેવા માણસને મારી કોઇ ઇન્ટરનેશનલ ડ્રગ માફીયા મુંબઇમાં પગપેસારો કરવા માંગે છે અને જો એની ધારણા સાચી પડે તો આવનારા છ મહિનામાં મુંબઇમાં મોટી ગેંગવોર થઇ શકે એમ છે અને આવું થાય તો નોકરી ઉપર ખતરો આવી જાય અને કરોડોની આવક બંધ થઇ જાય.

રાજવીરના મનમાં આવા વિચારો ચાલી રહ્યા હતાં ત્યારે જયે પોલીસ જીપ હોટલ સનરાઇઝના એન્ટ્રી ગેટ પાસે ઊભી રાખી અને જીપમાંથી ઉતરી ગયો હતો. રાજવીર પણ પોતાના મનમાં ચાલતા વિચારોને ખંખેરીને જય સાથે હોટલમાં પ્રવેશ્યો હતો. પોલીસ વાનમાં હવાલદારોને લઇ રઘુ પણ હોટલ ઉપર આવી ગયો હતો.

પોલીસવાળાઓને હોટલમાં દાખલ થતાં જોઇ તરત જ બ્લેક શુટ પહેરેલ એક વ્યક્તિ હોટલના રીસેપ્શન કાઉન્ટર પરથી ઝડપથી રાજવીર પાસે આવી ઊભો રહી ગયો હતો.

"સર, મારું નામ રામારાવ છે. હું આ હોટલનો મેનેજર છું. આપ મારી જોડે આવો. પહેલા માળે હોટલના માલિક રમ્યા મૂર્તિની લાશ એમની કેબીનમાં ખુરશી પર પડેલી છે. અમે લાશને હાથ લગાડ્યો નથી અને એ રૂમમાં પણ કોઇ ચીજવસ્તુને અડ્યા નથી." રામારાવે કહ્યું હતું.

રામારાવની પાછળ રાજવીર અને જય રમ્યા મૂર્તિની કેબીનમાં પહોંચ્યા હતાં.

એકદમ અદ્યતન કહી શકાય એવી મોટી કેબીનમાં ચેર ઉપર રમ્યા મૂર્તિની લાશ પડી હતી. કોઇએ રમ્યા મૂર્તિના કપાળમાં ગોળી મારી હતી. રમ્યા મૂર્તિએ પહેરેલો સફેદ સુટ અને ચહેરો લોહીથી લાલ થઇ ગયો હતો. થોડીવારમાં જ ફોરેન્સીક લેબમાંથી ટીમ આવી ગઇ હતી. હવાલદારોએ રમ્યા મૂર્તિના કેબીનવાળા આખા ફ્લોરને ઘેરી લીધો હતો અને એ ફ્લોર ઉપર પ્રવેશ કરવા માટે પ્રતિબંધ મુકી દીધો હતો.

"મેનેજર, આ લાશ સૌ પહેલા કોણે જોઇ હતી? કોઇને અહીંથી જતા જોયો ખરો?" રાજવીરે મેનેજર રામારાવને પૂછ્યું હતું.

"સર, હું અઢી વાગે કેબીનમાં દાખલ થયો ત્યારે બોસનું ખૂન થયેલું જોઇ મેં તરત પોલીસને ફોન કર્યો અને ત્યારબાદ મેં CCTV ફુટેજના રેકોર્ડીંગ રૂમમાં જઇ જોયું તો પંદર મિનિટ પહેલા એક વ્યક્તિ ગેલેરીમાં રહેલા CCTV કેમેરા સામે જોઇ સ્માઇલ કરી આંગળીથી Vનું ચિહ્ન બતાવી રહ્યો છે. ચોક્કસ એ જ ખૂની લાગે છે." મેનેજર રામારાવ રાજવીર અને જયને CCTV ફુટેજના રેકોર્ડીંગ રૂમમાં લઇ ગયો હતો.

મેનેજરે જે ઘટના કહી હતી એ ઘટના CCTV ફુટેજમાં રાજવીર અને જયે પણ જોઇ અને બંન્ને એકબીજા સામે જોવા લાગ્યા હતાં.

"જય, આ વ્યક્તિ કોણ છે એની તપાસ કર. આ વ્યક્તિએ સમજી વિચારીને રમ્યા મૂર્તિનું ખૂન કર્યું છે અને આપણા દ્વારા પોલીસને અને મીડિયાને પોતે હાથે કરીને આ કર્યું છે એવું જણાવવા માંગે છે. આ કોઇ ક્રિમિનલ લાગતો નથી. દેખાવ ઉપરથી એક આમ માણસ લાગી રહ્યો છે. જીપમાં તે મને જે વાત કીધી હતી એ વાત સાચી હતી. કોઇએ ડ્રગ માફીયા વિરૂદ્ધ યુદ્ધ ચાલુ કર્યું લાગે છે." રાજવીરે જયની સામે જોઇ કહ્યું હતું.

જયનો મોબાઇલ ફોન રણક્યો હતો. મોબાઇલ ઉપર મંત્રીજી લખાઇને આવ્યું હતું. રાજવીરની નજર પણ મોબાઇલ ઉપર પડી હતી.

"જા જઇને ફોન ઉપાડ. તારા આકાનો ફોન છે અને હવે જવાબ આપ." રાજવીરે જયને ટોન્ટ મારતા કહ્યું હતું.

જયે થોડા દૂર જઇ ફોન ઉપાડ્યો હતો. સામે છેડે મંત્રીજી ગુસ્સામાં બોલી રહ્યા હતાં.

"જય, રમ્યા મૂર્તિનું ખૂન કોણે કર્યું? કંઇ ખબર પડી?"

"ના, મંત્રીજી...પરંતુ જેણે ખૂન કર્યું છે એનો ફોટો તમને મોકલી આપું છું."

"સાલા તમે પોલીસવાળા કશું કરવા માટે સક્ષમ નથી. તારા જ એરીયામાં સફેદ કોબ્રાના રાઇટ હેન્ડનું ખૂન થઇ ગયું અને તું ખૂનીનો મને ફોટો મોકલે છે."

"મંત્રીજી, મોબાઇલ ઉપર આ બધી વાતો કરવી સલામત નથી. હું ફોટો મોકલું છું. તમે જોઇ લો. આ કોઇ તમારા લોકોનો તો દુશ્મન નથીને? સાંજે શાંતિથી બધો રીપોર્ટ આપું છું."

"કાલે સવારે અગિયાર વાગે પનવેલ ફાર્મહાઉસ પર મીટીંગ રાખી છે. મીટીંગમાં રાજવીરને પણ લેતો આવજે." આટલું બોલી મંત્રીજીએ ફોન મુકી દીધો હતો.

રમ્યા મૂર્તિનું ખૂન કરનાર વ્યક્તિનો ફોટો દરેક પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવ્યો હતો.

*

નિશાએ કરેલી આત્મહત્યાથી શહેઝાદ ખાન ખૂબ નિરાશ થઇ ગયો હતો. નિશા આત્મહત્યા કરે એ વાત એના મગજમાં બેસતી ન હતી.

સિયા ઘરે હતી નહિ એટલે શહેઝાદે એના કબાટને ખોલી કબાટની તલાશી લીધી હતી. એ તલાશી દરમ્યાન એને ડ્રગ્સનું એક મોટું પેકેટ મળ્યું હતું. શહેઝાદે એ પેકેટના ફોટા પાડી લીધા હતાં અને સિયાને મળવા માટે ઘરે બોલાવી હતી.

શહેઝાદનો ફોન આવ્યો ત્યારે સિયા મંત્રીજીની કેબીનમાં બેસી જય અને મંત્રીજી વચ્ચે થતી વાતો સાંભળી રહી હતી. રમ્યા મૂર્તિના ખૂનના કારણે સિયા ગભરાઇ ગઇ હતી. હજી આગલા દિવસે નિશાને સલીમ સોપારીએ રસ્તામાંથી હટાવી દીધી હતી એ સમયે એને થોડી શાંતિની કળ વળી હતી. પરંતુ બીજા દિવસે થયેલા રમ્યા મૂર્તિના ખૂનના થયેલા કાંડના કારણે એ ડરી ગઇ હતી અને સીધી મંત્રીજીની ઓફિસમાં પહોંચી ગઇ હતી.

ઉપરાઉપરી શહેઝાદના આવી રહેલા મેસેજના કારણે સિયાએ એને 'આવું છું' કહીને મોબાઇલ સ્વીચઓફ કરી નાંખ્યો હતો અને શહેઝાદના ઘરે પહોંચી હતી.

"એવું તો શું કામ આવી પડ્યું હતું કે તું મને આટલા બધાં મેસેજ કરી રહ્યો હતો." સિયાએ એના મગજમાં ચાલતા ટેન્શનને દબાવી શાંતિથી શહેઝાદને પૂછ્યું હતું.

"સિયા મને ખબર પડી ગઇ છે કે તું ડ્રગ્સનો ધંધો કરે છે. મેં ડ્રગ્સના પેકેટના ફોટા પાડી લીધા છે. હું હમણાં જ પોલીસ કમિશ્નરને મળી તારો ભાંડો ફોડી નાંખું છું. નિશાએ આત્મહત્યા કરી છે એ વાત મારા મગજમાં બેસતી ન હતી. મને તારા ઉપર શંકા ગઇ હતી અને એટલે જ મેં તારું કબાટ ચેક કર્યું. જેમાંથી મને તું ડ્રગ્સનો ધંધો કરે છે એ વાત ખબર પડી ગઇ અને મને ખાતરી થઇ ગઇ છે કે નિશાએ આત્મહત્યા કરી નથી પરંતુ તે જ એનું ખૂન કરાવ્યું છે. તે મારો વિશ્વાસઘાત કર્યો છે. મારી પાસે કરોડો રૂપિયા છે. આપણે બંન્ને શાંતિથી આપણી જિંદગી જીવી શકતા હતાં. તો શા માટે તે ડ્રગ્સ જેવા ગંદા ધંધામાં હાથ નાંખ્યો? તે મારા પ્રેમનું અપમાન કર્યું છે અને મને દગો આપ્યો છે." આટલું બોલી શહેઝાદ એના રૂમમાં જતો રહ્યો હતો.

રમ્યા મૂર્તિના ખૂનથી સિયા ખૂબ ડરી ગઇ હતી અને શહેઝાદ સામે પણ એનું રહસ્ય ખુલી ગયું હતું.

સિયાને શું કરવું એની સમજણ પડતી ન હતી એટલે એણે તરત સલીમ સોપારીને ફોન કરી આખી ઘટના કહી હતી.

સલીમ સોપારી રમ્યા મૂર્તિના ખૂનના કારણે ગુસ્સાથી લાલચોળ થઇ ગયો હતો. એમાંય સિયાની વાત સાંભળી એનો ગુસ્સો આસમાને જતો રહ્યો હતો અને એણે એના બે સાગરિતો સાથે ગાડી શહેઝાદના ફ્લેટ તરફ દોડાવી મુકી હતી.

સલીમ એના બે સાગરિતો સાથે હોટલ સનરાઇઝથી થોડેક જ દૂર ઊભો હતો. જ્યાંથી શહેઝાદનું ઘર ખૂબ જ નજીક હતું એટલે પંદર મિનિટમાં જ એ શહેઝાદના ફ્લેટના મુખ્ય ગેટ ઉપર આવ્યો હતો જ્યાં ખૂબ જ કડક સિક્યોરીટી હતી.

સિયાએ સિક્યોરીટી ગાર્ડને આવેલ વ્યક્તિઓને ઉપર મોકલવા માટે હા પાડી એટલે સલીમ એના સાગરિતો સાથે લીફ્ટના માધ્યમથી ઉપર જઇ શહેઝાદના ઘરમાં દાખલ થયો હતો.

સિયાએ દરવાજો પહેલેથી જ ખોલી નાંખ્યો હતો. સલીમ જેવો ઘરમાં પ્રવેશ્યો એ જ વખતે શહેઝાદ એના રૂમમાંથી બહાર આવ્યો હતો.

"તમે લોકો કોણ છો અને મારા ઘરમાં કેમ આવ્યા છો? ગેટ આઉટ..." શહેઝાદે ગુસ્સાથી સલીમ સોપારીને કહ્યું હતું.

સલીમ સોપારીના બે સાગરિતોએ દોડીને શહેઝાદને ખુરશી પર બેસાડી દીધો હતો અને સિયાએ રૂમમાંથી એક દોરડું લાવી એ બંન્નેને આપ્યું હતું. જેનાથી એ લોકોએ શહેઝાદને ખુરશી સાથે બાંધી દીધો હતો અને સિયાએ શહેઝાદના મોં પર પટ્ટી બાંધી દીધી હતી કારણકે શહેઝાદ બૂમાબૂમ કરવા લાગ્યો હતો.

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ