white cobra - part 11 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 11

સફેદ કોબ્રા - ભાગ 11

સફેદ કોબ્રા

ભાગ-11

અબ તુમ્હારે હવાલે વતન સાથિયો


“જેનીફર તું જમવાનું બહુ સરસ બનાવે છે.” ધનરાજ પંડિતે જેનીફરની રસોઈના વખાણ કરતાં કહ્યું હતું.

“થેન્ક્યુ સર, પરંતુ મારે તમને એક વાત કહેવી છે. જો તમે હા પાડો તો હું સવાર-સાંજ નીચે પ્રાર્થના કરવા જઉં ત્યારે અમે ત્રણે જણ નીચે બેસીને જ ભોજન કરી લઈએ તો તમને કોઈ વાંધો તો નથી ને?” જેનીફરે થોડી આજીજી સાથે પૂછ્યું હતું.

ધનરાજ પંડિતે થોડું વિચાર્યું અને પછી જેનીફરને હા પાડી હતી કારણકે નીચે ભોંયરામાં બેસીને એ લોકો ભોજન લે એ વાતમાં ધનરાજને કોઇ નુકસાન દેખાતું ન હતું.

જેનીફરની વાત સાંભળી રાજવીને એની આ વાત ગળે ઉતરી નહિ કે પ્રાર્થના કરવાની જગ્યા પર જ ભોજન કરવું એવી માંગ એણે કેમ કરી? પરંતુ રાજવી આ બાબતે કશું બોલી નહિ અ ચૂપ રહી હતી.

રાજવીર હવે સિયાને મારવા માટેનો પ્લાન બનાવી રહ્યો હતો. પરંતુ એ પ્લાનને સફળ બનાવવા માટે એને કોઈની મદદ લેવી પડે એમ હતી. સિયાને મારવાનું કામ એ એકલે હાથે કરી શકે એમ ન હતો અને એ માટે રાજવીરે ખૂબ વિચારી પોતાની જોડે કોને રાખવો એ નક્કી કરી જયને ફોન કર્યો હતો.

જયે પોતાની મોબાઈલ સ્ક્રીન ઉપર રાજવીરનો આવી રહેલો ફોન જોઈ એણે થોડા દૂર જઈ ફોન ઉપાડ્યો હતો.

”હા સર બોલો.”

“જય મારે તને મળવું છે. હું તને બાંદ્રા રેલ્વે સ્ટેશનની સામેવાળા કોફીશોપ પર એક કલાક પછી મળીશ. તું ત્યાં આવી જજે.” આટલું બોલી રાજવીરે ફોન મુકી દીધો હતો.

રાજવીરે જયના જવાબને સાંભળ્યા વગર ફોન એટલા માટે મૂકી દીધો હતો કે એ જાણતો હતો કે જય એના જવાબ નહિ સંભાળવાની ઉતાવળનો મતલબ ઇમરજન્સી છે એવું સમજી જશે અને એ કલાક પછી કોફીશોપ પર આવી જશે.

રાજવીર અને જય એક કલાક પછી બાંદ્રા રેલ્વે સ્ટેશનની સામેવાળા કોફીશોપમાં બેઠાં હતા.

“સર.. શહેઝાદ ખાનની આત્મહત્યાનો કેસ અને મંત્રી ગોપીનાથ સાવંતની હત્યાનો કેસ CID સંભાળી રહી છે અને મારા માથે રમ્યા મૂર્તિના ખૂન કેસને ઉકેલી ધનરાજ પંડિતને જીવતો કે મરેલો પકડીને આ કેસ પૂરો કરવાનો છે. કમિશ્નર સાહેબે કાલે એમની કચેરીમાં મને રાત્રે બોલાવી અઠવાડિયામાં આ કેસ ઉકેલી નાંખવાનો આદેશ આપ્યો છે અને તમે મને ફોન કરી અચાનક આ કોફીશોપમાં બોલાવો છો. ફોનમાં મારી હા કે ના સાંભળ્યા વગર તમે ફોન પણ મુકી દીધો અને સૌથી મહત્વની અને મોટી વાત સફેદ કોબ્રાના મુખ્ય બે માણસોનું ખૂન થવાના કારણે એની આખી ગેંગમાં ભય પ્રસરી ગયો છે અને મંત્રીજીનું ખૂન પણ ધનરાજ પંડિતે કર્યું છે એની મને ખાતરી છે.” જય એકીશ્વાસે ડરભર્યા શબ્દોથી બોલી રહ્યો હતો.

જયની વાત રાજવીર ચુપચાપ સાંભળી રહ્યો હતો.

“જય મને લાગે છે કે હવે સિયા ચક્રવર્તીનો વારો છે. માટે આપણે એને મળી અને સજાગ કરી દેવી જોઈએ. અને રહી વાત ધનરાજ પંડિતની. તો એ ક્યાંક દૂર બેસીને હરામખોર કોઇકની પાસે આ બધાં ખૂન કરાવી રહ્યો હોય એવું મને લાગે છે. માટે અત્યારે સિયાની જાન બચાવવી મને જરૂરી લાગે છે. માટે આપણે અત્યારે એને જઈ મળવું જોઈએ અને આ હકીકતથી એને વાકેફ કરવી જોઈએ.” રાજવીરે જયને સમજાવતા કહ્યું હતું.

રાજવીરની વાત સાંભળી જય ચોંકી ઊઠયો હતો.

“તમે એવું કઈ રીતે કહી શકો કે હવે સિયાનું જ ખૂન થશે?” જયે પૂછ્યું હતું.

"હોટલ સનરાઈઝ એ સફેદ કોબ્રાનું ડ્રગ્સનો ધંધો ચલાવતી ફેક્ટરી છે. રમ્યા મૂર્તિ આ ધંધો સંભાળતો હતો એટલે સૌથી પહેલા એની હત્યા કરવામાં આવી. સફેદ કોબ્રાએ મંત્રીને પહેલીવાર મળવા માટે બોલાવ્યા અને ત્યારબાદ મંત્રીની પણ હત્યા થઈ ગઇ. હવે હોટલ સનરાઈઝનો ધંધો સિયા સંભાળી રહી છે, એટલે ઉપર નરકમાં જવાનો વારો હવે સિયાનો જ છે. એ કોલેજના છોકરાને સમજાય એવી વાત છે. મને ઘણીવાર શંકા થાય છે કે તને પોલીસ ઇન્સ્પેકટર કોણે બનાવ્યો હશે.” રાજવીરે અકળાઈને જયને કહ્યું હતું.

રાજવીરની વાત સાંભળી જયે તરત જ સિયાને ફોન લગાડ્યો અને એ બંને જણા એને મળવા હોટલ આવે છે એવું જણાવ્યું હતું. બંને જણ ઊભા થઇ કોફીશોપમાંથી બહાર નીકળ્યા ત્યારે કોફીશોપની કોર્નરમાં દૂર ઇન્સ્પેકટર સૂરજ વેશ બદલીને બેઠો હતો અને બંને જણની વાત સાંભળી રહ્યો હતો. એ વાતની નોંધ બંન્ને પોતપોતાના ટેન્શનમાં હોવાને કારણે લઈ શક્યા ન હતાં.

રાજવીર અને જય બંને પોતપોતાની જીપમાં હોટલ સનરાઈઝ પહોંચ્યા હતાં અને જીપ બહાર મુકી હોટલની અંદર દાખલ થયા ત્યારે મેનેજર રામા રાવ એ બંનેને સિયાની કેબિનમાં લઈ ગયો હતો. સિયા એ બંન્નેની રાહ જોઇ બેઠી હતી.

રમ્યા મૂર્તિની શાનદાર ખુરશીમાં બેસી સિયા જાણે આખા ભારતમાં રાજ કરી રહી હોય એવા અભિમાનમાં ચકચૂર થઈને બેઠી હતી. એનો ભાઈ વીકી સોફામાં બેસી મહારાષ્ટ્રના ડ્રગ્સ ડીલરો સાથે વાત કરી રહ્યો હતો. બંનેને અંદર આવેલા જોઈ સિયાએ બંનેને ખુરશીમાં બેઠાં-બેઠાં જ આવકાર આપ્યો હતો.

“આવો મારા દોસ્તો... સિયાના ડ્રગ્સ સામ્રાજ્યમાં આપનું સ્વાગત છે. રમ્યા મૂર્તિ જયારે આ ખુરશી પર બેસી જેટલો ધંધો એક દિવસમાં કરતા હતા, તેના કરતા વધારે મેં આજના એક દિવસમાં કર્યો છે. ડ્રગ્સનો ધંધો કરવા માટે સાહસની સાથે-સાથે બુદ્ધિ પણ જોઈએ. જે રમ્યા મૂર્તિ પાસે ન હતી. હવે તમે મને કેમ મળવા આવ્યા છો? એ મને જણાવો.” આટલું બોલી સિયાએ સિગરેટ સળગાવી હતી.

રાજવીર અને જય સિયાને હવામાં ઉડતાં પંતગની જેમ જોઈ અને સાંભળી રહ્યા હતા. રાજવીરે જય સામે જોયું અને એને બોલવાનો ઈશારો કર્યો હતો.

“સિયા... રાજવીર સરને એવું લાગે છે કે મંત્રીજી પછી ધનરાજ પંડિતના ટાર્ગેટ ઉપર તું છે. માટે તારે અત્યારથી જ અંડર ગ્રાઉન્ડ થઇ જવું જોઈએ. નહિતર આવનારા બે-ત્રણ દિવસમાં તારા ઉપર પણ હુમલો થઇ શકે એમ છે.” જયે વાત પૂરી કરી સિયા સામે જોયું હતું.

જયની વાત સાંભળી વીકી સોફા પરથી ઉભો થઇ ગયો અને હાથમાં રિવોલ્વર કાઢી હતી.

“મારી બહેનને કોઈ હાથ તો લગાડી જોવે. હું આ રિવોલ્વરની બધી ગોળીઓ એને મારી દઈશ.” વીકી ગુસ્સામાં બોલ્યો હતો.

જયે ઊભા થઇ વીકીના હાથમાંથી રિવોલ્વર લઈ લીધી હતી અને એને સોફા પર પાછો બેસાડી દીધો હતો.

“જો સિયા ગરમ થવાથી કોઈ ફાયદો થવાનો નથી. ઠંડા કલેજે આ વાત વિચારવાનો સમય છે. એવું પણ બની શકે કે ધનરાજ પંડિતની આડમાં આ કામ બીજા કોઈ ડ્રગ માફિયા પણ કરી રહ્યા હોય અને તમારી ગેંગમાં સૌથી વધારે ઉપર રહેલો માણસ જે હમણાંથી સાઈડ લાઈન થઇ રહ્યો છે. એ વ્યક્તિ બીજા કોઈ ડ્રગ માફિયા જોડે મળી આ કામ કરાવી રહ્યો હોય એવું પણ બની શકે.” રાજવીરે પોતાની જાળનો ચક્રવ્યૂહ બિછાવતા કહ્યું હતું.

રાજવીરનો ઇશારો સલીમ સોપારી તરફ હતો એ વાત જય, સિયા અને વીકી ત્રણે સમજી ગયા હતાં.

રાજવીરની વાત સાંભળી જય ડઘાઈ ગયો હતો, કારણ કે અહીં તેઓ સિયાને બચાવવા માટે આવ્યા હતા જયારે રાજવીર બધાને અંદર-અંદર ભીડાવી રહ્યો છે એવું એને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

સિયા રાજવીરના કોઈ સવાલનો જવાબ આપે એ પહેલા સિયાનો મોબાઈલ ફોન રણક્યો હતો. મોબાઈલ સ્ક્રીન ઉપર રફીકનું નામ વાંચી સિયાએ તરત ફોન ઉપાડી લીધો હતો.

સિયા અને રફીક વચ્ચે લગભગ પાંચ મિનીટ સુધી વાત ચાલી હશે. જેમાં સિયા ફક્ત 'કેમ આવું કરી રહ્યા છે.' એ જ સવાલ વારંવાર પૂછી રહી હતી. એનું મોઢું પીળું પડી ગયું હતું. ફોન મુક્યા પછી સિયાએ એક મિનીટ માટે એનું માથું ટેબલ પર મૂકી દીધું હતું અને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી.

અચાનક આવેલા વળાંકથી આખી કેબિનમાં સોપો પડી ગયો હતો. વીકી પોતાની બહેનને શાંત પાડવાની કોશિષ કરી રહ્યો હતો.

એટલામાં દરવાજો ખખડાવી વેઇટર બધાં માટે કોફી લઈ રૂમમાં આવ્યો હતો અને બધાંના હાથમાં કોફી આપી બહાર નીકળી ગયો હતો.

“સિયા શું થયું એ વાત કર. આમ રડવાથી કંઈ નહિ થાય.” જયે સિયાને ખભા પર હાથ મુકી આશ્વાસન આપતા કહ્યું હતું.

સિયાએ પોતાની જાતને સંભાળી. સફેદ કોબ્રાએ ઇન્ડીયામાં રહેલા એના દસ હજાર કરોડ રૂપિયા સ્વિટ્ઝર્લેન્ડની બેંકમાં ટ્રાન્સફર કરી દીધા છે.

રફિકને આ વાત ગુપ્ત રાખવાનું કહેવામાં આવેલું હતું પરંતુ રફિકના મારી સાથે 'સારા સંબધ' હોવાના કારણે આ વાત એણે મને કહી. પૈસા વગર હવે આ ધંધો ચલાવવો શક્ય જ નથી. રફિક અત્યારે એરપોર્ટ પર બેઠો હતો અને કાયમ માટે દુબઈ જઈ રહ્યો હતો.

“સફેદ કોબ્રાએ ઇન્ડિયામાં ડ્રગ્સનો એનો ધંધો સંપૂર્ણ બંધ હાલ પુરતો કરી દીધો હોય એવું મને લાગે છે. સિયાએ આ વાત કહી અને કોફીનો ઘૂંટ પીધો હતો. સફેદ કોબ્રાએ આપણને બધાંને લટકાવી પોતાની જાતને અને ધંધાને સલામત કરી નાંખ્યો. મને લાગે છે કે એમણે વિચાર્યું હશે કે અત્યારે અહીંથી નીકળી જઉં અને છ મહિના પછી નવી ઘડી ને નવો દાવ કરીશ.” સિયાએ કહ્યું હતું.

“ધનરાજ પંડિત સફેદ કોબ્રાનું ડ્રગ્સનું સામ્રાજ્ય બંધ કરવામાં સફળ થયો. આ જ કેબીનમાંથી સફેદ કોબ્રાના સામ્રાજ્યની શરૂઆત થઈ હતી. રમ્યા મૂર્તિનું ખૂન કરીને આજ કેબીનમાં થોડા દિવસોમાં તો એનું સામ્રાજ્ય ભારતના એક ફોજીએ પોતાની તાકાત અને બુદ્ધિથી બંધ કરાવી દીધું છે.” જયે સિયા સામે જોઈ કહ્યું હતું.

“મને લાગે છે સફેદ કોબ્રાને આફતો આવી રહી છે એનો અહેસાસ થઇ ચુક્યો છે અને એટલે એ એનું માથું બચાવવા પાછો એના બીલમાં ઘુસી ગયો છે. એની આ હરકત ઉપરથી મને દેશ ભક્તિના એક ગીતની લીટી યાદ આવે છે. અબ તુમારે હવાલે વતન સાથીયો...” રાજવીર હજી પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા એની આંખો સિયાને જોઈ પહોળી થઈ ગઈ હતી.

સિયા એની ખુરશીમાં સ્થિર થઇ ગઈ હતી એની આંખો ખુલ્લી રહી ગઈ હતી અને એના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. “કોફી ના પીશો.” રાજવીરે જોરથી બૂમ પાડી અને સિયા પાસે જઈ એના નાક પાસે આંગળી મુકી હતી. સિયાના શ્વાસો શ્વાસ બંધ થઇ ગયા હતા. સિયા હવે આ દુનિયાને અલવિદા કરી ચુકી હતી અને કદાચ મંત્રીજી અને રમ્યા મૂર્તિ જોડે નરકમાં રીઝર્વ કરેલી ખુરશીમાં જઈ બેસી ગઈ હશે.

ક્રમશઃ....

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ૐ ગુરુ)


Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 1 month ago

Parash Dhulia

Parash Dhulia 1 month ago

Varsa Kapadia

Varsa Kapadia 3 months ago

Sunita

Sunita 4 months ago

Dharmishtha

Dharmishtha 4 months ago