White Cobra - Part 6 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | સફેદ કોબ્રા - ભાગ 6

સફેદ કોબ્રા - ભાગ 6

સફેદ કોબ્રા

ભાગ-6

હીરો શેહઝાદ સલમાન ખાન ઉર્ફે SSKનું ખૂન


સલીમ સોપારી અને એના સાગરિતોએ સિયા સાથે મળી શહેઝાદ ખાનને ખુરશીમાં બાંધી એના મોં પર પટ્ટી મારી દીધી હતી.

"હા તો સુપરસ્ટાર શહેઝાદ સલમાન ખાન ઉર્ફે SSK, જો તું બૂમાબૂમ ના કરવાનો હોય તો મોં ઉપરથી તારી પટ્ટી ખોલું." સલીમ સોપારીએ શહેઝાદને પૂછ્યું હતું.

શહેઝાદે આંખોના ઇશારાથી હા પાડી એટલે સલીમે એના મોં ઉપરની પટ્ટી ખોલી નાંખી હતી.

"સિયા તે મને દગો આપ્યો. તે મારા પ્રેમની કદર ના કરી. તારા પોતાના પ્રેમીને મારવા માટે આ બે કોડીના ગુંડાઓને બોલાવી લીધા!!! નિશાનું ખૂન કરી તને હજુ ચેન નથી પડ્યું." શહેઝાદ વાત પૂરી કરે એના પહેલા જ સલીમ સોપારીએ એના ગાલ ઉપર લાફો માર્યો હતો.

"હું તને બે કોડીનો ગુંડો દેખાઉં છું? અત્યારે મુંબઇનું અન્ડરવર્લ્ડ હું ચલાવી રહ્યો છું અને તું જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બનતી ફિલ્મોનો હીરો થઇને ફરે છે એમાં મોટા ભાગનું રોકાણ મારું છે. સાલા તારી જેટલી પણ ફિલ્મો છે એમાંની તને ખબર પણ નથી કે અડધી મેં ફાઇનાન્સ કરેલી છે." સલીમે શહેઝાદની ગરદન પકડતા કહ્યું હતું.

"તમે લોકો ભારતની યુવા પેઢીને ડ્રગ્સ આપી એમની નશોમાં ડ્રગ્સનું ઝેર રેડી રહ્યા છો. તમે જે કરી રહ્યા છો એ માટે ખુદા તમને ક્યારેય માફ નહિ કરે અને રહી વાત મારી તો મારા ચાહકો માટે હું હીરો છું અને હીરોની જેમ રીયલ લાઇફમાં પણ લડી બતાવીશ." શહેઝાદે ઝૂનુન સાથે સલીમને કહ્યું હતું.

"શહેઝાદ, હજી સમજ. તું પણ અમારામાંથી જ એક છે. હું મારા જાતભાઇનું ખૂન કરવા માંગતો નથી. લાગણીના પ્રવાહમાં વહી જઇશ તો જિંદગીથી હાથ ધોવા પડશે." સલીમે થોડા નરમ પડી શહેઝાદને સમજાવતા કહ્યું હતું.

"તું મારો જાતભાઇ ના હોઇ શકે. તારા જેવા લોકોના કારણે આપણી કોમ બદનામ છે. પરંતુ હું તો કમસેકમ જાગી ગયેલો મુસલમાન છું અને યાદ રાખજે મને મારીને તું બચી નહિ શકે. મારા જેવી સેલીબ્રીટીનું ખૂન કરી તારું મરવાનું નક્કી જ છે. ડ્રગ્સના વિરોધમાં મારી આપેલી કુરબાની એક દિવસ રંગ લાવશે. હું જાણું છું કે હું બે હાથ જોડી તારી માફી માંગી લઉં અને તારા પગમાં પડી જઉં તો તું મને છોડી દઇશ. પરંતુ તારા જેવા બે કોડીના ગુંડા પાસેથી મળેલી જિંદગીની ભીખ લઇ હું આખી જિંદગી તારા જેવાની કઠપુતળી બનવા કરતા મરવાનું વધારે પસંદ કરીશ. મેં ચાંદ ઉપર જગ્યા એટલા માટે જ લીધી હતી કે આ દુનિયા હવે સાચા માણસોને રહેવા લાયક રહી નથી." શહેઝાદના દરેક શબ્દોમાંથી ખુમારી ટપકી રહી હતી.

"વાહ શહેઝાદ, તું તો ભગતસિંહ જેવી વાતો કરે છે." સિયાએ સીગરેટ સળગાવી હસતાં હસતાં શહેઝાદને કહ્યું હતું.

"હા સિયા, તું સાચું કહે છે. સ્ત્રીના નામ ઉપર ધબ્બો એવી સિયા, તું એક વાત જાણી લેજે કે જ્યાં સુધી તમારા જેવા ઇન્સાનિયતના દુશ્મનો આ ધરતી પર હશે ત્યાં સુધી ભગતસિંહ રૂપ બદલીને જનમ લેતા જ રહેશે." આટલું બોલતા શહેઝાદની આંખોમાં લોહી ધસી આવ્યું હતું.

સલીમ બીજા રૂમમાં ગયો અને એણે ફોન જોડ્યો હતો.

"બોસ, આ શહેઝાદ ખાન માનતો નથી."

"તું એને સમજાવવાનો પ્રયત્ન કર." સામે છેડેથી અવાજ આવ્યો હતો.

"નહિ સમજે. ભગતસિંહનો અવતાર બની ગયો છે. એને જીવતો છોડીશું તો એ કોઇને નહિ છોડે."

"કાલે આખું મીડિયા એનું ખૂન થશે તો હાહાકાર મચાવી દેશે." સામે છેડેથી જવાબ આવ્યો હતો.

"સાઇક્યાટ્રીસ ડોક્ટર મનોહર પાસે જૂની તારીખમાં એને સાઇક્યાટ્રીસ પ્રોબ્લેમ છે એવા પ્રિસ્ક્રીપ્શનો લખાવી એ ફાઇલ એના ફ્લેટમાં મુકી એને લટકાવી દઇએ અને આત્મહત્યાનું રૂપ આપી દઇએ." સલીમે ઉપાય બતાવતા કહ્યું હતું.

"છેલ્લી વાર સમજાવી જો. ના માને તો પછી તને યોગ્ય લાગે એમ કરી નાંખ." સામે છેડેથી ફોન મુકાઇ ગયો હતો.

સલીમ રૂમમાંથી બહાર આવ્યો અને ખુરશી લઇ શહેઝાદ સામે બેઠો હતો.

"શહેઝાદ, તારી ઉંમર હજી પાંત્રીસ વર્ષની જ છે. અત્યારે તું દસ ફિલ્મો કરી રહ્યો છે. હું તને મોટા બેનરની નીચે બીજી પચ્ચીસ ફિલ્મો અપાવીશ. ધનરાજ ફિલ્મ્સ જોડે પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ તારો કરાવી આપીશ. તારું નસીબ બદલાઇ જશે. અત્યારે છે એના કરતા ઘણો મોટો હીરો તું બની જઇશ અને અઢળક રૂપિયા કમાતો થઇ જઇશ. તારા મરવાથી આ દુનિયામાં કશું બદલાવાનું નથી, માટે માની જા અને મારી ઓફર સ્વીકારી લે." સલીમે પોતાના ગુસ્સા પર કન્ટ્રોલ રાખી શહેઝાદને સમજાવતા કહ્યું હતું.

"નહિ ચાહીયે જો મેરી કિસ્મત મેં નહીં, ભીખ માંગકર જીના મેરી ફિતરત મેં નહીં. બે કોડીના ગુંડા તારે જે કરવું હોય એ કરી લે પણ હું તારી સામે નહિ ઝૂકું." શહેઝાદની ખુમારી અને ગુસ્સો પરાકાષ્ટાએ પહોંચી ગયો હતો.

સિયાએ શહેઝાદને ખૂબ સમજાવવાની કોશિષ કરી પરંતુ શહેઝાદ એકનો બે ન થયો. છેવટે સલીમ સોપારીએ ડોક્ટર મનોહરને ફોન કરી શહેઝાદ ખાન બે વર્ષથી સાઇકોલોજીકલ ડીસઓર્ડરથી પીડાઇ રહ્યો છે એની એક ફાઇલ તૈયાર કરવાની સૂચના આપી અને શહેઝાદના મોઢા પર પટ્ટી મારી દીધી હતી. ત્યારબાદ સિયાને બુરખો પહેરી ફ્લેટમાંથી નીકળી જવા કહ્યું હતું.

સલીમ સોપારી અને એના બે સાગરિતો શહેઝાદને એ જે ખુરશીમાં બેઠો હતો એ ખુરશી ખેંચી એને બેડરૂમમાં લઇ ગયા હતાં. સલીમે શહેઝાદને ડ્રગ્સનું ઇન્જેક્શન આપી દીધું હતું જેનાથી શહેઝાદ બેભાન થઇ ગયો હતો અને શહેઝાદને જે દોરડું બાંધવામાં આવ્યું હતું એ દોરડાથી ફાંસીનો ફંદો બનાવવામાં આવ્યો અને ત્રણે જણે ભેગા થઇ શહેઝાદને છત ઉપર લગાવેલા ફાંસીના ફંદા પર લટકાવી દીધો હતો.

બે કલાકમાં ડોક્ટર મનોહરનો માણસ ત્યાં આવી ડોક્ટરે તૈયાર કરેલી ખોટી ફાઇલ આપી ગયો હતો. જે ફાઇલ સલીમે શહેઝાદને જ્યાં લટકાવવામાં આવ્યો હતો એની સામેના ટેબલ ઉપર મુકી દીધી હતી.

શહેઝાદ મરી ગયો છે એ ચેક કરી ત્રણે જણ ફ્લેટમાંથી શહેઝાદના બેડરૂમનો દરવાજો ખેંચીને બંધ કર્યો હતો જેથી દરવાજો ઓટોમેટીક લોક થઇ ગયો હતો અને એ જ રીતે ઘરની ચાવી ડાઇનીંગ ટેબલ ઉપર મુકી ફ્લેટનો મુખ્ય દરવાજો પણ ખેંચીને બંધ કર્યો હતો જેથી દરવાજો લોક થઇ ગયો હતો અને ત્રણે જણા ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતાં.

હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિનું ખૂન CCTV ફુટેજમાં બે આંગળીથી Vનું નિશાન બતાવનાર વ્યક્તિએ કર્યું છે એવી શંકાના આધારે એ ફોટો મુંબઇના દરેક પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો હતો.

"જય, આ વ્યક્તિ કોણ છે એની તપાસ ખૂબ ઝડપથી કરવી પડશે. જે રીતે કેમેરામાં જોઇ આંગળીઓથી Vનું નિશાન બતાવી રહ્યો છે એનો મતલબ એવો થાય છે કે એ આટલેથી ઊભો રહેવા વાળો નથી. તારા આકા માટે આ સારા સમાચાર નથી એ વાત તું એમને અત્યારથી સમજાવી દેજે અને રહી વાત હોટલ બ્લ્યુ સ્ટારની, તો જ્યાં સુધી રમ્યા મૂર્તિના ખૂન કેસનો મામલો શાંત ના થાય ત્યાં સુધી ધીરજ ધરવી પડશે એવો સંદેશો પણ એમને મોકલી આપજે. સાલા આ ફોટોવાળા વ્યક્તિને તો હું નહિ છોડું. કરોડોની આવક બંધ કરાવી દીધી અને હા, પોલીસ સ્ટેશનની દર મહિનાની વસૂલીના કામમાં ધ્યાન રાખજે કારણકે રમ્યા મૂર્તિની કેબીનના ચાર ખૂણાઓમાંથી મળેલા કાગળો 'આ ડ્રગ્સનો ધંધો બંધ કરો નહિ તો તમારો સફાયો કરી દઇશ' એનો મતલબ એવો છે કે આ વ્યક્તિ સમજી વિચારીને ડ્રગ્સનો ધંધો કરનાર બધાં સામે મોરચો ખોલીને બેઠો છે. જે રીતે એની ઓફિસમાં અલગ-અલગ ખૂણામાં આ પેમ્ફલેટ પડેલા હતાં એનો મતલબ એવો થાય છે કે એ ચારે દિશામાંથી ડ્રગ્સના ધંધાદારીઓ પર અને એની સાથે જોડાયેલા લોકો પર પ્રહાર કરશે. માટે જ હું તને સાચવીને વસૂલી કરવાનું કહી રહ્યો છું." રાજવીર શેખાવતે લમણાં પર હાથ મુકતા કહ્યું હતું.

"સાલો પોતાની જાતને શેર સમજે છે. હવે એના માથે કોઇ સવા શેર મળ્યો એટલે લમણે હાથ દઇને બેઠો છે." જય અકળાઇને મનમાં બબડ્યો હતો.

"સર, કાલે સવારે અગિયાર વાગે પનવેલ ફાર્મહાઉસમાં મીટીંગ છે. મંત્રીજીએ ખાસ તમને બોલાવ્યા છે. મીટીંગ ખૂબ અગત્યની છે એવું એમનું કહેવું હતું." અકળાયેલા રાજવીર પર જયે વધુ એક બોમ્બ ફેંક્યો હતો.

"સાલા, તારો મંત્રી ગાંડો થઇ ગયો છે? એક માણસ ભીડવાળી ફાઇવ સ્ટાર હોટલમાં દાખલ થઇ એના માલિકને ગોળી મારીને જતો રહ્યો, મીડિયા અત્યારે આપણી પાછળ હાથ ધોઇને પડ્યું છે, કમિશ્નર સાહેબ ફોન ઉપર ફોન કરી રહ્યા છે અને ખૂન કરનાર હજી ખુલ્લેઆમ ફરી રહ્યો છે અને તારો મંત્રી આપણને બધાંને એક છત નીચે ભેગાં કરવાનું પ્લાન કરી રહ્યો છે!!! એ સીત્તેર વર્ષનો થવા આવ્યો પરંતુ આપણે હજી નાના છીએ. એને કહીએ કે બધાંએ ભેગાં થવું અત્યારના સમયમાં યોગ્ય નથી. જો ખૂની આપણામાંથી કોઇ એકનો પણ પીછો કરી રહ્યો હશે તો એને ફાર્મહાઉસનું એડ્રેસ મળતા વાર નહિ લાગે માટે મંત્રીજીને સમજાવી દે કે મીટીંગ હમણાં ના કરે. અઠવાડિયા પછી મીટીંગ ગોઠવવાનો વિચાર કરે." રાજવીરે ગુસ્સામાં કાંપતા જયને કહી રહ્યો હતો.

જયે ઊભા થઇ મંત્રીજીને ફોન લગાવી રાજવીરે કહેલી આખી પરિસ્થિતિ સમજાવી હતી. મંત્રીજીએ જયની વાત સાંભળી અને પછી મીટીંગ અઠવાડિયા પછી રાખવાનું કહી ફોન મુકી દીધો હતો.

"સર, રમ્યા મૂર્તિની કેબીનમાં આ ચોપાનીયા ફેંકવા પાછળનો ખૂનીનો મક્સદ ખરેખર શું હશે? એ કોઇ ડ્રગ માફીયાનો માણસ તો લાગતો નથી. તો પછી આશય શું હશે?" જયે રાજવીર સામે જોઇ પૂછ્યું હતું.

જયનો સવાલ સાંભળી રાજવીર ઊંડા વિચારમાં ઉતરી ગયો હતો.

ક્રમશઃ......

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ વિશે આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

- ૐ ગુરુ