MOJISTAN - 80 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 80

મોજીસ્તાન (80)

"રઘલાના ઉંહકારાથી જાદવ સજાગ થયો.ડરતાં ડરતાં રઘલાની નજીક આવ્યો એટલે રઘલાએ બે હાથ જોડ્યા,

"જાદવભાઈ,મને મારતા નહિ, તમારી ગાય છઉં.મને ઝટ દવાખાને પોગાડો બાપા..આ..
મરી જીયો...મારો ડેબો ભાંગી જ્યો રે...એ...એ....!"

"કોણ સો અલ્યા હરામી તું ? મારા ઘરે હું લેવા ગુડાણો.તારા બાપ પોસા માસ્તરે બધું જ ઓકી નાખ્યું સ." કહી જાદવે વાંકા વળીને રઘલાના માથામાંથી ખોપરી જેવું હેલ્મેટ ખેંચી કાઢ્યું. ઓસરીમાં બળતી ટ્યુબલાઈટના અજવાળામાં જાદવે રઘલાને ઓળખ્યો.એના ગુસ્સાનો પાર ન રહ્યોં. કારણ કે જડીએ એને એક બે વાર રઘલાની ફરિયાદ કરી હતી.

જાદવ તરત બધું સમજી ગયો. એની ગેરહાજરીમાં હરામખોર રઘલો એની વહાલી જડીને ડરાવીને હાંસલ કરવા માંગતો હતો.

"તારી જાતના, તું કાળુ કામ કરવા મારા ઘરે ગુડાણો ? ઈય પાસો ભૂતનો વેહ કાઢ્યો ? તને તો હવે જીવતો નો મેલું." કહી જાદવે ડેરો ઉગામ્યો.

એ જોઈ રઘલાએ પડ્યાં પડ્યાં બે હાથ જોડીને કરગરવા માંડ્યું.

"જાદવભાઈ હું ઈ હાટુ નોતો આયો. જડીભાભી તો મારી મા જેવી સે બાપા.હું ભૂતના લૂગડાં પેરીને આનીપાથી નિહર્યો ઈ વખતે કુતરી વાંહે ધોડી'તી અટલે હું તમારા વાડામાં ગરી જ્યો'તો.પણ કૂતરીના ગલુડિયા ન્યાં હતા ઈ મને નોતી ખબર્ય..ઈ બવ ભંહવા મંડી અટલે હું તમારા ઘરમાં ઘરી જ્યો... અટલે જડીભાભી હમજયા કે ભૂત આયુ સે.ઈ બિયા વગર ડેરો લઈને વાંહે ધોડ્યા.મારો ડેબો ભાંગી નાયખો..તાં તમે આવી જ્યા..!"

જડી ક્યારની ગભરાઈ રહી હતી. રઘલો ધૂળિયાનું નામ દે તો શું કહેવું એનો જવાબ વિચારી રહી હતી.પણ એના આશ્ચર્ય વચ્ચે રઘલાએ ધૂળિયાનું નામ ન લીધું.ઘાયલ થઈને પડેલો રઘલો પણ એ જાણતો હતો કે અત્યારે ગમેતેમ કરીને જીવ બચાવવો જરૂરી છે.પછી જડીને બ્લેકમેલ કરવા એણે ધૂળિયાને ઘરમાંથી નીકળતો જોયો હતો એ વાતને રહસ્ય રહેવા દીધી.

જાદવને રઘલાનો ખુલાસો ગળે ઉતરી ગયો એટલે એણે તરત ખીમાં અને ભીમાને ફોન કરીને બોલાવ્યા.ખીમો અને ભીમો આવ્યા એટલે જાદવે બધી વાત એ લોકોને સમજાવીને કોઈની રેંકડી લઈ આવવા ખીમાને મોકલ્યો. ખીમો રેંકડી લઈ આવ્યો એટલે જડીએ બનાવેલી ચા ત્રણેય જણે પીધી. રઘલાએ ફરી બે હાથ જોડીને ચા પીવાની ઈચ્છા બતાવી એટલે એને પણ ચા પીવડાવી.

ખેમાં અને ભીમાએ રઘલાને ઉપાડીને રેંકડીમાં સુવડાવ્યો.એ વખતે રાતના અગિયાર વાગવા આવ્યા હતાં. પણ રઘલાને તાત્કાલિક દવાખાને તો લઈ જ જવો પડે એમ હતો.

ડો. લાભુ રામાણી હજી આવીને સુતા જ હતાં.ગામમાં આજે પોચા સાહેબે કરેલો ખુલાસો સાંભળીને તેઓ વિચારમાં પડી ગયા હતાં.

"માળો જબરો માણસ નીકળ્યો.હું ખુદ ડોકટર છું છતાં હું ભૂત પ્રેતની વાત સાચી માનતો હતો.મેં તખુભા પાસે બેઠેલા માણસને ખરેખરો ભૂત સમજી લીધો હતો.તભાગોર જેવા દંભી માણસને હું ગામની નજરે મહાન માણસ બનાવવાની કોશિશ કરતો હતો.તભાગોર મને કશું જ આપી દેવાના ન હતા તો પણ શા માટે હું એમની પ્રશંશા કરતો હતો ? ગામની ભોળી જનતાની સેવા કરવા આવેલો હું આજે કયા માર્ગે જઈ રહ્યોં છું એની મને ખુદને જ ખબર નથી."

ડોકટરને ચંપા યાદ આવી ગઈ.
"બિચારી એ નર્સ પૈસાની લાલચે મને વશ થઈ છે. કોણ માણસ સાલું ક્યારે નીતિમત્તા ગુમાવે છે એનું કંઈ નક્કી નથી હોતું.મારે હવે ચંપા સાથે બનાવટ કરવી ન જોઈએ.જીવનમાં ઘણા કાળા ધોળા કર્યા હવે હેઠું બેસી જવાનો સમય આવી ગયો છે.નિવૃત્તિ નજીક આવી છે ત્યારે જીવનને પણ સાચા માર્ગે વાળી લેવું જોઈએ. પ્રભુએ મારા અનેક કુકર્મો માફ કર્યા છે.ડોકટર તરીકે હું સર્વાંગ સંપૂર્ણ નથી જ રહ્યો.પૈસા બનાવવા મેં ઘણાને છેતર્યા છે.છતાં ઉપરવાળાએ મહેરબાની જ રાખી છે,જો એક શિક્ષક પોતાના અંતરાત્માની વાત સાંભળીને પરિણામની પરવા કર્યા વગર એણે કરેલું દુષ્કૃત્ય જાહેર કરી શકતો હોય તો હું ડોકટર ભલે મારા દુષ્કર્મો જાહેર ન કરી શકું પણ બંધ તો કરી શકુ ને ! આખરે એક ઇન્સાનને જે જોઈએ એના કરતાં પણ પ્રભુએ મને ઘણું આપ્યું છે.મારી લાયકાત કરતાં અનેક ગણું. છતાં હું હજી શું મેળવવા હવાતિયાં મારુ છું ? ક્યાં સુધી આ જીવ વાસનાઓના ચક્કરમાં અટવાતો રહેશે ! શું આ વાસનાઓનો કોઈ અંત છે ખરો ? મોહ માયાથી ક્યારેય કોઈ માણસ તૃપ્ત થયો છે તે હું થઈશ ? લાભુ જાગ હવે અને પાછો વળી જા. જે કંઈ જીવન બચ્યું છે એ હવે સારા કર્મોમાં વાપર.તારો ધર્મ શું છે એ વિચાર અને સુધરી જા..! ઉપરવાળો ખરેખર કંઈ લાકડી લઈને મારવા નથી આવતો કોઈને ! પણ એની અદ્રશ્ય લાકડી હંમેશા પાપીઓને એમનો દંડ આપતી જ હોય છે.અભિમાન અને ખોટા આડંબરમાં રાચતા તભાગોરને આજે ગામમાં મોં બતાવવા જેવું ન રહ્યું ! શું એમણે આવું થશે એની કલ્પના પણ કરી હશે ? એ તો ગામને મોટા યજ્ઞના ખર્ચમાં ઉતારીને પોતાની જ વાહ વાહ કરાવવા માંગતા હતા.અને દક્ષિણાના નામે કેટલાય રૂપિયા ઉછેડી લેવા માંગતા હતા.પણ પુત્રના પરાક્રમને કારણે એમની આબરૂ ધૂળધાણી થઈ ગઈ.જે દિવસે આ ચંપાને ખ્યાલ આવશે કે હું એને બે હાથે લૂંટી રહ્યો છું તે દિવસે જો એ પણ આ પોચા માસ્તરની જેમ બધું જાહેર કરી દેશે તો આ ગામ તને ગધેડા પર બેસાડીને ઝુલુસ કાઢશે હોં ! એવું થશે તો તારે ઝેર ખાઈને મરવું પડશે. જીવતર તો તું બગાડી જ ચુકયો છો હવે મોત પણ બગડે એવા કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ.હા મારે ખરેખર એક સજ્જન ડોકટર બનીને લોકોની સેવા કરવી જોઈએ..!"

ડૉક્ટરનું દિલ પશ્ચ્યાતાપથી તપી રહ્યું હતું.નાનપણમાં ભણેલી કવિતા ડોકટરને યાદ આવી ગઈ,

"હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે...પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.."


રઘલાને દવાખાને પહોંચાડીને ભીમો અને ખીમો ત્યાં ઉભા રહ્યાં. જાદવ દોડાદોડ ડોકટરને બોલાવવા કવાટર પર આવ્યો. જાદવે જોરથી કવાટરની જાળી ખખડાવી એટલે ડોકટરની વિચાર તંદ્રામાં ખલેલ પડી.ડોકટર એકદમ પથારીમાંથી ઉઠીને બહાર આવ્યા.

"દાગતર શાબ્ય જલ્દી દવાખાનું ખોલો. લખમણિયા ભૂતને અમે દવાખાને લઈ આવ્યા સીએ.ઈ રઘલો મારા ઘરમાં ભૂતનો વેહ કાઢીને ગર્યો હતો, મારી ઘરવાળીએ એનો ડેબો ભાંગી નાખ્યો સ." જાદવે ઉતાવળે કહ્યું.

"કોણ રઘલો ? ભૂત બનીને તારા ઘરમાં ઘૂસ્યો ? શું વાત કરે છે તું ?" ડોકટરે નવાઈથી પૂછ્યું.

"તમે ઝટ હાલોને ભાઈશાબ, એ પડ્યો રેંકડીમાં.એનો ડેબો ભાંગી ગયો સ."

ડોકટરે જલ્દી દવાખાનાની ચાવી લઈને કવાટર ખાલી બંધ કર્યું. જાદવ સાથે દવાખાને આવીને એમણે રેંકડીમાં લખમણિયા ભૂતને જોયો.

જલ્દી દવાખાનું ખોલીને રેકડીમાંથી રઘલાને અંદર લઈ ડોકટરે એનો ડ્રેસ કઢાવ્યો. એ ડ્રેસની બનાવટ જોઈ મનોમન પોચા સાહેબને ધન્યવાદ આપતા એમણે રઘલાને તપાસ્યો.ડેરાના પ્રહારથી એની કરોડરજ્જુમાં ફેક્ચર થઈ ગયું હતું. તાત્કાલિક એને શહેરની કોઈ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવો પડે તેમ હતો.રઘલા પાસે થનાર ખર્ચની કોઈ વ્યવસ્થા નહોતી.પણ રઘલના નસીબે ડોકટર હમણાં જ પસ્તાવાના વિપુલ ઝરણાંમાં સ્નાન કરીને સ્વચ્છ થયા હતા.

"આને તો ઓપરેશન કરવું પડશે. હું મારી કાર લઈને આવું છું,તમારામાંથી કોઈ બે જણ મારી સાથે આવો.આને તાત્કાલિક અમદાવાદ લઈ જવો પડશે નહિતર ઇન્ફેક્શન થઈ જશે તો આ માણસ મરી જશે અથવા કાયમ માટે અપાહીઝ બની જશે.કોઈએ આની કરોડરજ્જુના કુચા કાઢી નાખ્યા છે..!" કહી ડોકટરે કવાટર તરફ દોડ્યા.જાદવ,ખીમો અને ભીમો ડોકટરને જોઈ રહ્યાં.કવાટરમાં જઈ ડોકટરે કપડાં બદલીને કારની ચાવી લઈ કવાટર બંધ કર્યું.

જાદવ અને ભીમાએ રઘલાને કારની પાછલી સીટમાં સુવડાવ્યો.જાદવ રઘલાનું માથું એના ખોળામાં લઈ પાછળ બેઠો.ભીમો ડોકટરની બાજુમાં બેઠો એટલે ડોકટરે દવાખાનું બંધ કરીને કાર અમદાવાદ તરફ હાંકી મૂકી.

"શાહેબ આનો ખરસ કોણ દેશે ? અમારી પાંહે કોઈ સગવડ નથી.આ કંઈ અમારો ભાઈબન નથી.અમે હાર્યે આયા એટલા હારા કેવાવી.આ મારો બેટો ભૂત થઈને ગામને બીવડાવવાના ધંધા કરતો'તો.ઈની હાટુ તો અમે પાવલુ પણ ખરસવા માંગતા નથ..!" જાદવે કહ્યું.

"એ ચિંતા તમે ન કરો.ભલે આ રઘલો કે જે હોય તે, આખરે ગામનો માણસ તો છે ને.તમે લોકો આને દવાખાને લઈ આવ્યા અને સમયનો વિચાર કર્યા વગર સાથે પણ આવ્યા એટલી માણસાઈ તમારામાં છે.બાકીની માણસાઈ હું દેખાડીશ.તમેં ખર્ચની ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ" કહી ડોકટરે કારને લીવર આપ્યું.

"પસ્તાવો થયો કે તરત પ્રભુએ મારી પરીક્ષા લીધી છે.હે પ્રભુ તમે મારા પસ્તાવાનો આર્તનાદ સાંભળી લીધો. હું પણ આજથી, નહિ નહિ આજથી નહિ, અત્યારથી અને આ જ ક્ષણથી મારુ સંપૂર્ણ જીવન લોકસેવા માટે અર્પણ કરું છું.માત્ર જીવન જ નહીં મારી સમગ્ર ધન દોલત પણ હું ગરીબ દર્દીઓ માટે અર્પણ કરું છું. મારા ખર્ચ પૂરતા પૈસા રાખીને મારો બધો જ પગાર મારા દર્દીઓ માટે વાપરવાની પ્રતિજ્ઞા કરું છું.."

ક્યારેક કોઈ અડબંગના નસીબ પણ ખુલી જતા હોય છે.રઘલાના નસીબે એને બચાવી લીધો હતો.ડોકટરનો પશ્ચ્યાતાપ એના માટે આશીર્વાદ સાબિત થવાનો હતો.

*

તભાભાભા ઘેર આવીને કશું જ બોલ્યા વગર સુઈ ગયા હતા.આજે ગામમાં જે બન્યું એ એમના માટે ઘાતક હતું. કાલનો સૂર્ય એમના માટે કાળો બનીને ઉગવાનો હતો.એમના ગપગોળા ખુલ્લા પડી ગયા હતા. વજુશેઠ અને પોચા માસ્તરે આખું ગામ સાંભળે એમ ચાબખા માર્યા હતા.

'તભાગોરને કોઈ વિદ્યા આવડતી નથી.ગામમાં પોતાની વિદ્યાના ગપગોળા હાંકીને ગામને ઉલ્લુ બનાવે છે..! છોકરા માથું ઊંચું કરીને ચાલીએ એવું ન કરે તો કંઈ નહીં પણ એને કારણે બાપને ભરી બજારે માથું નીચું કરીને ચાલવું પડે એવા ધંધા કરે એવા કપાતર તો ન જ હોવા જોવે..!'

તભાભાભાને એ શબ્દો માથામાં ઘણની જેમ વાગ્યા.આખી જિંદગી કંઈ એમણે ગામને ઉંઠા જ નહોતા ભણાવ્યાં.કેટલાય ગરીબ યજમાનને દક્ષિણા લીધા વગર વિધિ કરી આપી હતી. કંઈ સાવ લોકોની શ્રદ્ધા સાથે ખીલવાડ નહોતી કરી, કેટલાંયના દરદ મટાડયા હતા.એ બધું જ પાણીમાં ગયું ?'
એક મોટો ગુન્હો તમારી બધી જ સારપને તાણી જતો હોય છે. જીવનના પાટિયામાં પડેલો કાળો ડાઘ જ બધાને પહેલા દેખાતો હોય છે. તભાભાએ કરેલા સારા કામ એમના આ કારસ્તાનમાં ભૂંસાઈ ગયા હતા.તભાભાભા માટે આ ઘાવ અસહ્ય હતો.બાબો એમને પ્રાણથી પણ પ્યારો હતો, લાડકોડમાં એને પાયાના સંસ્કાર આપવાને બદલે હંમેશા એને છાવર્યો હતો.આજે ઘેર આવ્યા ત્યારે બાબો ઘરે હતો નહિ છતાં એમણે બાબો ક્યાં ગયો એમ પૂછ્યું પણ નહોતું.ગોરાણી એમનું મોં જોઈને સ્તબ્ધ થઈ ગયા હતાં.આજે ગામમાં જરૂર કંઈક બન્યું હોવું જોઈએ એમ એમને લાગ્યું હતું.પણ પતિનો ચહેરો જોઈ કશું જ પૂછવાનું એમણે માંડી વાળ્યું હતું.જો કે એ સારું જ થયું.કારણ કે ભાભા ગોરાણીને કશું જ કહેવાના નહોતા. એમના ઘાવની એક જ દવા હતી અને એ હતું મૌન ! તભાભાભાએ હોઠ સીવી લીધા હતાં.

*

એવી જ દશા હતી ટેમુના ઘેર ગયેલા બાબાની ! ટેમુ એને વારંવાર એક દોસ્ત તરીકે સધિયારો આપતો હતો.બાબાએ કશું જ ખોટું નહિ કર્યું હોવાનું કહીને બાબાને ચિંતા ન કરવાનું સમજાવતો હતો.

બાબાને પણ પારાવાર પસ્તાવો થઈ રહ્યો હતો.પોતાને કારણે પૂજ્ય પિતાશ્રીની ઈજ્જત પર પાણી ફરી વળ્યું એ એનાથી સહન થતું નહોતું.બાબાની આંખમાંથી આસુની ધાર વહેતી હતી.

'પોચા માસ્તર બધી જ શરતો માની ગયા હોવા છતાં મેં એમને વધુ ને વધુ પ્રતાડીત કર્યા.સહન ન થાય એટલું પ્રેશર મારે આપવું જોઈતું ન હતું. એ ધારત તો મને મારી નાંખી શકે એમ હતા.મને કોથળામાં પુરીને નદીમાં નાંખી દીધો હોત તો કોઈને ખ્યાલ પણ આવત નહિ.પણ એ બિચારાએ એવું ન કર્યું. મારી શરતો સહન કરીને એમણે જાત બચાવી હતી.એક લાખ રૂપિયા મેં એમની પાસેથી પડાવી લીધા હોવા છતાં એ માણસ કંઈ બોલ્યો નહોતો.મેં ભાભાની યોજના ઉપર પાણી ફેરવી દીધું. લખમણિયાની સચ્ચાઈ અંગે મેં ભાભાને જણાવ્યું નહિ.મારે મારા પિતા સાથે તો એકવાર વાત કરી લેવી જોઈતી હતી.પણ અનિતીની આવક બુદ્ધિ ભ્રષ્ટ કરતી હોય છે.
મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી.." બાબો આમ વિચારીને આંસુ સારતો હતો.

"શું વિચારે છે તું ? બાબા, મનમાં જે ડૂમો ભરાયો છે એ મારી આગળ ખાલી કરી દે.શું થયું હતું એ માંડીને વાત કર.પોચા માસ્તરને એ રાતે તેં રંગે હાથ પકડ્યા હતા એ મને પણ કહ્યું નહિ ? તારા ફોનને કારણે હું રાતે દવાખાને ગયો હતો.એ દવાખાનામાં કોઈ હતું.અત્યાર સુધી તો હું ભૂત જ હોવાનું માનતો હતો,હું ભાગીને ડોકટર પાસે ગયો ત્યારે એ ભૂલમાં ચંપાનું નામ બોલી ગયા હતા. મેં એમને દબાવવાની કોશિશ કરી હતી પણ એ ડોકટરનો બચ્ચો ભારે ખેપાની છે.મને ધમકાવીને ઘરભેગો કરી દીધો હતો. મેં તને ફોન કર્યો હતો પણ તારો ફોન બંધ આવતો હતો.."

"બસ કર ટેમુ..મારે એ બધું હવે નથી સાંભળવું. જો તું મારો દોસ્ત હોય તો કશું જ ન બોલીશ. પ્લીઝ અત્યારે મને કશું જ ન પૂછીશ. તું શાંતિથી સુઈ જા યાર..!" બાબાએ ટેમુને બોલતો અટકાવી દીધો.

ટેમુ થોડીવાર બાબા સામે તાકી રહ્યો.એનાથી પોતાના દોસ્તનું રુદન સહેવાતું નહોતું.આખરે એ એણે ઊભા થઈને લાઈટ બંધ કરી દીધી.

(ક્રમશ:)