white cobra - part 13 books and stories free download online pdf in Gujarati

સફેદ કોબ્રા - ભાગ 13

સફેદ કોબ્રા

ભાગ - 13

રંગબેરંગી સાપો


રાજવીરે પોતાના ક્વાર્ટર પર આવી પોતાના માટે ચા જાતે બનાવી અને ચાનો કપ લઈ નીચે જમીન પર બેસી ગયો. પોતે ચારેય બાજુથી ઘેરાઈ ગયો છે એવો અહેસાસ એને અંદરથી થઇ રહ્યો હતો. એની પત્ની અને એના બાળકોની યાદ આવતાં એની આંખો ભીની થઇ ગયી હતી.

ધનરાજ પંડિત પર તો એને એટલો બધો ક્રોધ આવી રહ્યો હતો કે જો એ સામે આવે તો પોતાની રિવોલ્વરની બધી જ ગોળીઓ એની છાતીમાં ઉતારી દે. પરંતુ એ બરાબર સમજતો હતો કે અત્યારે કામ ખુબ સુઝબુઝથી લેવું પડશે. જો પત્ની અને બાળકોને બચાવવા હોય તો એને ધનરાજ પંડિતના ઈશારે નાચવું પડશે.

સલીમ સોપારી એના દસ પહેલવાન બોડીગાર્ડ સાથે safe house માં છુપાયો હતો. સલીમના મનમાં સફેદ કોબ્રાનો ડર છવાયેલો હતો. કારણ કે એ હવે એને છોડી અને ડેવિડ સાથે એના ધંધામાં જોડાવાની વાત કરી ચુક્યો હતો. અને કલાકોમાં આ વાત બધા જ ડ્રગ ડીલર જાણી ચુક્યા હતા. આ સ્ટેપ લીધા પછી એને અંદરથી આ નિર્ણય માટે પસ્તાવો થઇ રહ્યો હતો કે આ એણે ભૂલ તો કરી નાખી નથી ને? પણ હવે જે થાય એ એમ વિચારીને એણે પોતાના મનને શાંત પડ્યું હતું.
સલીમના માણસે એને આવીને ઓરેન્જ જ્યુસ આપ્યું. ઓરેન્જ જ્યુસ પીતા જ એની આંખો ઘેરવા લાગી અને બેભાન થતા પહેલા ‘સાલા ગદ્દારરર...’ એટલું જ એ બોલી શક્યો હતો.

સલીમ જયારે ભાનમાં આવ્યો ત્યારે એ ખુરશીથી બંધાયેલો હતો. એનો ખાસ માણસ આસિફ એની સામેની ખુરશીમાં બેઠો હતો. સલીમે ભાનમાં આવીને તરત જ એના મોં પર થુક્યું હતું.

“આસિફ તે મારી જોડે ગદ્દારી કરી છે. મેં તારા માટે બધું જ કર્યું અને એનો બદલો તે મને આજે આવો આપ્યો?” સલીમે બૂમ પાડીને આસિફને કહ્યું હતું.

“બોસ.. ગદ્દારી મેં તમારી સાથે નહિ તમે આપણા બોસ સફેદ કોબ્રા સાથે કરી છે. આજે આપણે જે કંઇપણ છીએ એ આપણા બોસ સફેદ કોબ્રાના કારણે છીએ. અને તમે એમની જોડે જ ગદ્દારી કરી?” આસિફે સલીમ સામે જોઈ ગુસ્સાથી કહ્યું હતું.

આસિફની વાત સાંભળી સલીમ ઢીલો પાડી ગયો હતો.
“હું બોસની માફી માંગવા માંગુ છે. મારાથી હવે ફરી આવી ભૂલ ક્યારેય પણ નહિ થાય. હું મોતના ડરથી ગભરાઈ ગયો હતો અને માટે મારાથી આવી ભૂલ થઇ ગઈ.” સલીમે રડતાં રડતાં કહ્યું હતું.

“બોસ તમે જે ભૂલ કરી છે, એ ભૂલની માફી આપવાનું કામ હવે સુપર બોસ સફેદ કોબ્રાના હાથમાં છે. હવે જેવા તમારા નસીબ.” આટલું બોલી આસિફ રૂમની બહાર નીકળી ગયો હતો.

આસિફના ગયા બાદ રૂમના બીજા દરવાજા માંથી સફેદ કોબ્રા અંદર દાખલ થયો હતો. સફેદ કોબ્રાને જોઈને સલીમ ચોંકી ગયો હતો. અને એ કશું બોલવા જાય એ પહેલા જ સફેદ કોબ્રાએ મોં પર આંગળી મૂકી ચુપ રહેવાનું કહ્યું હતું.

“મારું નામ તારા મોઢામાંથી ના બોલીશ મારા ગદ્દાર સિપાહી. જેના પર મને સૌથી વધારે વિશ્વાસ હતો એણે જ મારી જોડે ગદ્દારી કરી. આ સફેદ કોબ્રાએ તને ડ્રગ્સના જંગલનો વાઘ બનાવ્યો અને તું મારા જહાજને ડૂબતું સમજી, ઉંદરની જેમ કૂદીને ડેવિડની ગોદમાં બેસી ગયો. પરંતુ ઉંદરડા હું તને કહી દઉં કે આ સફેદ કોબ્રા ડૂબવાવાળું જહાજ નથી. હું ડ્રગ્સના ધંધાનો બેતાજ બાદશાહ છું અને રહીશ. અને હવે બોલ તને શું સજા આપવી?” સફેદ કોબ્રાએ તેના હાથમાં રહેલા નાનકડા સફેદ સાપને રમાડતાં-રમાડતાં સલીમને કહ્યું હતું.
સલીમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો હતો. “મને માફ કરી દો મને માફ કરી દો” ની બૂમો પાડવા લાગ્યો હતો.

“હું તને માફ કરી દઈશ તો એક દિવસ તું જ તારી બંદુકની બધી ગોળીઓ ડેવિડના કહેવાથી મારી છાતીમાં મારીશ. આ વાતનો મને પાકો વિશ્વાસ છે અને માટે જ તને મારવા માટે મેં ખુબજ અલગ અને નવીન વ્યવસ્થા કરી છે. એ રીતે મરવાનો પણ તને આનંદ આવશે. મેં તારા માટે અલગ-અલગ જાતનાં નાના અને રંગબેરંગી પરંતુ ઝેરીલા સાપ મંગાવ્યા છે. જેને તારા ઉપર છોડી મુકવામાં આવશે. જે તને જરાપણ મરવાનો અહેસાસ નહિ થવા દે. કીડી ચટકો ભરે એનાથી થોડો વધારે જોરથી ચટકા ભર્યાનો અહેસાસ તારા શરીર પર સાપનાં ડંખથી લાગશે. તારું શરીર સુન્ન થઇ જશે અને આ રીતે એક અલગ પ્રકારનું મૃત્યુ હું તને આપીશ.” આટલું બોલી સફેદ કોબ્રાએ બેલ માર્યો હતો.

બે માણસો કાચની બે મોટી પેટીઓ લઈ રૂમમાં દાખલ થયા હતા. એમાં નાના-નાના રંગીન સાપો કેદ હતા. સાપોને જોઈ સલીમ બુમા બૂમ કરવા લાગ્યો હતો. એક માણસ એના મોંઢા પર પટ્ટી મારવા જતો હતો. પરંતુ સફેદ કોબ્રાએ એને ઈશારાથી પટ્ટી મારવાની ના પાડી હતી.

“આપણા ભૂતકાળના વફાદાર સાથી સલીમને મન ભરીને બૂમો પાડવા દો. હું નથી ઈચ્છતો કે એની બૂમો એની અંદર દફન થઇ જાય.” આટલું બોલી સફેદ કોબ્રાએ ચપટી વગાડી હતી.

બંને માણસો એ કાચની પેટીઓ ખોલી નાખી હતી અને એમાંથી નાના-નાના સાપ સલીમ પર નાખી દીધા હતા. સલીમ પર પડતા જ સાપો એ એને ડંખ મારવાનું ચાલુ કરી દીધું હતું.
“સલીમ આ સાપના ડંખ તને જેટલા વાગી રહ્યા છે એના કરતાં પણ વધારે મોટો ડંખ તે મને ગદ્દારી કરીને માર્યો છે. સફેદ કોબ્રા જોડે ગદ્દારી કરવાનું ઇનામ તને મળી ગયું.” સફેદ કોબ્રાની પૂરી વાત સાંભળતા પહેલા જ સલીમ જન્નમમાં પહોંચી ગયો હતો.

રાત્રિના બાર વાગે બાંન્દ્રા પોલી સ્ટેશનની બહાર બે નકાબધારી માણસો સલીમની લાશને ગાડીમાંથી ફેંકી ભાગી ગયા હતા. રઘુએ પોલીસ સ્ટેશન માંથી આ દ્રશ્ય જોયું અને દોડતો-દોડતો બહાર આવ્યો હતો. એણે સિસોટી મારીને બીજા પોલીસવાળાઓને બોલાવી લીધા. જય પણ એની કેબિનમાંથી દોડતો બહાર આવ્યો હતો. જયને એના ઘરે જતા ડર લાગી રહ્યો હતો એટલે એ પોલીસ સ્ટેશનમાં જ બેઠો હતો.

સલીમની લાશ જોઈને જયના હોશ ઉડી ગયા હતા અને એ જમીન પર ફસડાઈ પડ્યો હતો.

“સર... કોઈએ સાપના ડંખથી એને માર્યો છે.” રઘુએ જય સામે જોઈ કહ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને ફોરેન્સિક ટીમની કાર્યવાહી પૂરી થયા બાદ લાશને પોસ્ટમોટમ માટે મોકલી દેવામાં આવી હતી.
જયે રાજવીરને ફોન લગાડ્યો હતો. ત્યારે રાત્રિનો એક વાગ્યો હતો.

“સર... સલીમ સોપારીની લાશ બે નકાબધારીઓ આપણા પોલીસ સ્ટેશનની બહાર ફેંકી ગયા હતા. ફોરેન્સિક લેબવાળાનું કહેવું એવું છે કે કોઈએ સાપ એના પર છોડી સાપના ડંખથી એને મરાવ્યો છે. એની લાશને જોઈ મારા તો હાંજા ગગડી ગયા છે. સફેદ કોબ્રાના ડ્રગ્સના ધંધાના મુખ્ય લોકોની હત્યા થઇ ચુકી છે. હું તો પોલીસ સ્ટેશનમાંથી બહાર જ નીકળતો નથી. હવે પછી મારો કે તમારો નંબર ચોક્કસ છે.” જય ગભરાયેલા અવાજમાં બોલી રહ્યો હતો.

જયની વાત સાંભળી રાજવીર મનમાં બબડ્યો હતો. ‘મારો નંબર તો લાગી ચુક્યો છે, હવે તારો નંબર છે.’

“સર તમે બોલતા કેમ નથી?” જયે પૂછ્યું હતું.

“જય તું ચિંતા ના કર અને હમણાં એકલો બહાર નીકળીશ નહિ. અને પોલીસ સ્ટેશનમાં જ રહેજે.” રાજવીરને પહેલીવાર જય પર દયા આવી રહી હતી.

જયનો ફોન મૂકી રાજવીરે ધનરાજ પંડિતને ફોન લગાડ્યો હતો.

થોડી રીંગો વાગ્યા બાદ ધનરાજ પંડિતે ફોન ઉપાડ્યો હતો.
“ઇન્સ્પેકટર રાજવીર શેખાવત રાત્રિના આટલાં મોડા મને ફોન કેમ કર્યો? દારૂનાં નશામાં તો નથી ને?” ધનરાજે રાજવીરને પૂછ્યું હતું.

“હું તો દારૂનાં નશામાં નથી, પરંતુ તમે આવો ગંદો ખેલ શા માટે ખેલી રહ્યા છો? સલીમ સોપારીને મારવાનું કામ મને સોંપી તમે એનું ખૂન ક્રુરતાથી સાપ એના પર છોડાવી સાપના ડંખથી એને મરાવી નાખ્યો. આટલી ક્રુરતા અને વિકૃતિ તમે ક્યાંથી લાવો છો?” રાજવીર ગુસ્સાથી ધનરાજ પંડિતને પૂછી રહ્યો હતો.
રાજવીરની વાત સાંભળી ધનરાજ પંડિત થોડી મીનીટો માટે વિચારમાં પડી ગયો હતો.

“સલીમ સોપારી મરી ગયો એ તો સારા સમાચાર છે. પરંતુ મેં એને મરાવ્યો નથી. અને હા રાજવીર હું એક ફોજી છું. હું દુશ્મનને બંદુકની ગોળીથી મારી શકું પરંતુ સાપના ડંખથી નહિ. પરંતુ જે થઇ રહ્યું છે એ તારા માટે ખુબજ સારું છે. તારા હાથ આ લોકોના ખૂનથી રંગાયા નહિ.” ધનરાજ પંડિતે રાજવીરને કહ્યું હતું.

“હવે તમારું કામ પતી ગયું. તમે મારી પત્ની અને મારા બાળકોને છોડી દો. મારા પર CID અને IB ની નજર છે. એ લોકો મારા બેંક ખાતાની અને મારી સંપતિની શોધખોળ કરી રહ્યા છે. માટે મારે મારી પત્ની અને મારા સંતાનોને લઈ થોડા દિવસો માટે ઇન્ડિયા બહાર જતું રહેવું છે. જો તમે કહેતા હોય તો અને મારી પત્ની અને સંતાનોને છોડવાના હોય તો અમારા ચારની ટીકીટ કરાવી થોડા દિવસો માટે હું ઇન્ડિયા બહાર નીકળી જાઉં.” રાજવીરે ધનરાજ પંડિતને પૂછ્યું હતું.
“કાલે સવારે હું વિચારી તને જવાબ આપું છું. પરંતુ ભવિષ્યમાં ભૂલથી પણ જો તું મારું નામ બોલ્યો છે તો હું તને જીવતો નહિ છોડું.” ધનરાજ પંડિતે રાજવીરને ધમકી આપતા કહ્યું હતું.

“મેજર ધનરાજ પંડિત હું આખો ભ્રષ્ટાચારનાં કાદવમાં ખુપી ગયેલો છું અને એ વાત તમે ખુબ સારી રીતે જાણો છો. મારું પોતાનું ઘર આખું કાચનું છે તો હું તમારા ઘર પર પથ્થર કેવી રીતે મારું? હું તમારું નામ ક્યારેય નહિ કહું પણ તમે મારા પત્ની અને બાળકોને કાલે છોડી મુકજો અને જ્યાં સુધી પોલીસ તમારી શોધખોળ કરી રહી છે ત્યાં સુધી તમે મારા ઘરમાં ચિંતા વગર નિશ્ચિંત થઈને રહેજો. મારું ઘર સેફ છે. પોલીસ ત્યાં સુધી કદી નહી પહોંચી શકે.” આટલું બોલી રાજવીરે ફોન મૂકી દીધો હતો.

ક્રમશઃ......

(વાચકમિત્રો, સફેદ કોબ્રા આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.... - ૐ ગુરુ )