Jivan Sathi - 39 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 39

બંને વચ્ચેની ચૂપકીદી વચ્ચે આન્યાનું ઘર આવી જાય છે એટલે આન્યા સ્મિતને બાય કહી, સી યુ ટુમોરોવ કહી કારમાંથી નીચે ઉતરી પોતાના ઘર તરફ જવા લાગે છે. સ્મિત આન્યાના આવા વર્તનથી થોડો નારાજ થઈ જાય છે પણ નારાજગી સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો પણ તો નથી. સ્મિત પણ આછું સ્માઈલ આપી બીજે દિવસે મળવાનું કહી ત્યાંથી રવાના થઈ પોતાના ઘરે જવા માટે નીકળી જાય છે.

આન્યાએ જેમ વિચાર્યું હતું તેમ મોમ તેની રાહ જોઈને જ બેઠી હતી. આન્યાને ખુશ જોઈને મોમ તેને આજનો દિવસ ખૂબ સારો ગયો કે, તું આજે આટલી બધી ખુશ દેખાય છે ? પૂછવા લાગી...
આજનો દિવસ તો આન્યા માટે ખૂબ સારો ગયો હતો પણ તે મોમને હમણાં પોતાના દિલની કોઈ વાત બતાવવા માંગતી ન હતી તેથી તેણે વાતને ટાળી દેતાં કહ્યું કે, " ના ના મોમ એવું કંઈ નથી એ તો જરા ફ્રેન્ડ્સ સાથે મજાક મસ્તી કરવાની આજે ખૂબ મજા આવી ગઈ. "
મોનિકા બેને પણ હસીને જવાબ આપ્યો કે, " ઓકે બેટા, તું ખુશ એટલે અમે તો તને ખુશ જોઈને ખુશ અમારે બીજું શું જોઈએ ? "
અને આન્યા પોતાની મોમને ભેટી પડી. તેને આજે એ સમજાઈ રહ્યું હતું કે, જીવનની કઈ પળે હું ખુશ છું અને કઈ પળે હું નારાજ છું તે મારી માં મારો ચહેરો જોઈને સમજી જાય છે. અને તે બોલી પણ ખરી કે, માં તને કેવી રીતે ખબર પડી જાય છે કે, " હું આજે ખૂબ ખુશ છું "
મોનિકા બેન: તારા ચહેરા ઉપર મને લખેલું વંચાય છે બેટા.
આન્યા તો ખરેખર પોતાનો ચહેરો દર્પણમાં જોવા લાગી અને બોલી કે, " મને તો કંઈ નથી વંચાતું મોમ "

મોનિકા બેન: એ તને અત્યારે નહિ ખબર પડે બેટા તું જ્યારે માં બનીશને ત્યારે જ ખબર પડશે. ભગવાને માં ને ત્રીજું નેત્ર આપ્યું છે જેના વડે તે પોતાના સંતાનનું સુખ દુઃખ પળવારમાં જોઈ શકે છે.

આન્યા: તું શું બોલે છે મારી તો કંઈજ સમજમાં આવતું નથી મોમ, ચાલ હું તો હવે થોડી વાર રીલેક્સ થવા જવું છું.
મોનિકા બેન: પણ તારે કંઈ ખાવું નથી બેટા તને ભૂખ નથી લાગી ?
આન્યા: ના ના અત્યારે કંઈ નહીં.
અને આન્યા પોતાના રૂમમાં ગઈ અને બેડ ઉપર આડી પડી ગઈ અને તેણે એક ઉંડો શ્વાસ ખેંચીને જાણે તે અશ્વલને યાદ કરવા લાગી અને વિચારવા લાગી કે, અશ્વલ સાથે મારે શું લેવા દેવા છે, તેના માટે આટલી બધી રાહ જોવી તેને મળવા માટે પેશન ન રહેવું તેને મળવાથી દિલને ખુશી મળવી, તેનું આમ દિલોદિમાગ ઉપર છવાયેલું રહેવું, તે સાથે હોય ત્યારે પોતાના અસ્તિત્વને ભૂલી જવું અને તેનામય થઈ જવું તેનામાં ખોવાઈ જવું. આ બધું શું છે ? કોઈ એક અજબ દિલને સ્પર્શી જાય તેવો મીઠો મધુરો અહેસાસ છે, જેમાંથી આ દિલ બહાર નીકળવા નથી માંગતું ! પણ મને જે ફીલીન્ગ્સ થાય છે તે શું અશ્વલને પણ થતી હશે ? તે પણ મારા જેવું જ મહેસૂસ કરતો હશે કે નહીં ? તેણે તો કદી કહ્યું નથી મને !
અને તો પછી મારા આ અહેસાસનું શું ? શું છે આ બધું ? કદાચ, મને અશ્વલ સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને ? ના ના, આપણે પ્રેમ બ્રેમના ચક્કરમાં નથી પડવા માંગતા. અને આન્યા ઉભી થઈને બહાર દિવાનખંડમાં ગઈ ફ્રીઝ ખોલીને તેમાંથી એક ઠંડા પાણીની બોટલ હાથમાં લઈને પાછી પોતાના રૂમમાં ગઈ અને આખી બોટલ મોઢે માંડીને એકજ શ્વાસે ગટગટાવી ગઈ. જાણે તે જે અનુભવી રહી છે તે બધું જ તે આ પાણી સાથે ગટગટાવીને ભૂલી જવા માંગતી હોય તેમ..!! પણ ત્યાં તો ફરીથી તેના મનમાં અશ્વલ આવી ગયો અને સાથે સાથે તે એક પ્રશ્ન લઈને આવ્યો કે, જો અશ્વલના દિલમાં મારા માટે કોઈ જ ફીલીન્ગ્સ નથી તો તે મને મળવા માટે શું કામ આવ્યો હતો અને મારા માટે તેના દિલમાં કંઈ ફીલીન્ગ્સ છે તો તે મને કંઈ કહેતો કેમ નથી ? જે હોય તે આપણે આ બધાથી દૂર રહેવા માંગીએ છીએ આ બધું જ અહીં ને અહીં જ આ જ ક્ષણે બસ ભૂલી જ જવું છે. અને તે ઉભી થઈને આજે કોલેજમાં લખાવેલી નોટ્સ હાથમાં લઈ તેને વાંચવાનો પ્રયત્ન કરતી રહી.
એટલામાં તેનો સેલફોન રણક્યો...
કોણે અત્યારે આન્યાને યાદ કરી હશે ? આપણે આગળના ભાગમાં જોઈશું....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/4/22