Prem Kshitij - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૩

અમરાપરની શેરીઓ આમ સુની જણાતી હતી પરંતુ ક્યાંક ક્યાંક ચહલપહલ એને જીવંત બનાવી રહી હતી, સવારનો આઠ વાગ્યાની વેળા એટલે કપડાના ધોકાનો નાદ, પાણીના નળનો અવાજ તો ક્યાંક કૂકરની સીટીના સુસવાટા, ગૃહિણીઓના કામની મઘમઘતા રેલાઈ રહી હતી, સુખીસંપન્ન ગ્રામ એટલે સરકારી કચેરીઓથી સજ્જ, સ્કૂલની દીવાલો પર ચીતરેલા ચિત્રો જાણે દરેક વ્યક્તિને શાળાએ ગયા વગર જ્ઞાન આપી રહ્યા હતા.
જીપ લઈને નીકળેલા નવજુવાનીયાઓ એમની ચકોર નજર બધે વીજળી વેગે પ્રસરાવી રહ્યા હતા, શ્યામા ક્યાંક મળી જાય!
"એલાઓ, જોજો બધેય, શ્યામાદીદી નજરચૂક ના થવી જોઈએ!"- ભાર્ગવ બોલ્યો.
"હા ભાઈ, દાદાનો હુકમ છે તો પાળવો જ રહ્યો"- પ્રાયાગે ઉમેર્યું.
"પણ સાલું સમજાતું નથી કે દીદી ભાગ્યા કેમ?"' મયુરે શંકા કરી.
"આમ તો ભાગે એવા નથી લાગતા, નક્કી કોઈની વહારે ગયા હશે!"- પ્રયાગ ક્યાસ લગાવી રહ્યો.
" એ તો હવે મળે એટલે ખુલાસો થાય!"- ભાર્ગવ ગેંગને કહી રહ્યો.
જુવાનિયાઓ જીપ હકતાં વાતે વળગ્યાં, વાતોમાં ચીંતા સ્પષ્ટ દેખાતી હતી, એક તો ઘરે મહેમાન આવવાની તૈયારી એમાંય શ્યામા ગાયબ! શું જવાબ આપશે વડીલો કે ક્યાં ગઈ શ્યામા?
જીપ ગામને ચોરે ઉભી રાખી, ચાર પાંચ બેઠેલા ડોસાઓ મળીને ગામગોસ્થિ કરી રહ્યા હતા, સફેદ પાઘડી અને સફેદ ઝભ્ભા લેંઘા જાણે એમની શાન હતી, મૂછોને અમથા તાવ દેતાં તેઓ જાણે અમરાપરની સાચી શાન ના હોય! સવાર સવારમાં આમ જીપ સામે આવી ને તેઓનું ધ્યાન એની પર પડ્યું એ સહજ જતું, "એલાવ એ, શિદ ઉપડ્યા હવાર હવારમાં?" ચોરે બેસેલા એક વડીલે એમને આવવાનું કારણ પૂછી લીધું.
" ભૈલાઓ, તમે તો હેમલરાયના ત્યાંના છોરાઓ છો ને?"- એમાંથી એક દાદાએ આંખ ઝીણી કરીને ઇન્કવાયારી કરી જ નાખી.
" તમારા ત્યાં તો આજે મહેમાન આવવાના હતાં ને?" - ફરી એક સવાલ ઉમટયો.
સવાલ પર સવાલ આવતાં જતા હતા પણ જે માટે ટોળી થોભી હતી એ ભુલાઈ જ ગયું, છેવટે પ્રયાગે સવાલધારાને અટકાવી, " તમે કોઈએ શ્યામને જોઈ?"
"હે? શ્યામા દીકરી?" એ શીદ ગઈ?"- એક દાદાએ ફરી સવાલ કર્યો.
" જોઈ છે કોઈએ?"- ભાર્ગવ બોલ્યો.
" હા, સવારે એની બેનપણી છે ને જશુભાઈના ત્યાંની મોટી, એની ભેગુ ક્યાંક જતાં જોઈ?"- એક ભલા દાદાએ જવાબ આપ્યો.
" કઈ બાજુ ગયા એ બન્ને?"- મયુર ગુસ્સામાં બોલી રહ્યો.
" એ તો મને નથી ખબર, મને આદત જ નહિ ને પારકી પંચાતમાં!"- દાદાએ બડાશ હાંકી.
"હા હા, એટલે જ તો ચોરે બેસી રહો છો ને!"- મયુરનો ફરી પારો ગયો.
" આ જુઓ આજકાલના જુવાનિયા આવી ગયા મને સમજાવવા! એક તો કીધું એમાંય હવે મોઢે વળગે છે! ભલાઇનો તો જમાનો જ ક્યાં છે?"- એ દાદા રોષે ભરાયા.
"હકુભા,જવા દ્યો ને! આ તો અણહમજ છે! માફ કરી દ્યો!" ભાર્ગવે બાજી સંભાળતા કહ્યું.
"હા ઇ તો તમે હેમલરાયના ત્યાંના છૉરાઓ છો એટલે જવા દઈશ, બાકી તો તમારી તો વલે કરી નાખત!"- હકૂભા મૂછ મરોડતા બોલ્યાં.
" ચાલ, મયુરિયા, શું તુય વાતે વાતે ગરમ થાય છે? અત્યારે શું મહત્વનું છે એ સમજતો નથી!"- મહર્ષિએ મયૂરને ઠપકો આપ્યો, તેઓ જીપ ભણી ચાલતા થયા.
" એય છોરાઓ, શ્યામા અને એની બહેનપણી નદી ભણી જઈ રહી હતી!" - હકુભા એ એમને અટકાવીને કહ્યું.
"આભાર દાદા!"- ભાર્ગવે એમને જુકીને વંદન કર્યા ને જીપની પાછળની સિટે બેસી ગયો.
"જોયું, ઝઘડવા બેસી ગયો હતો તેમાં મયુરિયા! એ જ કામે આવ્યા ને?"- ભાર્ગવ મયૂરને બોલ્યો.
"હા, ભલે ભલે! સોરી!" મયુર નીચું જોઈ બોલી રહ્યો.
જીપની ગતિ નદી તરફ વધી રહી અને એની પાછળ ઉડતી ધૂળ વાતાવરણને ધૂળિયું કરી રહી !