Prem Kshitij - 4 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૪

શિયાળાની સવાર કહી ના શકાય પરંતુ ટાઢક વર્તાતી હોઈ મોસમ ખુશનુમા હતી, અમરાપરની માતાતુલ્ય એવી વહેતી હિરણ નદી જેમ કાઠિયાવાડની શાન છે એમ અમરાપરની પણ શાન હતી, એને કાંઠે કાંઠે વસેલા ગામની માટીમાં એની સોડમ એવી રીતે વણાઈ ગઈ હતી કે આવવાવાળા દરેકને એની ગંધ વર્ષો સુધી વિસરાય એવી નહોતી.
ચારે બાજુ લીલા તોરણ સમાન હરીયાળી એના રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, ક્યાંક ડોકિયું કરતું જનાવર પાણી પીવાની ચેસ્ટા સાથે એ હરિયાળીમાં લપાઈને બેઠું હોય ને અચાનક સાવજ ગરજે કે એ વીજળીવેગે ભાગી જાય, આવું નજરાણું દિવસમાં ક્યાંકને ક્યાંક જોવા મળી જ જાય, ઉપરથી વાંદરાઓની વનરાજી હૂપાહૂપ કરીને શોર કરે અને એ શોરમાં પણ જાણે સંગીત વહેતું હોય એવું લાગે, સવારના સમયે વહેતાં પાણીમાં સૂરજના કિરણોનું લાલિત્ય એવું પથરાય કે પાણીમાં કેસરી રંગ છવાઈ જાય ને વેળા થતાં એ કેસરી રંગ ભૂરા રંગમાં રંગતાળી દે!
" એલી એ કરુણા, ક્યાં શું થયું સે?"- શ્યામાએ દૂરથી નદીને કિનારે ઊભેલી બહેનપણીઓના ટોળાને કાઠિયાવાડી મિજાજમાં બૂમ દીધી, એની બુમની સાથે બધાયની નજર શ્યામા તરફ પડી.
એકદમ નકશીકામ કરીને બનાવેલી દૈવી મૂર્તિ સમાન શ્યામા જણાઈ રહી હતી, એના વાંકડિયા વાળ એની શોભા હતી, નામ પ્રમાણે એ પોતે શ્યામ પરંતુ સુંદરતાનો ઘાટ હતી, એક એક અંગમાં જાણે લાલિત્ય સમાયેલું હતું, અણિયારી આંખોમાં તેજ એવું કે જોવા વાળની આંખ વગર કાજલે અંજાઈ જાય, જોડે સ્મિતમાં મીઠાશ સોનાની સુગંધ ભેળવે, એના અવાજનો રણકાર કોઈ સુના મંદિરમાં વાગતા ઘંટ સમાન રમણીય હતો, કોઈને પણ ગમી જાય એવો શરીરનો બાંધો, જુવાનીમાં પ્રવેશતાં યૌવનની એ સાક્ષાત સ્વરૂપ હતી.
એના રૂપની સાથે એની છટા પણ અનોખી હતી, એણે પહેરેલ આભૂષણો તો માત્ર ખોટો દંભ હતા બાકી સાચો શૃંગાર તો એની પોતાની આભા જ હતી! આજે કોઈ એને જોવા આવવાનુ હતું માટે એણે આંજેલી મેષ તો એમ જ જોવાવાળાને ઘાયલ કરી દેવાની હતી, માથે લગાવેલી નાની આમથી બિંદી અને કાળી ભમ્મર ધનુષી ભ્રમરો વચ્ચે એવી રીતે ગોઠવાઈ હતી કે રિયલ ડાયમન્ડની રિંગમાં જેમ હીરો! સાવ સામાન્ય ઘરેણામાય રાજકુંવરી લાગે એવી શ્યામા આજે વારસાગત ઘરેણાંમાં એકદમ સજ્જ કોઈ રાજકુમારીની ઓછી નહોતી લાગી રહી! પોતે એવા શણગારે અચાનક નદીકિનારે આવી ગઈ, નક્કી કોઈ કારણ હશે!
શ્યામનો અવાજ સંભાળતાની સાથે કરુણા ખૂબ જ ભાવુક થઈ ગઈ, એ જોરથી રડવા લાગી.
"કેમ એલી, કેમ રોવે છે?"- શ્યામા એની જોડે ગઈ, કરુણા એને ભેટીને ખૂબ રડવા લાગી, એનું પાણીથી લથબથ શરીર શ્યામાને ભીંજવી રહ્યું, શ્યામાએ એને છાની રાખવા પ્રયત્ન કર્યો, માંડી મથામણે કરુણા શાંત થઈ, એને એક મોટા પથ્થર પર બેસાડી.
" શ્યામા, જો ને આ બાવરી બની ગઈ લાગે સે! નદીના વહેણમાં પડતું મૂકવા હાલી તેમાં!"- સખીઓની વૃંદમાંથી એક બોલી.
"શું? શું વાત કરે છે? કરુણા? શું પહાડ તૂટી પડ્યો તારા પર?"- શ્યામા તાડુકી.
" શું કરું? મારો વર જ મારો નથી તો જીવીને શું કરું?"- કરુણા કરુણ અવાજે બોલી ઉઠી.
"કાં? શું થયું તારા વરને?"
" મારી હાહુ, અમને જોડે રહેવા દે તો ને? કયા ભવમાં લગન થયા હતા તે આવી હાહુ માથે ભટકાણી!"- કરુણાએ બળાપો કાઢતા કહ્યું.
" તે એમાં મરી જાવું સે તારે?"- શ્યામાએ ગરમ થતાં એને ધમકાવી.
" હાલ્ય...તારી માજી અને તારા વર જોડે સમાધાન કરાવું!"- શ્યામાએ એનો હાથ પકડતા કહ્યું.
"એ સમાધાનની માનતા નહિ ને! કંટાળી ગઈ છું."
"શેના ના માને! વાત કરીએ તો બધી વાતુનું સમાધાન થાય!"- શ્યામાએ એની વાત રાખી.
" શ્યામા તું કઈ કર એમાં! મારા હાથે કઈ બાજી સુધરે એમાંની નથી!"- કરુણાએ કહ્યું.
" ચાલો ત્યારે, કરુણાના ઘર!"- શ્યામા ચાલતી થઈ.
"એ શ્યામા! ક્યાં ઉપડી? તને યાદ છે ને તને જોવા છોકરાવાળા આવવાના છે અત્યારે?"- એની સખીએ કહ્યું.
"હા તો ... એ તો હું પહોંચી જઈશ!" - શ્યામાએ હસતાં કહ્યું.
" પણ મોડું થશે તો દાદા વઢશે!"- કરુણાએ કહ્યું.
"અલ્યા! જે લગન નથી થયા એની શેની ચિંતા? અને થયેલા લગ્નને થાળે પાડવા મહત્વના છે!" - શ્યામાએ જુસ્સો બતાવ્યો.
" તું છે તો વિશ્વાસ છે! સાંજે આવજે તું હું રાહ જોઇશ, અત્યારે દાદાની આશા સંપૂર્ણ કર!" કરુણાએ એને સમજાવી.
" જો તો અટલી સમજદાર છે ને પડતું મૂકવા હાલી! હા પણ સાંજે વારો તારા વરનો ને માજીનો!"- શ્યામા બોલતાં એની લટ સરખી કરવા લાગી.
" ચાલો હવે વાતું ના વડા ના કરો! દાદાને ખબર પડશે તો મારી આવી બનશે!"- વચ્ચે અટકાવીને માયા બોલી.
" હાસ્તો...તારી જ આવી બનશે ને! તું મને ભગાડીને લઈ આવી તેમાં!"- શ્યામાએ એને બીવડાવી!
" ચાલને બેન! મહેમાન આવે એ પહેલાં ઘર ભેગીના થઈ જવું સે!"- માયાએ શ્યામાને ખેંચી.
"સારું, બધા સાંજે મળીએ કરુણાના ઘરે! આજે વારો પડી ગયો હમજો!'- શ્યામા બબડતા નદી કિનારેથી મુખ્ય રસ્તા તરફ માયાની સાથે ચાલી નીકળી!