Prem Kshitij - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૭

"ઓય શ્યામા દીદી! ઊભા રહો..." જીપમાં બેઠેલા પ્રયાગે શ્યામાને બૂમ પાડી.
પ્રાયાગનો અવાજ સાંભળતાં જ શ્યામાના કાન સરવા થઈ ગયા, એને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એ જે હાલતમાં ઘરમાં કોઈને કહ્યા વગર જ આવી રીતે નદીના ઘાટે કોઈને બચાવવા દોડી આવી અને તેનાથી ઘરમાં શી પરિસ્થિતિ સર્જાઈ હશે એનો અણસાર એને મનોમન થકી અંતરમનમાં એક ઝાટકે આવી ગયો.
શ્યામાના છમછમ કરતાં પગને અચાનક બ્રેક વાગી, એની જોડે એની સખી પણ ઉભી રહી ગઈ, નદીની ભેખડ કોતરીને આવી રહેલી જીપ અને એની પાછળ ઉડતી ધૂળની ડમરી જાણે એને પકડવા માટે હરીફાઈમાં ઉતરી હોય એમ લાગી રહ્યું હતું, પ્રયાગના માત્ર અવાજથી થંભેલી શ્યામા એને જોવા પાછળની તરફ વળી, સામે આવતી જીપમાં દૂરથી ઝાંખા દેખાતા એના ભાઈઓ હવે નજીક આવતા ઓળખાયા! ઉડતા વાળ સાથે પ્રયાગ એને હાથ લાંબો કરી રહ્યો હતો ને મયુર ગાડી ચલાવી રહ્યો હતો ને સાથે ભાર્ગવ એની બાજુની સીટ પર ગોઠવાઈ રહ્યો હતો.
તેઓ નજીક આવ્યા, શ્યામા જોડે જીપ આવીને ઊભી રહી, જીપને બ્રેક વાગતાની સાથે પ્રયાગ નીચે કૂદ્યો હોય એમ એકી ઝટકે ઉતર્યો. સાથે ભાર્ગવ અને મયુર પણ નીચે ઉતર્યા.
" શીદ જાઓ છો દીદી?"- ભાર્ગવ શ્યામા તરફ શક ભરી નજરે જોઈ રહ્યો.
" ઘરે જ જાઉં છું.. કાં શું થયું?"- શ્યામાએ જાણે કઈ થયું જ ના હોય એમ કહ્યું.
" તમને ખબર પણ છે ઘરમાં શું ચાલી રહ્યું છે?"- મયુરે એનો ગુસ્સો ઠાલવ્યો.
"હા, દાદા એ ઉપાડો લીધો હશે નહિ?"- શ્યામાએ એકદમ ભોળાં બનીને નિખાલસતાથી કહ્યું.
" આવી રીતે કોઈ થોડી ભાગી જાય ઘર છોડીને?"- મયુર એનો આવી શાંત ભાવસભર જવાબ સાંભળી વધારે ભડક્યો.
" ભઈલા! કોને કીધું હું ભાગી ગઈ છું?"- શ્યામાએ એની મીઠી વાણીની ધારા વહાવી.
" તો શું મતલબ થયો આવી રીતે કોઈને કહ્યા વગર ઘરમાંથી જતાં રહેવાનો?"
"હું આવી રીતે ભાગી ના હોત તો ઓલી કરુણાના રામ રમી ગયા હોત!"- શ્યામા બોલી.
" અને અહી તમારે અમારા રામ રમાડી દેવા છે તો?"- મયુર ફરી ઉશ્કેરાયો.
" મયુર! આ સમય બાખડવાનો નથી!"- પ્રયાગે મયૂરને વચ્ચે રોક્યો.
" ચાલો દીદી, ફટાફટ બેસી જાઓ, ઘરે બધા વાટ જોવે છે!"- ભાર્ગવે મયુર જોડે ચાવી લઈને જીપ ચાલુ કરી.
"અને હા માયાડી, તારી તો આવી બની આજે! તારા લીધે સરલાકાકી બેહોશ થઈ ગયા!"- મયુરે માયા સામે ડોળા કાઢતા કહ્યું.
"હે? શું થયું એમને વળી?"- માયાએ જીપમાં ગોઠવતા ગોઠવતા હિંમતભેર મયૂરને પૂછી લીધું.
" તમે આવો તો ખરાં ઘરે! સ્વાગત ના થાય તો કહેજો!"- મયુરે એમને ભડકવ્યા.
" જે હોય એ! મહેમાન આવી ગયા?"- શ્યામાએ વાત ફેરવતાં કહ્યું, એને અણસાર હતો કે તેઓ પહોંચી ગયા હશે, જે હમણાં જ તો રસ્તે મળ્યા હતા.
"ખબર નહિ અમને તો! અમે તો ક્યારુના તમને શોધવામાં છીએ!" - પ્રયાગ બોલ્યો.
" ભલે, દીદી એ તો જોયું જવાશે!" - ભાર્ગવ શ્યામાને આશ્વાસન આપતાં બોલ્યો.
" હા, તમતમારે ગાડી હાકો પૂરપાટ! હમણાં જ પુગી જાશું!"- શ્યામાએ એના બખૂબી આત્મવિશ્વાસ સાથે કહ્યું.
" હા, ઈ તો હકાવું જ છું હ!"- કહેતાં ભાર્ગવે જીપને ત્રીજા ગિયરમાં નાખી અને સ્પીડ વધારી દીધી.
જીપ ગામના ચોરે આવી ત્યાં તો બેસેલા ટોળામાંથી કોઈએ બાતમી આપી કે મહેમાન હમણાં જ ઘર તરફ ગયા છે, એ સંભાળતા જ ભાર્ગવની જીપની ગતિમાં વધુ વધારો થઈ ગયો, પણ એ વ્યર્થ નીવડ્યો, ગામમાં જવાનો ઢાળ એની ગતિમાં તટસ્થતા કેળવી રહ્યો.
મહામહેનતે ઉતાવળ કરીને એણે ગાડી ભગાડી અને ઘર ભેગી કરી દીધી, ઘરના આંગણે જીપ ઉભી ને બધાનાં શ્વાસમાં શ્વાસ આવ્યો.

ક્રમશઃ