Prem Kshitij - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ-૬

યુવાન શ્યામાને જોઈને સુધબુધ ખોઈ બેઠો, એના યૌવનનું તેજ એના પર એવું છવાઈ ગયું કે એને અફસોસ થવા લાગ્યો કે ક્યાં લેપટોપમાં માથું નાખીને બેઠો હતો ક્યારનો? એને એ અજાણ છોકરી વિશે જાણવાની ખેવાના થઈ એ આગળ બેઠેલા મગજમારી કરતાં નયનને પૂછવા માંડ્યો," નયન, શું વાત હતી? કેમ આમ અજાણી છોકરીઓ જોડે મેથી મારતો હતો?"
" હા સાહેબ, તો તારે વચ્ચે પડાય ને? એ ગમાર કેટલું બોલી ગઈ મને ને તને તારા વહાલાં લેપટોપમાં જ રહેવું હતું ને!"- નયને એને જરાક ઠપકો આપતાં કહ્યું.
"અરે દોસ્ત, એવું નથી પણ ક્લાયન્ટને અરજન્ટ પીપીટી મોકલવાની હતી એટલે બાકી તારો દોસ્ત તારી ફેવરમાં ના ઊભો રહે એવું બને?"- એ નવયુવાન એને મસ્કા મારતા બોલ્યો.
"રહેવા દે! એ તો સારું હું પહોંચી લઉ બાકી તું તો મને માર ક ખવડાવતે આજે! પેલી જોઈ હતી ડાકણની જેમ વળગી હતી."- નયને બનેલી બીના કહેતાં કહ્યું.
"હા..જોયું...પણ જોડે ઊભેલી બીજી કોણ હતી? એ તો સારી લાગતી હતી ને!"- એ યુવાને શ્યામા તરફ વાત વળતાં એના વિશે પૂછવા માંડ્યું.
" એ જ તો સારી હતી એટલે જ તો બચ્યો, એ ખેંચીને લઈ ગઈ એને અને ઉપરથી માફી પણ માંગી! બાકી ઓલી વાઘરણ..."- નયને એના વખાણ કરતા કહ્યું.
"ભલે ભલે... પત્યું એ બહુ છે..!" - એ યુવાનને કઈ માહિતી આગળ ના મળતા વાત કાપી નાખી, પણ એ અજાણ યુવતીના વખાણ સંભાળતા એ મનોમન ખુશ થવા માંડ્યો.
" શ્રેણિકસાહેબ! ચોરો આવી ગયો છે હવે ક્યાં જવાનું છે?"- વાત અટકાવતા ગાડી ચલાવતા ડ્રાઈવરે પાછળ બેસેલા એ યુવાનને પૂછ્યું.
" હમમ...એક કામ કર, અહી સાઈડ પર લગાવ ને! નયન અહી તો કોઈ ને પૂછવું પડશે!" એ નવયુવાન જે શ્યામા વિશે જાણવા આતુર હતો એને ગાડી ઊભી રખાવી.
" જો હું નહિ પૂછું કોઈ ને હવે! ફરી બાખડવાનું મને નહિ ફાવે બડી!" નયને ગોગલ્સ ચડાવતા ના પાડી દીધી.
"હા તો મારે જ જવું પડશે નીચે હવે!"- શ્રેણિક બોલ્યો.
" શું સાહેબ તમે પણ! તમે જશો એ થોડી સારું લાગે? હું પૂછી આવું છું!" - ડ્રાઈવરે એનો સીટ બેલ્ટ ખોલતા કહ્યું.
"એમાં શું થયું? છોકરી જોવા આવ્યો છું, કઈ જાન લઈને થોડી આવ્યો છું કે ના પૂછાય!"
" રહેવા દે, તારા જેવું કોણ થાય? હું જાઉં છું... માર પડે તો અવાજે બચાવવા!"- કહેતાં નયન ગાડીની બહાર નીકળ્યો.
બ્લેક કલરના બ્રાન્ડેડ શૂઝ અમરાપરની ધૂળ સાથે ભેટ્યાં ને બ્લેક કલર એક ઝાટકે ધૂળીયો થઈ ગયો, એ જોતાં જ નયને મોઢું બગાડ્યું ને સામે બેઠેલા પાંચ છ ડોસાએ જેમની જોડે હમણાં થોડી વાર પહેલા હેમલરાયના છોરાઓ શ્યામની ભાળ કરતાં આવ્યા હતા એમની પર પડી ને એ ત્યાં ગયો. ગાડીથી દસ મીટરનું અંતર કાપતાં તો જાણે એ લાલઘુમ થઈ ગયો એવું જણાયું, સવારના તડકામાં આવી હાલત તો બપોર પડતાં શું થશે એવું મનોમન એ વિચારતો ગયો, ઠંડીમાં રહેવા ટેવાયેલા વિદેશીઓને સવારના કુમળા તડકામાં પણ એવું જ થાય!
"ઍક્યુઝમી... હમમ..અહી હેમલરાય વજેસંગ બાપુનુ ઘર કઈ બાજુ એ છે?"- નયને સુરમ્ય રીતે ટોળે બેસેલા ડોસાઓને પૂછ્યું.
"તમે આવી ગયા? ન્યુઝીલેન્ડથી આવતાં કોઈ વધારે જહેમત તો નથી થઈ ને?"- એક ડોસાએ હર્ષભેર જાણે એમને ઓળખાતા હોય એમ પૂછ્યું.
"ના દાદા, તમને કઈ રીતે ખબર?"- નયને કુતુહલવશ પૂછ્યું.
"અવડા નાના ગામના કઈ વાત હોય જે અમને ખબર ના હોય?"- ડોસાએ પાઘડીનો વળ સરખો કરતાં કહ્યું.
" ભઈલા, અહીથી ડાબી બાજુએથી સીધા જતાં રહેજો, ત્યાં ચબુતરો આવશે ત્યાંથી પાંચમું મકાન!"- એક સીધા જાણતાં દાદાએ જવાબ આપ્યો.
નયન એ આભાર માની કહેલા એડ્રેસને ગોખતો ગોખાતો ગાડી પાસે આવી ગયો ને બારણું ખોલીને સીધો એસીની ઠંડકમાં બેસી ગયો, એણે ડ્રાઈવરને સમજાવી દીધું પણ ડાબીની બદલે જમણી બોલાઇ ગયું.

ક્રમશ:
જુઓ આગળના ભાગમાં....
શું થાય છે હેમલરાયના ઘર સુધી પહોંચતા?