Ek bhool - 21 books and stories free download online pdf in Gujarati

એક ભૂલ - 21


આશી અને મીત સિલ્વર ક્લબમાં જાય છે અને મીરા, આરવ, મિહિર બહાર નજર રાખી ઉભા હોય છે. થોડીવારમાં અમિત તથા વિહાન ત્યાં પહોંચે છે. આશી ખોટું નાટક કરીને અમિતને પોતાની વાતોમાં ફસાવી લે છે. બીજી બાજુ આશી પેનડ્રાઇવ શોધતી હતી ત્યાં પાછળથી કોઈ તેના માથા પર વાર કરે છે અને આશી બેભાન થઈ જાય છે. હવે આગળ.....

***

માથામાં અસહ્ય પીડા થઈ રહી હતી. હાથ-પગ હલાવવાની કોશિશ કરી પણ હલ્યાં નહીં. ધીમે ધીમે આંખ ખોલી. શરૂઆતમાં બધું ઝાંખું ઝાંખું દેખાયું પરંતુ થોડીવારમાં આજુબાજુનુ દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું. આસપાસ જોયું તો જગ્યાં અજાણી લાગી. એક મોટો રૂમ હતો. આજુબાજુમાં મોટા મોટા બોક્સ પડ્યાં હતાં. જોઈને લાગતું હતું કે કોઈ ગોડાઉન હશે. રાધિકા ઉભી થવા ગઈ ત્યાં જોયું તો તે ખુરશી પર બેઠેલી હતી. તેનાં હાથ અને પગ બંધાયેલા હતાં. માથાં પર પાટો વાળેલો હતો છતાં ખૂબ જ દુ:ખાવો થઈ રહ્યો હતો. રાધિકાને યાદ આવ્યું કે તે અમિતનાં રૂમમાં હતી ત્યારે કોઈએ પાછળથી જોરથી તેનાં માથામાં માર્યું અને પછી તે બેહોશ થઈ ગઈ હતી. તેને પેનડ્રાઇવ યાદ આવતાં તેનાં ખિસ્સા તરફ જોયું તો તેમાં જ હોઈ તેવું લાગી રહ્યું હતું. તે જાણીને તેને થોડી શાંતિ થઈ. આજુબાજુમાં જોયું તો અંધારું હતું. આટલાં મોટા રૂમમાં ફક્ત બે જ નાના લૅમ્પ ચાલું હતાં. આછા આછા અજવાળામાં સામેની બાજુ જોયું તો કોઈ માણસ ઊભો ઊભો કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તેનો ચહેરો નહોતો દેખાતો. રાધિકા તેને જોઈને જોરથી બોલી,

" કોણ છે તું? મને અહીં કોણ લાવ્યું? મારાં હાથ છોડ. મારે અહીંથી જવું છે. "

રાધિકાનો અવાજ સાંભળીને તે વ્યક્તિએ ફોન મુક્યો અને રાધિકા તરફ આવીને બોલ્યો,

" ઓહો, આવી ગઈ હોશમાં. કંઈ વાંધો નહીં. ચૂપચાપ અહીં બેઠી રહે. થોડીક જ વારમાં તું હંમેશા માટે જતી રહેવાની છો. "

આ સાંભળીને રાધિકા ગભરાઈ ગઈ. તેણે તે વ્યક્તિ તરફ સરખું જોયું તો તેને યાદ આવ્યું કે આ તે જ છે જેને મારાં માથાં પર માર્યું હતું. રાધિકા બોલી,

" તું.. તે જ મારા પર હુમલો કર્યો હતો ને? મારાં માથાં પર તે જ માર્યું હતું ને? "

" વાહ, યાદશક્તિ સારી છે તારી. હા મેં જ માર્યું 'તુ. " તે બોલ્યો.

" કેમ? કોણ છે તું? છોડ મને અહીંથી. નહીંતર તારી બહુ ખરાબ હાલત થશે. " રાધિકા ચિલ્લાઈને બોલી.

" મારે તને કે'વાની જરૂર નથી લાગતી. થોડા સમયમાં તને તારા બધાં સવાલોના જવાબ મળી જશે. તું જરાપણ ચિંતા કરતી નહીં. તારી અંતિમ ક્ષણોમાં તારી લાડકી બહેન તારી સામે જ હશે. પણ અફસોસ, તને બચાવી નહીં શકે. "

કહીને અટ્ટહાસ્ય કરતો ત્યાંથી જતો રહ્યો. પોતાની બહેન વિશે સાંભળીને રાધિકા વધુ ગભરાઈ ગઈ. તેને અંદાજો આવી ગયો કે આ બધું અમિતે જ કર્યું હશે. તેની બહેન, અમિત ક્યાં છે તેની રાધિકાને કાંઈપણ ખબર નહોતી. ઉપરથી વિહાન પણ નહોતો. રાધિકાને હવે અહીંથી કેમ નીકળવું તે નહોતું સૂજી રહ્યું.

***

" ગાડી ધીમી ચલાવ. તેને શક જશે તો આશી મુસીબતમાં મુકાઈ જશે. "

અમિતની કારને ફોલો કરતાં મિહિર ગાડી ચલાવી રહ્યો હતો. આરવે તેને સાવધાનીથી ચલાવવાનું કહ્યું.

" પણ આપણે ત્યાં જઈને શું કરશું? તેનાં ઘરમાં તો આપણને જવાં નહીં દે. " મીરાએ કહ્યું.

" અરે આગળ, પાછળ, ઉપર, નીચે ક્યાંકથી તો જવાતું જ હશે ને. એકવાર અંદર જતાં રહીશું પછી આશીને ય બચાવી લેશું અને રાધિકાને પણ. એ પણ ત્યાં જ હશે. " મિહિર બોલ્યો.

" મિહિર સ્ટોપ, તેણે કાર ઉભી રાખી. હવે વધુ નજીક નહીં જવું. " આરવે કહ્યું.

મિહિરે પણ ગાડી ઉભી રાખી દીધી અને અમિત તરફ જોવાં લાગ્યાં. આસપાસ જોઈને લાગતું નહોતું કે અહીં કોઈ રહેતું પણ હશે.

અમિત આશીને લઈને ચાલતો થયો. મિહિર, મીરા અને આરવ પણ તેને ખબર ન પડે તે રીતે તેની પાછળ પાછળ જવાં લાગ્યાં. અમિત એક ઓરડી તરફ આવીને ઉભો રહ્યો. તે જોઈને આશી બોલી,

" આ ઘર છે તારું? અહીં તો કોઈ રહેતું હોઈ તેવું નથી લાગતું. "

" હા અહીં કોઈ રહેતું તો નથી પણ કોઈ આની અંદર છે. ચાલ મજા આવશે. "

કહીને અમિતે દરવાજો ખોલ્યો. આશીને હવે ડર લાગી રહ્યો હતો. આશીને જોઈને મીરાએ કહ્યું,

" તું ડરતી નહીં આશી, અમે પણ અહીં જ છીએ. તું અમિત સાથે જા. અમે તને કંઈ નહીં થવા દઈએ. "

મીરાની વાત સાંભળીને આશીને થોડી નિરાંત થઈ. તે હિંમત કરીને અમિત સાથે અંદર ગઈ. એક માણસ અમિત પાસે આવ્યો અને બોલ્યો,

" કામ હો ગયાં સર. વો અંદર હી હે. "

અમિતે ફક્ત માથું હલાવ્યું અને અંદર ગયો. આશી પણ તેની પાછળ પાછળ ગઈ. તેણે સામે જોયું તો એક છોકરીને ખુરશી સાથે બાંધી દીધી હતી. માથા પર પાટો વાળેલ હતો. આશી તેને ઓળખી ન શકી.

અમિતને સામે જોઈને રાધિકા ગુસ્સામાં બોલવા લાગી,

" આ બધું શું છે અમિત? મને અહીં લાવવા માટે તે જ કહ્યું હતું ને? મારા હાથ છોડ અને જવા દે મને અહીં થી. "

અમિતે રાધિકાને કંઈ જવાબ આપ્યો નહીં અને બીજી એક ખુરશી લઈને બેસી ગયો. એ જોઈને રાધિકાને વધું ગુસ્સો આવી રહ્યો હતો. આશીએ આ બધું જોઈને અમિતને પૂછ્યું,

" આ કોણ છે? અહીં.. આવી હાલતમાં..? "

આશીની વાત સાંભળીને અમિત બોલ્યો,

" લે, તું ન ઓળખી? અરે આ એ જ છે જેને બચાવવાંની તમે લોકો કેટલાય સમયથી કોશિશ કરી રહ્યાં છો. "

અમિતની વાત સાંભળીને આશીને હવે પૂરો વિશ્વાસ આવી ગયો કે અમિત તેમનાં વિશે બધું જાણી ગયો છે. પણ સામે બેઠેલી રાધિકાને કંઈ જ નહોતું સમજાઈ રહ્યું કે આ શું ચાલી રહ્યું છે. તે તો આશીને ઓળખતી પણ નથી તો તે કેમ બચાવવા આવી છે.

" ચાલ હવે, ફટાફટ બહાર જે તારાં સાથીદારો ઉભાં છે તેને અંદર બોલાવ. " અમિત બોલ્યો.

આ સાંભળીને આશીને વધુ એક ઝટકો લાગ્યો. બહાર તેનાં મિત્રો ઉભા છે તે પણ અમિત જાણતો હતો. હવે બધો ખેલ અમિતનાં હાથમાં હતો. આશીએ બધાને અંદર આવવા કહ્યું. મિહિર, મીરા અને આરવ ત્રણેય આવ્યાં.

રાધિકા તરફ મીરાનું ધ્યાન પડતાં તે દોડીને રાધિકા પાસે આવીને તેને વળગી ગઈ. પોતાની લાડકી બહેનને આટલાં સમય પછી જોઈને મીરા તેની બહેન માટેની લાગણીઓ પર કાબુ ન મેળવી શકી. મીરા રડવા લાગી. રાધિકાને સહી સલામત જોઈને મિહિર અને આરવને પણ શાંતિ થઈ.

અમિત ઊભો થયો અને મીરા પાસે જઈને તેનો હાથ પકડયો અને ઝટકાથી તેને રાધિકાથી દૂર કરી.

" બંને બહેનોનાં અંતિમ મિલનનો સમય સમાપ્ત." અને પછી વારાફરતી મીરા અને આરવ સામે જોઈને બોલ્યો, "તમારી જ રાહ હતી મીરા અને આરવ. મળીને ખુશી થઈ. મને તો ઓળખી જ ગયાં હશો ને? "

" તું આટલી બધી નીચી હદ સુધી જઈશ એ મેં કોઈ દિવસ નહોતું વિચાર્યું. છોડ મને અને રાધિકાને. અને જવા દે અહીંથી." મીરા પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી.

" અરે એટલી બધી ઉતાવળ કેમ કરે છે. હજી આપણો જૂનો હિસાબ પણ બાકી છે. એ પૂરો કર્યા વગર તને ન જવા દઉં. " અમિતે મીરાનો હાથ વધુ જોરથી પકડ્યો.

" હજી શેનો હિસાબ બાકી છે. આટલાં સમય સુધી રાધિકાને મારાથી, મારાં પરિવારથી અલગ કરીને તને સંતોષ નથી થયો. " મીરા દર્દથી ચિલ્લાઈ ઊઠી.

અમિતે મીરાને ધક્કો માર્યો. મિહિરે મીરાને પકડી લીધી.

" આ તો હજી ટ્રેઇલર હતું. પિક્ચર તો હજી બાકી છે, 'મારી બહેનના મોતના બદલામાં તારી બહેનનું મોત'. " કહીને અમિત રાધિકા પાસે ગયો અને બંદૂક કાઢીને રાધિકાના કપાળ ઉપર રાખીને બોલ્યો, " સહેજ પણ નજીક આવવાની કે કોઈ ખોટી ચાલાકી કરવાનો વિચાર પણ કર્યો તો ગોળીઓ નીકળતાં વાર નહીં લાગે. "

તે જોઈને બધાં ગભરાઈ ગયાં. રાધિકા ખૂબ ડરી ગઈ.

અમિત આશી તરફ જોઈને બોલ્યો, " પ્લાન તો બહુ સારો બનાવ્યો હતો હોં. પણ અફસોસ હું આ લોકોને આપણો પીછો કરતાં જોઈ ગયો હતો. હું એટલો પણ નશામાં નહોતો કે મારી સાથે રમાઈ રહેલી રમતને જોઈ ન શકું. "

" જો અમિત, તારી બહેને સ્યુસાઇડ કર્યું એમાં અમારો કંઈ વાંક નહોતો. આરવે તેને ખુબ સમજાવી પણ તે ન માની. તે આવું પગલું ભરશે એવું અમે સપનામાં પણ નહોતું વિચાર્યું. " મીરા અમિતને સમજાવવાની કોશિશ કરી રહી હતી.

" તારા વિચારવાથી કે ન વિચારવાથી કંઈ ફરક પડતો નથી. મેં તો મારી બહેનને ખોઈ દીધી. તે જ મારો પરિવાર હતો. તમારાં લીધે મેં મારો પરિવાર ગુમાવી દીધો. હું નહીં છોડું તમને. " અમિત પર હવે ખૂન સવાર હતું. તે બદલાની ભાવનામાં સળગી રહ્યો હતો. તેને સાચાં-ખોટાંની સમજ હવે નહોતી રહી.

" અમિત તું સમજવાની કોશિશ કર.." આરવે પણ તેને રોકવાની કોશિશ કરી.

" મારે કંઈ સમજાવું નથી. જ્યારે મીરા તેની બહેનને પોતાની નજર સામે ગુમાવતાં જોશે ત્યારે મારી અંદરની આગ શાંત થશે. બહેનને ખોવાનું દુઃખ જ્યારે મીરાની આંખોમાં જોઈશ ત્યારે મારી બહેનનાં મોતનો બદલો પૂરો થશે. તું પણ એ દર્દ, એ પીડા સહન કર જે હું આટલાં સમયથી કરતો આવ્યો છું. "

કહીને અમિત બંદૂક ચલાવવાં ગયો ત્યાં દરવાજા તરફથી કોઈનો બોલવાનો અવાજ આવ્યો,

" ભાઈ, ભાઈ.. નહીં એને જવા દો. નહીંતર આ મને મારી નાખશે. "

***

વધુ આવતા ભાગમાં..

વાંચવા માટે આભાર.
આપના પ્રતિભાવોની આશા રહેશે.

જય શ્રી કૃષ્ણ..