MOJISTAN - 85 in Gujarati Humour stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 85

મોજીસ્તાન - 85

મોજીસ્તાન (85)"તો એમ વાત છે.હરજી હલેસિયો ખોંગ્રેસમાં જોડાવાનો નથી.સાલો રણછોડિયો મારી સાથે ગેમ રમે છે ! ઠીક છે હું એને જોઈ લઈશ.મને ડાઉટ તો હતો જ એટલે તો તને મોકલેલો.સારું હવે તું જા,લે આ બક્ષિસ."

હુકમચંદે સોની નોટ નાજાને આપીને વિદાય કર્યો.નાજો હરજીને મળીને માહિતી લઈ આવ્યો હતો.નાજો ગયો પછી તરત જ નારસંગ અને જગો આવ્યા. નારસંગ હજી પણ ધૂંવાફુંવા હતો.

"એ મારો હાળો અમને તો ઠીક પણ તમનેય ગાળ્યું કાઢતો હતો ઈ મારાથી સહન નો થાય.મેં તો કય દીધું કે તારે જ્યાં ભડાકા કરવા હોય ન્યાં કરી લેજે.હું કોઈના બાપથી બીતો નથી." નારસંગે હુકમચંદના ગોડાઉનમાં આવીને બેસતા કહ્યું.જગો પણ એની પાછળ આવીને બેઠો.

રાતના દસ વાગ્યા હતા.હુકમચંદ ગોદામના મકાનના ફળિયામાં ખાટલો નાખીને બેઠો હતો.ગોડાઉન આમ તો ઓસરી અને ચાર ઓરડાવાળું પાકું મકાન હતું.આગળ ફળિયું અને ડેલી ઉપર પણ સ્લેબ લીધેલો હતો. ડેલીની એકતરફ મોટો રૂમ બનાવીને એમાં ખેડૂતો પાસેથી ખરીદેલો કપાસ ભરવામાં આવતો. ઓસરી અને ઓરડા નીચે અંડરગ્રાઉન્ડમાં બીજી પણ એક મોટી જગ્યામાં ચીજ વસ્તુઓ ભરવામાં આવતી. હુકમચંદ રાજકારણમાં આવ્યો એ પહેલાથી જ ફરતા ગામોમાંથી ખેતઉત્પાદન ખરીદીને વેપાર કરતો હતો.

હુકમચંદ ડેલીમાંથી ન દેખાય એ રીતે અંદરની બાજુએ ફળિયામાં બેઠો હતો.ઓસરી અને ડેલીમાં લાઈટનું અજવાળું પડી રહ્યું હતું.

હુકમચંદે ખાટલાના પાયાની ઈસમાં લટકતી કોથળીમાંથી ચલમ અને તમાકુંની ડબ્બી કાઢી.
ચલમમાં તમાકું ભરીને અંગૂઠા વડે બરાબર દબાવી. ચલમની પાઇપ હોઠના ખૂણે દાંતમાં ભરાવીને ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાંખ્યો
એ જોઈ જગાએ તરત એના ખિસ્સામાંથી બાકસ કાઢી દીવાસળી સળગાવીને હુકમચંદની ચલમ ઉપર ધરી.હુકમચંદે પાછી ફૂંક લઈ ઊંડી સટ મારીને ધુમાડાના ગોટા કાઢ્યા.

"હા તો ઈ રણછોડીયો તને ને મને ગાળ્યું દેવા માંડ્યો એટલે તેં વટાણા વેરી નાંખ્યા એમ ને ! તારો આ જ વાંધો છે.ડફોળ તને ભાન નથી પડતું કે સામેવાળાનો વિશ્વાસ કેમ જીતવો.મેં તમને બેયને ખોંગ્રેસમાં ઘુસીને જાસૂસી કરવા મોકલ્યા છે ઈની એને ખબર પડવા દેવાની નહોતી.આમાં ભૂલ તમારી નથી, મારી જ છે ! કારણ કે બળદને ગાડે જોડવાનો હોય એની ઉપર સવારી નો થાય."

"પણ ઇવડો ઇ જિમ ફાવે ઈમ બોલે તોય હાંભળી લેવાનું ? શું વાત કરો છે તમે !" નારસંગે કહ્યું.

"તને ભૂંડા ઈ નય હમજાય.તું હવે રહેવા દે." કહી હુકમચંદ ચલમ ફૂંકવા લાગ્યો.જગા અને નારસંગે પણ બીડીઓ સળગાવી.

બરાબર એ જ વખતે ગોદામની બહાર જીપ આવીને ઉભી રહી.એ જીપમાંથી બરવાળા પોલીસ સ્ટેશનના પી.આઈ, પીએસઆઇ,
અને ચાર કોન્સ્ટેબલ ઠેકડા મારીને ઉતર્યા. હુકમચંદના ગોડાઉનની ડેલી ખુલ્લી જ હતી.

"જો તો જગા કોણ આવ્યું છે ?" હુકમચંદે જીપનો અવાજ સાંભળીને જગાને કહ્યું.પણ જગાને ઉભા થઈને જોવા જવાની જરૂર ન પડી.પોલીસની ટુકડી ડેલીમાંથી અંદર આવી ગઈ હતી.

"હુકમચંદનું ગોડાઉન આ જ છે ને ?'' પીઆઈ સોંડાંગરે કહ્યું.પછી ખાટલામાં બેઠેલા હુકમચંદ તરફ જોઈને ઉમેર્યું, "તમે પોતે જ હુકમચંદ છો ? આ ગામના સરપંચ ?"

"હા હા હું પોતે જ હુકમચંદ છું. બોલોને સાહેબ કેમ આટલી રાતે આવવાનું થયું ?" હુકમચંદે જવાબ આપીને જગાને કહ્યું,

"જગા, ઓસરીમાંથી ખાટલા અને ખુરશીઓ લઈ આવ. સાહેબને બેસવાની વ્યવસ્થા કર."

"અમે અહીં બેસવા નથી આવ્યા, હુકમચંદ. તમારા આ ગોડાઉનની જડતી લેવાનો ઓર્ડર છે અમારી પાસે, લ્યો વાંચતા આવડતું હોય તો વાંચી લ્યો." કહી સોંડાગરે ખિસ્સામાંથી જડતીના ઓર્ડરની કોપી હુકમચંદના હાથમાં પકડાવી.

"હેં...? શું વાત કરો છો તમે.મારા ગોદામની જડતી ? શું અમે કંઈ ગેરકાયદેસર કામ કરવી છી ? હું ગોદામની જડતી લેવા નહિ દઉં."
હુકમચંદના હાથમાંથી ચલમ પડતા પડતા રહી ગઈ.જગો અને નારસંગ તો પોલીસ જોઈને મિયાંની મીંદડી થઈ ગયા હતા.

"જડતી નહિ લેવા દો તો તમને ઉઠાવવા પડશે હુકમચંદ.પોલીસને સહકાર નહિ આપો તો અમને અમારી રીતે કામ કરતા આવડે છે.સીધી આંગળીએ ન નીકળે એમ હોય તો આંગળી વાંકી કરતા અમને આવડતું જ હોય છે."

"પણ જડતી લેવાનું કારણ તો કહેશો કે નહિ ?" હુકમચંદ હવે ઢીલો પડ્યો.પણ પીઆઈ સાથે વાત કરતાં કરતાં એણે ધરમશી ધંધુકિયાને ફોન લગાડી દીધો હતો.

"તમે ગાંજાનો વેપાર કરો છો.આ ગોડાઉનમાં ગાંજાનો સ્ટોક કર્યો હોવાની અમને બાતમી મળી છે " પીઆઈએ કહ્યું.

"સાંભળ્યું ને ધરમશીભાઈ ? તમે આ રણછોડ નામના ખૂંટિયાને ખીલે બાંધો નકર આપણને બેયને ગોથે ચડાવશે. અને આ ઇન્સ્પેક્ટને કયો કે ઈ ખોટી જગ્યાએ આવી ગયા છે એટલે જલ્દી ચા પાણી કરીને પોલીસ સ્ટેશન ભેગા થઈ જાય..!'' હુકમચંદે ફોનમાં ધારાસભ્ય ધરમશી ધંધુકિયા સાથે વાત કરીને ફોન સોંડાગર તરફ લંબાવતા કહ્યું,

"લ્યો સાહેબ, વાત કરી લો..."

સોંડાગર એક ક્ષણ માટે ખચકાયો.પછી તરત ફોન લઈને કાને ધર્યો.સામે છેડેથી ધરમશી બોલતો હતો એ મોબાઈલના સ્પીકરમાં સંભળાતું હતું.

"કેમ ભાઈ ? હુકમચંદના ગોડાઉનની જડતી લેવાનો ઓર્ડર તમને કોણે આપ્યો ? એ ગામના સરપંચ છે અને વેપારી માણસ છે. એમને હું ધારાસભ્ય ધરમશીભાઈ સારી રીતે ઓળખું છું.એટલે એ બધું રહેવા દો સમજ્યા ?"

"પણ અમને પાકી બાતમી મળેલી છે.અમે સર્ચ વોરન્ટ લઈને આવ્યા છીએ સાહેબ,તમે અમારા કામમાં અડચણ ઉભી કરી ન શકો.જડતી તો લેવી જ પડશે." સોંડાગરે કહ્યું.

"કેમ ? ધારાસભ્ય બોલું છું હો ? તને ઓળખાણ નથી પડી લાગતી.બદલી કરાવવાનો વિચાર નો હોય તો એ ઓર્ડર ફાડીને બરવાળા ભેગો થઈ જા દોસ્ત " ધરમશીએ ધમકી આપી.

"જડતી તો લેવાશે જ.કાયદેસર તમે મને રોકી ના શકો.મને બદલી કરી નાખવાની ધમકી આપીને સરકારી કામમાં અડચણ ઉભી કરવા બદલ હું તમારી સામે પણ ફરિયાદ દાખલ કરી શકું છું.તમે ધારાસભ્ય હોવ તો ગેરકાયદેસર ધંધાઓ ન થાય એનું તમારે જ ધ્યાન રાખવાનું હોય છે.એને બદલે તમે આવા તત્વોને છાવરી રહ્યાં છો.હું તમારી ધમકીથી ડરતો નથી તમે બદલી કરાવી નાખજો. બાકી અત્યારે તો હું હુકમચંદના ગોડાઉનની જડતી લીધા વગર જવાનો નથી."કહી સોંડાગરે ફોન કાપીને હુકમચંદને આપી દીધો. અને સાથે આવેલી પોલીસ ટુકડીને હુકમ કરતા કહ્યું, " જાવ આ મકાનનો ખૂણેખૂણો ફેંદી મારો."

હુકમચંદ ઉભો થઇ ગયો.નવા પીઆઈ સાથે ઓળખાણ ન કરી એ વાતનો એને અફસોસ થઈ રહ્યો હતો.ગામમાં બનેલા ભૂત પ્રકરણમાં વ્યસ્ત રહેવાથી એ બરવાળા જઈ શક્યો નહોતો.એ દરમિયાન રણછોડે આ પીઆઈ જોડે દોસ્તી કરી લીધી હતી.

સબઇન્સ્પેકટર અને હવાલદારો ટોર્ચ લઈને ઓસરીના ચારેય ઓરડામાં ફરી વળ્યાં.પણ ત્યાં કપાસ અને બીજા ખેતઉત્પાદનો સિવાય કંઈ નહોતું.એટલે એ લોકો મકાનની નીચેના ભોંયરામાં ઉતર્યા.

ભોંયરામાં પણ કપાસ ભર્યો હતો.એક ખૂણામાં પડેલા કોથળા પર એક હવાલદારની નજર પડતા એણે એ કોથળામાં હાથ નાંખ્યો.
અંદર પ્લાસ્ટિકની કોથળીમાં ભરેલો ગાંજો જોઈ એણે રાડ પાડી.

'સાહેબ, આંય આવો.જોવો આ રહ્યો ગાંજો !''

સબઇન્સ્પેક્ટરે કોથળામાં રહેલો ગાંજો જોયો. હવાલદાર પાસે એ કોથળો ઉપડાવીને બધા બહાર આવ્યા.

"તો બોલો હુકમચંદ, તમે તો કપાસના વેપારી છો ને ! પણ સાઈડમાં આવા કાળા કામ પણ કરો છો એ જનતાને જણાવીએ ? નેતા થવાનો બહુ ચસ્કો છે ને ? ચાલો બરવાળા પોલીસ ચોકીમાં તમારી સરભરા કરીશું.જીપમાં બેસી જાવ છો કે હથકડી પહેરાવી પડશે ? યુ આર અન્ડર એરેસ્ટ મિ. હુકમચંદ..!''

જગો અને નારસંગ તો ગાંજાનો કોથળો જોઈ નવાઈ પામ્યા. હુકમચંદ ગાંજો પણ વેચે છે એ જોઈ એ લોકોને હુકમચંદ પર ગુસ્સો આવી રહ્યો હતો.બહારથી સીધો દેખાતો આ માણસ આટલો બધો ખેપાની હશે એવી એ લોકોને ખબર નહોતી.

"શેઠ, આવા કામ પણ તમે કરો છો ઈ અમને નો'તી ખબર.ભલા માણહ ભગવાને ઘણું દીધું છે પણ તમને ધરવ નથી." નારસંગે કહ્યું.

"તું છાનોમાનો રે.હું આવા કામ કરૂં ? તને આટલો જ ભરોસો છે મારી ઉપર ? આ રણછોડિયાનું કામ છે, આ કોથળો એણે જ અહીં મુકાવ્યો છે, મને ફસાવવા.. અને આ ઇન્સ્પેકટર એનો મળતિયો છે.પણ કોઈ વાંધો નહિ, હું જોઈ લઈશ એને" કહી હુકમચંદે સોંડાગરને કહ્યું, "કેટલા પૈસા આપ્યા છે એ રણછોડિયાએ આ નાટક કરવાના ?"

"જબાન સંભાળીને બોલો હુકમચંદ, હું હજી તમારી ઉંમરનું માન રાખું છું.મને બાતમી મળી એટલે મેં રેડ પાડી છે.આ મારી ડ્યુટી છે સમજયા ? મુદામાલ તમારા ગોડાઉનમાંથી પકડાયો છે એટલે તમે ગુનેગાર છો.બાકી તમારે રણછોડ સાથે જે હોય તે એ હું નથી જાણતો, ચાલો જીપમાં બેસી જાવ." સોંડાંગરે કહ્યું.

એ જ વખતે સોંડાગરનો ફોન રણક્યો.સોંડાગરે ખિસ્સામાંથી કાઢીને સ્ક્રીન પર જોયું.કમિશ્નર સાહેબનો ફોન હતો એ જોઈ સોંડાગર થોડીવાર ઉભો રહી ગયો.કંઈક વિચારીને એણે ફોન ઉપાડ્યા વગર જ ખિસ્સામાં સેરવી દીધો.

"ફોન ઉપાડીને વાત કરી લ્યો તો સારું રહેશે ઇન્સ્પેકટર ! પછી ક્યાંક એવું ન થાય કે માફી માંગવી પડે.હું ગાંજાનો વેપાર નથી કરતો. રણછોડિયા સાથેની સાંઠગાંઠ તમને ભારે પડશે." હુકમચંદે કહ્યું.

"તમે જીપમાં બેસો.મારે તમારી સલાહની જરૂર નથી મિ.હુકમચંદ." કહી સોંડાગર જીપમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેસી ગયો.

પી.એસ.આઈ અને હવાલદારોએ
હુકમચંદને જીપની વચ્ચેની સીટમાં બેસાડી દીધો.

"ગામમાં કોઈને કશું કહેવાની જરૂર નથી. ડેલી બરાબર બંધ કરીને તમે લોકો ઘેર જઈ આપણી જીપ લઈને પાછળ આવો. ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સમજ્યા ?'' હુકમચંદે જતા જતા જગા અને નારસંગને કહ્યું.

જગા અને નારસંગે હકારમાં માથું ધુણાવ્યું. જીપ ધૂળ ઉડાડતી બરવાળાની સડકે ચડી.

હુકમચંદે એના ઘેર ફોન કરીને જણાવી દીધું કે મારે કામ હોવાથી આવતા મોડું થશે.પણ એને ક્યાં ખબર હતી કે કેટલું મોડું થવાનું હતું ઘેર પાછા આવતા !!.

*

રેલવે સ્ટેશન બહાર લીમડાના ઝાડ નીચે એઇટી થોભાવીને ટેમુએ નીનાને 'હવે તું શું કરવા માંગે છે' એમ પૂછ્યું ત્યારે નીના ઘડીભર ટેમુની આંખમાં આંખ પરોવીને તાકી રહી.પછી હળવેથી ટેમુનો હાથ પકડીને એણે કહ્યું,

"ટેમુ, મારે એ લબાડ વિરલિયા સાથે નથી પરણવું.પૈસા કરતા મારે મન કેરેકટર વધુ અગત્યનું છે ટેમુ.પૈસા તો કમાઈ પણ શકાય છે પણ કેરેકટર કમાઈ શકાતું નથી."

ટેમુને શું જવાબ આપવો એ સુજ્યું નહિ. નીનાની આંખોમાં એને સ્નેહ નીતરતો દેખાયો. થોડીવારે ટેમુએ કહ્યું, "તો એમાં હું તને શું મદદ કરું ? મારી દ્રષ્ટિએ તારે ઘેર ચોખવટ કરી દેવી જોઈએ.તારા મમ્મી પપ્પાને ચોખ્ખું કહી દેવું જોઈએ."

"ટેમુ,મેં તને કહ્યું તો ખરા,મારા પપ્પાને આમાં કંઈ ખોટું લાગતું જ નથી.એ તો એમ જ કહે છે કે પછી આવું ઠેકાણું ન મળે.આવા મોટા માણસો સાથે સબંધ હોય તો બહુ લાભ થાય અને જો સબંધ બગાડીએ તો એ લોકો પછી મને જ બદનામ કરશે.અને બીજે ક્યાંય સબંધ થવા પણ નહીં દે.એટલે ચૂપચાપ પરણી જા. મેરેજ પછી વિરલ સુધરી જ જશે."

"તો..." ટેમુને આગળ કંઈ સુજ્યું નહિ.

"શું તો તો કરે છે, કંઈક રસ્તો કાઢ. તને તો તો કરવા નથી બોલાવ્યો." નીનાએ ખિજાઈને કહ્યું.

"પણ હવે આમાં મને કંઈ ખ્યાલ નથી આવતો કે તારે શું કરવું જોઈએ.એક મિનીટ થોભ, હું બાબાને કોલ કરીને તારી સમસ્યા જણાવું.એની પાસે કંઈક માર્ગ જરૂર હશે જ !" કહી ટેમુએ બાબાને કોલ લગાવ્યો.

નીનાએ ઝાપટ મારીને ટેમુના હાથમાંથી ફોન લઈ લીધો.કોલ તરત કટ કરીને એણે ટેમુને સિધો જ સવાલ કર્યો, "ટેમુ, બાબાને પૂછવાની જરૂર નથી. હું તને જે પૂછું એનો જવાબ દે, શું તું મારી સાથે લગ્ન કરીશ ? મેં બહુ વિચાર કર્યો છે ટેમુ,આપણે સારા મિત્રો છીએ.ભલે આપણે એકબીજા વિશે આવું કશું વિચાર્યું નથી પણ આપણે જરૂર સારા જીવનસાથી બની શકીશું.ટેમુ હું તને ખૂબ પ્રેમ આપીશ.!"

નીનાની વાત સાંભળીને ટેમુ અવાચક બની ગયો.હા ક્યારેક એણે નીના વિશે યુવાનીની અસરને લીધે અવળા વિચાર કર્યા તો હતા.પણ એ તો ખાલી વિચાર જ હતાં. નીના સાથે મિત્રતા થયા પછી ટેમુએ એને પોતાની ખાસ મિત્ર જ ગણી હતી.નીના એને ગમતી નહોતી એવું જરાય નહોતું. પણ એ હવે બીજાની થઈ ચૂકી હતી એટલે ટેમુએ એના વિશે ક્યારેય કશો બીજો વિચાર કર્યો નહોતો.

"શું વિચારમાં પડી ગયો..? શું હું તને પસંદ નથી ? જો એમ હોય તો મારો કોઈ ફોર્સ નથી ટેમુ.યુ આર ફ્રી ફોર સે નો ! મને જરાય ખોટું નહિ લાગે.હું જબરજસ્તી તારા જીવનમાં ઘુસવા માંગતી નથી."

"અરે ના નીના,એવું કંઈ નથી.પણ અચાનક તેં આવું પૂછ્યું એટલે હું હબકી ગયો ! મેં તારા માટે ક્યારેય આવું નહોતું વિચાર્યું યાર !"

"તો હવે વિચારી લે.જો તારી હા હોય તો આપણે અત્યારે જ ભાગવું પડશે.હું ઘેર પાછી જવાની નથી. જો તને તારા મમ્મી પપ્પા પર વિશ્વાસ હોય કે એ લોકો મને એમની પુત્રવધુ તરીકે સ્વીકારશે તો હું તારા ઘેર આવવા તૈયાર છું"

"એમાં વિચારવાનું શું હોય નીના. તે મારા પર આટલો ભરોસો મુક્યો છે.પણ મારી દ્રષ્ટિએ તારે ઘેરથી આમ ભાગી જવું ન જોઈએ. તારા પપ્પાની ઈજ્જતનો તો ખ્યાલ કરવો જોઈએ કે નહિ ? હું તારો હાથ પકડવા તૈયાર છું નીના પણ તને ભગાડીને નહિ.ચાલ ઘેર જઈએ."

"પણ હું મારા ઘેર તો પાછી નહિ જ ફરું.મારી જિંદગી વિશેનો નિર્ણય લેવાનો મને હક છે. તું તારા ઘેર લઈ જાય છે ને ?"

"તું બેસ તો ખરી.બધું જ સરખું થઈ જશે નીના,તું ટેંશન ન લેતી.." કહી ટેમુએ એના એઇટીને કીક મારી.નીનું કંઈક ખચકાટ સાથે ટેમુની પાછળ બેઠી.

ટેમુએ ઝાટકા સાથે એઇટી ગામ તરફ ભગાવ્યું....

(ક્રમશ :)

તો શું લાગે છે મિત્રો ! ટેમુ નીના સાથે લગ્ન
કરશે ? નગીનદાસ એવું થવા દેશે ? મીઠાલાલ માનશે ? અને હુકમચંદ ગાંજા પ્રકરણમાંથી નિર્દોષ છુટશે ?

અનુમાન લગાવી શકો છો..
માણતા રહો મોજીસ્તાનની આ સફરને !!

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 2 months ago

MHP

MHP 2 months ago

Anirudhsinh

Anirudhsinh 2 months ago

Manish Upadhyay

Manish Upadhyay 2 months ago

Balkrishna patel

Balkrishna patel 2 months ago