Padmarjun - 24 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - ( ભાગ - ૨૪ )

“પદ્મિની, તારું પ્રિય ભોજનનો દુનો મારાં હાથમાં આપ.”અર્જુને પોતાનો હાથ લંબાવીને કહ્યું.

પદ્મિનીએ દાળભાત ભરેલ દુનો અર્જુનનાં હાથમાં આપ્યો.અર્જુને તેમાંથી એક કોળિયો તૈયાર કર્યો અને પદ્મિની તરફ લંબાવ્યો.પદ્મિની અર્જુન સામે જોઇ રહી.

“પદ્મિની, મારી આંખો પર પટ્ટી છે એટલે હું જોઇ નહીં શકું કે તારું મુખ ક્યાં છે?”

પદ્મિનીએ પોતાનાં ચહેરા પરથી નકાબ હટાવ્યું અને ભાતનો કોળિયો ખાધો.

“પદ્મિની, હું નથી જાણતો કે એવું તે કયું કારણ છે જેનાં લીધે તું તારાં ચહેરા પર હંમેશા નકાબ રાખે છે, શા માટે તારાં ભૂતકાળ વિશે કોઈને પણ જણાવતી નથી?અને તારી મરજી સિવાય એ કંઇ હું તને પૂંછવા પણ નથી માંગતો. હું તો બસ મારાથી જેટલાં થાય એટલા પ્રયાસ કરવા માંગુ છું,તને ખુશ રાખવાં માટે.”

અર્જુને એક એક કરીને બધા કોળિયા પદ્મિનીને ખવડાવી દીધાં.તે છેલ્લો કોળિયો ખવડાવી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે તેનાં હાથમાં કંઇક પ્રવાહીનો સ્પર્શ થયો.

“પદ્મિની, તું રડી રહી છો?”અર્જુને પૂછ્યું.

પદ્મિનિએ પોતાનાં આંસુ લૂછયાં અને ફરીથી નકાબ પહેરી લીધું.તેણે હળવેથી અર્જુનની આંખો પરથી પટ્ટી હટાવી.

“રાજકુમાર,ઘણાં સમય બાદ કોઈએ મારા વિશે વિચાર કર્યો છે,કોઈએ મારી ઉદાસી જોઈ તેને દુર કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ઘણાં સમય બાદ મને એવો અહેસાસ થયો છે કે કોઈક તો છે,જેને હું પોતાનું, મારો મિત્ર કહી શકું છું.”

“પદ્મિની, તું નિશ્ચિંત રહે, હું હંમેશા, બધી જ પરિસ્થિતિમાં તારી સાથે ઉભો રહીશ.”

...


બીજા દિવસે અર્જુન પોતાનાં કક્ષમાં બારી પાસે ઉભો હતો. સૂર્યોદય થવાને માત્ર થોડી ક્ષણો જ શેષ હતી.તેનું ધ્યાન નીચેની તરફ ગયું.પદ્મિની કોઈનું ધ્યાન તેનાં તરફ ન પડે એ રીતે સાવચેતીથી રાજમહેલની બહાર જઇ રહી હતી.

“અરે, પદ્મિની આ સમયે ક્યાં જઇ રહી છે?”અર્જુને સ્વગત કહ્યું અને તેની પાછળ જવા લાગ્યો.પદ્મિની કોઇ તેને જોઇ ન જાય એ માટે વારે ઘડીએ પાછળ જોતી હતી. થોડો સમય ચાલ્યાં બાદ તે વનનાં એક વિસ્તારમાં પહોંચી જ્યાં રંગબેરંગી ફુલો હતાં. તે ત્યાં ઉભી રહી અને સુંદર પ્રકૃતિને નિહાળવા લાગી.અર્જુન એક વૃક્ષની પાછળ છુપાઈ ગયો.પદ્મિનીએ ચારે બાજુ જોઈ લીધું કે કોઈ આસપાસ તો નથીને.પછી પોતાનાં થેલામાંથી ઘૂંઘરું કાઢ્યાં અને પોતાનાં પગમાં પહેર્યાં.

“રાજકુમાર અર્જુન સત્ય કહી રહ્યા હતા.મારે ખુશ રહેવાનો પ્રયાસ કરવો જ જોઈએ. માન્યું કે એ દિવસ પછી હું કોઈને પણ મારો ચહેરો દેખાડવા નથી માંગતી કારણકે હું જ્યારે જ્યારે પણ મારો ચહેરો જોવ છું ત્યારે ત્યારે મને મારો ભયાનક ભૂતકાળ યાદ આવે છે.હું નથી ઈચ્છતી કે કોઈ મારી અન્ય કલાઓ વિશે જાણે.પરંતુ હું ખુશ રહેવાં માટે મારી ગમતી પ્રવૃત્તિઓ તો કોઈને ખબર ન પડે એ રીતે કરી જ શકું ને?”પદ્મિનીએ સ્વગત કહ્યું.

પદ્મિનીએ નૃત્યની મુદ્રા લીધી અને લસ્ય આયામમાં નૃત્ય કરવાનું ચાલું કર્યું.અર્જુન પદ્મિનીને નૃત્ય કરતી જોઈને ચોંકી ગયો.

“પદ્મિની, તું આટલું સરસ ,લાલિત્યપૂર્ણ નૃત્ય કરે છે એ તો મને ખબર જ નહોતી.”અર્જુન ધીમેથી બોલ્યો.

પદ્મિની તો જાણે બધું જ ભૂલીને નૃત્યમાં જ ખોવાઈ ગઈ હતી. તે નૃત્ય કરતાં-કરતાં ઘુમી રહી હતી તેથી તેને વાળેલો અંબોડો છૂટી ગયો અને તેના ગોઠણ સુધીનાં લાંબા અને કાળા ભમ્મર વાળ લહેરાઈ ગયાં. અચાનક વાતાવરણ બદલાયું અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો.છતાં પણ પદ્મિનીએ પોતાનું નૃત્ય ચાલુ જ રાખ્યું.એક પવનની લહેર આવી અને તેનાં ચહેરા પરનાં નકાબને સરકાવી ગઈ.

અર્જુન પદ્મિનીને જોઈ રહ્યો.તેણે પદ્મિની કરતાં સુંદર યુવતી ક્યારેય જોઈ ન હતી.તેનો ચહેરો જાણે કે તાજું ખીલેલું ફૂલ,તેની આંખો તો અફીણ કરતાં પણ વધુ નશીલી હતી.તેનાં ઘૂંટણ સુધીનાં લાંબા વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાડતાં હતાં.

પદ્મિનીએ નૃત્ય કરવાનું બંધ કર્યું અને પાણીની બુંદોને ઝીલવા પોતાના હાથ આગળ કર્યાં. પોતાના હાથમાં ભેગું થયેલ પાણી તેને ઉચ્ચે ઉલાળ્યું.તે ફરીથી ગોળ ગોળ ઘૂમી અને ફરીથી ઉભી રહી.હવે વરસાદ રહી ચુક્યો હતો. તેણે ખુલ્લી હવામાં ઉંડો શ્વાસ લીધો જાણે કે વર્ષો બાદ શ્વાસ લઇ રહી હોય.

“આજે કેટલાં સમય બાદ હું હું બનીને જીવી.”પદ્મિનીએ કહ્યું.

પદ્મિનીનો અવાજ સાંભળીને પદ્મિનીમાં ખોવાઈ ગયેલ અર્જુન ભાનમાં આવ્યો અને પાછળ ફરી ગયો.

“અરે, આ મેં શું કર્યું?મેં પદ્મિનીની અનુમતિ વગર જ એનો ચહેરો જોઈ લીધો. પદ્મિનીને આ વિશે જાણ થશે તો એ મારાં વિશે શું વિચારશે?”

આ તરફ પદ્મિનીએ ફરીથી પોતાનો ચહેરો નકાબ વડે ઢાંકી દીધો પરંતુ અત્યારે તેને નકાબનાં લીધે થતી ગૂંગણામણ બંધ થઇ ગઇ હતી. તે રાજમહેલ તરફ જવા લાગી.અર્જુન વૃક્ષની પાછળ સંતાઈને તેને જતી જોઈ રહ્યો.

ત્યાર બાદ તો ઘણી વાર પદ્મિની પદ્મિની બનીને જ જીવવા માટે સૂર્યોદય પહેલાં જ એ સ્થળે પહોંચી જતી અને થોડો સમય પોતાનાં ચહેરા પરથી નકાબ હટાવી નૃત્ય કરતી,મધુર ગીત ગાતી તો ક્યારેક-ક્યારેક સુંદર પ્રકૃતિમાં ખોવાઈ જતી.અર્જુન પણ પદ્મિનીની પાછળ જતો,તેનો ચહેરો જોવાં નહીં પરંતુ કોઈ પદ્મિનીને નકાબ વગર ન જોઈ લે એ વાતનું ધ્યાન રાખવા.


પદ્મિની નૃત્ય કરી રહી હતી. વૃક્ષ પાછળ છુપાયેલ અર્જુન પદ્મિનીની વિરુદ્ધ દિશામાં મોં રાખીને ઉભો હતો.ત્યાં જ તેનું ધ્યાન સામેથી આવી રહેલાં સૈનિકો પર પડ્યું.વિરમગઢનાં સૈનિકોની એક ટુકડી તેમની તરફ જ આવી રહી હતી.

“અરે નહીં,જો સૈનિકોએ પદ્મિનીને જોઇ લીધી તો?”અર્જુને વિચાર્યું અને દોડીને પદ્મિનીપાસે ગયો.પદ્મિની કઇ વિચારે કે બોલે એ પહેલાં તો અર્જુન તેનો હાથ પકડીને ઝાડ પાછળ લઇ ગયો અને પોતે તેની આડો ઉભો રહી ગયો.સૈનિકોની ટુકડી પસાર થઇ ગઇ એ બાદ બંનેએ એકબીજા સામેં જોયું.પદ્મિનીનાં ચહેરા પર નકાબ નહતો તેથી અર્જુને પોતાની પાસે રહેલ વસ્ત્ર તેનાં ચહેરા પર બાંધી દીધું અને પદ્મિનીથી સહેજ દુર ખસ્યો.

“પદ્મિની, મારો આશય ખરાબ ન હતો.હું અહીં એટલાં માટે આવ્યો હતો કે કોઈ તને જોઈ ન જાય.”અર્જુન પદ્મિની ક્રોધિત ન થાય એ માટે અત્યાર સુધી જે કંઈ પણ બન્યું એ કહેવા લાગ્યો.પદ્મિનીએ તેને વચ્ચેથી જ રોક્યો અને કહ્યું,

“રાજકુમાર, મને તમારાં પર વિશ્વાસ છે.”

“આ શબ્દો બોલ્યા બાદ પદ્મિનીને પણ પોતાનાં પર નવાઇ લાગી અને અર્જુન પણ શાંત અને ખુશ થઈ ગયો.