Kidnepar - 3 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 3

અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો એક નો એક દીકરો કેવિન એક સાંજે ક્લાસિસ માં ગયો હોય છે અને પાછો નથી આવતો. પોલીસ કીડનેપિંગ અંગે શંકાશીલ છે. અને તપાસ આગળ વધારે છે. પોલીસ તપાસ માં કેવિન અને તેની જ સ્કુલ ની સહપાઠી માધુરી વચ્ચે નાં જઘડાં ની વાત બહાર આવે છે. હવે આગળ...
___________

રાજુ કહેવા નું શરુ કરે છે, "સર, ગયા વર્ષ ની વાત છે, હું ત્યારે બારમા ધોરણ માં હતો અને કેવિન ત્યારે અગિયારમા ધોરણ માં હતો. મારા ક્લાસ માં ત્યારે માધુરી જાદવ નામ ની એક છોકરી અભ્યાસ કરતી હતી. એક વખત અમે ફ્રી ક્લાસ માં હું ને કેવિન બેઠા હતા ત્યારે કેવિન માધુરી ને જોઈ ગયો, ત્યાર બાદ તો તે કોઈ ને કોઈ બહાને માધુરી ને જોવા ના બહાને મારા ક્લાસ માં આવવા લાગ્યો. એક દિવસ તેણે મને કહ્યું કે તેને માધુરી ગમે છે અને હું તેની મદદ કરું. મે એને સમજાવ્યો કે ભાઈ હજુ આ ઉમર પ્રેમ કરવા ની નથી, ભણવા માં ધ્યાન આપ. પણ એ માધુરી ના એક તરફી પ્રેમ માં પાગલ થઈ ગયો હોય એવું લાગતું હતું. તેણે માધુરી ને આપવા માટે મને બે વખત લવ લેટર પણ આપેલ જે મે માધુરી ને આપ્યા હતા. બંને વખત માધુરી એ આચાર્ય સોનલ બહેન ને કહેવા ની ધમકી આપી હતી. મે કેવિન ને સમજાવ્યો પણ એનો ઈગો ઘવાયો હતો આથી એક દિવસ તેણે સ્કુલ ની ટ્રીપ માં માધુરી ને આંતરી તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું, અને ટ્રીપ પર થી પાછા ફર્યા બાદ માધુરી એ અમારા આચાર્ય શ્રીમતી સોનલ બહેન ને બધી વાત કરી. સોનલ બહેન એ કેવિન ને બોલાવી ને પૂછપરછ કરી તો કેવિન એ બધો આરોપ માધુરી પર નાખતા કહ્યું કે મેમ, માધુરી ખોટું બોલી રહી છે, ઉલ્ટા નું તેણે મને લેટર આપ્યો અને કહ્યું કે જો હું તેની સાથે ફ્રેંડશિપ નહિ કરું તો તે મને ખોટી ફરિયાદ કરી ને ફસાવી દેસે."

આટલું બોલી ને રાજુ અટક્યો. અને નીચે જોઈ ગયો. રણવીર ધુઆપુઆ થતાં બોલ્યો, "આગળ બોલ નાલાયક અને આમા તારો રોલ શું છે એ પણ જણાવ."

રાજુ એ વાત ને આગળ વધારી, "કેવિન આટલે થી ના અટક્યો. તેણે આચાર્ય સોનલ બહેન ને એવું પણ જણાવ્યું કે માધુરી બીજા છોકરાઓ ને પણ આ રીતે બ્લેકમેઇલ કરતી હતી. અને સર, કેવિન ના કહેવા થી મે પણ સોનલ બહેન ને કેવિન એ મને આપેલા ખોટા લેટર બતાવ્યા અને સાથે સાથે ખોટી ગવાહી પણ આપી કે માધુરી એ મને પણ એવું જ કહ્યું હતું."

રણવીર એ રાજુ ને અટકાવતા પૂછ્યું, "પણ કેવિન ના લખાયેલા અક્ષરો પર થી તેને ઓળખી ના શકાયો?"

રાજુ એ કહ્યું, "ના સર, કેવિન એ માધુરી ને આપેલા અને બીજા બનાવટી લેટર બધા જ પ્રિન્ટ કરાવેલા હતા જેથી તે ક્યાંય ફસાય નહિ. આમ કેવિન અને મે બીજા મિત્રો ની મદદ થી માધુરી ની થોડી મસ્તી કરી હતી. આચાર્ય સોનલ બહેન અમારા આ અસત્ય ને સત્ય સમજી બેઠા અને તેમણે માધુરી સામે અનુશાસન ભંગ ના પગલાં લીધા. ક્લાસ માં અને સ્કુલ માં માધુરી ની ઘણી બદનામી થઈ આથી તેણે તે વર્ષે બારમા ધોરણ ની પરિક્ષા ના આપી અને સ્કુલ પણ છોડી દીધી."

રાજુ હજુ બોલવા નું પૂરું કરે ત્યાં જ રણવીર એ તેને બે જોરદાર થપ્પડ જડી દીધા અને બોલ્યો, "નાલાયક, આને તું થોડી મસ્તી કહેશ. એક નિર્દોષ ની જીંદગી બગાડી નાખી અને તુ અહી બેઠો બેઠો તારા અને તારા મિત્ર નાં ગુન્હા ને જસ્ટીફાય કરે છે."

રણવીર ગુસ્સે થઈ ચૂક્યો હતો. થોડી વાર બાદ પોતાની જાત ને સંભાળતો રણવીર બોલ્યો, "પછી શું થયું, આગળ બકવા માંડ."

રણવીર ના થપ્પડ પડતા સારા સારા ગુન્હેગારો ને પરસેવો વળી રહેતો તો આ રાજુ ની શું ઔકાત. ગાલ પર આંગળી ના સોળ ઊઠી આવ્યા. માંડ માંડ પોતાની જાત ને સંભાળતો સંભાળતો રાજુ બોલ્યો, "આ વાત ની જ્યારે માધુરી ના ઘરે ખબર પડી તો તેનો ભાઈ રાઘવ કે જે કોલેજ માં અભ્યાસ કરતો હતો તેણે તેના મિત્રો જોડે મળી ને સ્કુલ ની બહાર કેવિન ને ખુબ જ માર માર્યો અને તેને જોઈ લેવા ની ધમકી પણ આપી હતી. અને તેના પરિણામે કેવિન ના મમ્મી ભૂમિકા આંટી એ સ્કુલ માં આવી ને ખુબ જ તમાશો કર્યો હતો. આથી આચાર્ય સોનલ બહેન એ માધુરી ને સ્કુલ માં થી જ કાઢી મૂકી અને કેવિન ને પણ વોર્નીંગ આપી ને છેલી વાર જવા દેવા ની શરતે પરિક્ષા માં બેસવા દીધો. બસ સર, ત્યાર બાદ અમે લોકો એ હમેશ ને માટે કોઈ ની મસ્તી કે તોફાન ના કરવા નું વચન લીધું હતું."

રાજુ ની વાત સાંભળી રહ્યા બાદ રણવીર બોલ્યો, "સાલાવ, મા બાપ આટલી મહેનત કરી ને તમને ભણવા મોકલે અને તમે આવા કાંડ કરવા પાછળ સમય, પૈસા અને જીંદગી બગાડો છો. મન તો કરે છે કે તને અને જ્યારે તારો પેલો દોસ્ત કેવિન મળે ત્યારે એને મારી મારી ને ખોખરા કરી નાખું પણ કાયદો મને તેની પરવાનગી નથી આપતો. આમ પણ તમારી ઉમર નાની છે, મેહનત કરો, ભણવા પર ધ્યાન આપી મા બાપ નાં સપના પુરા કરો ને" આટલું કહી ને રાજુ ને રવાના કર્યો.

થોડી વારે વિજય એ કહ્યું, "સર, શું લાગે છે?"

રણવીર એ કહ્યું, "કઈ નહિ, મળીએ આ માધુરી ના ભાઈ રાઘવ જાદવ ને. તેની પણ જરાક ખબર લઈએ. બની શકે કે જૂની અદાવત નાં કારણે તેણે જ કેવિન ને ગાયબ કરી દીધો હોય કે કરાવી દીધો હોય." આટલું બોલી ને રણવીર અટક્યો અને જાણે કોઈ વિચાર માં ખોવાઈ ગયો.

વિજય એ કહ્યું, "સર, ક્યા ખોવાઈ ગયા?"

"કઈ નહિ વિજય, વિચારું છું કે આજ કાલ ની જનરેશન નું શું થશે? જવાબદારી નું કોઈ ભાન જ નથી અને શાળા કોલેજો માં ભણવા સિવાય ની બધી જ પ્રવૃત્તિઓ માં વ્યસ્ત રહે છે. કિશોર અને યુવાનો માં વધતો જતો ક્રાઇમ રેટ ખરેખર ચિંતા જનક બાબત છે."

રણવીર ની યુવાનો પ્રત્યે ની ચિંતા અને કાયદા પ્રત્યે ની સમર્પિતતા જોઈ ને વિજય ને રણવીર પ્રત્યે માન ઉભરી આવ્યું.
___________

સાંજ ના સાડા છ થવા આવ્યા હતા. થોડી વાર માં જ રણવીર અને વિજય માધુરી જાદવ ના ઘરે હતા. રાઘવ ઘરે જ હતો. માધુરી પણ ઘરે જ હતી. ઇન્સ્પેકટર રણવીર અને વિજય ને જોઈ ને રાઘવ ના પગ ધ્રુજી રહ્યા હતા.

"આવો સર." રાઘવ ના મમ્મી એ આવકાર આપતા કહ્યું.

રણવીર એ સીધો જ મુદ્દા પર આવતા કહ્યું, "રાઘવ, કેવિન ક્યા છે? ખબરદાર જો કઈ છુપાવ્યું છે તો."

રણવીર ના મોઢે સીધી જ કેવિન ની વાત સાંભળી ને રાઘવ અને તેના મમ્મી તથા માધુરી પણ અચરજ માં મુકાઈ ગયા. "આ તમે શું કહો છો સર, કેવિન ક્યા છે એ મને શું ખબર? મારી બહેન માધુરી સાથે જે થયું તે મારા થી સહન ના થતાં મે મારા મિત્રો સાથે મળી ને તેને માર માર્યો અને ધમકી આપી બસ સર, એ ઘટના બાદ હું ક્યારેય કેવિન ને મળ્યો નથી, મને મારા મમ્મી એ કઈ પણ કરતો અટકાવવા તેમના કસમ આપ્યા હતા. ત્યાર બાદ કેવિન ક્યાં છે તેની મને કંઇ જ નથી ખબર." રાઘવ એક શ્વાસે બોલી ગયો.

રાઘવ ની વાત ને ટેકો આપતા તેના મમ્મી બોલ્યા, "હા સર, અમારી દીકરી માધુરી સાથે જે થયું એના લીધે તે હજુ સુધી સદમા માં થી બહાર નથી આવી શકી. અને અમે જ્યારે જાણ્યું કે અમારો દીકરો રાઘવ પણ બદલા ની આગ માં એ જ રસ્તે જાય છે જ્યાં કેવિન જેવા નાલાયક છોકરાઓ હોય છે, અમે તરત જ એને રોકી લીધો. અમારો વિશ્વાસ કરો સર, મારો દીકરો રાઘવ આમા ક્યાંય જ શામેલ નથી."

રાઘવ અને તેના મમ્મી ની વાત સાંભળી અને માધુરી ની હાલત નજરે નિહાળ્યા બાદ રણવીર ને તેમના પર વધુ શંકાઓ કરવા જેવું કંઈ લાગ્યું નહિ છતાં માધુરી, રાઘવ અને તેમના ઘર ના અન્ય સભ્યો ના ફોન નંબર લઈ ને રણવીર તથા વિજય ત્યાં થી પોલીસ સ્ટેશન જવા રવાના થયા.

રવિવાર ની સાંજ ના સવા સાત થવા આવ્યા હતા અને કેવિન ગુમ થયા ને ચોવીસ કલાક પૂરા થવા આવ્યા હતા. ઘણી બધી તપાસ પણ થઈ હતી પરંતુ કેવિન વિશે કોઈ માહિતી હજુ મળી નહોતી. કોઈ ખંડણી ઉઘરાવતો ફોન પણ આવ્યો ના હતો.

રણવીર એ વિજય ને કહ્યું, "મને લાગે છે હવે આપણે બધા ના ફોન કોલ માહિતી ની રાહ જોવી પડશે. અને અત્યારે તો હવે સાડા સાત થવા આવ્યા છે કાલે સવારે અમરીશ ના મોટા ભાઈ અને અમરીશ ની ઓફીસ એ સમય ચાવડા ને પણ મળી લઈએ જો ક્યાંક કોઈ કડી હાથ માં લાગવા ની હોય તો લાગી જાય. અને એ બધા કરતા પહેલા તો પેટ પૂજા કરીએ. ક્યાંક લઈ લે ગાડી." રણવીર ની વાત સાંભળી ને વિજય એ ગાડી ને રાજકોટ ના પ્રખ્યાત અને રણવીર તથા તેના પણ ફેવરિટ એવા મયુર ભજીયા તરફ હંકારી મૂકી.
___________

બીજે દિવસે સવારે સોમવાર નો દિવસ હતો અને પોણા અગિયાર વાગ્યા હતા. રણવીર તથા વિજય અમરીશ ની ઓફીસ ટોટલ સોલ્યુશન માં પહોચી ગયા હતા. તેઓ સીધા જ અમરીશ ના બોસ ની ઓફીસ માં ગયા અને ત્યાં તેમણે અમરીશ વિશે થોડી પૂછપરછ કરી. અમરીશ ના વખાણ સિવાય કેસ માં ઉપયોગી બને એવી કોઈ વાત જાણવા ના મળી.

રણવીર એ અમરીશ ના બોસ ને સવાલ કર્યો કે, "અમને જાણવા મળ્યું છે કે આપની જ ઓફીસ માં કામ કરતો સમય ચાવડા અમરીશ કરતા ત્રણ વર્ષ સિનિયર હોવા છતાં આપે સમય ને નહિ પરંતુ અમરીશ ને પ્રમોશન આપ્યું, કોઈ ખાસ કારણ?

અમરીશ ના બોસ બોલ્યા, "સર, એકચ્યુલી વાત એમ હતી કે આમ તો લાયક તો સમય ચાવડા જ હતો પરંતુ તેના અભિમાની અને મસ્તીખોર સ્વભાવ ના લીધે જુનિયર સ્ટાફ માં તેના પ્રત્યે ઘણો અસંતોષ હતો, અને હું નહોતો ઈચ્છતો કે મારી ઓફીસ માં સ્ટાફ માં કોઈ ભેદ કે જૂથબંધી બને આથી મે સમય કરતા જુનિયર પણ તેના જેટલો જ એફિસિયન્ટ એવા અમરીશ ને પ્રમોશન આપ્યું."

રણવીર એ કયું, "જો આપને કોઈ પ્રોબ્લેમ ના હોય તો અમે સમય ચાવડા ની થોડી પૂછપરછ કરવા માગીએ છીએ."

"સ્યોર સર, હું હમણાં જ સમય ને અહી બોલાવી આપું છું." અમરીશ ના બોસ એકદમ જ વિનમ્રતા થી બોલ્યા.

રણવીર એ કહ્યું, "ના રહેવા દો. અમે તેને તેની બેઠક એ જ મળી લઈએ છીએ. બાય ધ વે, થેંક યુ વેરી મચ ફોર યોર કોઓપરેશન." આટલું કહી ને રણવીર તથા વિજય સમય જ્યાં બેસતો હતો ત્યાં ગયા.

રણવીર અને વિજય ને જોઈ ને સમય થોડો ટેન્શન માં આવી ગયો. અને અચકાતા સ્વરે બોલ્યો, "હા કહો સર, હું આપની શું મદદ કરી શકું?"

"ઘણી બધી. જો કરવા ધારો તો." રણવીર ધારદાર અવાજે બોલ્યો.
"તમને ખ્યાલ જ હશે કે આપના કલીગ અને આખી ઓફીસ માં જેની સહુ થી વધુ ઈર્ષા તમે કરો છો એવા અમરીશ ના પુત્ર કેવિન ગુમ છે જેનો હજુ સુધી કોઈ પતો નથી લાગ્યો."

"હા સર, મે સાંભળ્યુ છે. બહુ ખરાબ થયું બિચારા અમરીશ સાથે. અને તે વાત પણ સાચી છે કે મને તેની ઈર્ષા પણ બહુ છે. અને શા માટે ના હોય. હું જેનો અધિકારી હતો એ પ્રમોશન તેને મળી ગયું."

રણવીર એ સીધો જ સવાલ પૂછી લીધો, "અને આથી તે તેના પુત્ર ને જ ગાયબ કરાવી દીધો?"

આમ સીધા જ આક્ષેપ થી સમય થોડો જંખવાઈ ગયો, "આ તમે શું વાત કરો છો સર, માન્યું કે હું તેની ઈર્ષા કરતો હતો. આખી ઓફીસ ને તેની જાણ છે પરંતુ તેનો અર્થ એ નથી કે હું આ હદે જાવ. મારે પણ એક પુત્ર છે જે દસમાં ધોરણમાં ભણે છે. મારે જો અમરીશ ને કઈ કહેવું કે કરવું હોય તો હું સીધો તેને જ કહી દવ, આ રીતે હું કોઈ પગલું ભરવા નું વિચારી યે ના શકું."

સાંજ ના સવા પાંચ થવા આવ્યા હતા. ધોમ ધખતા ઉનાળા માં પોલીસ સ્ટેશન માં પંખા ની ગરમ હવા નો આહલાદક અનુભવ લેતા લેતા રણવીર અને વિજય બેઠા હતા. ધાર્યા મુજબ જ અમરીશ ની ઓફીસ એ થી કોઈ કામ ની માહિતી મળી શકી ના હતી. રણવીર અને વિજય આ દરમિયાન અમરીશ ના મોટા ભાઈ રશ્મિકાંત ભાઈ ની યે મુલાકાત લેતા આવ્યા હતા. ત્યાં પણ ખાસ કઈ શંકા કરવા જેવું નહોતું, માત્ર એટલું જાણવા મળ્યું હતું કે અમરીશ અને ભૂમિકા એ જ્યારે ભાગી ને લગ્ન કર્યા ત્યારે અમરીશ ના પપ્પા એ સંપતિ માં થી તેને બાકાત કરી નાખ્યો હતો. પરંતુ રશમિકાંત ભાઈ ને નાના ભાઈ સાથે કોઈ ખટરાગ ના હતો ઉલ્ટા નો અમરીશ જ મોટા ભાઈ જોડે કોઈ સંબંધ રાખવા તૈયાર નહોતો.

રણવીર કઈક વિચાર્યા બાદ બોલ્યો, "વિજય લાગે છે આ રીતે આપણે કેવિન ને નહિ શોધી શકીએ. એક તો કેવિન ના ઘર થી તેના ક્લાસ નાં રસ્તે જોઈએ એટલા પ્રમાણ માં સીસીટીવી નથી, એ ઉપરાંત તેના મિત્રો, કુટુંબીજનો અને અમરીશ તથા ભૂમિકા ના ઓફીસ ની તપાસ માં પણ આપણે આગળ વધીએ એવી નાની સરીખી હરકત પણ આપણી સામે નથી આવી. નથી કોઈ કિડનેપર નો કોલ આવ્યો કોઈ ખંડણી માટે."

"હા સર, આપણે શહેર ની બહાર ચેક પોસ્ટ માં પણ કડક જાપ્તો રાખ્યો છે ત્યાંથી પણ કેવિન કે અન્ય કોઈ છોકરા ના કીડનેપિંગ બાબત ની કોઈ કડી પ્રાપ્ત નથી થઈ." વિજય પણ ચિંતા વ્યક્ત કરતા બોલ્યો.

રણવીર બોલ્યો, "ના વિજય, મને એવી સ્ટ્રોંગ ફિલિંગ આવે છે કે કેવિન નક્કી આ જ શહેર માં હોવો જોઈએ. બસ હવે આવતી કાલે આપણી પાસે બધા શંકાસ્પદ લોકો ના ફોન નંબર ની કોલ ડીટેઈલ આવી જાય તો કદાચ તેમાંથી કઈક લીડ મળી શકે."
___________

આખરે આટઆટલી તપાસ બાદ પણ રણવીર ના હાથ માં કઈ લાગ્યું ના હતું. કેવિન આખરે ક્યા હશે? તેની સાથે શું થયું હશે?
શું આ એક સામાન્ય ગુમ થવા નો કેસ હશે કે પછી કોઈ ભયંકર ષડયંત્ર દસ્તક દઈ રહ્યું છે.

આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.
હાર્દિક જોષી નાં જય હિન્દ.