Kidnepar - 5 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 5

કેવિન ના અપહરણ નો કેસ હજુ ઉકેલાયો નથી ત્યાં જ શહેર નાં મુખ્ય માર્ગ પર થી જ રાશી પટેલ નામ ની દસમાં ધોરણમાં ભણતી છોકરી નું અપહરણ થાય છે. ઇન્સ્પેકટર અમિતાભ પંડિત આ કેસ ની તપાસ આગળ વધારે છે. રાશી ના મમ્મી કવિતા, માસી સરલા અને બહેન રિધિમા ની પુછપરછ કરે છે. હવે આગળ...
___________
કવિતા અને સરલા ની સામાન્ય પૂછપરછ પર થી તો અમિતાભ ને અપહરણ ને લગતી કોઈ માહિતી ના મળી. તેણે પેલા દુકાનદાર ધવલ ચાવડા ને પણ ફરી ફરી ને પૂછ્યું કે શું તેણે કોઈ નો ચેહરો જોયો હતો કે બીજી કોઈ માહિતી જે તેના દિમાગ માં તે ચૂકી ગયો હોય. પણ ધવલ ચાવડા એક જ વાત કહી રહ્યો હતો કે એક સફેદ મારુતિ "ઓમની" ગાડી હતી, નંબર પ્લેટ વાંચી શકાય તેમ ના હતી અને તેઓ લગભગ ચાર લોકો હતા. એક ગાડી ચલાવતો હતો, એક રિધિમા ને ચાકુ બતાવ્યું તે અને બીજા બે કે જેઓએ રાશી ને પકડી ને ગાડી માં બેસાડી.

અમિતાભે આખા શહેર ના તમામ મુખ્ય માર્ગો પર સખત પહેરો રાખ્યો હતો, એટલે અપહરણકારો રાશી ને શહેર ની બહાર લઈ જઈ શકે તેમ તો ના હતા. રાશી, રીધિમા, સરલા, કવિતા અને નિશીથ ના ફોન નંબર લઈ તેના કોલ રેકોર્ડ મંગાવવા માં આવ્યા અને બધા ના નંબર ને સર્વેલેન્સ માં નખાવ્યા જેથી જો કીડનેપર કોઈ ફોન કરે તો પોલીસ ને તરત જ ખબર પડી જાય.
_________

બીજે દિવસે સવારે સાડા નવ થયા હતા. અમિતાભ પંડિત અને પુષ્કર રાશી નાં ઘરે હાજર હતા. નિશીથ પણ અમદાવાદ થી રાત્રે જ આવી ગયો હતો. રાશી ના પપ્પા ઋષિ પટેલ કે જે સાઉદી અરેબિયા ખાતે નોકરી કરતા હતા તેમને પણ જાણ કરી દેવાઈ હતી, તે પણ બને એટલા જલ્દી આવવા માટે નીકળવાના હતા.

અમિતાભે નિશીથ ને પૂછ્યું, "શું તમને કોઈ પર શંકા છે? તમારા કુટુંબ જોડે કોઈ ને કોઈ દુશ્મની કે કોઈ અણગમો આપના ધ્યાન માં જો હોય તો મને જણાવો."

નિશીથ એ કહ્યું, "સર, અમારા કુટુંબ સાથે કોઈ ને શું દુશ્મની હોવાની. એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવીએ છીએ. પપ્પા એ પણ મેહનત થી હાર્ડવેર નો ધંધો જમાવ્યો હતો જેને હું અને ઋષિ સંભાળી રહ્યા હતા, પરંતુ તેમાં પણ મંદી આવતા ઋષિ ને અમારા બધા થી દુર પરદેસ માં રહેવું પડે છે. મોટા ભાઈ પણ અમદાવાદ ખાતે ઇન્કમ ટેક્ષ ખાતા માં પ્રમાણિકતા થી નોકરી કરે છે. અને મારે એક નાની હાર્ડવેર ની દુકાન છે. મને નથી લાગતું કે કુટુંબ કે ધંધા ની કોઈ દુશ્મની ના લીધે રાશી ને કોઈએ કીડનેપ કરી હોય."

અમિતાભે કવિતા તરફ ફરી તેને પૂછ્યું, "કવિતાજી, શું તમારે કોઈ જોડે કોઈ માથાકૂટ કે ઋષિ ને કોઈ જોડે કોઈ ખટપટ કે એવું કઈ? તમારા કુટુંબ માં કોઈ જોડે કઈ...?" અમિતાભે વાત ને અધૂરી રાખતા કવિતા સામે જોયું.

કવિતા એ કહ્યું, "સર, મારા લગ્ન પહેલા કુટુંબ માં હું, બહેન સરલા અને પપ્પા જ હતા. મમ્મી નું ઘણા સમય પહેલા જ અવસાન થઈ ગયું હતું. મારા અને દીદી ના લગ્ન એટલે જ મારા પપ્પા એ એક સાથે એક જ કુટુંબ માં કરાવ્યા હતા કે જેથી અમે બહેનો હંમેશા સાથે રહી શકીએ અને એક બીજા નું ધ્યાન રાખીએ. લગ્ન પછી પણ મને ક્યારેય મારા પરિવાર માં કોઈ તકલીફ ઉભી નથી થઈ. મારા બંને જેઠજી અને મારા સસરા એ મને હમેશા લાડ થી રાખી છે. અને અમારા કુટુંબ સાથે કોઈ ને કોઈ પ્રકાર ની દુશ્મની નથી.

અમિતાભે રીધીમા તરફ નજર નાખતા પૂછ્યું, "બેટા, એક વાત પૂછું સાચું સાચું જણાવજે, શું રાશી ને સ્કુલ માં કે ટ્યુશન ક્લાસ માં કોઈ છોકરા જોડે મિત્રતા હતી કે તેનાથી વિશેષ કઈ? અને હા સ્કુલ માં કે ટ્યુશન માં રાશી ને કોઈ જોડે કઈ ઝગડો થયો હોય કે કઈ બોલાચાલી થઇ હોય?"

હજુ અમિતાભ આગળ કઈ પૂછે ત્યાંજ નિશીથ બોલી ઉઠ્યો, "ઓફિસર, આ તમે કેવી વાત કરી રહ્યા છો. રાશી અને મારી પુત્રી હજુ જસ્ટ પંદર વર્ષ ના છે અને દસમાં ધોરણમાં ભણે છે, અને તમે બેજવાબદાર રીતે આવા બોયફ્રેન્ડ બાબત નાં અને ઝગડા બાબત નાં સવાલો કરો છો."

નિશીથ તરફ વળતા અમિતાભ બોલ્યો, "મિસ્ટર નિશીથ, બોયફ્રેન્ડ શબ્દ તો હું બોલ્યો જ નથી, અને યેસ બીજી વાત કે હવે પછી બીજી વાર મને મારી ડયુટી દરમિયાન રોકવાની કે ટોકવા ની ગુસ્તાખી ના કરતા. મને મારી જવાબદારી નું પૂરું ભાન છે." આટલું બોલી અમિતાભ નિશીથ સામે ધારદાર નજરો એ જોઈ રહ્યો.

માત્ર નજર દ્વારા જ સામે વાળા વ્યક્તિ નાં આરપાર ઉતરી જવા ની અદભૂત કળા અમિતાભ માં હતી. અને એક પ્રામાણિક, નીડર અને નિષ્ઠાવાન અધિકારી ના આવા ધારદાર શબ્દો સાંભળી ને નિશીથ નીચું જોઈ રહ્યો.

અમિતાભ ફરી રીધીમા તરફ ફર્યો, "હા તો બેટા મને જણાવ."

રીધીમા એ કહ્યું સર, "રાશી એકદમ જ સીધી છોકરી હતી. અમે બંને હમેશા સ્કુલ અને ક્લાસ માં સાથે જ જતાં હતા. મારા જાણ મુજબ તો એવું કઈ નથી. હા, આકાશ અને કુલદીપ અમારા કોમન ફ્રેન્ડ છે બટ તેનાથી વિશેષ કઈ નહિ. અને રાશી તો સર એકદમ સીધી હતી બીજાનો વાંક હોય તો પણ તે સોરી કહી દે, આવી છોકરી જોડે કોઈ ને શું ઝગડો થાય."

રીધીમા ની વાત સાંભળી ને અમિતાભ બધા તરફ ફર્યો અને કહ્યું, "જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે તમારે કોઈ જોડે કોઈ જ પ્રકાર ની સમસ્યા, ઝગડો, દુશ્મની નથી અને છતાં પણ એક દીકરી નું અપહરણ થયું છે તો નક્કી રૂપિયા માટે જ થયું હોવું જોઈએ, વહેલા કે મોડા કીડનેપર નો ફોન આવવો જ જોઈએ.
__________

આ બધા વચ્ચે, પુષ્કર એ એક કોન્સ્ટેબલ જોડે જે રસ્તે થી રાશી નું અપહરણ થયું હતું તે રસ્તા ના સીસીટીવી ફૂટેજ માગવી લીધા હતા. અમિતાભે પણ તેના ખબરી તંત્ર ને શહેર ની કીડનેપર ગેંગ અને શંકાસ્પદ ગુન્હેગારો કે જેઓ આ અગાવ અપહરણ કેસ સાથે જોડાયેલ હોય તેઓની તમામ માહિતી કાઢવાનું કામ સોંપ્યું.

રાશી ના ઘરે જરૂરી તપાસ કરી અને અમિતાભ તેના ટ્યુશન ક્લાસ પર પણ જતો આવ્યો. પરંતુ ત્યાં પણ ખાસ કઈ માહિતી ના મળી. તેણે ક્લાસ નાં સંચાલક પાસે થી કીડનેપ ની સાંજ નાં સીસીટીવી ફૂટેજ માગ્યા. જે સંચાલક સર એ તરત જ આપી દીધા. તે લઈ અને અમિતાભ સીધો જ પોલીસ સ્ટેશન આવ્યો. જ્યાં પુષ્કર એ ઓલરેડી રસ્તા ના સીસીટીવી ફૂટેજ મગાવી રાખ્યા હતા.

અમિતાભે પુષ્કર ને તેના વિચારો જાણવા પૂછ્યું, "પુષ્કર તને શું લાગે છે? અપહરણ પાછળ કોનો હાથ હોવો જોઈએ?"

પુષ્કર એ કહ્યું, "સર, જે રીતે ઘર નાં તમામ સભ્યો એક જ વાત કહી રહ્યા છે કે તેઓને કોઈ જોડે દુશ્મની નથી તે જોતાં તો એવું જ લાગે છે કે કોઈ અપહરણ કરી ને ખંડણી ઉઘરાવનાર ગેંગ જ હોવી જોઈએ."

અમિતાભ બોલ્યો, "પુષ્કર, રાશી ના પરિવારજનો ને કોઈ જોડે દુશ્મની નથી તેનો મતલબ એ ના થાય કે અન્ય કોઈ ને તેઓ જોડે દુશ્મની ના હોય. મને ખબર નહિ અંદર થી એવું લાગી રહ્યું છે કે નક્કી આ તેમના માંથી જ કોઈ જોડે સંકળાયેલી વાત છે. પરંતુ અત્યારે કઈ કહી શકાય તેમ નથી." આમ કહી અમિતાભે સીસીટીવી ફૂટેજ તપાસવા માટે પુષ્કર ને કહ્યું.

અમિતાભે સહુ થી પહેલાં તો ક્લાસ માં થી મેળવેલ ફૂટેજ ચકાસી જોયા પરંતુ ચાર થી સાત ત્રણ કલાક ના ક્લાસ ના તેમજ લોબી ના ફૂટેજ માં રાશી કે રિધિમા નાં વર્તન માં કે અન્ય કઈ જ શંકાસ્પદ જેવું ના જણાયું. ત્યાર બાદ તેઓએ ક્લાસ ની નીચે પાર્કિંગ સેલાર નાં ફૂટેજ ચલાવ્યા, અમિતાભે જોયું કે રિધિમા એ સ્કુટી ચાલુ કર્યું અને રાશી તેની પાછળ બેસી ગઈ. અને બંને બહેનો નીકળી ગઈ. રસ્તા ના અન્ય ફૂટેજ ચલાવ્યા પણ ક્યાંય કઈ શંકા ના જણાઈ ખાસ તો અમિતાભ તે સુનિશ્ચિત કરવા માગતો હતો કે કીડનેપર શું રાશી નો પીછો તેમના ક્લાસ થી કરતા આવ્યા હતા કે ઘટના સ્થળે પહેલે થી જ રાહ જોતા ઊભા હતા. આખરે અમિતાભે જે જગ્યા એ અપહરણ થયું હતું ત્યાં ના ફૂટેજ એકદમ જ જીણવટ પૂર્વક ચકાસવા નું શરુ કર્યું.

જેવા રાશી અને રિધિમા ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં જ રોંગ સાઈડ પર થી એક સફેદ મારુતિ ઓમની આવી અને પેલા દુકાનદાર ના કહેવા મુજબ જ ત્રણ લોકો એ ઉતરી અને રાશી ને ગાડી માં બેસાડી દીધી. બધા જ લોકો એ મોઢે બુકાની બાંધી હતી ઉપરાંત ગાડી માં નંબર પ્લેટ પણ ના વાંચી શકાય તે રીતે બગાડી નાખવા માં આવી હતી. ઘડિયાળ માં જોઈ ને સાડા ચાર મિનિટ માં તો તેઓ આવ્યા અને રાશી નું અપહરણ કરી ને ચાલ્યા પણ ગયા.

બપોર નાં સવા ચાર વાગી ગયા હતા, ફૂટેજ ચકાસી રહ્યા બાદ અમિતાભે ચા મગાવી. તે અને પુષ્કર ચા પી રહ્યા બાદ ફરી પાછા કેસ વિશે ચર્ચા શરૂ કરી. અમિતાભે કહ્યું, "પુષ્કર, એક વાત હું સ્યોરલી કહી શકું કે અપહરણકારો પ્રોફેશનલ જ છે. કારણકે જે રીતે તેઓએ આખી ઘટના ને અંજામ આપ્યો છે અને જેટલી સુવ્યસ્વથીત અને જે ગતિ થી અપહરણ કર્યું છે તે કોઈ પ્રોફેશનલ જ કરી શકે. એ ઉપરાંત જે ગાડી નો ઉપયોગ થયો છે તેવી મારુતિ "ઓમની" ગાડી આજે લગભગ કોઈ ઉપયોગ માં લેતું નથી કોઈ પ્રોફેશનલ કીડનેપર ગેંગ નું જ આ કારસ્તાન છે. તે શહેર નાં આ પ્રકાર ના ગુન્હા જોડે સંકળાયેલ જૂના જોગીઓ ની માહિતી કાઢી? અને ખબરી તંત્ર કેમ શાંત જણાય છે આ વખતે?"

પુષ્કર બોલ્યો, "સર, આઈ એગ્રી વિથ યુ. આ પ્રકાર ની બાળકો ને અને છોકરીઓ ને કિડનેપ કરવા ની પદ્ધતિ ચોકસ કોઈ પ્રોફેશનલ ગેંગ ની જ છે. અત્યારે જેટલા કીડનેપરો કે જેઓ જેલ ની બહાર છે તેમની પૂછપરછ ચાલુ જ છે, ખબરીઓ નું પણ કહેવું છે કે હજુ સુધી કોઈ માહિતી એમના ધ્યાન માં આવી નથી. અમિતાભ અને પુષ્કર વાતો કરી જ રહ્યા હતા ત્યાંજ એક કોન્સ્ટેબલ આવ્યો અને કહ્યું કે કવિતા નાં ફોન માં કીડનેપર નો કોલ આવ્યો છે. પવન વેગે અમિતાભ રેકોર્ડ રૂમ માં ગયો અને પાછળ પાછળ એટલી જ ત્વરા એ પુષ્કર પણ દોડી ગયો.

અમિતાભે કીડનેપર નો રેકોર્ડ કરેલો કોલ સાંભળ્યો. તેઓ કવિતા ને કહી રહ્યા હતા કે જો તેઓ રાશી ને જીવતી જોવા માગે છે તો પચીસ લાખ રૂપિયા તૈયાર રાખે રાત્રે નવ વાગ્યે તેઓ ફરી કોલ કરશે અને રૂપિયા ક્યા પહોંચાડવા તે કહેશે અને પોલીસ માં ના જવા ની પણ ધમકી આપી હતી. એકદમ જ ટૂંકમાં વાત પૂરી કરી હતી જે તેઓ પ્રોફેશનલ હોવાની ચાડી ખાઈ રહી હતી.

અમિતાભ તરત જ પોલીસ સ્ટેશન માં જ સિવિલ ડ્રેસ માં આવી ગયો અને પોતાની બાઈક કે જે તે હમેશા પોલીસ સ્ટેશન માં જ રાખતો હતો તે લઈ ને કવિતા ના ઘરે જવા નીકળ્યો. તેણે ડ્રેસ એટલા માટે બદલ્યો કે કદાચ જો કીડનેપર કવિતા ના ઘર પર નજર રાખી ને બેઠા હોય તો તેઓને કોઈ શંકા નાં જાય. એટલે જ તે પોતાની બાઈક લઈ ગયો હતો.
___________

થોડી વાર માં જ અમિતાભ કવિતા નાં ઘરે હતો. કવિતા ના ઘરે અત્યારે બધા ટેન્શન માં હતા. ત્યાં જઈને તે બોલ્યો, "અમે કીડનેપર નો કોલ રેકોર્ડ કર્યો છે. આપે મુંઝાવા ની સહેજ પણ જરૂર નથી. અમે રાશી ને કઈ નહિ થવા દઈએ."

અમિતાભ ને ત્યાં જોઈ ને નિશીથ બોલ્યો, "સર, તો તો આપે તેઓએ આપેલી ધમકી પણ સાંભળી હશે કે જો અમે પોલીસ ને જાણ કરી છે તો તેઓ રાશી ને..." આટલે થી જ નિશીથ અટકી ગયો તે આગળ કઈ ના બોલી શક્યો.

નિશીથ ની વાત સાંભળી ને કવિતા રોતા રોતા બોલી, "સર, પ્લીઝ મારે મારી દીકરી જોઈએ છે ભલે મારે તેમને રૂપિયા દેવા પડે. પોલીસ ને જાણ કરવા ની તેઓએ સ્પષ્ટ ના કહી છે."

બધા ની ચિંતા ને સમજતો હોય તેમ અમિતાભ બોલ્યો, "તમે કઈ ચિંતા ના કરો. તમે રૂપિયા એક બેગ માં તૈયાર રાખો અને તેમના ફોન ની રાહ જુઓ, એક વખત રાશી આપની પાસે આવી જશે ત્યાર બાદ જ અમે તેમના વિરુદ્ધ પગલાં લેશું." આટલું કહી ને અમિતાભ ત્યાંથી પોલીસ સ્ટેશન જવા નીકળ્યો.
___________

સાંજ ના સાડા છ થવા આવ્યા હતા, હજુ કીડનેપર નો કોલ આવવા ને ઘણી વાર હતી. આ દરમિયાન જે નંબર પર થી કોલ આવ્યો હતો તેનું લોકેશન અને ડીટેઈલ કઢાવી તો ધારણા મુજબ જ ખોટા નામ અને એડ્રેસ સાથે તે નંબર ઇસ્યુ થયો હતો. આજ કાલ નાના મોટા ચોર કે ગુન્હેગારો પણ આટલું તો સમજતા થઈ ગયા છે તે વાત ને વિચારી ને અમિતાભ મનોમન હસી ઉઠ્યો.

હજુ માંડ દસ પંદર મિનિટ વીતી હશે ત્યાં જ પુષ્કર હાંફળો ફાંફળો થતો આવ્યો અને બોલ્યો, "સર, એક ખરાબ સમાચાર છે."

અમિતાભ પણ ચોંકી ઉઠ્યો અને ઉતાવળે પૂછ્યું, "શું ખરાબ સમાચાર છે પુષ્કર?" જાણે સાંભળવા માટે તત્પર હોય.

પુષ્કર બોલ્યો, "હમણાં જ એક કોલ હતો, શહેર ના આજી ડેમ વિસ્તાર ની નજીક થી એક છોકરી ની લાશ મળી છે, આપણે રાશી નો જે ફોટો બધે સરક્યુલેટ કર્યો છે તેના આધારે તે વિસ્તાર ના સબ ઇન્સ્પેકટર એ તે લાશ રાશી ની હોવાનું કન્ફર્મ કર્યું છે. લાશ ને પોસ્ટ મોર્ટમ માટે ડોકટર ખાન ની ફોરેન્સિક લેબ માં મોકલી આપવા માં આવી છે."

અમિતાભ દુઃખ થી ભરેલા અવાજે તાડુકી ઉઠ્યો, "વોટ? રાશી નું ખૂન થઈ ગયું છે? આ કીડનેપર ની આટલી હિંમત કે તેણે એક દસમાં ધોરણ માં ભણતી છોકરી ની હત્યા કરી નાખી, મારા હાથ માં આવવા દે એ નરાધમો ને એક વાર." અમિતાભ ગુસ્સા થી ધુઆ પુઆ થતાં બોલી રહ્યો હતો. તેને સમજ માં નહોતું આવી રહ્યું કે શાં માટે તેઓએ રાશી ને મારી નાખી, જ્યારે તેમના કુટુંબ વાળા રૂપિયા આપવા તૈયાર હતા.
___________

રાશી નું ખૂન કોણે કર્યું હશે?
શું કેવિન અને રાશી નાં અપહરણ અને હવે રાશિની હત્યા કેસ ને કોઈ સંબંધ હશે?
કઈ રીતે પોલીસ ને આ બને કેસ વિશે કોઈ કડી મળશે?

જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.