Kidnap - 11 books and stories free download online pdf in Gujarati

કીડનેપ - 11

અમિતાભ ની તબિયત જલ્દી થી સુધરતી જતી હતી પરંતુ હજુ ઘણી નબળાઈ હતી એવા માં તેને હોસ્પિટલ નાં બિછાને કઈક સુજી આવે છે અને તે અભિમન્યુ ને સાંજે રાશી અપહરણ કેસ નાં સીસીટીવી નાં ફૂટેજ લઈ ને આવવાનું કહે છે.

હવે આગળ...

__________

હજુ અભિમન્યુ પોલીસ સ્ટેશન માં પહોંચ્યો જ હતો ત્યાં જ થોડી વાર માં તેને એક કોલ આવ્યો અને અભિમન્યુ તેની ખુરશી પર થી ઉભો થઇ ગયો. વાત સાંભળી ને અભિમન્યુ બોલ્યો, "આર યુ શ્યોર સર? તમને એવું કેમ લાગ્યું?"

સામે છેડે અમિતાભ ફોન પર હતો. અભિમન્યુ નાં ગયા બાદ અમિતાભ રાશી અને ઋષિકેશ કેસ વિશે વિચારી રહ્યો હતો. અચાનક તેને કઈક યાદ આવ્યું અને તે આશ્ચર્ય થી ઉભો થઇ ગયો અને તરત જ તેણે અભિમન્યુ ને ફોન કરી ને કહ્યું કે વાસ્તવ માં અપહરણકાર રાશી નું અપહરણ ઈચ્છતો જ નહોતો. તેનું ટાર્ગેટ તો તેની બહેન રિધિમાં હતી, રાશી તો ભૂલ થી કીડનેપ થઈ ગઈ હતી.

અને અમિતાભ ની આ જ વાત સાંભળી ને અભિમન્યુ ખૂબ જ આશ્ચર્ય માં ગરકાવ હતો. તેણે અમિતાભ ને કારણ પૂછ્યું તો અમિતાભે તેને રાશી ની ઘટના નાં ફૂટેજ નો વિડીયો લઈ ને સાંજે હોસ્પિટલ એ આવવા નું કહ્યું.

હવે અભિમન્યુ માટે સાંજ પાડવી મુશ્કિલ હતી. માંડ માંડ તેણે બીજા પેન્ડિંગ કામ કરતા કરતા સાંજ પાડી. જેવા સાંજ નાં સાડા છ થયા તે રાશી કેસ નાં ફૂટેજ નાં વિડિયો લઈ ને હોસ્પિટલ જવા રવાના થયો.
__________

સાંજ નાં સાત થવા આવ્યા છે. વોક હાર્ટ હોસ્પિટલ માં સ્પેશિયલ રૂમ માં અમિતાભ તેના બિસ્તર પર આરામ ની મુદ્રા માં સૂતો છે અને અભિમન્યુ તેની સામે ની ખુરશી પર બેઠો છે.


હજુ તો અભિમન્યુ કઈ કહે એ પહેલાં જ અમિતાભે પૂછ્યું, "અભિમન્યુ, મે તને પેલા ફૂટેજ લઈ આવવાનું કહ્યું હતું તે લઈ આવ્યો?"


અભિમન્યુ એ કહ્યું, "હા સર, હું તે લઈ આવ્યો છું. પણ સર એ તો કહોકે આપને એવું કેમ લાગ્યું કે અપહરણકાર રાશી ને નહિ પરંતુ રિધિમા ને ટાર્ગેટ બનાવવા માગતો હતો?"


"બધું સમજાવું છું તું પહેલાં તે વિડીયો ચાલુ કર." અમિતાભે અભિમન્યુ ની વાત ને અવગણતા કહ્યું. અભિમન્યુ એ તરત જ સાથે લાવેલા લેપટોપ ને અમિતાભ નાં પલંગ ની નજીક રાખ્યું જેથી અમિતાભ ને એ જે મુદ્રા માં છે ત્યાંથી જ લેપટોપ ની સ્ક્રીન સ્પષ્ટ દેખાય અને ત્યાર બાદ ફૂટેજ ની પેન ડ્રાઈવ લેપટોપ સાથે કનેક્ટ કરી.


અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, સહુથી પહેલાં રાશી નાં ટ્યુશન ક્લાસ નાં પાર્કિંગ નાં ફૂટેજ ચલાવ." તરતજ અભિમન્યુ એ તે વિડિયો ચલાવ્યો. રાશી અને રિધીમા બંને ક્લાસ પૂરા કરી ને આવ્યા અને નીચે પાર્કિંગ માં રાખેલું સ્કુટી રીધીમાં એ સ્ટાર્ટ કર્યું અને રાશી તેની પાછળ બેસી ગઈ અને બંને ત્યાંથી નીકળી ગયા.


અભિમન્યુ ને કઈ સમજ માં ના આવ્યું. આ ફૂટેજ તો તેણે બે ત્રણ વાર જોયા છે, ખબર નહિ અમિતાભ શું બતાવવા માગે છે? પરંતુ તેણે થોડી ધીરજ રાખવાનું યોગ્ય સમજ્યું.


અમિતાભ બોલ્યો, "અભિમન્યુ, હવે જે સ્થળે થી રાશી નું અપહરણ થયું હતું તે ફૂટેજ ચલાવ." તરતજ અભિમન્યુ એ વિડિયો ચાલુ કર્યો. જેવું રાશી અન રીધિમા સ્કુટી લઈને ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં જ કીડનેપરો આવી ગયા અને એક વ્યક્તિ એ રીધીમા ને ચાકુ બતાવ્યું અને બાકી નાં બે લોકો એ રાશી નું અપહરણ કરી લીધું. અને ચાલ્યા ગયા.


હજુ અભિમન્યુ કઈ જ સમજી શક્યો નહોતો. એનાથી ના રહેવાયું અને તેથી તે બોલ્યો, "સર, તમે શું બતાવવા માંગો છો, મારી તો કઈ સમજ માં જ નથી આવતું."


અમિતાભ મલકાતા બોલ્યો, "અભિમન્યુ એ જ કે જ્યારે પાર્કિંગ માં થી જ્યારે સ્કુટી બહાર ગયું ત્યારે તેને રીઘીમા ચલાવતી હતી પરંતુ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે રાશી સ્કુટી ચલાવતી હતી." અમિતાભ ની વાત સાંભળી અભિમન્યુ ઘડી ભર તો વિચારમાં પડી ગયો અને પછી તરત જ તેણે બંને વિડિયો બે વખત ધ્યાન થી જોયો. અમિતાભ ની વાત સો ટકા સાચી હતી.


બે ઘડી જાણે અભિમન્યુ કશાક વિચાર માં ખોવાઈ ગયો. અમિતાભે તેને બોલાવતા કહ્યું, "અભિમન્યુ, શું થયું?"


અભિમન્યુ હબકી ને બોલ્યો, "કઈ નહિ સર, હું તો એ વિચારું છું કે આવડી મોટી વાત આપણી નજરો થી બચી કઈ રીતે શકી?"


અમિતાભે હસતા હસતા કહ્યું, "થાય એવું ક્યારેક અભિમન્યુ, ક્યારેક કોઈ વાત આપણી સામે જ હોય પરંતુ આપણે તેને જોઈ જ ના શકતા હોય. અને અહી આપણું બધું ધ્યાન ફૂટેજ માં કિડનેપરો વિશે માહિતી શોધવા માં જ હતું તેથી આ વાત આપણા ધ્યાન માં ના આવી. અને સહુ થી મોટું કારણ કે જો તે ધ્યાન થી વિડિયો જોયો હોય તો રાશી અને રીધિમાં બંને એ એક સરખા જેવા કપડાં પહેર્યા છે. સફેદ ટીશર્ટ અને બ્લુ જિન્સ નું પેન્ટ. એ ઉપરાંત બંને બહેનો ની કદ કાઠી પણ લગભગ એક સરખી છે, અને તેથી આપણે આ સત્ય સુધી પહોંચવા માં વાર લાગી ગઈ."


"પણ સર, તમને ખબર કેમ પડી?" અભિમન્યુ થી હવે ના રહેવાયું.


અમિતાભે કહ્યું, "હું કાલે રાત્રે જ્યારે આ કેસ વિશે વિચારી રહ્યો હતો ત્યારે મને ઓચિંતા નો એક વિચાર આવ્યો કે શા માટે પેલી વ્યક્તિ એ છેલ્લી ઘડી એ રાશી નો કબ્જો લેવા ની ના પાડી દીધી? ઘણું વિચાર્યા બાદ મને આ સંભાવના માં થોડું તથ્ય દેખાયું અને મે તને ફોન કરીને ફૂટેજ લઈ આવવા માટે કહ્યું."


અભિમન્યુ બોલ્યો, "સર, તો હવે આપણે શું કરીશું? આનો મતલબ તો એજ થયોને કે હજુ પણ રીઘીમાં નાં જાન પર જોખમ છે. અને હજુ કીડનેપર તેના અપહરણ નો પ્લાન બનાવતો હશે."


અમિતાભ એ કહ્યું, "યુ આર રાઇટ અભિમન્યુ. એકસો ને એક ટકા તે કીડનેપર અત્યારે રીઘીમા નાં અપહરણ નું આયોજન કરતો હશે અથવા આયોજન કરી નાખ્યું હશે."


અભિમન્યુ એ કહ્યું, " તો સર, શું આપણે રીઘીમા અને તેના પરિવાર ને જાણ કરવી જોઈએ?"


અભિમન્યુ ની વાત સાંભળી અમિતાભ બે મિનિટ વિચારી ને બોલ્યો, "હમણાં રહેવા દે અભિમન્યુ. નાહક નો તે પરિવાર ચિંતા માં આવી જશે. અને હજુ મારી થીયરી પૂરેપૂરી સાચી છે તે જ્યાં સુધી શ્યોર્ ના થાય ત્યાં સુધી આપણે માત્ર તર્ક કે થીયરી નાં આધારે બધા ને ટેન્શન માં ના નાખી શકીએ."


"તો શું કરીશું?" અભિમન્યુ એ પૂછ્યું. અમિતાભે કહ્યું, "તું એક કામ કર પેલા તો બે કોન્સ્ટેબલ ને રીઘીમા અને તેના પરિવાર પર નજર રાખવા માટે મૂકી દે. એક કોન્સ્ટેબલ ચોવીસ કલાક રીઘીમા પર અને બીજો તેના ઘર અને ઘર નાં સભ્યો પર નજર રાખશે. અને તું ત્યાં સુધી માં રીઘીમા ને પૂછ કે તે દિવસે તે બંને એ સ્કુટી માં પોત પોતાની જગ્યા બદલાવી તેનું કોઈ ખાસ કારણ હતું?"


"ઓકે સર." આટલું કહી ને અભિમન્યુ ત્યાંથી નીકળી ગયો અને અમિતાભ કઈક વિચારતો વિચારતો આરામ ફરમાવી રહ્યો.

__________


બીજે દિવસે સોમવારે સવારે અભિમન્યુ થોડા કામ માં વ્યસ્ત હતો આથી બપોર બાદ રીઘીમાનાં ક્લાસ તરફ બાઈક હંકારી મૂકી. અભિમન્યુ ને રીઘીમા નાં ઘરે જઈ બધા ની હાજરી માં તેને પૂછવા નું યોગ્ય ના લાગ્યું આથી તેણે રીઘીમાનાં ક્લાસ પર જઈ તેના ક્લાસ સંચાલક ની ઓફીસ માં બોલાવી અને તેના તથા રાશી નાં તે દિવસ નાં સ્કુટી નાં ડ્રાઈવિંગ બાબતે પૂછ્યું, "બેટા, અમે સીસીટીવી કેમેરા માં જોયું કે જ્યારે તમે અહી ક્લાસે થી નીકળ્યા ત્યારે તું સ્કુટી ચલાવતી હતી પરંતુ ઘટના સ્થળે રાશી સ્કુટી ચલાવતી હતી, આવું કેમ?"


અભિમન્યુ ની વાત સાંભળી રીઘીમા થોડું વિચારતા બોલી, "સર, દર વખતે હું જ સ્કુટી ચલાવતી હતી પરંતુ તે દિવસે અમે અડધે પહોંચ્યા હશું ત્યાં જ રાશી એ કહ્યું કે રીઘીમા અહીંથી મને સ્કુટી ચલાવવા આપને. રાશી હજુ સ્કુટી ચલાવતા શીખી જ હતી આથી ફેમિલી માં તેને સ્કુટી ચલાવવા દેવા ની મનાઈ હતી. કવિતા કાકી એ કહ્યું હતું કે તેને બરાબર ચલાવતા આવડી જાય પછી જ એને ચલાવવા આપવું. પરંતુ તે દિવસે તેણે જીદ કરી એટલે મને પણ થયું કે ભલે એ થોડી વાર ચલાવે આથી મહિલા કોલેજના અંડર બ્રિજ પાસે અમે બદલી ગયા. કેમ સર કઈ થયું?" રીઘીમા એ આશ્ચર્ય થી કહેતા કહેતા પૂછ્યું.


પરંતુ અભિમન્યુ એ તરત જ વાત ને વાળી લેતા કહ્યું, "ના ના, આ તો અમે અમારા સંતોષ ખાતર વિડિયો જોઈ રહ્યા હતા એટલે આ વાત અમારા ધ્યાન માં આવી તો અમને પૂછી લેવું યોગ્ય લાગ્યું." આટલું કહી ને અભિમન્યુ રીઘીમા અને ટ્યુશન ક્લાસ નાં સંચાલક નો આભાર માની ત્યાંથી નીકળ્યો.


હજુ તે બાઈક પાસે પહોંચ્યો જ હતો ત્યાં જ અમિતાભ નો ફોન આવ્યો. અભિમન્યુ એ ફોન ઉપાડતાં કહ્યું, "જય હિન્દ સર, કહો ને શું કઈ કામ હતું. હું હજુ રીઘીમા ને મળી ને જ આવ્યો છું તેના ક્લાસ એ થી." આમ કહી અભિમન્યુ એ રીઘીમા એ કહેલી પૂરી વાત અમિતાભ ને કરી.


બધી વાત ધ્યાન થી સાંભળી રહ્યા બાદ અમિતાભ બોલ્યો, "મને લાગે છે આપણી શંકા લગભગ સાચી છે. આપણે રીઘીમા બાબતે સાવચેત રહેવું પડશે. એન્ડ યેસ અભિમન્યુ મે તને એટલે કોલ કર્યો કે મને એક બીજો આઈડિયા આવ્યો છે. તારા કહેવા મુજબ રાશી અને ઋષિકેશ અપહરણ નો માસ્ટર માઈન્ડ એક જ છે અને અત્યાર સુધી ની તપાસ પર થી પણ એવું જ લાગે છે તો આપણે એક કામ કરીએ તો..." અમિતાભ ની ત્યાર બાદ ની પૂરી વાત ને સાંભળતા સાંભળતા અભિમન્યુ એ હકાર માં માથું હલાવ્યું.


અમિતાભે વાત ને આગળ વધારી, "એવું બની શકે કે રાશી અને ઋષિકેશ નાં અપહરણકાર ને તે બંને બાળકો જોડે તો કંઈ પ્રત્યક્ષ દુશ્મની ના હોય પરંતુ તેમના પરિવાર જનો જોડે કોઈ જૂની અદાવત હોય જેનો ભોગ આ બે નિર્દોષ બન્યા હોય. તું એક કામ કર કાલે સવારે બંને નાં માતા પિતા ને પોલીસ સ્ટેશન એ બોલાવી લે. અને હા રીઘીમા નાં મમ્મી અને પપ્પા નિશીથ અને સરલા ને પણ બોલાવી લેજે કારણકે આપણી લેટેસ્ટ થીયરી મુજબ અપહરણકાર ને તેમની જોડે કોઈ સમસ્યા હોવી જોઈએ. અને બધા ને એક સાથે બેસાડી ને તેમની પૂછપરછ કરજે અને ખાસ તો એ વાત ને ઓબ્ઝર્વ કરજે કે એકબીજા ને જોઇને તે લોકોના રીએકશન શું છે."

અમિતાભ ની વાત પૂરી થતાં અભિમન્યુ બોલ્યો, "ચોક્કસ સર. કાલે સવારે જ તેમને બોલાવી લવ છું." આટલું કહી અભિમન્યુ બાઈક લઇ ને પોલીસ સ્ટેશન તરફ જવા રવાના થયો અને આખા રસ્તે તે અમિતાભ ની ફરજ પરસ્તી વિશે જ વિચારી રહ્યો કે આ માણસ કઈ માટી નો બનેલો છે. હજુ તો બે બે ગોળીઓ વાગ્યા ને માત્ર છ દિવસ થયા છે ત્યાં તો તે આટલા જલ્દી સાજા પણ થઈ ગયા અને આટલી શારીરિક નબળાઈ હોવા છતાં કેસ બાબતે ગંભીરતા માં કોઈ જ ફેર નથી પડ્યો.

પોલીસ સ્ટેશન એ પહોંચી અભિમન્યુ એ તરતજ બધા ને આવતી કાલે સવારે સાડા દસ વાગ્યે પોલીસ સ્ટેશન બોલાવી લીધા બધા તરત જ આવવા માટે રાજી થઈ ગયા.

__________


બીજે દિવસે મંગળવારે સવારે પોણા અગિયાર વાગી રહ્યા હતા. સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ ની સામે બીના અને વિનોદ તથા સરલા અને કવિતા બેઠા હતા જ્યારે કવિતા નો પતિ અને રાશી ના પપ્પા ઋષિ પટેલ કે જે સાઉદી અરેબિયા થી આવી ગયો હતો તે ઉભો હતો. રિધિમાં ના પપ્પા અને સરલા નો પતિ નિશીથ પટેલ કોઈ કારણ સર આવી શક્યો ના હતો.


અભિમન્યુ એ તરત જ પૂછ્યું, "મિ. નિશીથ પટેલ કેમ નથી આવ્યા?" અભિમન્યુ ની વાત સાંભળી બીના રાયજાદા ના કાન સહેજ ચમક્યા અને બીજી જ ક્ષણે એ સામાન્ય બની ગઈ, પરંતુ અમિતાભે અભિમન્યુ ને પહેલે થી જ આ પ્રકાર ની વર્તણુક માટે સાવચેત કરી દીધો હતો. અભિમન્યુ એ ચમક ની નોંધ લઈ લીધી.


અભિમન્યુ એ પૂછેલા સવાલ ના જવાબ માં સરલા બોલી, " તેમને આજે સવારે ઓચિંતા જ દુકાન ના કામ થી અમદાવાદ જવાનું થયું છે. તેથી તેઓ આવી શક્યા નથી."


અભિમન્યુ બોલ્યો, "ઓકે, કોઈ વાંધો નહિ. હા તો આપ સહુ ને અહીંયા બોલાવવા નું તાત્પર્ય એ છે કે અમને શંકા છે કે ઋષિકેશ અને રાશી અપહરણ કેસ ને કોઈ ને કોઈ કનેક્શન છે કારણકે બંને ના અપહરણ પાછળ એક જ વ્યક્તિ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે." આટલું બોલી અભિમન્યુ એ પેલા કીડનેપર નો દાઢી મૂછો હેટ પહેરેલો ફોટો કોપી બધા ના હાથ માં આપી.


અભિમન્યુ ની વાત સાંભળી સહુ ચોંકી ઉઠ્યા અને બધા એક અવાજે કહી ઉઠ્યા કે આ પોલીસ શું કહી રહી છે? બીના બોલી, "પણ સર, આવું કંઈ રીતે બની શકે. અમે બંને પરિવારો તો એકબીજા ને ઓળખાતા પણ નથી. તો પછી અમારા બંને પરિવારો નો કોઈ કોમન દુશ્મન કઈ રીતે શક્ય બને." કવિતા અને ઋષિ એ પણ બીના ની વાત માં સુર પુરાવ્યો.


સરલા બોલી, "પણ સર, રાશિ નો કેસ તો આપે સોલ્વ કરી નાખ્યો છે ને. તો પછી આ નવું શું છે અને આ ફોટો તમે અમને શા માટે બતાવો છો? અમારી દીકરી તો હવે પાછી નથી આવવાની ને." બોલતા બોલતા સરલા ની આંખો ભીની થઈ ઉઠી. અને કવિતા તો હીબકા ભરી ભરી ને રડવા માંડી. ઋષિ એ કવિતા ને શાંત કરતાં કહ્યું, "સર, પ્લીઝ હવે આ વાત ને અહી જ રાખીએ. તમે જોઈ શકો છો કે કવિતા અને અમારી હાલત કેવી છે. અમે હજુ આ દુઃખ માં થી બહાર નથી આવી શક્યા."


થોડી વાર અભિમન્યુ કઈ બોલ્યો નહિ. બધું શાંત પડી રહ્યા બાદ અભિમન્યુ એ કહ્યું, "એ સાચું છે કે રાશી ની હત્યા અને અપહરણ કરવા વાળા પકડાઈ ગયા છે, પરંતુ તેના અપહરણ નો માસ્ટર માઈન્ડ હજુ અમારા હાથ માં નથી આવ્યો. અને એ વ્યક્તિ નો ફોટો અત્યારે આપના સહુ ના હાથ માં છે. હું આપ સહુ ની મન ની સ્થિતિ સમજી શકું છું પરંતુ હાલ અમારે આપ સહુના સહયોગ ની જરૂર છે." થોડી વાર અટક્યા બાદ વાત ને આગળ વધારતા અભિમન્યુ બોલ્યો, "આપ સહુ તે ફોટો ને ધ્યાન થી જોઈ ને કહો કે આપ માં થી કોઈ તેને ઓળખે છે?"


થોડી વાર સુધી બધા તે ફોટા માં ના વ્યક્તિ ને જોઈ રહ્યા પરંતુ કોઈ તેને ઓળખી ના શક્યા. બીના અને વિનોદ તો આ પહેલા પણ તે અજાણ્યા વ્યક્તિ નો ફોટો જોઈ ચૂક્યા હતા. આ વાત થી અભિમન્યુ ખૂબ જ નિરાશ થયો. કારણકે જે બે કારણોસર તેણે અને અમિતાભે બધા ને બોલાવ્યા હતા તે બે માં થી એક પણ માં કોઈ સફળતા હાથ માં આવી ના હતી. ના તો તે લોકો એક બીજા ને ઓળખતા હતા કે ના તો ફોટા માં ના તે વ્યક્તિ ને. અભિમન્યુ એ બધા ને રવાના કર્યા બાદ વિચારતો બેસી રહ્યો. અચાનક તેને બીના ના ચેહરા પર ની ક્ષણિક ચમક ધ્યાન માં આવી અને તે આગળ શું કરવું તે અંગે વિચારવા માંડ્યો.

__________


શું અભિમન્યુ અને અમિતાભ ને રાશી, ઋષિકેશ કેસ માં આગળ વધવા માટે કોઈ નવી લીડ મળશે?

શું કેવિન અપહરણ કેસ ક્યારેય સોલ્વ થશે?

બીના ના ચેહરા ની ચમક પાછળ કોઈ રહસ્ય હશે?

શું રિધિમા ને અમિતાભ બચાવી શકશે?


આ તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાચતા રહો રહસ્ય, રોમાંચ થી ભરપૂર ધારાવાહિક "કિડનેપ" નાં આગામી અંકો માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.