Kidnepar - 4 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 4

પુરા ત્રણ દિવસ વીતી જવા છતાં કેવિન નો કોઈ પતો નથી હોતો. ઇન્સ્પેકટર રણવીર અને વિજય પોતાની રીતે બધી કોશિશ કરે છે પણ ધાર્યું પરિણામ નથી આવ્યું... હવે આગળ...
___________

મંગળવાર ની સવાર ના સાડા દસ થવા આવ્યા છે, રણવીર ના ટેબલ પર બધા જ શકમંદો ના ફોન રિપોર્ટ છે. રણવીર વિજય ને તથા તેની ટીમ ને બધા જ રિપોર્ટ એકદમ બારિકી થી ચકાસી જવા કહે છે અને તરત જ વિજય તેની ટીમ સાથે કામ માં લાગી પડે છે. અને રણવીર એક બીજા કેસ માં થોડું ડોક્યુમેન્ટ વર્ક બાકી હોય છે એ કરવા માં વ્યસ્ત થઈ જાય છે.

બપોર ના સાડા ત્રણ થવા આવ્યા છે, વિજય કોલ રિપોર્ટ ને તપાસી ને રણવીર ની ઓફિસ માં દાખલ થાય છે. "સર, અમે કેવિન, અમરીશ, ભૂમિકા, રાજુ, સમય અને રાઘવ તમામ ના કોલ રિપોર્ટ તપાસી જોયા છે પણ કોઈના માં કંઈ જ શંકાસ્પદ જેવું જણાયું નથી. કેવિન ને છેલ્લો કોલ તેના ટ્યુશન ટીચર વિવેક સર નો સાંજ નાં પાંચ વાગ્યે આવ્યો હતો. ત્યાર બાદ કોઈ જ કોલ નથી."

રણવીર બોલ્યો, "હા મને તેમણે જણાવ્યું હતું કે તેઓએ બધા વિદ્યાર્થીઓ ને ક્લાસ માં રજા હોવા ની જાણ કરતો કોલ કર્યો હતો. મે બીજા વિદ્યાર્થીઓ ને કોલ કરી ને એ વાત કન્ફર્મ પણ કરી છે."

વિજય એ આગળ કહ્યું, "કેવિન નો ફોન પાંચ ને વીસ એ તેના ઘર થી ટ્યુશન ના રસ્તે જ સ્વીચ ઓફ થયો છે."

રણવીર એકદમ ધ્યાન થી સાંભળી રહ્યો હતો, "એનો મતલબ એ થયો કે કેવિન નું અપહરણ કે કીડનેપ ઘરે થી ટ્યુશન જવા દરમિયાન જ થયું છે." રણવીર થોડો રઘવાયો થતાં બોલ્યો, "સાલું કઈ સમજાતું નથી, આખરે કેવિન અચાનક આમ ક્યા ગુમ થઈ ગયો કે કોઈએ તેને ગુમ કરી દીધો. કિડનેપ થયું કે પોતાની મરજી થી ક્યાંય ચાલ્યો ગયો. ના તો કોઈ ખંડણી ઉઘરાવવા માટે ફોન આવ્યો ના તો કોઈ કડી મળી આપણને કે જેના થકી આપણે કેવિન ને શોધી કાઢી શકીએ. રણવીર ની વાત માં નિરાશા નો સુર જોવા મળી રહ્યો હતો.
___________

કેવિન ના ગુમ થયા ને આજે પંદર દિવસ થવા આવ્યા હતા, આ બાજુ રણવીર અને એની ટીમ કેવિન કેસ માં લાગેલી હતી ત્યારે એ જ સમયે શહેર નાં પશ્ચિમ વિભાગ નાં પોલીસ સ્ટેશન માં સાંજ ના સાડા સાત આસપાસ ફોન ની રીંગ વાગે છે, નવો જ ભરતી થયેલો કોન્સ્ટેબલ અનવર ફોન ઉપાડે છે, સામે નાં છેડે થી જે વાત સાંભળે છે તે સાંભળી ને અનવર તરત જ ઇન્સ્પેકટર અમિતાભ પંડિત ની ઓફિસ બાજુ દોટ મૂકે છે.

હાફળો ફાફળો થતો અમિતાભ ની સામે આવે છે અને કહે છે કે, "હમણાં જ કોઈ નો ફોન હતો કે કોટેચા ચોક સર્કલ થી અમીન માર્ગ તરફ જતા રસ્તે થી એક છોકરી નું અપહરણ થયું છે."

"વોટ?" આશ્ચર્ય થી અમિતાભે પૂછ્યું, આટલા બધા વાહનો થી ધમધમતા રસ્તે થી એક છોકરી નું અપહરણ થઈ ગયું તે અમિતાભ ને ગળે નહોતું ઉતરી રહ્યું.

હાલ માં જ નિરાલી, તેના પપ્પા કેતન અને સસરા રમેશદાસ નાં ટ્રીપલ મર્ડર કેસ ને અમિતાભ અને અભિમન્યુ ની જોડી એ સોલ્વ કરી નાખ્યો હતો, અને તે વાત ને હજુ માંડ પંદર દિવસ શાંતિ થી વીત્યા હશે ત્યાં જ આ અપહરણ નો કેસ આવી ગયો. (અમિતાભ અને અભિમન્યુ એ આ કેસ ને કઈ રીતે સોલ્વ કર્યો તેના માટે વાંચો મારી રહસ્ય કથા "ખૂની કોણ?" માત્ર માતૃ ભારતી પર.)

__________

સમય બગાડ્યા વગર જ અમિતાભ તેની ટીમ જોડે ઘટના સ્થળે જવા નીકળ્યો. અભિમન્યુ બે દિવસ રજા પર હતો આથી તેની જોડે સબ ઇન્સ્પેકટર પુષ્કર રાઠવા હતો. તે પણ ખૂબ જ કાર્યનિષ્ઠ પોલીસ ઓફિસર હતો. પરંતુ અમિતાભ ને અભિમન્યુ જોડે જે ટ્યુનિંગ હતું તે અલગ જ હતું.

થોડી વાર માં જ અમિતાભ ઘટના સ્થળે હતો. ત્યાં લોકો ની ભીડ જામેલી હતી એથી તે સમજી ગયો કે અહી થી જ અપહરણ થયું હોવું જોઈએ. એક કોન્સ્ટેબલ ભીડ ને આઘી કરતો અમિતાભ માટે રસ્તો બનાવી રહ્યો હતો. અમિતાભે જોયું કે એક સોળ સતર વર્ષ ની છોકરી રડી રહી હતી, બાજુ માં જ સ્કુટી પડ્યું હતું, અમિતાભ ની અનુભવી નજર ને સમજતા વાર ના લાગી કે આ સ્કુટી આ છોકરી નું જ હશે અને નક્કી તેની કોઈ રિલેટિવ નું કે ફ્રેન્ડ નું અપહરણ થયું હોવું જોઈએ.

ત્યાં પહોંચી અમિતાભે કહ્યું, "અહી થી ફોન કોણે કર્યો હતો?"

એક ત્રીસેક વર્ષ ના યુવાને કહ્યું, "સર, મે જ પોલીસ ને ફોન કર્યો હતો. મારું નામ ધવલ ચાવડા છે. અહી પાસે જ મારી પાન ની દુકાન છે. આ છોકરી ની ચીસાચીસ સાંભળી ને હું અને મારી આસપાસ ના બીજા દુકાન વાળા અહી દોડી આવ્યા. આ બેઠી છે એ છોકરી ની સાથે બીજી એક છોકરી હતી તેને બે થી ત્રણ બદમાશ લોકો એક મોટી ગાડી માં આવી ને ઉઠાવી ને લઈ ગયા."

અમિતાભે પુષ્કર ને કહ્યું કે, "પુષ્કર, તું આમની પાસે થી માહિતી મેળવ હું તે છોકરી ની પૂછપરછ કરી જોવ." પુષ્કર ધવલ ચાવડા અને અન્ય દુકાનદારો પાસે થી પૂરી વાત જાણવા માં લાગી ગયો.

એ જ વખતે અમિતાભે પેલી છોકરી પાસે જઈ ને પૂછ્યું, "બેટા, હું ઇન્સ્પેક્ટર અમિતાભ પંડિત છું. તું રડ નહિ અને મને પૂરી વાત જણાવ કે તું કોણ છે, કીડનેપ કોનું થયું છે અને આ બધું કેવી રીતે થઇ ગયું?" અમિતાભે એક સાથે આટલા સવાલો કરી નાખ્યાં.

થોડી વાર રડી લીધા બાદ તે છોકરી સ્વસ્થ થતાં બોલી, "સર, મારું નામ રિધિમા પટેલ છે. અને મારી કઝીન સિસ્ટર રાશી પટેલ ને કેટલાક ગુંડાઓ કીડનેપ કરી ગયા." આટલું કહી ને તે ફરી પાછી રડવા લાગી.

હજુ અમિતાભ કઈ આગળ પૂછે ત્યાં જ એક ગાડી ત્યાં આવી ને ઉભી રહી અને તેમાંથી બે મહિલાઓ ઉતરી અને રિધીમા પાસે આવી પહોંચી. એક મહિલા રિધિમા પાસે આવી ને રડતા રડતા પૂછવા લાગી, "બેટા રિધિમા શું થયું, રાશી ક્યા ગઈ? કોણ તેને લઈ ગયું?" જ્યારે બીજી મહિલા પેલી મહિલા ને સંભાળી રહી હતી, તેની આંખો પણ ભીની હતી.

અમિતાભ એ બીજી મહિલા પાસે ગયો, "એક્સક્યુઝ મી મેડમ, આપ કોણ છો અને અમને જણાવશો શું થયું છે?"

"સર, મારું નામ સરલા પટેલ છે, હું આ રિધિમા નાં મમ્મી છું અને જેનું અપહરણ થયું છે તે રાશી મારી નાની બહેન કવિતા ની દીકરી છે. આ કવિતા છે." પહેલી મહિલા તરફ આંગળી ચીંધતા સરલા એ બોલવા નું ચાલુ રાખ્યું, "સર, મારી દીકરી રિધિમા અને રાશી બંને દસમાં ધોરણ માં છે અને સાથે જ ટ્યુશન માં જાય છે. તેઓ ઘરે થી રોજ સાડા ત્રણ એ ક્લાસિસ માં જવા નીકળે છે અને ચાર થી સાત ટ્યુશન પૂરા કરી બને બહેનો સાથે જ સાડા સાત પોણા આઠ વાગતા સુધી માં ઘરે આવી જાય છે. પણ આજે અચાનક સાડા સાત એ કોઈ અજાણી વ્યક્તિ નો રિધિમા નાં ફોન માં થી કોલ આવ્યો કે રાશી ને કોઈ અપહરણ કરી ને લઈ ગયું છે, અને હું ને કવિતા દોડતા અહી આવી પહોંચ્યા."

અમિતાભે સમય બગાડ્યા વગર જ દુકાનદાર ધવલ ચાવડા એ આપેલી માહિતી ના આધારે સફેદ કલર ની મારુતિ "ઓમની" ગાડી વિશે કંટ્રોલ રૂમ માં જાણ કરી દીધી હતી કે જેથી શહેર નાં તમામ ચેક પોઇન્ટ પર તેના વિશે તપાસ ચાલુ થઈ જાય. પુષ્કર એ રિધિમા પાસે થી રાશી નો નંબર લઈ ને તેના પર કોલ કરી જોયો તો તે સ્વીચ ઓફ આવતો હતો. છતાં પણ તેનો નંબર સર્વેલેન્સ માં નાખી દેવામાં આવ્યો.

આટલી વાર માં રિધિમા પણ હવે થોડી સ્વસ્થ લાગી રહી હતી. અમિતાભ રિધિમા તરફ ગયો, " બેટા ડર્યા વગર મારા કેટલાક સવાલો ના જવાબ આપ, ત્યાર બાદ જ અમે તારી બહેન રાશી ને બચાવી શકીશું અને એ સાલાવ અપહરણકારો ને પકડી પાડી શકીશું."

રિધિમા એ કહ્યું, "હા અંકલ, પ્લીઝ મારી બહેન ને લઈ આવો. મને તેના વગર સહેજ પણ નથી ગમતું ખબર નહિ રાશી ને કોઈ શા માટે કીડનેપ કરે."

અમિતાભે પૂછ્યું, "તું મને બધી વાત નિરાતે કહે, ખરેખર શું બન્યું હતું."

રિધિમા એ બોલવા નું શરુ કર્યું, "સર હું ને રાશી સાત વાગ્યે ક્લાસ એ થી છૂટ્યા ત્યાર બાદ ઘરે આવવા નીકળ્યા. અમારા ટ્યુશન ક્લાસ એસ્ટ્રોન ચોક પાસે છે, સામાન્ય રીતે અમે સીધા અમીન માર્ગ પર થી જ ઘરે જઈએ છીએ પણ હમણાં હમણાં ત્યાં ખોદકામ ચાલુ હોવાથી હું ને રાશી કાલાવડ રોડ લઈ ને આ રસ્તે ઘરે જવા નીકળ્યા."

રિધિમા ની વાત ને અટકાવતા અમિતાભે પૂછ્યું, "તમે બંને અલગ અલગ ગાડી માં ક્લાસે જાવ છો કે એક જ?"

રિધિમા એ કહ્યું, "ના સર, અમે તો મારા સ્કુટી પર જ જઈએ છીએ."

"ઓ. કે. આગળ કહે." અમિતાભ એ કહ્યું.

રિધિમા એ વાત આગળ વધારી, "જેવા અમે કોટેચા સર્કલ એ થી અમીન માર્ગ જવા આ રસ્તે વળ્યા કે ત્યાં જ થોડે દૂર થી એક સફેદ કલર ની ગાડી અમારી પાસે આવી ને ઉભી રહી અને એક વ્યક્તિ એ મને ચાકુ બતાવ્યું અને હું હજુ કઈ સમજું એ પહેલાં બીજા બે લોકો એ રાશી ને જબરદસ્તી ગાડી માં બેસાડી દીધી અને ગાડી લઈ ને ચાલતા થઈ ગયા. મે રાડો નાખી કે તરત જ આ અંકલ અને બીજા કેટલાક લોકો આવી ગયા. એમણે જ આપને ફોન કર્યો અને મારા ફોન માં થી મમ્મી અને માસી ને પણ કોલ કર્યો."

અમિતાભે સરલા અને કવિતા ને કહ્યું કે આપ પોલીસ સ્ટેશન એ ચાલો ત્યાં એક ફોર્મલ ફરિયાદ લખાવી દો અમે તપાસ તો શરૂ કરી જ દીધી છે હું રાશી ને બને એટલી વહેલી શોધી લાવીશ. આટલું કહી ને અમિતાભ તથા સરલા, કવિતા અને રિધિમા પોલીસ સ્ટેશન જવા રવાના થયા. પેલા દુકાનદાર ધવલ ને પણ વધુ માહિતી માટે સ્ટેશન એ આવવા કહ્યું.
___________

થોડી વાર બાદ બધા જ લોકો પોલીસ સ્ટેશન માં બેઠા હતા. કવિતા ના આંસુ તો સુકાઈ ગયા હતા પણ તેનું હૃદય હજુ રોઈ રહ્યું હતું. અમિતાભે બધા માટે ચા મંગાવી. અમિતાભ ની આ જ વાત તેને એક સામાન્ય પોલીસ અધિકારી થી કંઇક વિશેષ બનાવતી હતી. તે દિમાગ ની સાથે સામે વાળા વ્યક્તિ નાં દુઃખ ને સમજવા નું એક વિશાળ હૃદય પણ ધરાવતો હતો.

અમિતાભે કવિતા ને પૂછ્યું, "તો કવિતાજી, હવે મને તમારા પરિવાર અને રાશી વિશે જણાવો. કોઈ જ વાત છુપાવશો નહિ, નાના માં નાની માહિતી પણ અમને કેસ સોલ્વ કરવા માં મદદરૂપ થઈ શકે એમ છે."

કવિતા એ કહેવું શરૂ કર્યું, "સર હું, અને મારી બહેન સરલા અમારા માતા પિતા નાં બે સંતાન છીએ. આજ થી સતર વર્ષ પહેલાં અમારા બંને બહેનો ના લગ્ન નિશીથ અને ઋષિ સાથે થયા હતા. નિશીથ અને ઋષિ પણ બંને ભાઈઓ છે. નિકેત, નિશીથ અને ઋષિ એ ત્રણ ભાઈઓ છે. નિકેત પટેલ અમારા મોટા જેઠજી છે. તેઓ તેમના પત્ની અવંતિકા અને પુત્ર દેવ જોડે અમદાવાદ ખાતે રહે છે, ત્યાં તેઓ ઇન્કમ ટેક્સ વિભાગ માં જોબ કરે છે. અને તેમનો પુત્ર દેવ કોલેજ માં છે. મારા પતિ ઋષિ પટેલ હાલ માં સાઉદી અરેબિયા ખાતે ડાયમંડ ની કંપની માં મેનેજર તરીકે જોબ કરે છે અને મારા વચલા જેઠ નિશીથ ભાઈ અહી એમના પપ્પા નો હાર્ડવેર નો ધંધો સંભાળે છે." આટલું બોલતા તો કવિતા ને થાક લાગવા માંડ્યો.

અમિતાભે તેને પીવા માટે પાણી આપતા સરલા તરફ જોઈ ને કહ્યું, "તમે કહો."

આગળ ની વાત કરતા સરલા એ કહ્યું, "સર, મારા સસરા નીતિન પટેલ ની હાર્ડવેર ની દુકાન મારા પતિ નિશીથ અને મારા દેર ઋષિ જ સંભાળતા હતા. પણ પાંચ વર્ષ પહેલાં ધંધા માં થોડી મંદી રહેવા લાગતા ઋષિ ને જોબ માટે બહાર જવું પડ્યું. અહી અમે બધા સાથે જ રહીએ છીએ."

અમિતાભે કહ્યું, "અમે બધા એટલે કોણ કોણ! અને તમારા પતિ નિશીથ ક્યા છે, શું તમે તેમને આ ઘટના ની જાણ કરી?"

સરલા એ કહ્યું, "સર, મારા સસરા નીતિન પટેલ, મારા પતિ નિશીથ, હું, મારી બહેન કવિતા અને મારી દીકરી રિધિમા, અને કવિતા ની દીકરી રાશી બધા સાથે રહીએ છીએ. મે મારા પતિ ને ફોન કરી દીધો છે તેઓ દુકાન ની ખરીદી માટે અમદાવાદ ગયા છે, તેઓ ત્યાંથી નીકળી ગયા છે રાત્રી નાં બે વાગ્યા સુધી માં આવી જશે."

અમિતાભે પૂછ્યું, "તેમની ગેરહાજરી માં અહી દુકાન કોણ સંભાળે છે?"

સરલા એ કહ્યું, "અમારી દુકાન ના મેનેજર અનિકેત તિવારી જ તેમની ગેરહાજરી માં દુકાન નો બધો વહીવટ સંભાળે છે."

અમિતાભે કવિતા અને સરલા બંને તરફ જોતા સવાલ કર્યો, "આપને કોઈ પર શંકા છે? ઘર માં થી કોઈ પર? બહાર ના કોઈ જોડે ક્યારેય કોઈ ખટરાગ કે જૂની માથાકૂટ કે ધંધા ની કોઈ દુશ્મની, શું આમાંથી કોઈ પણ કારણ તમારી પુત્રી ના અપહરણ પાછળ જવાબદાર હોય એવું આપને લાગે છે?"

અમિતાભ નો આ સવાલ સાંભળી ને સરલા અને કવિતા એક બીજા ની સામે જોઈ રહ્યા, જાણે તેઓ યાદ કરવા ની કોશિશ કરી રહ્યા હોય કે એવું તો કોઈ ના મન માં શું વેર હશે કે જેના માટે આ હદે ગયા હશે?
___________

હજુ કેવિન ના અપહરણ નો કેસ સોલ્વ થયો ના હતો ત્યાં રાશી નું અપહરણ થયું, શું આ બન્ને ઘટનાઓ ને કોઈ સંબંધ હશે?
શું અમિતાભ રાશી ને શોધી શકશે?
આ વાત શું હજુ આટલે થી જ અટકશે?

જાણવા માટે વાંચતા રહો, રહસ્ય રોમાંચ થી ભરપુર ધારાવાહિક "કીડનેપ" માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.