Kidnepar - 10 books and stories free download online pdf in Gujarati

કિડનેપ - 10

રાશી અપહરણ અને હત્યા કેસ માં અજાણી વ્યક્તિ પાસે થી પાંચ લાખ નાં બદલા માં રાશી નાં અપહરણ નો પ્લાન બનાવનાર માસ્ટર માઇન્ડ સંતોષ યાદવ પોલીસ નાં હાથે ચડી ગયો હતો પરંતુ આ આખા ઘટનાક્રમ માં ઇન્સ્પેકટર અમિતાભ ને બે ગોળીઓ વાગી ગઈ. હવે આગળ...
__________

શહેર ની વોક હાર્ટ હોસ્પિટલ ખાતે ઇન્સ્પેકટર અમિતાભ પંડિત નું ઓપરેશન ચાલી રહ્યું હતું. સબ ઇન્સ્પેકટર અભિમન્યુ રાઠોડ અને પુષ્કર તથા રાજકોટ શહેર નાં પોલીસ કમિશ્નર અગરવાલ સાહેબ પણ હાજર હતા. શહેર નાં તમામ મુખ્ય અખબારો માં આ ઘટનાક્રમ ની નોંધ લેવાઈ હતી. શહેર નાં લુખ્ખાઓ અને ગુંડાઓ માટે અમિતાભ જેટલો અળખામણો હતો તેટલો જ તે શહેર નાં આમ નાગરિકો માટે માનીતો અને આદરણીય હતો. શહેર માં બધા જ લોકો તેના બચી જવા માટે અને જલ્દી સાજા થઈ જવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.

અભિમન્યુ ની હાલત સહુ થી વધુ ખરાબ હતી. અમિતાભ તેના માટે માત્ર સિનિયર અધિકારી જ નહોતો, પરંતુ વડીલ, મિત્ર અને માર્ગદર્શક સમાન હતો. બે કલાક નાં ઓપરેશન બાદ ડોકટર બહાર આવ્યા અને પોલીસ કમિશ્નર અગરવાલ સાહેબ જોડે વાત કરતા કહ્યું કે, "સર, અમે બંને ગોળીઓ તો બહાર કાઢી લીધી છે. પરંતુ લોહી બહુ જાજુ વહી ગયું છે આથી તેમના શરીર ને રિકવર થવા માં સમય લાગશે. અને ભાન માં આવ્યા બાદ પણ આરામ ની સખત જરૂર પડશે."

ડોકટર ની વાત સાંભળી રહ્યા બાદ પોલીસ કમિશ્નર અગરવાલ સાહેબ બોલ્યા, "નોટ વરી ડોકટર સર. અમિતાભ ઇઝ વન ઓફ માય ફાઈનેસ્ટ ઓફિસર. હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે."

ડોકટર નાં ગયા બાદ તરતજ અભિમન્યુ કમિશ્નર સાહેબ પાસે આવતા બોલ્યો, "સર, જો તમારી પરમિશન હોય તો હું અમિતાભ સર જોડે રહેવા માગું છું. તેમના પરિવાર માં તો તેમનું ધ્યાન રાખવા માટે કોઈ છે નહી."

અમિતાભ પ્રત્યે નો અભિમન્યુ નો પ્રેમ જોઈ ને કમિશ્નર સાહેબ હસતા બોલ્યા, "યેસ સ્યોર યંગ મેન. મને ખબર મળ્યા છે કે અમિતાભ ઇઝ મોર ધેન સિનિયર ફોર યુ."
આટલું કહી ને પોલીસ કમિશ્નર શ્રી રવાના થયા. અને અભિમન્યુ ત્યાં બહાર બેસી રહ્યો.
__________

અમિતાભ ને ગોળી વાગ્યા ની ઘટના ને છત્રીસ કલાક પૂરા થઈ ગયા હતા. અમિતાભ નો જીવ તો બચી ગયો હતો પણ હજુ તે ભાન માં આવ્યો ના હતો. આ બાજુ અભિમન્યુ એ સંતોષ અને તેના બે સાગરીતો જે તેની સાથે પકડાયા હતા તેમની હાલત મારી મારી ને અધમૂઆ જેવી કરી નાખી હતી. જો આ દ્રશ્યો કોઈ નવો સવો ગુન્હેગાર જોઈ ગયો હોય તો તે ત્યારે જ ગુન્હા નાં રસ્તા ને હંમેશ ને માટે છોડી દે.

અભિમન્યુ સંતોષ ને પૂછપરછ રૂમ માં લઇ આવ્યો અને તેને રાશી નાં અપહરણ માટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિ ની આકરી પૂછપરછ કરી. આટલો બધો માર ખાધા બાદ સંતોષ માં એટલી હિંમત નહોતી કે અભિમન્યુ થી કઈ પણ છૂપાવે.

સંતોષ એ બોલવાનું શરુ કર્યું, "સર, આજ થી લગભગ પંદર દિવસ પહેલા એક વ્યક્તિ મારી પાસે એક છોકરી નાં અપહરણ માટે આવ્યો હતો. તેણે કહ્યું કે એક છોકરી નું અપહરણ કરવા નું છે. બદલામાં પાંચ લાખ રૂપિયા આપશે. મે તેની પાસે છોકરી નું નામ અને ફોટો માગ્યો પરંતુ તેણે કહ્યું કે અપહરણ નો પ્લાન અને કોનું અપહરણ કરવા નું છે એ બધી માહિતી તે અપહરણ નાં દિવસે જ કહેશે, મારે તો બસ તેની સૂચના મુજબ કામ કરે એવા માણસો ની વ્યવસ્થા તેને કરી આપવાની હતી. આથી મે તરત જ પરિતોષ ને આ કામ સોંપી દીધું. પરિતોષ એ પણ કામ ને એકદમ જ સમુ સુતરું પાર પાડ્યું પણ અંત ઘડીએ પેલા વ્યક્તિ એ તે છોકરી નો કબ્જો લેવાની નાં પાડી દીધી. આથી મે પરિતોષ ને તેની રીતે છોકરી નાં નિકાલ માટે કહી દીધું. પણ પેલા હરામ નાં એવા નરેશે બધો જ ખેલ બગાડી નાખ્યો." આટલું કહી ને સંતોષ એ બોલવા નું પૂરું કર્યું.

અભિમન્યુ બે ઘડી કઈક વિચારી ને બોલ્યો, "તે વ્યક્તિ કોણ હતો જેણે તને રાશી નાં અપહરણ માટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા?"

સંતોષ બોલ્યો, "અમારા ધંધા માં કોઈના નામ કે સરનામા બને ત્યાં સુધી લેવામાં જ નથી આવતા કારણકે જો કદાચ કોઈ પકડાય પણ જાય તો તેમને કોઈ માહિતી હોતી નથી. તે વ્યક્તિ કોણ હતો ક્યાંથી આવ્યો હતો મને કઈક ખબર નથી. હું તેને બે વાર જ મળ્યો છું. પેલી વાર જ્યારે તે છોકરી નાં અપહરણ નું નક્કી કરવા આવ્યો ત્યારે અને બીજી વાર જ્યારે તે રૂપિયા દેવા આવ્યો ત્યારે. તે પહેલાં કે પછી મે તે વ્યક્તિ ને ક્યાંય જોયો નથી."

અભિમન્યુ એ પૂછ્યું, "ભલે એ પહેલાં કે પછી નહિ જોયો હોય પણ તેને બે વાર મળ્યો ત્યારે તો જોયો હશે ને? તે દેખાવે કેવો હતો, તેનો સ્કેચ બનાવવામાં અમારી મદદ કર."

સંતોષે કહ્યું, "સર, સ્કેચ બનાવવા ની શું જરૂર છે. હું તેનો હુલિયો તમને અત્યારે જ જણાવી શકું છું. તેની હાઇટ લગભગ ૫ ફૂટ ૧૦ ઇંચ જેટલી હશે. એકલવડો બાંધો હતો અને એકદમ જ સફેદ ઘાટી દાઢી ધરાવતો હતો. અડધો ચેહરો તો જાણે દાઢી મૂછો થી ઢંકાયેલો હતો અને બાકી નો અડધો ચેહરો મોટા કાળા ગોગલ્સ પહેરીને ઢાંકેલો હતો. ઓછા માં પૂરું માથે મોટી ગોળ ટોપી પહેરેલી હતી ક્રિકેટ માં પેલા અમ્પાયર પહેરે છે એવી."

જેમ જેમ સંતોષ પેલા વ્યક્તિ નો દેખાવ કહેતો જતો હતો તેમ તેમ અભિમન્યુ નાં મગજ માં વિચારો નું ઘોડાપૂર ઉમટી રહ્યું હતું કારણકે જેવો દેખાવ સંતોષ કહી રહ્યો હતો બિલકુલ તેવા જ દેખાવ ધરાવતા વ્યક્તિ જોડે ઋષિકેશ કાર માં બેસી ને ક્યાંક જઈ રહ્યો હતો. ક્ષણ વાર નુંયે મોડું કર્યા વગર અભિમન્યુ એ ઋષિકેશ જોડે કાર માં બેસેલા વ્યક્તિ નો ફોટો સંતોષ ને બતાવ્યો અને પૂછ્યું કે શું તે વ્યક્તિ આ હતો?"

સંતોષ ફોટો જોતા વેંત જ બોલ્યો, "હા સર, આજ તો હતો તે. બિલકુલ આજ હતો."

સંતોષે તે વ્યક્તિ ને ઓળખી તો બતાવ્યો પરંતુ તેનું નામ કે તે ક્યાંથી આવ્યો હતો કે ક્યાં રહે છે તે કોઈજ બાબત નો હજુ સુધી તાગ મેળવી શકાયો નાં હતો. અભિમન્યુ એ સંતોષ ને બીજી અડધી કલાક આગવા અંદાજ માં તેની ફરી ફરી ને પૂછપરછ કરી પરંતુ તે બીજું કઈ જાણતો હોય તો કહે ને.

અને તેનો મતલબ એ થયો કે આટઆટલી કસરત કર્યા બાદ પણ પોલીસ નાં હાથ માં કશું જ આવ્યું ના હતું. આમ વિચારી ને અભિમન્યુ બહાર જઈ રહ્યો.
__________

અમિતાભ ને ગોળી વાગ્યા ની ઘટના ને પાંચ દિવસ વીતી ગયા હતા. અમિતાભ ને હવે ઘણું સારું હતું. અભિમન્યુ પણ તેની ખૂબ જ કાળજી લેતો હતો. હવે અમિતાભે ફરી ઋષિકેશ અને રાશી કેસ માં શક્રીય રસ લેવાનું શરુ કરી દીધું હતું. અભિમન્યુ પણ સમજતો હતો કે અમિતાભ કામ કરવા થી જ જડપ થી સાજો થશે.

અમિતાભે અભિમન્યુ પાસે બંને કેસ નાં અપડેટ માગ્યા. અભિમન્યુ એ કહ્યું, "સર, સંતોષ નાં જણાવ્યા મુજબ જે વ્યક્તિ એ રાશી નાં અપહરણ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા તે વ્યક્તિ એ જ છે જેની સાથે કાર માં બેસી ને ઋષિકેશ જઈ રહ્યો હતો."

અમિતાભ થોડું વિચારી ને બોલ્યો, "અભિમન્યુ આનો મતલબ એ થયો કે તું જે કહી રહ્યો હતો કે બંને કેસ એકબીજા જોડે સંબંધ ધરાવે છે તે વાત સાચી છે, અને જો આમ છે તો આઇ એમ સ્યોર્ કે તે અપહરણકાર જરૂર થી કોઈ બીજા અપહરણ માં શામેલ હશે. કાં તો તેણે અપહરણ કરી લીધું હશે અથવા તો યોજના બનાવી રહ્યો હશે."

આટલું બોલી અમિતાભ થોડું અટક્યો. હજુ પણ તેના શરીર માં ઘણી વિકનેસ હતી. અભિમન્યુ એ તેને થોડું લીંબુ નું પાણી આપ્યું. બે ત્રણ ઘૂંટડા પીને અમિતાભે ફરી બોલવા નું શરુ કર્યું, "અભિમન્યુ, ઋષિકેશ ને લઈને તે વ્યક્તિ જે ગાડી માં જઈ રહ્યો હતો તેના વિશે કઈ ખબર મળી?"

"સર, તે ગાડી નાં નંબર પરથી મે તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેણે ખોટી નંબર પ્લેટ લગાવી હતી. આજકાલ તો સમજો ને કે લગભગ બધા જ ગુન્હેગારો ગાડી અને મોબાઈલ નંબર ખોટા નંબર અને નામ સાથે જ ગુન્હા કરે છે, તેમને એમ છે કે પોલીસ તેનું કઈ નહિ બગાડી શકે." ગુસ્સા થી અભિમન્યુ બોલ્યો.

અમિતાભ અભિમન્યુ નો ગુસ્સો જોઈ થોડો હસતા બોલ્યો, "કામ ડાઉન માય બોય. ભલે ને ગુન્હેગારો પોતાને સ્માર્ટ સમજતા. પણ આપણે પણ તેમના બાપ છીએ. ડોન્ટ વરી." અમિતાભે અભિમન્યુ ને તો કહી દીધું કે ડોન્ટ વરી પણ મન માં ને મન માં તે પણ ચિંતિત હતો કે આખરે આ અપહરણકાર ને પકડવો કઈ રીતે.

અચાનક અમિતાભ ને કઈક યાદ આવ્યું હોય તેમ તેણે અભિમન્યુ ને પૂછ્યું, "મે તને પાછલા ત્રણ ચાર મહિના નાં કિશોર વયના છોકરા કે છોકરી નાં અપહરણ કેસ વિશે માહિતી કાઢવા માટે કહ્યું હતું, તેમાં કોઈ પ્રોગ્રેસ?"

અભિમન્યુ એ કહ્યું, "હા સર, મે આપણે વાત થઈ એ મુજબ માહિતી ભેગી કરી છે. છેલ્લા છ મહિના માં રાજકોટ જિલ્લા માં અપહરણ અને ગુમ થયા નાં કુલ બાવન કેસ નોંધાયા છે તેમાં કિશોર અવસ્થા માં છોકરા કે છોકરીને અપહરણ કરાયા હોય કે તેઓ ગુમ થઈ ગયા હોય તેવા સતર કેસ છે. અને આ સતર કેસ માંથી નવ કેસ માં કા તો કેસ સોલ્વ થઈ ગયા છે અથવા તો ખંડણી ભર્યા બાદ છોકરાઓ ને છોડી દેવાયા છે. બે કેસ માં છોકરા ને મારી નાખવામાં આવ્યા છે અને તેના ખૂની અપહરણકારો પકડાય ગયા છે. પરંતુ હજુ સુધી ૬ કેસ એવા છે જેમાં કોઈ કડી નાં મળી હોય."

"અને તે ૬ કેસ માંથી રાજકોટ શહેર નાં કેસ કેટલા છે?" અમિતાભે પૂછ્યું.

અભિમન્યુ બોલ્યો, "સર, તે ૬ માં થી ચાર કેસ રાજકોટ શહેર નાં છે. ચાર માંથી એક કેસ માં એક ૧૭ વર્ષ ની છોકરી ને તેનો પ્રેમી ભગાડી ગયા ની શંકા ખુદ છોકરી નાં મમ્મી અને પપ્પા એ વ્યક્ત કરી છે."

"હમમ.." અભિમન્યુ ની વાત ને ધ્યાન થી સાંભળતા અમિતાભ બોલ્યો, "બાકી નાં ત્રણ કેસ શું કહે છે?

અભિમન્યુ એ કહ્યું, "બાકી નાં ત્રણ કેસ માં એક કેસ માલવિયા નગર પોલીસ સ્ટેશન માં નોંધાયો છે. એક ૧૫ વર્ષ નાં સમીર નામ નાં છોકરા નું તેની સ્કુલ ખાતે થી અપહરણ આજ થી ત્રણ મહિના પહેલા કરાયું હતું. તેના બદલામાં ખંડણી નો કોઈ ફોન આવ્યો નાં હતો કે ના તો હજુ સુધી તેના કોઈ ખબર મળ્યા છે. પોલીસ ને શંકા છે કે કિશોર અવસ્થા નાં છોકરાઓ ની માનવ તસ્કરી કરતી ગેંગ નો આમા હાથ હોવો જોઈએ. બીજો કેસ શહેર નાં કુવાડવા રોડ વિસ્તાર ખાતે નોંધાયો છે. પંદર દિવસ પહેલા એક ૧૪ વર્ષ ની ઉમર ની છોકરી અચાનક તેના ઘરે થી જ ગુમ થઈ ગઈ હતી. તેના માટે બે લાખ ની ખંડણી નો ફોન પણ આવ્યો હતો પરંતુ ત્યાર બાદ ખંડણી માટે બીજી વખત કોઈ ફોન આવ્યો જ નહિ. હજુ પણ તે છોકરી ની કોઈ જ ખબર નથી. કુવાડવા રોડ પોલીસ તેની તપાસ કરી રહી છે. મે તેના સબ ઇન્સ્પેકટર સત્યજીત સિંહ ખુમાણ કે જે મારો મિત્ર છે તેને કહ્યું છે કે જેવા કઈ અપડેટ મળે કે તરત જ મને જાણ કરે. તથા મે આપણા બંને કેસ માં શંકાસ્પદ એવા તે વ્યક્તિ નો ફોટો પણ તે કેસ માં સત્યજીત ને બતાવી જોયો પણ તેનું કહેવું છેકે હજુ સુધી તો એવો કોઈ વ્યક્તિ કેસ માં તપાસ દરમિયાન રડાર માં આવ્યો નથી. અને ત્રીજો કેસ મવડી પોલીસ માં નોંધાયો છે..."

હજુ અભિમન્યુ કહી જ રહ્યો હતો ત્યાં જ ડોકટર અને નર્સ અમિતાભ નાં રૂમ માં દાખલ થયા. ડોકટર દીપક પટેલ અભિમન્યુ અને અમિતાભ ને આ રીતે ચર્ચા કરતાં જોઈ હસતા બોલ્યા, "તમે તો અહી જ પોલીસ સ્ટેશન બનાવી દીધું. એન્ડ મિસ્ટર અભિમન્યુ તમારા સાહેબ તો નહિ સમજે પરંતુ તમે તો સમજો કે હજુ ઇન્સ્પેકટર અમિતાભ સાહેબ ને આરામ ની ઘણી જરૂર છે."

અભિમન્યુ કઈ કહે તે પહેલાં અમિતાભ હસતા હસતા બોલ્યો, "ડોકટર સાહેબ, અમારી ડયુટી માં અમારું કામ જ મારા માટે આરામ છે."

ડોકટર દીપક પટેલ બોલ્યા, "હા સર, હું સમજુ છું. પરંતુ હાલ તો હું મારું કામ કરવા આવ્યો છું. અને મારું કામ તમે પૂરતો આરામ કરો તે ધ્યાન રાખવાનું છે."

અભિમન્યુ બોલ્યો, "ઓકે ડોકટર, હું બસ નીકળતો જ હતો." આમ કહી ને અભિમન્યુ ઉભો થતાં અમિતાભ બાજુ ફરી ને બોલ્યો, "ચાલો સર, અત્યારે હું નીકળું. સાંજે પાછો આવીશ. કઈ કામ હોય તો મને બિન્દાસ ફોન કરજો." ડોકટર ને અમિતાભ નું ધ્યાન રાખવા નું કહી ને અભિમન્યુ પોલીસ સ્ટેશન જવા નીકળ્યો.
__________

હજુ અભિમન્યુ પોલીસ સ્ટેશન માં પહોંચ્યો જ હતો ત્યાં જ થોડી વાર માં તેને એક કોલ આવ્યો અને અભિમન્યુ તેની ખુરશી પર થી ઉભો થઇ ગયો. વાત સાંભળી ને અભિમન્યુ બોલ્યો, "આર યુ શ્યોર સર? તમને એવું કેમ લાગ્યું?"

સામે છેડે અમિતાભ ફોન પર હતો. અભિમન્યુ નાં ગયા બાદ અમિતાભ રાશી અને ઋષિકેશ કેસ વિશે વિચારી રહ્યો હતો. અચાનક તેને કઈક યાદ આવ્યું અને તરત જ તેણે અભિમન્યુ ને ફોન કરી ને કહ્યું કે વાસ્તવ માં અપહરણકાર રાશી નું અપહરણ ઈચ્છતો જ નહોતો. તેનું ટાર્ગેટ તો તેની બહેન રિધિમાં હતી, રાશી તો ભૂલ થી કીડનેપ થઈ ગઈ હતી.

અને આજ વાત સાંભળી ને અભિમન્યુ ખૂબ જ આશ્ચર્ય માં ગરકાવ હતો. તેણે અમિતાભ ને કારણ પૂછ્યું તો અમિતાભે તેને રાશી ની ઘટના નાં ફૂટેજ નો વિડીયો લઈ ને સાંજે હોસ્પિટલ એ આવવા નું કહ્યું.

હવે અભિમન્યુ માટે સાંજ પાડવી મુશ્કિલ હતી. માંડ માંડ તેણે બીજા પેન્ડિંગ કામ કરતા કરતા સાંજ પાડી. જેવા સાંજ નાં સાડા છ થયા તે રાશી કેસ નાં ફૂટેજ નાં વિડિયો લઈ ને હોસ્પિટલ જવા રવાના થયો.
__________

શું અમિતાભ ની શંકા સાચી હશે?
શું અપહરણકાર નું સાચું ટાર્ગેટ રાશી નહિ પરંતુ રિધીમાં હશે?
શું અભિમન્યુ ની થીયરી પ્રમાણે બીજા કોઈ કીડનેપિંગ કેસ ને આ કેસ સાથે કનેક્શન હશે?
શું કેવિન અપહરણ કેસ ક્યારેય સોલ્વ થશે

આ તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાચતા રહો રહસ્ય, રોમાંચ થી ભરપૂર ધારાવાહિક "કિડનેપ" નાં આગામી અંકો માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા ૯૨૨૮૨૭૬૩૫૪ પર વોટ્સએપ પણ કરી શકો છો.