MOJISTAN - 88 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 88

મોજીસ્તાન (88)

ધારાસભાની ચૂંટણી નજીક આવી રહી હતી.ખોંગ્રેસ અને એલપીપી પક્ષના કાર્યાલયો પર કાર્યકરોનો ધમધમાટ ચાલી રહ્યો હતો. ખોંગ્રેસમાંથી ચમનલાલ ચાંચપરાનું નામ ટીકીટ માટે ફાઇનલ જ હતું પણ હાઈકમાંડના લિસ્ટમાંથી ચમન ચાંચપરાને બદલે બોટાદની સીટ પર ચંદુલાલ ભટ્ટને ટીકીટ આપવામાં આવી.આ ચંદુલાલ ભટ્ટ ખોંગ્રેસનો કાર્યકર પણ નહોતો.પણ પાર્ટીને પચાસ લાખનું ફંડ આપીને એણે ટીકીટ મેળવી હતી. અચાનક પત્તુ કપાઈ જવાથી ચાંચપરા અકળાયો હતો.રણછોડ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.જે પાર્ટી માટે રાત દિવસ કામ કર્યું અને જીવનું પણ જોખમ લીધું એ પાર્ટીએ કદર કરવાને બદલે મૂળમાં જ ઘા કર્યો હતો. હરીફ પાર્ટીના હુકમચંદને કબજે કરીને ધરમશી ધંધુકિયાને આ વખતની ચૂંટણીમાં કેટલી વિસે સો થાય છે એ બતાવી દેવાનું રણછોડે નક્કી કર્યું હતું પણ હવે જેના માટે લડતો હતો એ વ્યક્તિને બદલે બીજો જ માણસ એના સ્થાને ગોઠવાઈ રહ્યો હતો. ચંદુલાલ પાછો ધરમશી સાથે સારા સબંધ ધરાવતો હોવાનું પણ રણછોડે સાંભળ્યું હતું.

હુકમચંદને રણછોડે જ ક્યાંક ફિટ કર્યો હોવો જોઈએ એવો પાક્કો શક ધરમશીને હતો.પણ પોલીસ સ્ટેશનમાં રણછોડે સાવ હાથ અદ્ધર કરી દીધા એ જોઈ ધરમશીએ દાવ ખેલ્યો હતો. છેલ્લા દસ વર્ષથી સત્તા મેળવવા હવાતિયાં મારતી ખોંગ્રેસની આર્થિક હાલત ધરમશી જાણતો હતો.એટલે એણે જ પોતાના મિત્રને પોતાની સામે જ ચૂંટણી લડવા તૈયાર કર્યો હતો અને ખોંગ્રેસની ટીકીટ પચાસ લાખમાં ચંદુલાલને અપાવીને ચમન ચાંચપરાનું પત્તુ કાપી નાખ્યું હતું. ખોંગ્રેસ બોટાદની સીટ પર અમથી પણ હારવાની જ હતી એટલે ચમનને લડાવવા કરતા પચાસ લાખ લઈને નબળો ઉમેદવાર મુકવાનું ફાયદાકારક જ હતું.એ હાઇકમાન્ડ પણ જાણતું હતું.

પણ ચમન ચાંચપરા એમ સાવ ઓછા લાકડે બળે એવો નહોતો.પોતાને ટીકીટ ન મળી એટલે એણે ખોંગ્રેસ છોડી દેવાનું નક્કી કરીને અપક્ષ લડવાનું નક્કી કર્યું.આ વિસ્તારમાં લોકોના ઘણા કામ ચમને કર્યા હતા એટલે ધરમશીને બરાબર ટક્કર આપી શકવાનો એને વિશ્વાસ હતો. રણછોડ એનો સ્ટાર પ્રચારક હતો અને ઘણા ગામડાઓમાં રખડીને એણે ચમન તરફી હવા ઉભી કરી હતી.પણ પાર્ટીએ એ બધું ધ્યાનમાં લેવાને બદલે પાર્ટીફંડ સ્વીકારીને નવો ઉમેદવાર માથે માર્યો.વળી એ ઉમેદવારને બોટાદ વિધાનસભા વિસ્તારમાં કોઈ ઓળખતું પણ નહોતું.હાઇકમાન્ડે ચંદુલાલનો પ્રચાર કરવાની જવાબદારી પણ ચમન અને રણછોડને આપી હતી એટલે એ બંનેએ બળવો કરવાનું નક્કી કર્યું.

હુકમચંદને ઉઠાવ્યા પછીના ત્રીજા દિવસે ધરમશીએ ચાલ ચાલી હતી.વળી નવા ઉમેદવારે અને ખોંગ્રેસ હાઈકમાંડે રણછોડને બોલાવીને હુકમચંદ વિશે પૂછ પરછ પણ કરી હતી.અને જો રણછોડે હુકમચંદનું અપહરણ કર્યાંનું બહાર આવે તો પાર્ટીની આબરૂ પર બહુ મોટી અસર થાય તેમ હતી. એલપીપીના કાર્યકરનું અપહરણ કરીને મારી નાખવાનો પ્રયાસ કરનારને કોઈ મત આપે નહિ, લોકોની સહાનુભૂતિ આપોઆપ એલપીપી તરફ વળી જવાની ભીતી પણ હતી.એટલે જો રણછોડે જ હુકમચંદને ઉઠાવ્યો હોય તો એ બાબત ઘણી ગંભીર હતી.

એક તરફ રણછોડ પર પાર્ટીનું દબાણ હતું અને બીજી તરફ હવે ચમન ચાંચપરાએ અપક્ષ ઉમેદવારી કરવાનું જાહેર પણ કરી દીધું હતું. હવે જો હુકમચંદની હકીકત બહાર આવે તો ખોંગ્રેસને આ લોકોને કાઢી નાખવાનું બહાનુ પણ મળી જાય એમ હતું.ધરમશી ધંધુકિયાએ માસ્ટર માઈન્ડ વાપરીને ચમન અને રણછોડને રણ છોડાવી દીધું હતું. ધરમશીએ સત્તાના જોરે રાજ્યની પોલીસને દોડતી કરી દીધી હતી. બરવાળા પોલીસ સ્ટેશનના પી.આઈ સોંડાગરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.હુકમચંદના બંને માણસો જગા અને નારસંગે આગળની રાતે સોંડાગરે હુકમચંદને બળજબરીથી ગિરફ્તાર કર્યો હતો એવી જુબાની પણ આપી હતી. એટલે પોલીસતંત્રને સોંડાગર ઉપર ડાઉટ હતો કે કદાચ એણે જ કોઈ વિરોધીને હુકમચંદને ઉઠાવવામાં મદદ કરી હોવી જોઈએ. હુકમચંદને ગુમ કરવાનો આક્ષેપ સોંડાગર ઉપર નાંખવામાં અવ્યો હતો. સોંડાગરે એણે લીધેલા બે લાખ પાછા આપવાનું કહી રણછોડને ખૂબ જ વિનંતી કરી હતી કે હુકમચંદ વિશે જાણકારી આપે પણ રણછોડ તો ચિત્રમાં હતો જ નહીં એટલે એણે હાથ ઊંચા કરીને સોંડાગરને બરાબરનો ફસાવ્યો હતો.સોંડાગરને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો !

બે દિવસ પછી ધરમશીએ બરાબરનો ગાળિયો કસ્યો હતો. રણછોડ હવે ઘરનો કે ઘાટનો પણ ન રહે એવું ચોગઠું એણે ગોઠવ્યું હતું. હુકમચંદને ઉઠાવવાનું રણછોડને હવે ભારે પડી રહ્યું હતું. જો આ વાત જાહેર થાય તો ચમનને મત મળવા મુશ્કેલ થઈ શકે એમ હતા.ચમને પણ પોતાને વિશ્વાસમાં લીધા વગર હુકમચંદને ગાયબ કર્યો એટલે રણછોડનો ઉધડો લીધો હતો.રણછોડના આ એક જ અવિચારી પગલાંને કારણે ચમનની રાજકીય કારકિર્દી ખતમ થવાને આરે હતી.

આ બધામાંથી બહાર આવવાનો એક જ રસ્તો હતો.ગમે તેમ કરીને હુકમચંદ ચૂંટણી પતે એ પહેલાં બહાર આવવો ન જોઈએ.આક્ષેપ ભલે ગમે તેટલા થાય પણ સાબીતી વગરના આક્ષેપ કોઈ કામમાં આવતા નથી એ રણછોડ જાણતો હતો. પણ ધરમશીએ રાજ્યની પોલીસને કામે વળગાડી હતી. બરવાળામાં નવો આવેલ પી.આઈ પણ આદુ ખાઈને રણછોડ પાછળ પડયો હતો.પણ ચોક્કસ પુરાવા ન હોવાથી રણછોડની ધરપકડ થઈ નહોતી.

ધરમશી પોતાના કોલ રેકોર્ડ પણ કરાવશે જ અને ધરમશીએ એના માણસો પણ પોતાની પાછળ હતા લગાડ્યા હશે એની પણ ચાલાક રણછોડને ખબર હતી.

રણછોડે ખુમાનસંગને સૂચના આપી હતી કે જ્યાં સુધી એ પોતે એને ફોન ન કરે ત્યાં સુધી હુકમચંદને રીબાવવો.સામેથી ફોન કરવો નહિ કે સંપર્ક કરવાની કોશિશ કરવી નહિ.હુકમચંદને એના ગામમાંથી ઉઠાવ્યા પછી ખુમાનસંગને સોંપ્યો ત્યારે જ બધી સૂચના એને આપી દીધી હતી.ખુમાનસંગે એવી જગ્યાએ હુકમચંદને છુપાવ્યો હતો કે દસ દિવસ પછી પોલીસને એનો કોઈ સુરાગ પણ મળ્યો નહોતો.

જે રાજકીય પરિસ્થિતિ ઉભી થઇ હતી એને કારણે રણછોડની નીચે ધરતી ગરમ થઇ ગઇ હતી. રાજ્યભરના છાપાઓમાં આ ઘટના ચમકી હતી.ધરમશી, વિરોધ પક્ષના લોકો પર આક્ષેપ પર આક્ષેપ કરીને લોકોની સહાનુભૂતિ મેળવી રહ્યો હતો.હુકમચંદની પત્ની સવિતા અને દીકરી વિજળીએ આંખમાં આંસુ સાથે આપેલા ટીવી ઇન્ટરવ્યુને કારણે લોકોમાં ચમન ચાંચપરા અને રણછોડ પર નફરત છવાઈ રહી હતી. ખોંગ્રેસે પલ્લું ઝાડીને પોતાની છબી લોકો સમક્ષ સ્વચ્છ રાખી હતી.ચમનની અપક્ષ ઉમેદવારી હવે જોખમમાં આવી પડી હતી.હવે ચમનને પણ રણછોડ જેવા માણસનો સાથ નિભાવવાનું અઘરું પડી રહ્યું હતું.

હુકમચંદને ઉઠાવવાનું કામ રણછોડ માટે ખૂબ નઠારા પરિણામો લાવ્યું હતું. રણછોડ ચારેકોરથી ભીંસમાં આવ્યો હતો !

આખરે ચમન ચાંચપરાએ પોતે ક્ષણિક આવેશમાં આવી જઈ પાર્ટી છોડી ગયો હોવાનું અને હુકમચંદના અપહરણમાં પોતાનો હાથ ન હોવાનું જાહેર કરી પુન: ખોંગ્રેસના ખોળે બેસી ગયો હતો. અને ચંદુલાલ ભટ્ટની આગેવાનીમાં પોતે વિશ્વાસ જાહેર કરીને એના પ્રચારમાં લાગી ગયો ત્યારે રણછોડ એકલો પડી ગયો હતો. રાજકારણને કારણે હુકમચંદ સાથે કરેલી દુશ્મમાવટ હવે એની અંગત દુશ્મમાવટ રહી જવા પામી હતી.લોકો હવે રણછોડને શંકાની નજરે જોતા થઈ ગયા હતા.

ચમન ચાંચપરા ધારાસભ્ય બને પછી બોટાદ નગર નિગમમાં રણછોડને અગત્યનું પદ મળે તેમ હતું. સરકારી કામોના કોન્ટ્રાકટમાં
ખાવા મળનારી મલાઈથી રણછોડ વગદાર અને માલદાર બનવાના સ્વપ્નો જોતો હતો.પણ હવે એને હાથના કર્યા હૈયે વાગી રહ્યા હતા.

હુકમચંદ હવે જીવતો રહે તો રણછોડને જેલમાં જવું જ પડે એમાં કોઈ બે મત નહોતા. કારણ કે ખુમાનસંગ પોલીસ રિમાન્ડમાં રણછોડનું નામ ઓકી નાખે એવી શક્યતા સો ટકા હતી.એટલે રણછોડે 'ન રહેગા બાંસ તો ન બજેગી બંસી' એ હિસાબે હુકમચંદનું કાટલું કાઢી નાખવાનું નક્કી કર્યું.

*

આજ ઘણા દિવસ પછી તખુભાની ડેલીમાં ડાયરો જામ્યો હતો.હુકમચંદને કોક ઉઠાવી ગયુ એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ગામમાં પડ્યા હતા.પોચા સાહેબે ઉભા કરેલા ભૂતનો લાભ લઈ ભાભા ગામને યજ્ઞના ખર્ચામાં ઉતારવા તૈયાર થયા હતા પણ બાબાએ એમની યોજના ઉપર પાણી ફેરવીને એમની ઈજ્જત ગામમા રહેવા દીધી નહોતી. હબો, રઘલો અને ચંચો ઘણા સમય સુધી ઘરની બહાર નીકળ્યા નહોતા.હબો હુકમચંદ ગુમ થઈ ગયો એટલે ખુશ હતો કારણ કે હબાને એ ફરી ભૂત બનાવવા માંગતો હતો. લખમણિયા ભૂતનો વેશ હજી હબાનો પીછો છોડતું નહોતું.નગીનદાસે હબાને ભૂત બનીને એના સાળાને ડરાવવાની યોજના બનાવી હતી.લુચ્ચો નગીનદાસ એના સગા સાળા પાસેથી પાંચ લાખ પડાવવા માંગતો હતો.હબો એવા કામમાં સાથ આપવા માંગતો નહોતો પણ છેલ્લા ઘણા સમયથી ભૂતની નોકરી કરવાને કારણે ભૂખ એના ઘરમાં આંટો મારી ગઈ હતી.તેથી મજબૂરીને કારણે હબાએ ફરી એકવાર ચંચાનો સાથ લઈને આવા કામો કરવાનું મન બનાવ્યું હતું ! ભૂતના વેશથી ભાગતો હબો હવે સામે ચાલીને ભૂત બનવા તૈયાર થયો હતો.

આજે હબો, ચંચો અને સાજો થયેલો રઘલો પણ તખુભાની ડેલીમાં હાજર થયા હતા.જાદવ રઘલા સામે ડોળા કાઢતો હતો. ભાભા કંઈ બોલ્યા વગર ખાટલે બેઠા હતા.ભીમો,ખીમો અને જાદવ તખુભા માટે કહુંબો તૈયાર કરતા હતા.

"હેં ગોર, તમે કંઈ જાણો છો ? આપડા ગામ માથે હમણાથી જે સંકટ આવ્યું છે ઈનું કારણ શું હશે ? જોવોને આ હુકમસંદને કોક ઉઠાવી જયુ છે.આજ દસ પંદર દિવસે ઇનો કોઈ અતોપત્તો નથી. ઈ જીવતો છે કે કોકે કાટલું કાઢી નાખ્યું છે ઈ તો તમારા ટીપણામાં જોઈ જોવો !" તખુભાએ ચુપચાપ બેઠેલા ભાભાને કહ્યું.

"તમારા પ્રતાપે ગામમાં રહી શક્યો છું.હવે મારે કોઈ ક્રિયાકરમ કરવા નથી. જાણું તો છું બધું જ પણ હવે મારી વાતનો ભરોસો કોણ કરે ? એટલે નો બોલ્યામાં જ નવગુણ છે તખુભા. ભાઈશાબ મને આ બારામાં કોઈ કાંઈ પૂછશો નહિ !" ભાભાએ કહ્યું.

ભાભાની વાત સાંભળીને હબાએ એના પડી ગયેલા દાંત હોઠ પહોળા કરીને તખુભાને બતાવતા કહ્યું, ''બાપુ, ભાભાના બાબલાને લીધે મારા આ દાંત પડી જ્યા સે.મને નિયાય મળ્યો જ નથી.મારી દુકાનમાંથી મફતની તમાકુના ફાકડા ઈ બાબલો મારી જાતો'તો. હવે ઈ પાસો પંડિત થાવા જ્યો સે. ઈ બાબલો શું તંબુરો પંડિત થાવાનો ! જેવા ઉઠાં ભાભાએ ભણાવ્યાં એવા જ બાબો ભણાવશે.મારી જેવા ગરીબનું મફતમાં ઓગાળી જાશે અને ગામને ઠુંઠે નો ચડાવે તો કેજો."

"દુષ્ટ હબલા, હું તારી લુલીને લગામ દે ! હું ભાંગ્યું તોય ભરૂચ છું ઈ નો ભૂલતો. તમે ત્રણ જણે લખમણિયો થઈને તખુભાને મહિનાના ખાટલે નાંખ્યા હતા ઈ ભુલી ગ્યા ? નાલાયકો તમારા જેવા હલકટ લોકોને પોચા જેવો અતિ હલકટ માણસ મળ્યો.તમે લોકો કુતરાના મોતે મરવાના છો ઈ નક્કી છે." ભાભાએ ડોળા કાઢીને હબાને ઘસકાવ્યો.

"જોવો બાપુ, આ ભરમદેતવા હજી ઓલવાતા નથી.અમે કાંઈ જાણી જોઈને બાપુને ખાટલે નો'તા નાંખ્યા. દાગતરે અડધી રાત્યે બાપુને હાદ કર્યો ઈમાં ઈ ઝપટે સડી જ્યા. ઈમાં અમારો કાંય વાંક નો કે'વાય. પણ તમે તો જાગતા જ પથારી પલાળવાના હતા.પોસા શાબ્યને તમે હલકટ કો સો પણ કોણ હલકટ સે ઈતો આખુ ગામ જાણે સે." હબો આજ ભાભાને વળગ્યો હતો.

"ચૂપ મર અલ્યા દુષ્ટ !'' ભાભા તાડુંક્યા.પછી તખુભા સામે જોઇને વદયાં, ''તખુભા તમે આ ભૂંડમુખ હબલાને અત્યારે આ જ ક્ષણે અહીંથી જતા રહેવાનું કહો નહિતર ન થવાનું થશે."

"તખુભાની ડેલી તો અલખનો ઓટલો કે'વાય. નોંધારાનો આધાર કે'વાય. તમારી જેવા ઉંસા થયન પડે તોય ઈમ કાંય અમને તખુભા કાઢી નો મૂકે. હાલી શુ નીકળ્યા સો. તમે શું તંબૂરો જાણો સો ? હાચુંન જાણતા હોવ તો હુકમસંદ જીવતા પાસા આવશે કે ઇમનું મડદું આવશે ઈ ભંહી બતાડો. જો તમારી વાણી હાચી પડે તો તમારા પગ ધોયન પાણી નો પીવ તો હું હબો મૂછ મુંડાવી નાંખીશ. અને જો ખોટું પડશે તો તમારી પૂંઠે ગામના ચોરે પાટું મારવાનું. બોલો સે કબૂલ ?"

ભાભા લોચન લાલ કરીને હબાને અને તખુભાને તાકી રહ્યાં. પછી ઉભા થઈને બોલ્યા, "તખુભા આંય બોલાવીને તમારે આ જ કરવું હતું એમને ? આવા શ્વાન ભસાવીને મને હેરાન કરવા જ મને ગામ છોડવા નથી દીધું ને ! મેં તમને સાવ આવા નહોતા ધાર્યા. હું આવા નીચ અને અધમ માણસો સાથે શું શરત લગાવીશ ? આવાઓ મારી પરીક્ષા લેશે આવા ?" ભાભાએ તિરસ્કારથી હબા સામે હાથ લાંબાટૂંકા કરીને કહ્યું.

"તમે બેસો મા'રાજ.હું તમારા માટે પેંડા મંગાવું છું.મારી ડેલીએ આવવાની મારે કોઈને ના તો ન જ પડાયને ! લ્યો હું હબાને ના પાડું છું, પણ બિચારાને તમે સાવ હલકા શબ્દોથી ઉતારી ન પાડો. મેં તમને પૂછ્યું ઈ જ ઈણે પૂછ્યું છે.
પણ તમને નો ગોઠતું હોય તો રે'વા દયો." કહી તખુભાએ હબા તરફ જોઈ ઉમેર્યું, "અલ્યા શું કામ સળગતામાં હાથ નાખશ.મૂંગો મર્યને ભૂંડા, જે થાવાનું હતું ઈ થઈ જયું.હવે મટી ગયેલું ગૂમડું ખંજોળમાં !"

"તમને ગૂમડું મટી જયું હોય ઈમ લાગતું હોય તો ભલે. બાકી અમને તો દુઃખાવો કાંય મટયો નથી. તમે કયો સો અટલે હું કાંય નઈ બોલું પણ હું બેઠો હોય નયાં બવ ગનાનની વાતું નો કરે ઈમ કય દયો ઈમને.બાકી ચયારેક વટાણા વેરાઈ જાહે " હબાએ કહ્યું.

ભાભાનો મૂડ સાવ બગડી ગયો હતો.તખુભાની ડેલીએ આવવા બદલ એમને પસ્તાવો થતો હતો.પણ હવે ઉભું થઈને જવાય એમ પણ નહોતું.

જાદવ હજી રઘલાને ઘુરતો હતો. હબો ભાભાનું ધોતિયું ખેંચતો હતો ત્યારે એણે રઘલા માટે ખાસ કહુંબો તૈયાર કર્યો હતો.પોતાની ઘરવાળીને એકલી જાણીને લાભ લેવા આવનાર રઘલાને પાઠ ભણાવવાની એની ઈચ્છા આજ પુરી કરવાની તક જાદવને મળી હતી.

*

નગીનદાસની ખડકીમાં ટેમુએ મચાવેલું દંગલ બજારે નીકળેલા લોકોએ જોયું હતું.એ ટોળામાં ઉભેલા ટેમુના કાકાના દીકરાએ એ ઘટનાનો વીડીયો બનાવીને મીઠાલાલને મોકલ્યો હતો. નગીનદાસે પાટુ મારીને ટેમુને ફળિયામાં ગડથોલિયું ખવડાવી દીધું ત્યારે એણે મીઠાલાલને ફોન કરીને જલ્દી નગીનદાસના ઘેર આવવા જણાવ્યું હતું. મીઠાલાલ એ વખતે નગીનદાસે આપેલા ઓર્ડરની મીઠાઈ બનાવતો હતો.એના હાથમાં મોટો તાવેથો હતો.
ટેમુને નગીનદાસે એના ઘરે બોલાવીને માર્યો હોવાનું જાણીને મીઠાલાલે તવેથો ખભે મૂકીને નગીનદાસના ઘર તરફ દોટ મૂકી હતી !

નગીનદાસના ઘેર દસ મિનિટ પછી કેવો ટેબ્લો પડવાનો છે ?

રણછોડ ખરેખર હુકમચંદને ઠેકાણે પાડી દેશે ?

તખુભાની ડેલીમાં ભાભાના લીરા હજી પણ હબો ખેંચશે ?

રઘલાને કેવો પાઠ જાદવ ભણાવશે ?

બાબો પંડિત થઈને પાછો આવશે ખરો ? ટેમુ અને નીનાનું લગ્ન થશે કે નહીં ?

આ બધા સવાલોના જવાબ જાણવા વાંચતા રહો મોજીસ્તાન ! અને સિક્કાઓનું પ્રોત્સાહન આપજો જ મારા વહાલા વાચક દોસ્તારું !

(ક્રમશ :)


વ્હાલા વાચક મિત્રો,
આપ સહુને એક ભલામણ એ છે કે હું માતૃભારતી સિવાય અન્ય પ્લેટફોર્મ પર પણ આ વાર્તાઓ પબ્લિશ કરું છું.જે આપમાંથી ઘણા વાચકોને ખબર છે.અને તેઓ એ પ્લેટફોર્મ પર પણ મને વાંચે છે. મોટેભાગે તો અહીંની જ બધી વાર્તાઓ ત્યાં પણ હોય છે.પરંતુ શોપીજન ( shopizen) પ્લેટફોર્મ પર યોજવામાં આવતી સ્પર્ધામાં મેં લખેલી વાર્તાઓ હું અહીં મૂકી શકતો નથી.હાલમાં શોપીજન પર યોજાયેલી લઘુ નવલકથા સ્પર્ધા 'ધ ટ્રેન સ્ટોરી' માં મારી લઘુનવલકથા 'થ્રિ થિવ્ઝ ઓંન ધ ટ્રેન' પ્રથમ નંબરે આવી છે. એક એકથી ચડિયતા ત્રણ ભેજાબાજ ચોર શેઠ રોશનલાલનું દસ લાખનું ઘરેણું ચાલુ ટ્રેનમાં ચોરે છે. પહેલા ચોર પાસેથી બીજો અને બીજા પાસેથી ત્રીજો ચોર ચોરીનો માલ તફડાવે છે. અજીબોગરીબ ઘટનાઓ અને વળાંકોવાળી આ લઘુનવલ આપ સૌને ખૂબ ગમશે જ. તો આપને નમ્ર નિવેદન છે shopizen ડાઉનલોડ કરીને આ નોવેલ જરૂર વાંચશો.