Kidnap - 14 books and stories free download online pdf in Gujarati

કીડનેપ - 14

અમિતાભ અને અભિમન્યુ એ ઋષિકેશ, રાશિ અને રિધીમા કેસ સાથે અન્ય કેસ પણ જરૂર થી સંકળાયેલ હશે તે વાત ને કેન્દ્ર સ્થાને રાખી ને ઋષિકેશ નાં મમી બીના અને રિધીમા નાં પપ્પા નિશીથ ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. રૂચીતા અને કેવિન કેસ સાથે જોડાયેલા તેના કુટુંબીજનો અને અન્ય લોકો નાં ફોટોઝ તે બંને ને બતાવી રહ્યા હતા ત્યારે એક ફોટો ને જોઈ ને બીના અને નિશીથ બન્ને ચોંકી ઉઠ્યા હતા અને એકી સાથે બોલી ઉઠ્યા કે, "અરે આને તો અમે ઓળખીએ છીએ. અમે ત્રણે સાથે જ હાઇસ્કુલ માં અભ્યાસ કરતા હતા."

બીના અને નિશીથ એ જેને ઓળખી બતાવ્યો હતો તે ફોટો કેવિન નાં મમી ભૂમિકા નો હતો. અમિતાભ અને અભિમન્યુ એકબીજા ની સામે જોઈ રહ્યા. અમિતાભે કન્ફર્મ કરવા ફરી પૂછ્યું, "આર યુ સ્યોર? આ ભૂમિકા ઉપાધ્યાય છે. આજ થી સવા મહિના પહેલા તેના પુત્ર કેવિન નું પણ અપહરણ થઈ ગયું છે."

નિશીથ બોલ્યો, "હા સર. અમે સ્યોર છીએ. આ અમારી ફ્રેન્ડ ભૂમિકા જ છે. ભૂમિકા પંડ્યા. બની શકે કે લગ્ન પછી તેની સરનેમ બદલાઈ ગઈ હોય."

બીના બોલી, "હા સર, અમારી નજર અમારી બેસ્ટ ફ્રેન્ડ ને ઓળખવામાં ભૂલ થોડી ના કરી શકે. પણ આ તમે શું કહી રહ્યા છો કે તેના દીકરા નું પણ અપહરણ થઈ ગયું છે?"

અમિતાભે કહ્યું, "એક બાજુ તમે એમ કહી રહ્યા છો કે તમે ત્રણે સાથે ભણતા હતા અને બેસ્ટ ફ્રેન્ડ છો અને બીજી બાજુ તમને લોકો ને એક બીજા વિશે કોઈ માહિતી કે ખબર જ નથી? મને કંઈ સમજાતું નથી. વીલ યુ બી ક્લીઅર?"

બીના એ અમિતાભ ની મૂંઝવણ ને દુર કરવા નાં ભાગ રૂપે કહ્યું, "સર, માન્યું કે અમે સાથે જ ભણતા હતા અને બેસ્ટ ફ્રેન્ડ પણ હતા. પરંતુ આ વાત આજ થી લગભગ 25 વર્ષ પહેલાં ની છે. હું, ભૂમિકા અને નિશીથ રાજકોટ શહેર ની શાંતિ નિકેતન માધ્યમિક શાળા માં નવમાં ધોરણ થી બારમાં ધોરણ સુધી એમ કુલ ચાર વર્ષ સાથે અભ્યાસ કરતા હતા. અભ્યાસ નાં એ વર્ષો દરમિયાન અમારી ત્રણે ની જોડી આખી શાળા માં પ્રખ્યાત હતી. અમારા શિક્ષકો પણ અમને "ટીખળી ત્રિકડી" કહી ને બોલાવતા." આટલું બોલતા બોલતા બીના ની આંખો માં એ જ બાળપણ ના સમય વખત ની ચમક આવી ગયેલી જણાતી હતી. પરંતુ બાદ માં વર્તમાન સ્થિતિ નું ભાન થતા તે થોડી અટકી ને બોલી, "સર, પણ તે બધી વાતો ને તો પચીસ વર્ષ વિતી ગયા છે. શાળા માં થી છૂટા પડ્યા બાદ એક બે વર્ષ સુધી અમે એકબીજા નાં સંપર્ક માં રહ્યા હતા. પરંતુ ત્યાર બાદ સંપર્ક જ છુટી ગયો."

બીના ની વાત પૂરી થતાં નિશીથ પણ બોલ્યો, "હા સર, કોલેજ પૂરી થયા બાદ જોબ, લગ્ન અને અન્ય જવાબદારીઓ માં જૂની ફ્રેન્ડશિપ ક્યાં ખોવાઈ ગઈ ખબર જ ના રહી. એ વખતે આજના જેવું સોશિયલ મીડિયા પણ ના હતું કે અમે એકબીજા નાં સંપર્ક માં રહી શકીએ."

બીના અને નિશીથ ની વાત સાંભળી રહ્યા બાદ અમિતાભ થોડું વિચારીને બોલ્યો, "તો તમારા બન્ને નાં કહેવા મુજબ તમે લોકો આજ થી પચીસ વર્ષ પહેલાં છૂટા પડ્યા ત્યાર બાદ આજે ફરી મળ્યા છો. અને આજે પચીસ વર્ષ બાદ તમારા ત્રણે નાં સંતાનો એક પછી એક કિડનેપ થાય છે અને જે શંકાસ્પદ વ્યક્તિ નો ફોટો અમે તમને બતાવ્યો છે તેને તમે ઓળખતા નથી. તો આપણી સામે સહુ થી મોટો સવાલ હવે એ છે કે આજ થી પચીસ વર્ષ પહેલાં નાં ભૂતકાળ ની એ કંઈ ઘટના હોય શકે કે જેની અસર તમારા આજ નાં વર્તમાન ને બરબાદ કરવા માટે કાર્યશીલ બની છે."

અમિતાભ ની વાત પૂરી થતાં બીના અને નિશીથ બન્ને એકબીજા સામે તાકી રહ્યા. કંઇક સુજી આવ્યું હોય તેમ અમિતાભ બોલ્યો, "આપણે એક કામ કરીએ, આવતીકાલે સવારે સાડા દસ એ આપણે ફરી વખત મળીએ. આ વખતે અમે ભૂમિકા ને પણ બોલાવીશું. જેથી અમને પણ જે માહિતી જોઈએ છે તે પૂરી અને સંપૂર્ણ મળે."

અમિતાભ ની વાત સાંભળી ને બીના અને નિશીથ બન્ને એ માત્ર હકાર માં માથું હલાવ્યું. હજુ પણ બન્ને એ જ વિચારી રહ્યા હતા કે પચીસ વર્ષો પછી તેમની સાથે આ બધી ઘટનાઓ બની રહી છે તેનું કારણ શું ખરેખર તેમના ભૂતકાળ માં જ હશે?

બીના અને નિશીથ નાં ગયા બાદ અમિતાભે સહુ પહેલાં તો કેવિન અપહરણ કેસ નાં ઇન્વેસ્ટીગેટર ઓફિસર એવા તેના ફ્રેન્ડ ઇન્સ્પેક્ટર રણવીર ને ફોન લગાડ્યો અને તેને મળવા માટે કહ્યું. તો આ બાજુ અભિમન્યુ એ ભૂમિકા અને અમરીશ ઉપાધ્યાય બન્ને ને ફોન કરી ને બીજે દિવસે પોલીસ સ્ટેશન આવવા માટે ની સૂચના આપી દીધી.

______

તે જ દિવસે સાંજ નાં સાડા છ વાગ્યા નાં સુમારે પોલીસ સ્ટેશન માં અમિતાભ ની ચેમ્બર માં રણવીર અને અમિતાભ બંને બેઠા હતા અને અભિમન્યુ અમિતાભ ની ચેર ની બાજુ માં જ ઉભો હતો. થોડી ઘણી હળવાશ ભરેલી વાતો અને જુના સંસ્મરણો વાગોળ્યા બાદ અમિતાભ મુદ્દા પર આવતા બોલ્યો, "રણવીર, કેવિન અપહરણ કેસ માં કઈ અપડેટ છે?"

રણવીર એ કહ્યું, "ના સર, આજે સવા મહિનો થવા આવ્યો છતાં તે કેસ માં કોઈ ઇમ્પોર્ટન્ટ હાથ લાગ્યું નથી. મને તો શંકા છે કે તે છોકરો કેવિન હજુ જીવતો પણ..."

હજુ રણવીર આગળ કઈ બોલે તે પહેલાં જ તેને અટકાવતા અમિતાભ બોલ્યો, "ના રણવીર, કેવિન ને કઈ થયું નથી. મને એવી સ્ટ્રોંગ ફિલિંગ આવે છે કે કેવિન, ઋષિકેશ અને રિધીમા ને કઈ જ થયું નથી, અને આપણે તેમને સહી સલામત લઈ આવી ને જ જંપીશું."

અમિતાભ ની વાત માં વિશ્વાસ અને હિંમત ને પારખતાં રણવીર બોલ્યો, "જરૂર સર. પણ તમે ફોન માં કહી રહ્યા હતા કે કેવિન અપહરણ અને તમારા અન્ય બે કેસ એકબીજા જોડે કનેક્ટેડ છે. મને કઈ સમજાયું નહિ."

ત્યાર બાદ અમિતાભે ઋષિકેશ અને રિધીમા કેસ નો સમગ્ર ઘટનાક્રમ અને કઈ રીતે બીના અને નિશીથ એકબીજા ને ઓળખતા હોવાનું અને કઈ રીતે તેઓએ કેવિન નાં મમી ભૂમિકા ને તેઓ ઓળખતા હોવાનું અને પચીસ વર્ષ પહેલાં ત્રણે સાથે ભણતા હોવાની બધી વાત કહી.

રણવીર આ બધું સાંભળ્યા બાદ ઉત્સાહ થી બોલ્યો ,"સર, તો તો જરૂર થી આપણે આપણા ગુન્હેગાર ની નજીક પહોંચીશું અને તે બધા જ બાળકો ને સહી સલામત પાછા લાવી શકીશું."

અમિતાભે કહ્યું, "હા રણવીર, એટલા માટે જ મે તે ત્રણે ને આવતીકાલે સવારે અહી બોલાવ્યા છે. અને હું ઈચ્છું છું કે આવતીકાલે તું પણ અહી હાજર રહે."

રણવીર એ કહ્યું, "જરૂર થી સર. હું જરૂર હાજર રહીશ." ત્યાર બાદ થોડી ઘણી વાતો કર્યા બાદ રણવીર રવાના થયો અને અમિતાભ ટેબલ પર હાથ રાખી ને હવે આવતીકાલે સવારે થનાર ઘટના ક્રમ ની રાહ જોતો કંઇક વિચારી રહ્યો.

______

બીજે દિવસે સવારે સાડા દસ પહેલાં જ બીના, ભૂમિકા અને નિશીથ આવી પહોંચ્યા હતા. ભૂમિકા જોડે તેનો પતિ અમરીશ પણ આવ્યો હતો. હજુ અમિતાભ આવ્યો ના હતો. અભિમન્યુ અમિતાભ ને તેના ઘરે થી પીક અપ કરી ને સીધો જ પોલીસ સ્ટેશન આવવા નો હતો. આથી હેડ કોન્સ્ટેબલ ચમનલાલ એ ચારે લોકોને બારે બેસવા માટે કહ્યું.

પચીસ પચીસ વર્ષો નાં અંતરાલ બાદ ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ મળી રહ્યા હતા પરંતુ કોઈના ચેહરા પર હરખ નાં હતો. ઉલટા નો બધા નાં મન માં એક અદ્રશ્ય ભય હતો પોતપોતાના સંતાનો માટે નો. કે કઈ હાલત માં હશે તેઓ અને ક્યાં હશે! કોઈ કઈ બોલી રહ્યું નાં હતું.

આખરે થોડી વાર પછી બીના બોલી, "કેમ છે ભૂમિકા? ઘણા વર્ષો પછી મળ્યા પરંતુ આવા સંજોગો માં મળવા નું થશે એવું ક્યારેય સ્વપ્ને પણ વિચાર્યું ના હતું." આટલું બોલતા સુધી માં તો બીના ની આંખો માં પાણી આવી ગયા. ભૂમિકા ઊભી થઈ ને બીના ને સંભાળતા બોલી, "ચિંતા નહી કર બીના કઈ. ભગવાન આપણા સંતાનો ને કંઈ જ નહિ થવા દે."

ત્યાંજ અમિતાભ અને અભિમન્યુ આવી પહોંચ્યા. અમિતાભ ને હજુ ઘણી નબળાઈ હતી આથી અભિમન્યુ તેને નિરાતે તેની ચેમ્બર સુધી પહોંચાડી આવ્યા બાદ કોન્સ્ટેબલ ને કહી ચારે લોકોને અંદર આવવા દેવા માટે કહ્યું.

થોડી જ વાર માં બીના, નિશીથ, ભૂમિકા અને તેનો પતિ અમરીશ અમિતાભ ની સામે ચેર પર બેઠા હતા. અભિમન્યુ અમિતાભ ની બાજુ માં જ બીજી એક ચેર પર બેઠો હતો. બે જ મિનિટ માં ઇન્સ્પેક્ટર રણવીર અને તેનો સહયોગી સબ ઇન્સ્પેક્ટર વિજય હંસરાજ તે બન્ને પણ આવી પહોંચ્યા.

પોત પોતાના સ્થાને બધા બેસી રહ્યા બાદ અમિતાભે બોલવાનું શરૂ કર્યું, "જેમકે તમે બધા જાણો જ છો કે આપ ત્રણે નાં સંતાનો નું અલગ અલગ સ્થળે અને સમયે અપહરણ થયું છે. અને હજુ સુધી કોઈ ખંડણી નો ફોન નથી આવ્યો કે નથી અન્ય કોઈ ખબર. અમને હજુ ગઈકાલે જ જાણવા મળ્યું છે કે અમારા ત્રણે કેસ નાં વિક્ટીમ ઋષિકેશ, રિધીમા અને કેવિન નાં વાલી એકબીજા ને ઓળખે છે. અને અમને સો ટકા ની ખાતરી છે કે આ તમામ ગુન્હાઓ નું મૂળ આપ ત્રણે નાં ભૂતકાળ માં ક્યાંક છુપાયું છે અને એટલે અને આપ ત્રણે ને એક સાથે અહી બોલાવ્યા છે કે જેથી આપ અમને જણાવી શકો કે એવું તો ભૂતકાળ માં શું થયું હતું કે આજે સ્થિતિ આ હદ સુધી આવી ગઈ છે."

અમિતાભે આટલી પૂર્વભૂમિકા બાંધી ને બોલવાનું પૂરું કર્યું અને પછી જવાબ ની રાહ જોતો ત્રણે ની સામે જોઈ રહ્યો. થોડી વાર કોઈ કઈ નાં બોલ્યું. આખરે નિશીથ એ બોલવા નું શરુ કર્યું, "સર, અમે તો હજુ એ માનવા જ તૈયાર નથી કે અમારા ભૂતકાળ ને અને આ બધા કેસ ને કોઈ કનેક્શન હોય. મને તો આ તમારી પોલીસ ની નિષ્ફળતા ને છૂપાવવા માટે નો કોઈ મનઘડંત મુદ્દો હોય તેવું લાગે છે."

અમિતાભ નિશીથ ની વાત ખૂબ જ શાંતિ થી સાંભળી રહ્યો, અને પછી એટલી જ શાંતિ થી બોલ્યો, "બની શકે નિશીથ કે તમારી વાત પણ સાચી હોય. પરંતુ હાલ માં સંજોગો જોતા જે એક કડી અમારે હાથ લાગી છે તેને ચકાસવા માટે પણ અમારે તમારા ભૂતકાળ ને તપાસવો જરૂરી છે. અને હું તમારા સહયોગ નીં પૂરેપૂરી અપેક્ષા રાખું છું." આટલું બોલતા બોલતા છેલ્લે અમિતાભ ની અવાજ માં સખ્તાઈ આવી ગઈ હતી.

ભૂમિકા એ અમિતાભ અને નિશીથ ની વાતો પૂરી થતાં જ તરત જ કહ્યું, "પણ સર, તમારે અમારા ભૂતકાળ માંથી શું જાણવું છે? અમને ખુદ ને જ કંઈ ખબર નથી પડી રહી કે અમારી જોડે કોઈને એવી તો શું જૂની દુશ્મની હોય? અમે માત્ર હાઈસ્કૂલ માં સાથે હતા. એ સમય માં તો કેવી દુશ્મની અને કેવો બદલો. અને જો કોઈને અમારી જોડે દુશ્મની હોય કે બદલો લેવો હોય તો અમારી જોડે જ લે ને આમ નાહક નાં અમારા સંતાનો ને થોડી નાં હેરાન કરે." બોલતા બોલતા ભૂમિકા ની આંખોમાં પાણી અને ગળે ડૂમો ભરાઈ આવ્યો.

અમિતાભે કહ્યું, "હું આપ લોકો ની બધી વાત સમજી રહ્યો છું. ઓકે ચાલો મને તમારા હાઇસ્કુલ નાં અભ્યાસ દરમિયાન ની એવી કોઈ ઘટના જણાવો કે જેનાથી તમને એવું લાગી શકે કે તેના લીધે આ બધું થઈ રહ્યું હોય."

અમિતાભ ની વાત ધ્યાન થી સાંભળી રહેલા ત્રણે લોકો વિચાર માં પડી ગયા. આખરે નિશીથ બોલ્યો, "સર, એક્ઝેક્ટલી તમે શું જાણવા માગો છો? અમે લોકો કહી રહ્યા છીએ કે નવમાં ધોરણ માં અમે ત્રણે સાથે શાંતિ નિકેતન માધ્યમિક શાળા માં એડમીશન લીધું ત્યાર પછી ચાર વર્ષ સુધી અમે સાથે ભણ્યા. એક નોર્મલ વિદ્યાર્થી લાઇફ જેવી જ અમારી પણ લાઇફ હતી. તે પહેલાં કે ત્યાર બાદ અમે ત્રણે ક્યારેય સંપર્ક માં આવ્યા જ નથી. અમારા પરિવારો પણ એકબીજા ને ઓળખતા નથી. હવે તમે જ કહો સર, આવા માં અમે તમને શું જણાવીએ?"

નિશીથ હજુ વાત પૂરી કરે તે પહેલા જ અમિતાભે કહ્યું, "મારે એ ચાર વર્ષ દરમિયાન ની જ એક એક એવી વાતો જાણવી છે કે જેનું પરિણામ આજે આપણી સહુ ની સામે છે." થોડું વિચારી રહ્યા બાદ અમિતાભે ફરી કહ્યું, "અચ્છા મિસ્ટર નિશીથ, તમારા થી જ શરૂ કરીએ. તમારે હાઇસ્કુલ નાં તે ચાર વર્ષ દરમિયાન કોઈ જોડે એવો કોઈ જગડો કે અણગમો થયો હતો કે કઈ કોઈ જોડે મનદુઃખ થયું હતું? એકદમ જ શાંતિ થી વિચારી ને જવાબ આપજો."

નિશીથ ઘણું વિચારી રહ્યો અને જાણે કે મગજ પર જોર નાખતા તેને કોઈ વાત યાદ આવી હોય તેમ તેણે કહ્યું, "સર, મને એક વાત યાદ આવે છે. વાત જ્યારે હું બારમાં ધોરણ માં હતો ત્યાર ની છે. મારી બેન પલ્લવી કોલેજ ના પહેલાં વર્ષ માં અભ્યાસ કરી રહી હતી, અન તેને તેની જ કોલેજ માં અભ્યાસ કરતો એક અરવિંદ નામ નો છોકરો પજવતો હતો અને મારે તેના અને તેના ગ્રુપ જોડે માથાકૂટ થઇ હતી. જોકે ત્યાર બાદ અમારી વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને તે અરવિંદ એ મારી બેન ની માફી પણ માગી લીધી હતી. અને તે માથાકૂટ માં બીના અને ભૂમિકા નું કોઈ ઇન્વોલવમેન્ટ પણ નાં હતું."

નિશીથ ની વાત સાંભળ્યા બાદ અમિતાભ બોલ્યો, "નહી નિશીથ. આ વાત નાં હોઈ શકે. તમારા કહેવા મુજબ તેનું સમાધાન થઈ ગયું હતું અને સહુ થી મોટી વાત કે તેમાં બીના અને ભૂમિકા નો કોઈ રોલ નથી. મારે તો એવી વાત જાણવી છે કે જે તમારા ત્રણે જોડે સંબંધ ધરાવતી હોય. વિચારો, મગજ પર સહેજ જોર નાખો અને મારા થી કઈ પણ છુપાવ્યા વગર મને નાના માં નાની વાત હોય તો તે પણ જણાવો."

થોડી વાર કોઈ જ કઈ નાં બોલ્યા. અચાનક થોડી વાર બાદ બીના ને કંઇક યાદ આવ્યું હોય તેમ તેણે કહ્યું, "ગાય્સ, તમને પેલો કશ્યપ યાદ છે? ક્યાંક આ બધા પાછળ તે ઘટના તો નહિ હોય ને?"

બીના ની વાત સાંભળી ને ભૂમિકા તરત જ હસતા હસતા બોલી, "શું યાર બીના. તને અત્યારે મજાક સુજે છે. એ બાયલા નું ક્યાં નામ લેસ."

અમિતાભ ની આંખો માં ચમક આવી અને તે બોલ્યો, "શું વાત છે બીના? અને કોણ છે આ કશ્યપ? મને પૂરી વાત જણાવ."

હજુ તો બીના કઈ બોલે તે પહેલાં નિશીથ મજાક નાં સ્વર માં બોલ્યો, "જવા દો ને સર, બીના ને અત્યારે મજાક સુજી હોય તેવું લાગે છે. આ કશ્યપ અમારી સાથે ભણતો હતો. અને અમે તેની જોડે નાની મજાક કરી હતી, અને આ બીના ને એવું લાગે છે કે એ બાયલો આ બધા પાછળ જવાબદાર છે." વાત દરમિયાન પણ નિશીથ થોડું થોડું હસી રહ્યો હતો.

અમિતાભ ની ધીરજ નો બાંધ તૂટી રહ્યો હતો, અને તે એકદમ જ ગુસ્સા થી બરાડી ઊઠ્યો, "મિસ્ટર નિશીથ, ઇઝ ધિસ જોક ફોર યું? શું આપણે બધા અહિ મસ્તી મજાક માટે ભેગા થયા છીએ? ઓકે ફાઈન, જો તમને લોકો ને જ તમારા સંતાનોને પાછા મેળવવા માં કોઈ રસ ના હોય તો ઇટ્સ ઓકે. હું આજે જ કમિશ્નર સર ને રિપોર્ટ કરી દવ છું અને બધા જ કેસો ની ફાઈલો ને અન સોલ્વ (વણ ઉકેલાયા) કેસો ની યાદી માં નખાવી દવ છું."

અમિતાભ નું રૌદ્ર સ્વરૂપ જોઈ નિશીથ હેબતાઈ ગયો અને બીના તથા ભૂમિકા બન્ને એકસાથે બોલ્યા, "નિશીથ યાર, વીલ યુ પ્લીઝ સ્ટોપ ધીસ. અને અમિતાભ સર, વી આર એક્સ્ટ્રીમલી સોરી ઓન બિહાફ ઓફ નિશીથ. બટ પ્લીઝ અમારા સંતાનો ને ગમે એમ કરી ને પાછા લાવી આપો. અમે પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છીએ."

નિશીથ પણ પોતાની ભૂલ સમજતો હોય તેમ બોલ્યો, "આઇ એમ સોરી સર."

અમિતાભ બોલ્યો, "તો મને કશ્યપ વાળી આખી વાત જણાવો. કામ ની છે કે નહિ તે અમે નક્કી કરીશું. પણ હા કોઈ જ વાત નાં છુપાવતા."

થોડી વાર ત્રણે એકબીજા સામે જોઈ રહ્યા બાદ ભૂમિકા એ કહ્યું, "હું તમને આખી વાત જણાવું છું સર. કશ્યપ નું આખું નામ કશ્યપ શર્મા હતું. તે અમારી સાથે જ નવમાં ધોરણ થી અભ્યાસ કરતો હતો. સાથે અભ્યાસ શરૂ થયા નાં દોઢેક વર્ષ બાદ થી કશ્યપ મને લાઈક કરવા માંડ્યો હતો. ઇન્ફેકટ દસમા ધોરણ નાં વેકેશન માં તેણે મને પ્રપોઝ પણ કર્યું હતું. પરંતુ મે તેને સ્પષ્ટ ના કહી દીધી હતી."

ભૂમિકા બોલી જ રહી હતી ત્યાંજ નિશીથ એ વાત માં વચ્ચે પડતા કહ્યું, "પણ સર, એ નાલાયક એવો કશ્યપ તેનાથી ના સમજ્યો અને તે સતત ભૂમિકા ની પાછળ પડી ગયો હતો. તે ભૂમિકા ને લવ લેટર પણ આપતો હતો. ભૂમિકા તેનાથી કંટાળી ગઈ હતી. જો કોઈને ફરિયાદ કરે તો તેના અભ્યાસ પર ખતરો આવે તેમ હતો. આથી અમે ત્રણે એ તેને થોડો પાઠ ભણાવવા નું નક્કી કર્યું."

આટલું બોલ્યા બાદ નિશીથ થોડું અટક્યો, ત્યાં જ અમિતાભે કહ્યું, "અને તમે તેને શું પાઠ ભણાવ્યો?"

નિશીથ એ આગળ વધતા કહ્યું, "મે અને બીના એ એક વખત કશ્યપ ને રિસેસ નાં સમયે કહ્યું કે ભૂમિકા એ તેને સ્કૂલ નાં લેડીઝ ટોઇલેટ માં મળવા માટે બોલાવ્યો છે. અને તે અકલ વગર નો કંઈ જ વિચાર્યા વગર ત્યાં પહોંચી ગયો. રીસેસ નો સમય હોવાથી લેડિઝ ટોઇલેટ માં ઘણી છોકરીઓ હતી, તેમણે ચીસાચીસ કરી મૂકી અને વાત ની ખબર અમારા પ્રિન્સિપાલ મેડમ ને ખબર પડી ગઈ. તેણે કશ્યપ ને પોતાની ચેમ્બર માં બોલાવ્યો અને કડકાઈ થી તેમની પૂછપરછ કરી. કશ્યપ એ તેમને જણાવ્યું હશે કે મે તથા બીના એ તેને ત્યાં ભૂમિકા નાં કહેવાથી મોકલ્યો હતો, આથી અમારા પ્રિન્સિપાલ મેડમ એ અમને ત્રણે ને પણ તેમની ઓફિસ માં બોલાવ્યા. અમે ત્રણે પણ ત્યાં ગયા. અમે ત્રણે ડરી ગયા હતા તેથી અમે મેડમ ને જણાવ્યું કે અમે કશ્યપ ને લેડીઝ ટોઇલેટ માં જવા નું કહ્યું નાં હતું. ભૂમિકા એ પણ સ્પષ્ટ કહી દીધું કે તેણે તેને ત્યાં બોલાવ્યો ના હતો ઉલ્ટાનો એ ખુદ ત્યાં આવ્યો હતો તેને પ્રપોઝ કરવા."

નિશીથ ની વાત માં સુર પુરાવતા ભૂમિકા એ કહ્યું, "હા સર, મે પણ મેડમ ને એવી કોઈ જ વાત થઈ ના હતી તે જણાવી દીધું. અને સાથે સાથે મે કશ્યપ મને પજવતો હોવાનું, વારે વારે મને પ્રપોઝ કરતો હોવાનું અને લવ લેટર પણ આપ્યો હોવાનું બધું જ જણાવી દીધું. મે મેડમ ને તે લેટર પણ આપ્યો. આથી મેડમ કશ્યપ ને ખુબ જ ખિજાયા અને તેના મમી ને પણ બોલાવ્યા હતા અને હવે પછી જો આવું થયું તો સ્કૂલ માં થી કાઢી નાખવા ની સૂચના પણ આપી હતી. બસ સર, ત્યાર બાદ તે લગભગ બે ત્રણ મહિના સ્કૂલ એ આવ્યો હતો પણ તેણે મને હેરાન કરવા નું સાવ જ બંધ કરી દીધું હતું. અને ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે તેને સ્કૂલ બદલાવી નાખી હતી."

ભૂમિકા એ બોલવા નું પૂરું કર્યા બાદ બીના બોલી, "હા સર, બરાબર આમજ થયું હતું. હવે તમે જ કહો કે સાવ આવી વાત બદલ કોઈ આટલા વર્ષો બાદ શું આ પ્રકારે બદલો લેવા આવી શકે?"

ત્રણે ની વાતો ને અમિતાભ, રણવીર, વિજય તથા અભિમન્યુ ધ્યાન થી સાંભળી રહ્યા હતા. અમિતાભ ને પૂરી વાત સાંભળ્યા બાદ એવું લાગ્યું કે ત્રણે ની વાત તો સાચી છે, મેટર એટલી બધી મોટી નથી કે કોઈ વ્યક્તિ આટ આટલા વર્ષો બાદ બદલો લેવાનું વિચારે અન તે પણ આટલી ભયંકર રીતે.

અમિતાભ બોલ્યો, "તમારી વાત જો સાચી હોય તો મને પણ એવું લાગે છે કે કશ્યપ આ બધા પાછળ જવાબદાર ના હોય શકે. તેમ છતાં જો બીજી કોઈ વાત તમને યાદ આવે તો અમને જરૂર થી જણાવશો. ફિલહાલ તો તમે લોકો જઈ શકો છો કોઈ કામ પડશે તો ફરી વખત તમને યાદ કરીશ." આટલું કહી ને અમિતાભે તે ત્રણે ને રવાના કર્યા. અને રણવીર તથા અભિમન્યુ સામે જોતા બોલ્યો, "શું લાગે છે તમને?"

રણવીર બોલ્યો, "સર, આઇ ડોન્ટ થિન્ક કે કશ્યપ આ બધા પાછળ હોય. સ્કૂલ કોલેજ માં તો આવી અને આનાથી પણ ખરાબ કે મોટી મસ્તી અને માથાકૂટ ચાલતી હોય છે, પણ તેના લીધે આટલા બધા વર્ષો બાદ કોઈ આ રીતે બદલો લે તે વાત મારા ગળે નથી ઉતરતી."

અભિમન્યુ ચૂપ હતો, આથી અમિતાભે તેને પૂછ્યું, "શું થયું અભિમન્યુ? તું કેમ કઈ નથી બોલી રહ્યો? મને એવું લાગે છે કે તારા મન માં કંઇક ચાલી રહ્યું છે."

અભિમન્યુ બોલ્યો, "સર, આપનું અનુમાન સો ટકા સાચું છે. જ્યારે નિશીથ, ભૂમિકા અને બીના આ કશ્યપ વાળો આખો ઘટનાક્રમ જણાવી રહ્યા હતા ત્યારે ખબર નહિ મને એવું લાગી રહ્યું હતું કે તેઓ બધું જ સાચું નહોતા બોલી રહ્યા. અને અર્ધસત્ય કે કોઈ વાત ને છુપાવતા છુપાવતા વાત કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું."

અમિતાભ અભિમન્યુ ને વાત ને સાંભળી રહ્યા બાદ બોલ્યો, "અને તને એવું શેના આધારે લાગી રહ્યું છે?"

અભિમન્યુ એ કહ્યું, "સર, તમે જ કહેતા હોવ છો ને કે માણસ જ્યારે સત્ય કહી રહ્યો હોય ત્યારે તેના વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણે માં એક તાલમેલ હોય છે અને તેથી જ તેમની બોડી લેન્ગવેજ પણ તેમનો સાથ આપતી હોય છે, પણ જ્યારે માણસ ખોટું બોલે છે ત્યારે તેના વિચારો કંઇક અલગ હોય છે, તે બોલતો કંઇક હોય છે અને આથી તે બંને વચ્ચે નાં તાલમેલ નાં અભાવે તેમનું આચરણ એટલેકે બોડી લેન્ગવેજ તેમનો સાથ નથી આપતી હોતી. બસ મને એ જ તાલમેલ નો અભાવ એ ત્રણે ની વાત દરમિયાન લાગી રહ્યો હતો."

અભિમન્યુ ની વાત સાંભળી ને અમિતાભ ને તેના પર માન થઈ આવ્યું અને તે બોલ્યો, "તો તારા મતે હવે આગળ આપણે શું કરવું જોઈએ?"

અભિમન્યુ બોલ્યો, "સર, મારા મતે આપણે આ ત્રણે ની વાત ની ખરાઈ કરવી જોઈએ. અને તે માટે તેમની સ્કૂલ એ મળવું જોઈએ."

અમિતાભે કહ્યું, "અભિમન્યુ, તું જે કહે છે તે એટલું સહેલું નથી. પચીસ વર્ષ પહેલાં ની ઘટના નાં સાક્ષી શોધવા સહેલા નથી. પણ તેમ છતાં હવે જો તને શંકા જાગી જ છે તો આપણે તેને પણ જરૂર થી દુર કરવી રહી, કારણકે આપણે કોઈ જ કચાસ રાખવા માંગતા નથી.

અમિતાભ ની વાત સાંભળી ને રણવીર બોલ્યો કે હું અને મારો સહયોગી વિજય પણ આ ત્રણે કેસ માં તમારી સાથે છીએ. હવે તો આપણે આ તમામ કેસ ને સોલ્વ કર્યા બાદ જ જંપીશું.

______

આ બાજુ પોલીસ સ્ટેશન માં થી બહાર નીકળ્યા બાદ બીના ભૂમિકા અને નિશીથ તરફ જોતા બોલી કે શા માટે તેઓએ પોલીસ ને આખી ઘટના ના કહી. અને બદલા માં નિશીથ અને ભૂમિકા એ કહ્યું કે ભૂલી ગઈ આપણે ત્રણે એ શું નક્કી કર્યું હતું સ્કૂલ માં થી છૂટા પડતા પહેલાં!

______

આખરે બીના, નિશીથ અને ભૂમિકા પોલીસ થી શું છુપાવતા હશે?

શું અભિમન્યુ ની શંકા સાચી હશે?

આખરે આ તમામ કેસ ક્યારેય સોલ્વ થઈ શકશે?

આ તમામ સવાલો નાં જવાબ જાણવા માટે વાચતા રહો રહસ્ય, રોમાંચ થી ભરપૂર ધારાવાહિક "કિડનેપ" નાં આગામી અંકો માત્ર માતૃ ભારતી પર. આપના અભિપ્રાય અને સૂચનો જણાવવા માટે મને hardik.joshiji2007@gmail.com પર મેલ મોકલી આપો અથવા 9228276354 પર વોટ્સએપ પણ કરી શકો છો.