Padmarjun - 29 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૨૯)

આગળનાં ભાગમાં આપણે જોયું :

“જો એવું જ હોય તો તું પણ શસ્ત્રનાં કૌશલ્યોની તૈયારી શરૂ કરી દે ને.શું ખબર તેઓ પણ તારી સુંદરતા અને તારી બહાદુરી જોઈને તને પસંદ કરી લે.”પદમાએ હળવાશથી કહ્યું પરંતુ તેને ખબર નહોતી કે તેનાં બોલેલા આ શબ્દો સાચા પડવાના છે,રેવતી નહીં પરંતુ તેનાં માટે.

હવે આગળ:

એક પખવાડિયાનો સમય પુર્ણ થયો અને રાજ્યાભિષેકનો દિવસ આવી ગયો.સારંગગઢની બધી જ પ્રજા મહેલનાં પ્રાંગણામાં ઉપસ્થિત હતી.પુરા રાજમહેલને સુંદર ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

“સારંગઢનાં વીર અને બહાદુર મહારાજ યુવરાજસિંહ પધારી રહ્યાં છે.”સેનાપતિ કલ્પે કહ્યું.

પ્રાંગણમાં ઢોલ-નગારાઓ વાગવા લાગ્યાં.મહારાજ યુવરાજસિંહ, રાજકુમાર સારંગ અને રાજકુમાર વિદ્યુત પ્રાંગણમાં આવ્યાં. તેમનાં પર ફુલોની વર્ષા કરવામાં આવી.મહારાજ યુવરાજ અંતિમ વખત પોતાનાં સિંહાસન પર બેઠાં. તેઓની એક તરફ રાજકુમાર સારંગ બેઠાં અને અન્ય તરફ રાજકુમાર વિદ્યુત.બધાએ પોત-પોતાનું સ્થાન લઇ લીધું ત્યાર બાદ રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.

સૌપ્રથમ મહારાજ યુવરાજસિંહે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું અભિવાદન કર્યું અને ત્યાર બાદ કાર્યક્રમ શરૂ કરવાનું કહ્યું.

પદમા પોતાની સખીઓ સાથે પ્રાંગણમાં આવી.રાજકુમાર સારંગનું ધ્યાન તેનાં તરફ ગયું.તે પદમાને એકીટશે જોઇ રહ્યો.પદમાએ આછા આસમાની રંગનાં વસ્ત્રો પહેર્યાં હતાં. પોતાનાં લાંબા વાળને ચોટલમાં ગુથ્યા હતાં અને તેની શોભા વધારવા સફેદ ફુલોની વેણી નાખી હતી.તેણે પોતાની નાજુક બાહુમાં બાજુબંધ બાંધ્યો હતો અને પગમાં અદભુત રણકાર ઉત્પન્ન કરતાં જાંજર પહેર્યાં હતાં.તેણે લગાડેલ કાજલ તેની આંખોની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.
તે સૌથી આગળ ઉભી રહી. ત્યાર બાદ તેણે અને તેની સખીઓએ નમસ્કાર મુદ્રા દ્વારા બધાને પ્રણામ કર્યા અને પોતાનું નૃત્ય શરૂ કર્યું. પદમાને લાવણ્યતાથી (gracefully) નૃત્ય કરતી જોઈને રાજકુમાર સારંગ તેના પર મોહિત થઇ ગયો. પદમા અને તેની સખીઓનું નૃત્ય પુર્ણ થયું. ત્યાર બાદ શાશ્વત અને તેનાં સૈનિક મિત્રો પ્રાંગણમાં આવ્યા અને પોતાનાં કૌશલ્યો દેખાડ્યા.

અંતે પદમા અને તેની સખીઓ ફરીથી પ્રાંગણમાં આવી પરંતુ આ વખતે યુદ્ધનાં વસ્ત્રો પહેરીને.ત્યાર બાદ શાશ્વત અને પદમાની ટુકડીઓ સામ-સામે ઉભી રહી અને વિવિધ શસ્ત્રોની મદદથી યુદ્ધના વિવિધ કૌશલ્યો દેખાડ્યા.સારંગ પદમાની શસ્ત્ર-નિપુણતાને જોઇ રહ્યો.ત્યાં ઉપસ્થિત સૌએ પદમા અને શાશ્વતની ટુકડીને તાળીઓના ગણગણાટથી વધાવી લીધા.બધાને ફરીથી પ્રણામ કરી શાશ્વત અને પદમાને બાદ કરતાં બાકીનાં બધા પ્રાંગણમાંથી પોત-પોતાની જગ્યાએ બેસી ગયા.

શાશ્વત રુઆબ થી ચાલીને સારંગ પાસે ગયો અને કહ્યું,

“રાજકુમાર સારંગ,તમારાં રાજ્યાભિષેકનો સમય થઇ ગયો છે,માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારું સ્થાન ગ્રહણ કરો.”

સારંગ પોતાની જગ્યાએથી ઉભો થયો અને પ્રાંગણમાં વચ્ચોવચ્ચ ગોઠવવામાં આવેલ મંડપમાં બાજોટ પર બેઠો.સારંગ જ્યાં બેઠો હતો તેની ઉપર થોડી ઊંચાઈએ એક પર એક એમ બે ચાંદીની પેટીઓ હતી જેને ફૂલોથી શણગારવામાં આવી હતી.મુહૂર્ત થતાં ત્યાં કુલગુરુ પોતાનાં ચાર શિષ્યો સાથે આવ્યાં અને રાજકુમાર સારંગના તન પર પવિત્ર ચંદનનો લેપ લગાડ્યો.ત્યાર બાદ તેઓએ શાશ્વત અને પદમાની સામે જોયુ.

શાશ્વત થોડો આગળ આવ્યો અને ઊંચી છલાંગ લગાવીને પોતાની તલવાર વડે પેટીને એક બાજુથી ખોલી અને બરાબર એ જ સમયે પદમાએ એક તિર ચલાવ્યું જે પેટીની બીજી બાજુએ લાગ્યું.તેનાથી ચાંદીની પ્રથમ પેટી અડધી ખુલી ગઈ અને તેમાં રહેલ કળશમાંથી આપમેળે રાજકુમાર સારંગ પર દુધનો અભિષેક થયો.

“ૐ રાજાધી રાજાય
પ્રસહ્ય સાહીને નમો વયં
વૈશ્રવણાય કૂર્મહે
સમે કામાન્ કામ કામાય મહ્યમ્
કામેશ્વરો
વૈશ્રવણો દધાતુ
કુબેરાય વૈશ્રવણાય
મહારાજાય વિદમહે
મહારાજાય વિદમહે
મહારાજાય વિદમહે.” કુલગુરુએ શ્લોકનું પઠન કર્યું.

ત્યાર બાદ શાશ્વત પદમાની બાજુમાં ઉભો રહ્યો.તે બંનેએ એકીસાથે બીજી ચાંદીની પેટી તરફ નિશાન સાધી ભાલો ફેંકયો.

રાજકુમાર સારંગ પર કળશ દ્વારા હજુ પણ આપમેળે બાકી રહેલ દુધનો અભિષેક થઇ રહ્યો હતો.તે દૂધ તેનાં મસ્તિષ્ક પરથી તેનાં અધખુલાં નેત્રોમાં પણ જઇ રહ્યું હતું. રાજકુમાર સારંગને તેનાં લીધે આંખોમાં થોડી પીડા થઇ રહી હતી તેથી તેનાં નેત્રો તેની પાસેથી બંધ થવાની પરવાનગી માંગી રહ્યા હતા પરંતુ સામે ઉભેલ સુંદરીનાં પરાક્રમ જોવાની લાલચમાં તેનું હૃદય કોઇ પણ સંજોગોમાં પદમાને નિહાળવાની એક ક્ષણ પણ ગુમાવવા માંગતા નહતાં.

આખરે શાશ્વત અને પદમાએ ફેંકેલ ભાલો ચાંદીની પેટી સાથે અથડાયો અને એ પેટી પણ અડધી ખુલી ગઈ.તેમાં રહેલ કળશમાં પવિત્ર નદીઓનું જળ હતું જે ધીમે-ધીમે રાજકુમાર સારંગના મસ્તિસ્ક પર અભિષેક કરવાં લાગ્યું.પદમા અને શાશ્વતે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને રાજકુમાર સારંગે પોતાનાં અસંતૃપ્ત નેત્રો બંધ કર્યા.

“રાજગાદી ગ્રહણ કરનાર વ્યક્તિના મસ્તક પર પવિત્ર નદીઓના જળનું સિંચન કરવાથી તેમાં ઈશ્વરીય તત્વ દાખલ થાય છે,પ્રજા તેને માન આપે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. એ ઉપરાંત રાજા પોતાની પ્રજાનાં હિતેચ્છુ બને છે.”કુલગુરુએ કહ્યું.

ત્યાર બાદ રાજકુમાર સારંગ પર પુષ્પોની વર્ષા કરવામાં આવી અને મહારાજ યુવરાજ સિંહે તેને રાજમુકુટ પહેરાવ્યો.

સારંગે મહારાજ યુવરાજ સિંહનાં ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું,

“પિતાશ્રી, હું આજીવન સારંગગઢ અને સારંગગઢની પ્રજાનું રક્ષણ કરવાનું વચન આપું છું.”

“યશસ્વી ભવ.”

રાજ્યાભિષેકનો કાર્યક્રમ પુર્ણ થયો.શાશ્વત અને પદમા પોતાનાં સ્થાન પર બેઠાં હતાં.સારંગ પદમા તરફ જોઇ રહ્યો. તેણે પોતાની બાજુમાં ઉભેલ પોતાનાં મિત્ર ભાનુને પુછ્યું, “આ યુવતી કોણ છે?”

“મિત્ર, તે આપણાં રાજવૈદ્ય સોમની મોટી પુત્રી પદમા છે.”

“પદમા નહીં પદમાભાભી કહે.મને એક માસની અંદર તેનાં વિશે સંપુર્ણ માહિતી જોઈએ.”સારંગે કહ્યું.

તેની વાત સાંભળીને ભાનું હસ્યો અને કહ્યું,“થઇ જશે મિત્ર.”

સારંગ ફરીથી પદમાને જોઈ રહ્યો.થોડાં સમય બાદ સારંગ આભાર માનવનાં બહાને પદમા પાસે ગયો.પરંતુ તેની સાથે શાશ્વત પણ હતો.પદમાને શાશ્વતની સાથે વાતો કરતાં જોઈને સારંગ અત્યંત ક્રોધિત થઇ ગયો.પરંતુ હાલ પૂરતો પોતાનાં પર સંયમ રાખી તેણે કહ્યું,

“શાશ્વત, પદમા તમે બંનેએ મારા રાજ્યાભિષેકનો કાર્યક્રમ ખુબ મનોરંજક બનાવ્યો એ માટે તમારા બંનેનો આભાર.”

રાજકુમાર સારંગ પદમા સામે જે રીતે જોઈને વાત કરી રહ્યો હત એ શાશ્વતને જરાં પણ ન ગમ્યું પણ કદાચ પોતાનાં નિરક્ષણમાં કંઇક ભુલ થઈ ગઈ હશે એમ વિચારીને તે ચુપ રહ્યો.થોડાં સમય બાદ શાશ્વત,પદમા અને રેવતી મહારાજ યુવરાજ સિંહની આજ્ઞા લઈને પોતાના ઘર તરફ ગયાં.

શાશ્વતને પદમા સાથે જોઇને સારંગે પોતાની બાજુમાં ઉભેલ ભાનુને ક્રોધથી કહ્યું,

"મને શાશ્વત વિશે પણ સંપૂર્ણ માહિતી જોઈએ."

"શાશ્વત,આશા રાખું છું કે તું અને પદમા માત્ર મિત્રો જ છો."સારંગ મનમાં જ બોલ્યો.

...

ક્રમશઃ

શું સારંગ પોતાના ઈચ્છા પુર્ણ કરી શકશે?

નમસ્તે વાચકમિત્રો,તમારો પ્રતિભાવ અને રેટિંગ જરૂર આપજો.

( *શ્લોક સિરિયલ 'મહાભારત'માંથી )