MOJISTAN - 93 books and stories free download online pdf in Gujarati

મોજીસ્તાન - 93

"હોસ્ટેલના ગેટ આગળ ગાડી ઉભી રહી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો.જલ્દી હોસ્ટેલ પહોંચવાની લ્હાયમાં અમે જલ્દી જલ્દી નાસ્તો કરીને રોડ પર ઉભા રહી ગયા હતા.હોસ્ટેલ પહોંચી ગયા એટલે ચિંતા મુક્ત થઈ ગયા. પણ ભૂખ જોરદાર લાગી હતી. અમારી હોસ્ટેલ સામે જ ગરમાગરમ દાળવડા રાતે બાર વાગ્યા સુધી બનતા રહેતા.લીના જેવી કારમાંથી ઉતરી કે તરત એની ઘાણેન્દ્રિય સક્રિય થઈ.


"મિસ્ટર જીગર તમે અમને અહીં સુધી મૂકી ગયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર. પણ હવે તમે દાળવડા ખાધા વગર તો નહીં જ જઈ શકો.આ સ્મિતીને ડાયેટ ચાલે છે અને નીનાને બહારનું ખાય તો તરત ઉધરસ થઈ જાય છે એટલે એ બંને નહિ આવે. ચાલો ગાડી જરા સાઈડમાં પાર્ક કરી દો, આપણે બેઉ દાળવડાનો આસ્વાદ લઈને આપણી મિત્રતાની શરૂઆત કરીએ.બીજા લોકોને નિસ્વાર્થભાવે મદદ કરવા તત્પર રહેતા તમારા જેવા વ્યક્તિ સાથે મને મિત્રતા કરવી જરૂર ગમશે.બાકી સાંજ સુધીમાં હજારો ફ્રેન્ડ રિકવેસ્ટ આવે છે પણ હું એમ કોઈની FR એક્સેપ્ટ કરતી નથી." આમ કહી લીનાએ મારી તરફ જોઈને આંખ મારી.હું પાછું ફરીને એને તાકી રહી હતી. એણે હસીને ઉમેર્યું, "તું ને સ્મિતા જાવ.. માલા મેડમને કહેજે કે લીના હમણાં આવે જ છે..!"

જીગર મારી સામે જોઈ રહ્યો હતો. લીનાડીએ મારો અને સ્મિતાનો એકડો કાઢી નાખ્યો એ જોઈ અમે બંને દાઝે ભરાઈ હતી. પણ સ્મિતા એમ ગાંજી જાય એમ નહોતી.


"તારા પપ્પાએ મને તારું ધ્યાન રાખવાનું કહ્યું છે.તું બહારનું બહુ ખા ખા કરીને વારંવાર બીમાર પડે છે.હજી ગયા વિકમાં જ તને ગ્લુકોઝનું ટીપડું ચડાવવું પડ્યું હતું એ ભૂલી ગઈ ? એટલે તારે તો દાળવડા ખાવાના જ નથી સમજી ? તું રૂમ પર જતી રહે,હું ને નીના જીગરને નાસ્તો કરાવીને આવીએ છીએ."

"ઓહ..ગ્લુકોઝનું ટીપડું ચડાવવું પડેલું ? તો તો તમારે બહારનું ન જ ખાવું જોઈએ.." જીગરે કારને હોસ્ટેલના ગેટ પાસે પાર્ક કરતાં કહ્યું.

"ઓ જાડી તું જુઠ્ઠું ન બોલ યાર..એવું કંઈ નથી હો. તો પછી ચાલો આપણે બધા જ જઈએ.."


લીના ઠેકાણે આવી એટલે અમે હસી પડ્યા.એ વખતે મને જીગર ગમેલો એટલો જ મારી બંને ફ્રેન્ડને પણ ગમેલો.એ એકદમ સરળ સ્વભાવનો અને હસમુખો યુવાન હતો.વળી BMW કાર લઈને આવેલો એટલે માલેતુજારનો દિકરો જ હોવો જોઈએ ! સારા સ્વભાવનો હેન્ડસમ અને ધનવાન કુટુંબનો નબીરો દોસ્ત હોય એ કઈ છોકરીને ન ગમે ? અને દોસ્તીમાંથી જ દિલ સુધી જવાનો રસ્તો હોય છે એ પણ અમે ત્રણેય જાણતી જ હતી.


દળવડાનું પેમેન્ટ ધરાર જીગરે જ આપ્યું. નાસ્તો કરતી વખતે પણ અમે ખૂબ હસ્યાં. જીગરને અમારી સાથે ખૂબ મજા આવી હતી.

"આજે તમારી જોડે મને ખુબ મજા આવી. તમને મુકવા આવીને મેં ત્રણ નવી ફ્રેન્ડ મેળવી છે..!" જીગરે કારનો દરવાજો ખોલતા કહ્યું.


"ત્રણ નવી ? એટલે કે તારે જૂની ફ્રેન્ડ્સ પણ છે ?" લીનાએ હસીને કહ્યું.દાળવડા ખાઈ રહ્યા ત્યાં સુધીમાં 'તમે ' માંથી અમે 'તું' પર આવી ગયા હતાં.

'હા યાર..ફ્રેન્ડ તો હોય જ ને ! બહુ મિત્રો છે મારે. એકલી ગર્લ્સ જ નથી.બોયઝ પણ જથ્થાબંધ છે.છતાં તમે બહુ મજાની છો ત્રણેય.મારું કાર્ડ મેં આપેલું છે એમાંથી મારો નંબર સેવ કરીને મને Hi કરજો,ચલો બાય.." કહી એ કારમાં બેઠો.જતી વખતે એ કાચ ઉતારીને મારી સામે પળભર જોઈ રહ્યો. એની એ નજરમાં એક સંદેશ મેં વાંચ્યો હતો અને બીજી જ પળે એ મારા દિલમાં ઉતરી ગયો.

ટેમુ, એ રાતે મને ઊંઘ ન આવી.મેં જીગરનો નંબર સેવ કરીને એને hi ન કર્યું.લીનાં પણ એ જ કરવાની હતી એની મને ખબર હતી. લીનાડી તો એની ઉપર ઓળઘોળ જ થઈ ગઈ હતી.એ બોલકી હોવાથી બધું સ્પષ્ટ કહી દેતી.પણ હું એમ કરી શકતી નહોતી. લીનાને આગળ વધવાનો ચાન્સ હું આપવા માંગતી હતી.પણ મને ઊંડે ઊંડે એમ હતું કે જીગર મને જ વધુ મહત્વ આપશે.

સ્મિતાને તો એવું કશું નહોતુ. મેં લીના તરફ જોયું.એ એના કોટ (શેટી કે પલંગ) પર મોબાઈલ લઈને પડી હતી.હું હળવેથી ઉઠીને એના માથા પાછળ જઈને બેસી ગઈ.મારી ધારણા મુજબ જ એણે જીગરને hi કર્યું હતું અને એના રીપ્લાયની રાહ જોતી હતી. જીગરની વોટ્સએપ ડીપી એનલાર્જ કરીને એ જોઈ રહી હતી.થોડીવારે કંટાળીને બીજા મેસેજ વાંચતી અને ફરી જીગરનું એકાઉન્ટ ઓપન કરતી.પણ બિચારીને નિરાશા જ મળી હતી. મને ખ્યાલ આવી ગયો કે આ લીનાડીને જીગર ગમી ગયો છે.એ મારી ફ્રેન્ડ હતી.


"કેમ લીનકી.. જીગરિયો રીપ્લાય નથી કરતો ? ફોન કરને સાલાને ! એમ ફ્રેન્ડ થયા પછી રીપ્લાય ન આપે એ થોડું ચાલે ?" હું એના માથા પાછળથી બોલી એટલે એ એકદમ ઝબકી ગઈ.જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ એ ઓજપાઈ ગઈ.


''સાલી નીના કી બચ્ચી ! છુપાઈને કોઈની ચેટ જોવી એ સારું ન કહેવાય..!" કહી એણે મારા તરફ ઓશિકાનો ઘા કર્યો.

હું હસી પડી, "કોઈની ચેટ તો ન જ જોવાય પણ તું ક્યાં કોઈ છે ! તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ડિયર. જો એ જીગરનો બચ્ચો તને પસંદ કરતો હશે તો હું જરૂર તને મદદ કરીશ માય ડિયર..હવે તું સુઈ જા.કદાચ એ બીજા ગ્રુપમાં બીજી હશે.સવારે જરૂર તને રીપ્લાય કરશે હો ને ! અને નહિ કરે તો હું એને ખિજાઈશ હો..!'' મેં લીનાના માથે હાથ ફેરવીને નાના બાળકની જેમ ટ્રીટ કરી.

લીના તો મોબાઈલ મૂકીને સુઈ ગઈ,પણ મને ક્યાં ઊંઘ આવવાની હતી.મેં મારા બેડ પર આવીને મોબાઈલ ઓંન કર્યો.જેવું વોટ્સએપ ખોલ્યું કે તરત જીગરનું ડીપી દેખાયું.મેં એનો નંબર હજી સેવ કર્યો નહોતો એટલે એનું નામ દેખાતું ન હતું.પણ એના નંબર પરથી આવેલો 'hi'નો મેસેજ મારા રોમ રોમમાં જાણે કે ફરી વળ્યો હોય એમ એક ધ્રુઝારી મેં અનુભવી.

મને ઓનલાઈન જોઈને એણે તરત ટાઈપિંગ શરૂ કર્યું.મારા પેટમાં ગલીપચી થવા લાગી. જીગરે જતાં જતાં જે દ્રષ્ટિ મારા પર પળવાર માટે ટકાવી હતી એ નજરમાં મેં એક સંદેશ વાંચ્યો હતો, કદાચ એને હું પસંદ હતી !

''Hello nina.." જીગરે બીજો મેસેજ મોકલ્યો.બીચારી લીના ! આ મેસેજ જો એને કરવામાં આવ્યો હોત તો એ બેડમાં ઊછળીને નાચવા લાગી હોત.હું હજી શું રીપ્લાય આપવો એ વિચારતી હતી ત્યાં જીગરે 'he..ll.. o...o... o...." એવો સાદ પાડતો મેસેજ કર્યો. મેં તરત જ hi કર્યું. અને જલ્દી રીપ્લાય ન આપવા બદલ sorry કહ્યું.

ત્યાંથી અમારી ચેટ ચાલુ થઈ.એ રાતે સવારના ચાર વાગ્યા સુધી અમે વાતો કરી હતી. એક સાવ અજાણ્યા યુવક સાથે આટલી બધી વાતો કોઈ છોકરી કઈ રીતે કરી શકતી હશે ? પણ મેં અને જીગરે છેક ચાર વાગ્યે ચેટ બંધ તો કરી હતી પણ મન તો હજી પ્યાસુ જ હતું.

લીના જીગરના રિપ્લાયની રાહ જોતી રહી. બીજે દિવસે સાંજે કંટાળીને એણે જીગરને કોલ કર્યો. પણ જીગરે એનો કોલ રિસીવ જ ન કર્યો.નારાજ થયેલી લીનાએ પેટ ભરીને એને ગાળો દીધી. 'નહિ જોયો હોય મોટો..અરે જા ને તારી જેવા તો સત્તર જણા મારી ફ્રેન્ડશીપ માટે તલસે છે.તું કંઈ નવી નવાઈનો નથી.તારી જેવા બાપાના પૈસે લીલા લહેર કરતા ફતંગદેવાળીયા મને દીઠાય ગમતા નથી.રૂપાળી છોકરીઓ જોઈને અડધી રાતે ઘરનું પેટ્રોલ બાળીને મુકવા જાય એ બાપને ભૂખ ભેગો જ કરે ને ! પાછો લટુડાપટુંડા કેવો કરતો હતો ? મને બહુ મજા આવી.આજે નવી ત્રણ ફ્રેન્ડ મળી. અલ્યા જા ને ભાઈ, હું તો ત્યારે જ તને ઓળખી ગયેલી. તારી જેવા પર તો હું થુંકુ પણ નહીં સમજ્યો !'' લીનાના સીનામાં જબરી લ્હાય ઉઠી હતી.


"બસ બસ હવે બસ કર મારી મા. દ્રાક્ષ મોમાં ન આવી એટલે ખાટી થઈ ગઈ એ મને ખબર છે.હવે ખમૈયા કર..!'' મેં લીનાને માંડ ચૂપ કરાવી.


એ પછી અમે મળવા લાગ્યાં. ટેમુ, એ દિવસો મારી જિંદગીના સોનેરી દિવસો હતા.જીગરે જ સામેથી મને પ્રપોઝ કર્યું હતું.એણે મને કહ્યું હતું કે મેં તને તે દિવસે જોઈ અને પહેલી જ નજરમાં તું મારા દિલમાં વસી ગઈ હતી.મારી અનેક ફ્રેંન્ડ્સ હોવા છતાં કોઈની પણ પ્રત્યે મને આવી લાગણી થઈ નહોતી.હું એટલે જ તમને મુકવા આવ્યો હતો.

જીગર મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. અને હું પણ પુરેપુરી એના રંગમાં રંગાઈ ચુકી હતી.લીનાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ ખૂબ ખુશ થઈ હતી, "ચાલો રસ્તાનો માલ સસ્તામાં આવી તો ગયો ! સાલું જવા દેવા જેવી ચીજ નહોતી એટલે જ હું ચોંટી હતી પણ એને મારામાં રસ નહિ પડ્યો અને આ નિનાડીમાં એવું તે શું ભાળી ગયો હશે ? સાલો સાવ મુરખો નિકળ્યો. હંસલી મૂકીને બગલીમાં મોહયો !" કહી એ ખડખડાટ હસી પડી હતી."

નીના આટલી વાત કરીને ચૂપ થઈ ગઈ.એની આંખોમાં એકાએક આંસુ આવી ગયા.ટેમુ અને રમું પણ અવાચક થઈ ગયા.

"પછી શું થયું ?" ટેમુએ આતુરતાથી પૂછ્યું.

"ટેમુ, અમારા પ્રેમને કોણ જાણે કોઈની નજર લાગી ગઈ.જીગરનો અકસ્માત થયો અને એ કોમામાં જતો રહ્યોં. મારા પર આભ તૂટી પડ્યું.જીગરના પપ્પાએ એની સારવારમાં કોઈ જ ખામી નહોતી રહેવા દીધી.ઘરમાં જ આઇસીયું બનાવીને નર્સ અને ડોકટરની સતત સારવાર ચાલુ રાખી. પણ ભાગ્ય આગળ કોનું ચાલ્યું છે ? મેં બે વરસ રાહ જોઈ.રોજ હું એને ઘેર જતી હતી.કલાકો એનો હાથ મારા હાથમાં લઈ બેસી રહેતી.એ આશાએ કે હમણે એના હાથમાં સંવેદન આવશે,એ મારો હાથ દબાવશે.પણ મારી તમામ આશાઓ ઠગારી નીવડી. આ વાત મેં ઘેર ક્યારેય કરી નહોતી. તારી દુકાને હું કાયમ આવતી.તારા અવનવા મેસેજ વાંચીને મારા ચહેરા પર સ્મિત આવી જતું.પણ મારા જીગરની જીવતી લાશ જેવી સ્થિતિ જોઈ હું રડી પડતી.

આખરે જીગરના પિતાજીએ મને સમજાવી. હું જીવનભર જીગરની રાહ જોવા તૈયાર હતી,પણ જીગરના મમ્મી પપ્પાને એ મંજુર નહોતું.એ કહેતા કે 'અમે દીકરાનું જીવન બચાવી શક્યા નથી પણ દીકરીનું જીવન તો બચાવી શકીએ છીએ.તું અમારી દીકરી જ છો.અને તારી જિંદગી બરબાદ નહિ થવા દઈએ.'

"ટેમુ, આ વિરલ જીગરનો જ એક ફ્રેન્ડ છે.અને જીગરના જ પરિવારમાંથી છે. જીગરના પપ્પાએ જ એ લોકોને સમજાવીને મારા ઘેર મોકલ્યા હતા.અને એમની ભલામણથી જ મારૂ વેવિશાળ એની સાથે થયું છે.પણ વિધાતાના ખેલ તો જો..એકવાર દુઃખ આપીને ફરી સુખ આપતા એને ક્યાં વાર લાગે છે ? વિરલનું કેરેકટર મારી સામે આવ્યું, મેં એની સાથે સબંધ તોડવાનો નિર્ણય લીધો ને બીજે જ દિવસે જીગર કોમામાંથી બહાર આવ્યો. હવે તું જ કહે હું કયો રસ્તો લઉં ? ટેમુ તું મારો દોસ્ત છો, મારા માટે ગમે તે કરી શકે એવો છો.મારા મમ્મી પપ્પાને હું મારા આ પ્રેમની વાત કરું એ પહેલાં જ જીગર કોમામાં જતો રહ્યો હતો.પછી એ વાત કરવાનો કોઈ અર્થ મને લાગ્યો નહોતો.બીજી વાત એ કહું કે જો જીગરની હાલત સુધરી ન હોત તો પણ હું તારી સાથે મેરેજ કરવાની નહોતી.ભલે તારી સાથે ભાગી છું પણ મને એટલો વિશ્વાસ છે કે તું મારી મરજી વિરુદ્ધ કશું જ પગલું નહિ ભરે ! મને જીગરની કંપનીમાં જ નોકરી મળી જવાની છે, હું હવે આખી જિંદગી જીગરની રાહ જોવાની હતી.કારણ કે વિરલના અનુભવ પછી હું કોઈની પર વિશ્વાસ કરી શકું તેમ નહોતી.તું ખોટું ન લગાડતો પણ તારા માટે મારા દિલમાં પ્રેમ નથી,હું તને મારો એક સાચો મિત્ર જ સમજુ છું.અને મિત્ર તરીકે હું તને પારાવાર પ્રેમ પણ કરું છું.આ મારી કહાની છે દોસ્ત,તારે હવે આવતી કાલે મને અમદાવાદ મારા જીગર પાસે મૂકી જવાની છે.મારા પપ્પાને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એમનો ગુસ્સો પણ ઉતરી જશે.'' કહી નીનાએ ટેમુ અને રમું સામે જોયું.


"નીના, મને તો પહેલેથી જ ખબર હતી કે તું કંઈક બીજી જ ગડમથલમાં છો ! જેનો અંત સારો એનું બધું જ સારું ! ચાલો આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું.નીના તને તારા જીગર પાસે મુકવા અમે બેઉ દોસ્તો આવીશું.અમને પણ એક નવો જીગરજાન દોસ્ત મળશે. હવે તું નીચે જઈને માસી પાસે સુઈ જા, તારી પથારી ત્યાં કરી હશે." કહી ટેમુએ નીનાને પાણીની બોટલ આપી.

નીના પાણી પીને મીઠું સ્મિત ફરકાવતી નીચે જતી રહી.

"અજબ પ્રેમની ગજબ કહાની..ટેમુડા તું પણ સાલા જબરી આઈટમ છો..!'' કહીને રમું પણ હસી પડ્યો.



*

ગોડાઉનનું શટર ઊંચું થઈ શકે એટલી તાકાત હુકમચંદમાં રહી નહોતી.હુકમચંદે વાંકા વળીને શટર ઉચકવાનો પ્રયત્ન કર્યો એ સાથે જ કોઈએ બહારથી શટર ઊંચક્યું હતું. બહારનો પ્રકાશ આંખોમાં આવતા જ એની આંખો મીંચાઈ ગઈ.બહાર ઉભેલા બે માણસો પર માંડ માંડ હુકમચંદની નજર ટકી શકી.બીજી જ ક્ષણે એ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

એ બે વ્યક્તિઓ હતા રવિ અને એનો ખાસ મિત્ર સંજય ! રણછોડનો દીકરો રવિ વીજળીને બેસુમાર પ્રેમ કરતો હતો.એક વખત વીજળીને એ ગુમાવી ચુક્યો હતો. બંનેને એકબીજાના બાપની દુશ્મની ક્યારેય ભેગા થવા નહિ દે એ ખ્યાલ આવી ગયો હોવાથી બંનેએ નાસી જવાનું નક્કી કર્યું હતું.પણ રણછોડે રવિને ઓરડામાં પુરીને બહારથી તાળું મારી દીધું હતું.એટલે એ ભાગી શક્યો નહોતો.એકલી જ રાતની ટ્રેનમાં એને શોધતી વીજળીને બાબા અને ટેમુએ બચાવી હતી એ આપણે જાણીએ છીએ.

હુકમચંદનું અપહરણ થયા પછી વીજળીની જે દશા થઈ હતી એ રવિથી જોવાતી ન હતી.ગમે તે ભોગે એ હુકમચંદને છોડાવીને વીજળીનો વિશ્વાસ અને પ્રેમ પુન: પ્રાપ્ત કરવા માંગતો હતો.


રવિ અને એના ખાસ મિત્ર સંજય કે જે સવજીનો દીકરો હતો એ વીજળીને અને હુકમચંદને સારી રીતે ઓળખતો હતો. સંજયને કારણે જ રવિ અને વીજળીનો મેળાપ થયો હતો. રણછોડ ખાસ બહાર જતો નહોતો પણ પશવો થોડા દિવસોથી વારંવાર રણછોડના ઘેર આવતો હતો. એટલે બંનેએ પશવાનો પીછો કર્યો હતો.એ ક્યાં જાય છે અને શું કરે છે એ ધ્યાન રાખ્યું હતું.પશવાને પોલીસે ઊંચક્યો એટલે બંને પોલીસ સ્ટેશન ગયા હતા.પશવાના ફોનની કોલ ડિટેલમાં ખુમાનસંગ અને રણછોડની લિંક હોવાનું ખુલ્યું હતું.એ જ વખતે ખુમાનસંગનો ફોન આવતા પોલીસે ખુમાનસંગનો પીછો કરાવ્યો હતો.

જોરાવર અને નાથુની પાછળ જ રવિ અને સંજય આવ્યા હતા. બાવળની ઝાડીમાં મચેલું દંગલ બંને એ છુપાઈને જોયુ હતું.

જોરાવર અને નાથુને ઘાયલ કરીને ભાગેલો ખુમાનસંગ ખુબજ ગભરાયો હતો.એના મગજ પર હવે હુકમચંદનો નિકાલ લાવી દેવાનું ઝનૂન સવાર થયું હતું.જો હુકમચંદે સમયસૂચકતા વાપરી ન હોત તો ખુમાનસંગના એ ગોડાઉનમાં લોખંડની એંગલ પર એની લાશ લટકતી હોત.પણ કાળ હુકમચંદને બદલે ખુમાનસંગને ઉઠાવી ગયો હતો.

ખુમાનસંગની પાછળ આવેલા રવિ અને સંજયે શટર ઊંચું કરતા જ બેભાન અવસ્થામાં હુકમચંદ મળી આવ્યો હતો.

બંનેએ તરત હુકમચંદને ઉઠાવીને જીપમાં નાંખ્યો હતો.અને જીપ સડસડાટ અમદાવાદ તરફ હાંકી મૂકી હતી.રવિ અને સંજયે એક યોજના બનાવી હતી.

રવિ ઇચ્છતો હતો કે ગમે તેમ કરીને હુકમચંદ અને એના પિતા વચ્ચેની દુશ્મની ખતમ થઈ જાય.એ માટે બંનેને સમજાવવા પડે એમ હતા. જો વીજળી હુકમચંદને સમજાવે તો વાત બની શકે એમ હતી.પણ જે રીતે ખુમાનસંગે હુકમચંદને રિબાવ્યો હતો એ જોતાં એ વેર લીધા વગર રહે નહિ.


રવિએ વીજળીને તાત્કાલિક અમદાવાદ આવી જવા કોલ કરી દીધો.હુકમચંદ મળી આવેલો છે એ વાત તદ્દન ગુપ્ત રાખવામાં આવી હતી.આ માટે રવીએ વીજળીને એમ સમજાવ્યું હતું કે હુકમચંદના જીવને હજી જોખમ હોવાથી કોઈને કહેવું નહિ !

વીજળી એ વાત સમજી હતી.એની મમ્મીને લઈને એ અમદાવાદ જવા બરવાળાના બસસ્ટેન્ડમાંથી બસમાં બેઠી હતી.

(ક્રમશ :)