Padmarjun - 38 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૩૮)

“નહીં, હું આમ બેસી ન શકું.મારે કંઇક તો કરવું જ પડશે.”થોડીવાર સુધી વિચાર્યા બાદ વિદ્યુતે નક્કી કર્યું કે,


“અત્યારે રાત્રીનો સમય છે. જો હું અત્યારે વેશ પલ્ટો કરીને નીકળી જઇશ તો કોઈને પણ ખબર નહીં પડે અને આવતી કાલે પ્રાતઃકાળ સુધીમાં તો હું મલંગ પહોંચી પણ જઈશ અને એકવાર જો હું મલંગ પહોંચી ગયો પછી જય કઇ જ નહીં કરી શકે.”વિદ્યુતે કહ્યું અને ફટાફટ વેશપલટો કરી મલંગ જવા માટે નીકળી ગયો.


“તમે બધા શું કરી રહ્યા હતા?”સારંગ દ્વારપાળો પર ચિલ્લાયો.


“મિત્ર,શાંત થઇ જા. અત્યારે ગુસ્સો કરવાનો સમય નથી.”ભાનુએ કહ્યું.


“એકાંત.”સારંગે કહ્યું. તેથી બધા સૈનિકો ત્યાંથી ચાલ્યાં ગયાં.

“મિત્ર, તું ચિંતિત ન થા.”


“ભાનુ,હું શા માટે ચિંતા ન કરું?તું મલંગરાજને નથી ઓળખતો.હું તેનો ભરોસો કરી શકું નહીં.એ વિદ્યુતને ગમે ત્યારે નુકશાન પહોંચાડી શકે છે.”


“મિત્ર, આજ્ઞા આપ.”


“મલંગ જવાની તૈયારી કર.આપણે આજે સુર્યાસ્ત સુધીમાં જ મલંગ જવા માટે નીકળી જઈશું.”સારંગે કહ્યું.


“ઠીક છે.”ભાનુનાં ગયા બાદ સારંગ પદમાનાં કક્ષમાં ગયો.પદમાને પણ દાસીઓ દ્વારા જે કંઇ થયું એની જાણકારી મળી જ ગઇ હતી.


“પદમા,હું મલંગ જઇ રહ્યો છું. બે દિવસમાં જ પાછો આવી જઈશ.”


સારંગની વાત સાંભળીને પદમા ખુશ થઇ ગઇ પણ તેણે પોતાના ચહેરા પર દેખાવા દીધું નહીં.


“આશા રાખું છું કે તું રાજમહેલમાં જ રહીશ અને પોતાનું ધ્યાન રાખીશ.”સારંગે કહ્યું.


“સારંગ, મારો દરરોજ સવારે મંદિરે જવાનો નિયમ છે.”


“ઠીક છે, તું મંદિરે જઇ શકે છે અને મને વિશ્વાસ છે કે તું મારો ભરોસો નહીં તોડે અન્યથા શાશ્વત મલંગથી પરત નહીં આવે.”સારંગે ધમકી આપીને કહ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો.
“ભાનુ,કાલે સવારે પદમા મંદિરે જવાની છે. માટે તેનાં રક્ષણની વ્યવસ્થા કર અને સ્મરણ રહે, પદમા એ ખીણથી દુર રહે.”સારંગે સભાખંડમાં જઇને ભાનુને કહ્યું.રાજમહેલમાં અને ખાસ કરીને પદમાનાં કક્ષની બહાર પહેરો ચકાસીને સારંગ અને ભાનું પણ સૈનિકોની એક નાની ટુકડી લઇને મલંગ તરફ રવાના થયા.



બીજે દિવસે પ્રાતઃકાળે પદમા દાસીઓ અને સૈનિકો સાથે મંદિરે ગઈ.


સારંગગઢમાં આવેલ માતાજીનું મંદિર રાજ્યની શોભામાં વધારો કરતું હતું. એ મંદિરની ફરતે ભાત-ભાતનાં વૃક્ષો હતાં. તેની એક તરફ સારંગગઢ હતું અને બીજી તરફ હતી એક ભયાનક ખીણ. સારંગગઢમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ એ ખીણ તરફ જવાનો પ્રયાસ પણ ન કરતું. કારણકે કે એ ખીણમાં સહસ્ત્ર જેટલાં માનવભક્ષી મગરમચ્છ હતાં.એ ખીણ ઉંડી હતી અને તેની ફરતે થોડી ઘણી ઉંચી ટેકરીઓ હતી જેથી એ ખીણમાનાં મગરો બહાર ન નીકળી શકતાં.
પદમા મંદિરમાં પ્રવેશી. તેણે પોતાની આંખો બંધ કરી અને પ્રાર્થના કરી,


“હે દેવીમાં, શાશ્વત નું અને અમારા પરિવારોનું રક્ષણ કરો.મને આ સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઇક માર્ગ દેખાડો.”


“બેટી, આ માતાને ચઢાવેલ કંકુ છે. રાજમહેલે લેતી જા.”મંદિરનાં પુજારીએ કંકુભરેલી થાળી આપીને કહ્યું.


“જી.”પદમાએ કહ્યું અને થાળી લઇને મંદિરની બહાર નીકળી. તે થોડું ચાલી હશે કે તેનો પગ લપસતાં તે પડતાં-પડતાં મુશ્કેલીથી બચી.


“પદમા સંભાળીને ચાલજે, આગળ ખીણ છે.”સૈનિકે કહ્યું.
સૈનિકની વાત સાંભળીને પદમાએ વિચાર્યું,


“અત્યારે સારંગ અહીં નથી,માટે હું અહીંથી ભાગવાનો પ્રયાસ કરી શકું છું. જો હું સફળ રહી તો સારંગ મારી ગેરહાજરીનાં લીધે અને મને ખોઇ બેસવાના ડરનાં કારણે શાશ્વતને કે મારાં પરિવારને નુકશાન નહીં પહોંચાડી શકે.”



પોતાના વિચારને અમલમાં મુકવા માટે પદમાએ પોતાની બાજુમાં ઉભેલ સૈનિકનાં હાથમાંથી તલવાર છીનવી લીધી અને પોતાનાં ગળા પાસે રાખીને કહ્યું,



“મને અહીંથી જાવ દો અન્યથા….”એટલું કહી પદમાએ તલવાર પોતાના ગળાની થોડીક વધારે પાસે લીધી.


“પદમા,જીદ ન કર.જો તું અહીંથી ભાગવામાં સફળ રહી તો પણ મહારાજ સારંગ તને ગમે ત્યાંથી શોધી જ લેશે.”



પદમા ખીણની એકદમ નજીક ઉભી હતી. તે હજુ તો કંઇક બોલે એ પહેલાં જ ત્યાંની ભીની માટીમાં તેનો પગ લપસ્યો અને તે સહસ્ત્ર મગરોથી ભરેલી એ ભયાનક ખીણમાં પડી ગઈ.


શું પદમા મગરોથી બચી શકશે?

સારંગને આ વાતની જાણ થયાં બાદ તે શું કરશે?